નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ ..!
નશે મેં કૌન નહિ હૈ મુઝે બતાઓ ઝરા…!
હા ભાઈ હા.. હો..
બધાય નશામાં જ જીવે છે..!!
રૂપિયા ,રૂપ , ધર્મ ,સેવા , સત્તા ,ધંધા …કેવા કેવા જાત જાત ના નશામાં લોકો જીવતા હોય છે ..!! કોઈ કારણ વિના દારુ ,ગાંજો ,સિગારેટ ,મસાલા ને બદનામ કરી મુક્યા છે..!!
આ બધું તો ખાલી એક નશા ઉપરથી બીજા નશા ઉપર સ્વીચ ઓવર થવા માટે નું સાધન છે, માણસજાત નશા વગર જીવી શકતી જ નથી અને અત્યાર ના ઘોર કલિયુગમાં તો ખાસ..!!
બહુ વર્ષો પેહલા એક બહુ મોટી કંપનીના જનરલ મેનેજર સાથે દોસ્તી થઇ હતી હું ત્યારે ત્રીસેક વર્ષ નો ને તેઓ પંચાવન વર્ષના, એ જમાનામાં એમની કંપની હજાર કરોડ નો વેપલો ફૂટતી હતી ..!
કોઈક ધંધાકીય ઈશ્યુ ને લીધે મારે સળંગ એમને અઠવાડિયું મળવાનું થયું ,એકવાર તો રાત્રે સાડા આઠ વાગ્યે મેં એમને ફોન કર્યો ને એમના ઘેર મળવા ગયો.. લગભગ દસ વાગ્યે એમના બંગલાના ઝાંપા સુધી મને મુકવા આવ્યા અને બોલ્યા ..શૈશવ તું નશેડી
થઇ ગયો છે.. !! મારી આંખો પોહળી થઇ ગઈ આટલો મોટો આરોપ આવ્યો એટલે..!
મેં કીધું ..શું સાહેબ ,તમે પણ..! નથી દારુ પીધો, નથી સિગરેટ, ચરસ-ગાંજો તો બહુ દૂર છે પેપ્સી ને કોક પણ બંધ કરી દીધી છે.. દૂધ નો નશો બોલે તો કરું છું..!
સાહેબ હસી ને બોલ્યા એન્ટરપ્રીનરશીપ નો નશો છે તને .. તું જે ઈશ્યુ ને લઈને મારી જોડે અઠવાડિયાથી ધક્કા ખાય છે ને અત્યારે રાત્રે દસ વાગ્યે છેક મારા ઘર સુધી આવી ગયો એ બધું તું તારા નશામાં કરે છે ,જાળવી જા દીકરા..!!
એક મસ્ત સટાકો હતો મારા માટે.. આખા ઈશ્યુ ની કેસેટ રીવાઈન્ડ કરી ,હું નશેડી થઇ ગયો હતો.. જમ્પ જોઈતો હતો લાઈફમાં ,દિવસ રાત ના ભાન ભુલાઈ ગયા હતા, ઉઠતા બેસતા જાગતા એક જ વાત મગજમાં ઘુમરાતી હોય , આવ નહિ જોવાનો કે તાવ નહિ જોવાનું ,ખઇ ખપુચી ને મંડી પડવાનું ..!! નોઇડા અને નરોડામાં કે પાલડી ને પૂનામાં ફર્ક જ નહિ સમજવાનો , જે મળ્યું એમાં ચડી ને કામ પતાવવા ભાગવાનું.. ચાલુ ટેક્ષી કે ગાડીમાં જે મળે ખાઈ લેવાનું , સવારના નીકળો તો રાત્રે ઘેર, વચ્ચે એકાદ વાર ઘરવાળા નો ફોન આવે તો “સહન” કરવાનું અને બીજી વાર આવે તો છણકો કરું.. પપ્પા એમ કહે કે લેન્ડ થઈ જાય પછી પોહચી ગયો એટલો ફોન કરજે , તો હું છણકો કરતો એમાં શું છે ? બહુ એવું હોય તો ટીવી જોઈ લેજો ફ્લાઈટ તૂટી પડી હશે તો એમાં પેહલું આવશે.. અને છતાંય પપ્પા ધીરજથી કહે કે સારું પણ કઈ ફ્લાઈટમાં તું ક્યારે છે એટલું તો કમ સે કમ કેહતો રેહજે અમે ટીવી જોઈ લઈશું..!! નશો ...!!! જબરજસ્ત અહંકાર પેદા કરે ..!!! એન્ટરપ્રીનરશીપ ના નશા ની જોડે જોડે બીજો પણ એક ખતરનાક નશો હતો મને કે...“હું કોઈ જ પ્રકાર નો નશો કરતો નથી”..!!! લગભગ દરેક ગુજરાતી ને આ નશો છે..! અમે ભૂખ્યા મરી જઈએ પણ નોન વેજ ના ખાઈએ ના દારુ પીએ.. અમને કોઈ જાત નું વ્યસન નહી અને માટે જ અમે મુઠ્ઠી ઊંચેરા..!! દુનિયા આખીમાં મેં ગુજરાતી ને “હું કોઈ જ પ્રકાર નો નશો નથી કરતો” એ એવા નશામાં ઝૂમતા જોયા છે , બીજા ને જબરજસ્ત તુચ્છકારથી જોવે અને પછી એટલું બધું ગુમાવે કે ના પૂછો ને વાત..!! બસ એક ભયાનક આત્મસંતોષ ,ખોટો આત્મવિશ્વાસ જેને અહંકાર સિવાય બીજું કઈ જ ના કેહવાય..!! “હું કોઈ જ પ્રકાર નો નશો નથી કરતો” આ નશાવાળી પ્રજા ને ધ્યાનથી જોજો ... એમની આજુબાજુવાળા ને ગંદી રીતે પીડા આપતા હશે..!! લાગ આવ્યે સતત નીચું દેખાડ્યા કરતા હશે..!! આમ જોવા જાવ ને તો દારુ ,સિગરેટ , ગાંજો વગેરે વગેરે નો નશો
હાઈથવા માટે કરાય છે , પણ “હું કોઈ જ પ્રકાર નો નશો નથી કરતો” આ નશો બીજા ને
લોફિલ કરાવી ને પોતે
હાઈથઇ થાય..! “હું કોઈ જ પ્રકાર નો નશો નથી કરતો” એવા લોકોમાં સેવા ના ભેખધારી લોકો ને પણ ઓબ્ઝર્વ કરજો .. જબરજસ્ત
હાઈ` થઇ ને ફરતા હોય , સેવા કરી જ નાખું .. અમુક તો સેવા કરતા કરતા રડે .. અરરર આને કેટલું દુઃખ ..!!
અલ્યા પણ તું શું કામ રડે છે ..? દુઃખ એને છે ,તને તો નથી ..સેવા કર ને છાનોમાનો ..!!
દારુ પીધેલો જ લાગે મને તો..જેમ દારુડીયો બહુ “હાઈ” થઇ ગયો હોય તો ઈમોશનલ થઇ જાય ક્યારેક એટલે રડી લ્યે..!!
નશેડી ના લક્ષણ બિલકુલ સરખા…હું ,હું ને હું ..!!!
હાઈ થઇ ને ફરવાનું અને ચારેબાજુ મારા હું ને પોષે એવા જ ભેગા કરવા ના અને રાખવાના..!!
મોટી મોટી ફોજો પાળે અમુક નશેડી તો..!! વાહ ભાઈ વાહ કરવાવાળા ની ..!!
તમારી આજુબાજુમાં નશેડી કેટલા ?
ટીનએજ પછી બજારમાં ફેકાયો પછી મને “હું કોઈ જ પ્રકાર નો નશો નથી કરતો” નો નશો ગજ્જબ હતો , એમ કે ગાંધી થી પોતાની જાત ને જરાક પણ નીચો નોહતો સમજતો..!! એટલા બધા એટલા બધા તુચ્છકારથી લોકો ને જોતો અને જજ કરતો બસ એટલી અક્કલ હતી કે ભસી નોહ્તો મારતો , બાકી જોર દેવાઈ ગયો હોત..!!
અને અત્યારે એટલા નિષ્કર્ષ ઉપર ચોક્કસ આવ્યો છું કે “હું કોઈ જ પ્રકાર નો નશો નથી કરતો” એવા નશેડી કરતા દારુ, સિગારેટ , કે ગંજેરી લાખ ગણો સારો..!!
કરેલા નશા ક્યારેક તો ઉતરે પણ “હું કોઈ જ પ્રકાર નો નશો નથી કરતો” એ નશો તો જીવનભર મીનીટે મીનીટે લોહી પીવે..!!
બીજા બધા નશા ની વાત ફરી ક્યારેક..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)