
બે ચાર દિવસ પેહલા દિમાગ ઉપર જબરજસ્ત `લોડ` નાખવામાં આવી રહ્યો હતો , એક મહાન વિદ્વાન મળી ગયા અને એમણે ત્રણેક કલાકથી વધારે વેદો, ઉપનિષદો અને બીજા બધા સાહિત્યનો મને `લોડ` આપ્યો..
બાપ રે બાપ સુ બોલે બોલે..નોન સ્ટોપ..મને એમ થયું કે આ સતત બોલવામાં તો મારાથી પણ આગળ છે..ખરેખર નેક્સ્ટ લેવલ છે..જ્ઞાન નો ખજાનો, એમાં તો આપણે કોઈ સરખામણી ને લાયક જ નહિ, પણ બધું જ વેરવિખેર, ખબર બધી જ તો પણ અજ્ઞાની ,અંદરની જુગુપ્સાવૃત્તિ ને જાળવી રાખી હતી અને દરેક વાત ,વ્યક્તિ કે પરિસ્થિતિમાં નાક ખોસીને તેનું ભરપુર એનાલીસીસ કરી મુકે અને એમના દિમાગનું પ્રોસેસર એટલું ફાસ્ટ ફરે કે આપણે એક વિષયને સમજી લઈએ એ પેહલા તો એમના પાવર પોઈન્ટ ની બે સ્લાઈડ બદલાઈ ગઈ હોય , લગભગ ત્રણ કલાક એમના જ્ઞાનના દરિયામાં ગોથા જ ખાધા ,ક્યારેક નાકમાં પાણી ચડ્યું તો ક્યારેક આંખમાં અને છેવટે આખા શરીરે ખંજવાળ ચડી અને છેલ્લે તો એમ થાય કે હે ભગવાન છોડાવ ,અને તનેય શું સ્વાદ હતો કે ભગવદ ગીતા તે કહી ને સંજયે સાંભળી અને મહર્ષિ એ ગણપતિ પાસે લખાવી ..!!
મારા જેવા પ્રેક્ટીકલ જિંદગી જીવતા લોકો ને વધુ પડતું “જ્ઞાન” આવે તો કામધંધા મૂકીને નવરો થઈને બેસી જાય સંસાર રખડી પડે ..!
બધા દુઃખના કારણ મળી જાય અને પછી છૂટી પડવાની વૃત્તિ જન્મે એટલે આવા મહાજ્ઞાની મળે ત્યારે એમ જ કેહવું પડે બસ કર પગલે રુલાયેગા ક્યા ..?
અતિજ્ઞાનનો ભાર હતો પાર્ટી ઉપર , અને એ ભાર પાછો જાત્તે જ ઉપાડી લીધેલો , સંસારનો જીવિત એક પણ મનુષ્ય એમને માટે સારો નોહતો ,દરેકમાં ક્યાંક ને ક્યાંક ત્રુટી હતી, ખામી હતી…!
આપણા બાપદાદાઓ એટલી નવરી બજાર હતા કે લગભગ માનવજીવનને સ્પર્શતા એકેય મુદ્દા ઉપર અભ્યાસ કર્યા વિનાના મુક્યા નથી જે પરિસ્થિતિ ઉભી ના થઇ હોય એને પણ કાલ્પનિક રીતે ઉભી કરે અને પછી એના ઉકેલ આપી ને બેઠા છે ..!
અને તો પણ આપણે હંમેશા અટવાયેલા ને અટવાયેલા ..!
એ ભયંકર લોડ લેતી વખતની એક વાત યાદ આવે છે મન ,બુદ્ધિ ,ચિત્ત ,વૃત્તિ ક્યાંકથી વચ્ચે આવી ગયા હતા ..અને ત્યાંથી ડાયરેક્ટ ભગવાન આદિ શંકરાચાર્યજી ..
મનો બુદ્ધિહંકાર ચિત્તાની નાહમ, ન ચ શ્રોત જિહવે, ન ચ ધ્રાણ નેત્રે
ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ: ચિદાનંદ રૂપ: શિવોહમ શિવોહમ
મને પૂછે શિવોહમ કે અહંબ્રહ્માસ્મિ કેહવાનો આપણો અધિકાર કેટલો ..?
બોલો શું હાલત થાય મારી ..? લોકોના આ સવાલના જવાબમાં જન્મારા નીકળ્યા અને તો પણ એમ કહે કે બાકી રહ્યું હો વધુ આવતા જન્મે..!
તમને એમ થશે કે આટલો જ જો લોડ પડતો હતો તો ટૂંકાવીને ઉભો કેમ ના થઇ ગયો ભાઈ ?
પણ ખબર નહિ કે કેમ..? એ વડીલ ત્રણ કલાક સતત બોલતા રહ્યા એમને કદાચ એમ લાગતું હતું કે આજે શૈશવ હાથ લાગ્યો છે તો એને બસ બધું આપી જ દઉં અને એમની એ બધું આપી દેવાની ઈચ્છા મને ફિલ થઇ રહી હતી , એક એક વિષયની ડેપ્થમાં જઈને જયારે એ બોલતા હતા ત્યારે એમના મુખમંડલ ઉપર એક અનેરી આભા તરી આવતી હતી એમની આંખો બંધ થઇ જતી અને અસ્ખલિત વાણી ચાલુ રેહતી હું ક્યાંક એમના બોલાયેલા શબ્દ થી આગળ ઊંડો જતો રેહતો હતો ,હું ઝીણી આંખ કરીને એમના ચેહરા ને વાંચવાની કોશિશ કરતો હતો અને એ કોશિશ જ મારી અંદર રહેલા ઘૃષ્ટ વ્યક્તિ ને અટકાવી રહી હતી ઉભા થતા.. મને ક્યાંક એકાદો રાગ વિસ્તાર થતો હોય અને ખરેખર કોઈક નેક્સ્ટ લેવલની આભા કમરામાં ફેલાઈ રહી છે એવું મને થઇ જતું હતું એટલે એમની વાત ને ટૂંકાવી અને ઉભા થઇ જતા મારી જાતને હું પરાણે અટકાવીને બેઠો રહ્યો..!
કદાચ એ વિદ્વતાની આભાને માણી મેં સતત ત્રણ કલાક, પણ અંદર રહેલો પ્રેક્ટીકલ જીવડો સતત બીવડાવતો રહ્યો ડરાવતો રહ્યો જો જે હો બહુ અંદર ઊંડોના ઉતરીશ નહિ તો ગયો કામથી ,અને એટલે જ આજે લગભગ કશું જ યાદ નથી રહ્યું એકપણ શબ્દ યાદ નથી ફક્ત એ વડીલ નો આંખ બંધ કરીને બોલતો ચેહરો યાદ છે ..
એ ચેહરો યાદ કરું છું અત્યારે તો એવું લાગે છે કે વિષય ઉપર વાત કરતા કરતા જયારે એમની આંખ બંધ થતી હતી ત્યારે અંતરમનના કોઈક ખૂણે જઈને ક્યાંકથી રેફરન્સ લેતા આવતા હતા અને જયારે બોલતા બોલતા સેહજ અટકતા ત્યારે એમ લાગતું કે અંતરમનથી ઉપરની કોઈક ચેતનામાં પ્રવેશ કરીને પણ થોડાક શબ્દો આવી ગયા હતા..!!
ત્રણ કલાકના લોડ પછી બોટમ લાઈન માંગી મારી પાસે અને મને પણ શું બોટમ લાઈન મળી .. વ્યક્તિ ને પ્રેમ કે નફરત કશું નહિ કરવાનું ,વિચાર ને પ્રેમ કરો ,એકવાર કોઈએક વિચાર ગમશે તો આચાર એ તરફ નો કેળવાશે અને પછી વૃત્તિ પણ તે તરફ જશે ને છેલ્લે પ્રકૃત્તિ ને પણ બદલી શકાશે ..સાવ એવું નથી કે પ્રાણ ને પ્રકૃતિ જોડે જ જાય ક્યારેક કોઈકે જીવનમાં પ્રયત્ન કર્યો હોય તો પ્રકૃતિને બદલી ને સારું જીવન જીવી જવાય છે..!!
અરરર ..ખલ્લાસ બીજા ત્રણ કલાક ક્યારે આવશો એની વાત કરો હવે તો આપણે આ વિષય ઉપર વાત કરવી જ રહી..!!
મેં કીધું દિવાળી પછી હો બાપા .. હવે નહિ..!
નહિ તો હું બુદ્ધ થવા નીકળી પડીશ ને તો મારી ઉઘરાણીઓ ડૂબી જશે અને વાં`હેવાળા હેરાન થઇ જશે..!!
મને મારી જાત ઉપર સખ્ખત દયા આવી પ્રેક્ટીકલ લાઈફ જીવી લેવાના ચક્કરમાં જીવનમાં જયારે જયારે આવા જ્ઞાનના ધોધ મળ્યા છે ત્યારે ત્યારે એમાં નાહી ધોઈ ને કોરાં કટાક બહાર નીકળ્યા છીએ અને એ પણ પેહરેલે કપડે, રખે ને બે ટીપા બધારે શરીર ને અડી ગયા તો અનર્થ થઇ જશે..
નકરો ભૌતિકવાદ .. જોઈએ, જોઈએ ને જોઈએ જ …ની જીદ પકડાઈ ગઈ છે , પુસ્તક અને ચોપડી નો ફર્ક ખબર છે, પણ `ચોપડી` જ રાખવી છે `પુસ્તક` સુધી જવું જ નથી..
નરી પંચાતો કુટી ખાવી છે.. માત્ર કેહવા ખાતર જ વિચાર ને પ્રાધન્ય આપવું છે, બાકી તો વ્યક્તિ, વ્યક્તિ ને વ્યક્તિ ચારેબાજુ..આણે આમ કર્યું અને આણે તેમ કર્યું અને હવે હું પણ..
વિચારને પકડતા ડર લાગે છે રખે ને .. પછી સદવિચાર ..કે ..
નાં .. ઘણી ઉઘરાણી ફસાઈ છે .. છોડ આ બધું ભાદરવો તો ગયો અને નોરતા ઉતર્યા કે દિવાળી છાતીએ .. કામે વળગો ભાઈ ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા