સાયકોસીસ..
કોને થાય અને કોને ના થાય ?
ડોક્ટર ને પૂછીએ તો કહે ગમ્મે તેને થઇ શકે અને ગમે તેવા ને ના પણ થાય..!!
હવે સાયકોસીસનું ગુજરાતી તો મનોવિકૃતિ આવે,પણ બીજા ઘણા એવા શબ્દો છે કે જે બહુ આ પરિસ્થિતિ ને વર્ણવી જાય..!!
અત્યારની સામાજિક પરિસ્થિતિઓ ના સાપેક્ષમાં જોઈએ તો માનસિક રોગીઓ અને રોગ નું પ્રમાણ ઘણું જ વધી રહ્યું છે..!!
સાયકોસીસ
ના થાય તો પણ સાયકો
તો થઇ જ જવાય છે..!
ગઈકાલે જીમના મિત્રો જોડે ડીનર ગોઠવાયું હતું,
છેલ્લે ૪થી જાન્યુઆરી ૨૦૨૦ ના બધા ભેગા ડિનર લેવા ગયા હતા કે જે લગભગ દર મહીને એકવાર જતા ..!!
પેહલા તો મેં બહુ હા – ના કરી , ના નહિ જ આવું , છેવટે મન ને મનાવ્યું કે ડરી ડરી ને ક્યાં સુધી ? છેવટે હા પાડી …પછી મેં ચાલુ કર્યા સાયકો-વેડા
,
શરત નંબર એક મૂકી ..બંધ રેસ્ટોરન્ટમાં નહિ આવું ખુલ્લામાં આવીશ , નંબર બે ડિસ્પોઝેબલ પ્લેટસ ,ચમચી અને ગ્લાસ આપતા હશે ત્યાં જ આવીશ ,પાણી મિનરલ બોટલ્ડ.. આવા બધા નાટક ચાલુ કર્યા..!!
મને ખબર હતી કે મારું કહ્યું કોઈ સાંઢ સાંભળવાના નથી, એટલે સાયકો નંબર વન ઘરેથી નીકળતા પેહલા દસ બાર ડિસ્પોઝેબલ પ્લેટ ચમચીઓ અને પાણી ના ગ્લાસ જોડે લઇ ને ગયો..!!
જીમ ની નીચે ભેગા થયા ને વરસાદ ચાલુ થયો એટલે ખુલ્લામાં ગાર્ડન રેસ્ટોરન્ટ નો પોઈન્ટ ઉડી ગયો ,
એટલે પછી ડિસ્પોઝેબલવાળી વાત ઉપર અડી ગયો ..
છેવટે એક એવી મોટી રેસ્ટોરન્ટમાં જવા નું નક્કી કર્યું કે જ્યાં પ્લેટસ ધોવાતી તો હોય પણ જોડે જોડે ગરમ પણ થતી હોય અને હોટ પ્લેટ જ સીધી ટેબલ ઉપર આવતી હોય પ્લસ શરત મૂકી કે વ્યવસ્થિત મોટું ટેબલ લેવાનું તો જ હું અંદર આવું..!!
આટલી બધી બાંહેધરી લીધી પછી સાયકો શૈશવ
રેસ્ટોરન્ટમાં ગયા,
ત્યાં પોહચી ને તરત જ મેં મારા “સાયકો વેડા” ચાલુ કર્યા , મેનેજર ને બોલાવ્યો અને ડબલ ચેક કર્યું કે બધી જ ક્રોક્રરી સરખી રીતે આલ્કલીમાં ધોવાય છે ને , ગરમ ગરમ જ મારા ટેબલ ઉપર આવવી જોઈએ ..વગેરે વગેરે ..
જ્યાં સુધી જમવાનું ના આવ્યું ત્યાં સુધી માસ્ક મોઢેથી ના ઉતાર્યું..!! , ઘેર આવી ને સીધો તુલસી ,અજમો , આદુ વગેરે વગેરે નો નાસ લીધો ..!!
સતત ભય ના ઓથાર હેઠળ હું જીવી રહ્યો છું , કોઈકે ઘરમાં કે બાહર સેહજ છીંક ખાધી નથી કે મને કોવીડ દેખાય છે,
રોજ સવારે ઉઠી ને અને રાત્રે સુતા પેહલા શોલે પિક્ચરની જય ભાદુરીની જેમ આખા ઘરના બારી દરવાજા ખોલવાના ને બંધ કરવાનું એ મારું દિવસનું પેહલું કામ અને છેલ્લું કામ ..
ખુલ્લામાં રેહતા લોકો ને વાઈરસ ઝટ નથી લાગતો એવું મારું માનવું છે ..!!
દરેક સેકન્ડે સેકન્ડે મારી ચારેબાજુ પ્રેતાત્મા કરતા ખરાબ રીતે કોવીડ ફરી રહ્યો છે એવો આભાસ થાય છે..અને મને ચોક્કસ ખાતરી છે તમારામાંથી ઘણા બધા મારા જેવા હશે..!!
આખી રેસ્ટોરન્ટમાં એકલા જુવાનીયા જ હતા, મને મેનેજર જોડે લમણા લેતો જોઈ ને આજુબાજુ ના ટેબલ ઉપર બેઠેલા બધાના ભંવા જબરજસ્ત ખેંચાઈ ગયા હતા, ચાર પાંચ જણા આજુબાજુના ટેબલ ઉપર બેઠેલા મુછમાં હસ્યા પણ ખરા કે ખરો લમણા લ્યે છે..!!
મારી કચકચ મેનેજર જોડે થોડી વધારે થઇ એટલે મારા ટેબલ ઉપરથી પણ કોમેન્ટ થઇ..
એ ડોહો ગાંડો થઇ ગયો.. બીજા એ ટાપશી પુરાવી बुढ्ढा लोकडाउन में घर में पड़े पड़े सठिया गया है...! મારી સેહજ નજર ફરી એટલે મારી પ્રજા ત્યાં અટકી ,અને અમને પણ લાગ્યું કે હવે કૈક વધારે થઇ રહ્યું છે એટલે મેં મેનેજર ને જામીન આપ્યા , જો કે પછી તો મેં એમના વારા કાઢ્યા કે કોવીડ ની શરૂઆતમાં એમની બધાની શરૂઆતમાં કેવી હાલત હતી, ડોહા એ ગણી ગણી ને બદલો લીધો , પણ પેહલા હૈયે હામ હતી એ હવે તૂટતી જાય છે..!! થપ્પડ સે ડર નહિ લગતા સાહબ ,૧૫ દિવસ પુરાઈ રેહવાનું આવે ને એનો ડર છે..!!!! ઘણા લોકો એમ કહે કે ટેસ્ટ કરાવી લ્યો ને , પણ એ કેટલા દિવસની શાંતિ ? ચોવીસ કલાક, ફરી પાછા ઘરની બાહર જવાનું તો ખરું જ ને .. તાવડી ના તેર વા
ના પૂરવાના નહિ ?
આરો કે ઓવારો દેખાતો નથી..!!
સેહજ ખુલે છે ને પ્રજા તૂટી પડે છે પણ કોનો વાંક કાઢવો ?
જિંદગી આખી ગાતી ગાતી ફરતી હોય ..પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં આજ મૈ આઝાદ હું પાણી પૂરી ખાને કે ..!!
પછી કેમની ઝાલી ઝલાય ?
ચા ની કીટલી બંધ કરાવી કે કરી એની ચર્ચા ના કરીએ પણ ચા ની કીટલી જેટલી જ “ગુનેગાર” પાણીપૂરી ની લારીઓ છે..!
બીજી બાજુ હોસ્પિટલોના ખાટલા એક કલાક માટે પણ ખાલી નથી રેહતા , એક આવે ને એક જાય છે..!!
હોસ્પિટલના ડોક્ટર્સ પણ હવે એક ના એક માહોલમાં રહી રહી ને થાકી ગયા છે , લગભગ કોઈ ડોક્ટર્સ એ એવી કોઈ રજા લીધી નથી કોવીડ ડ્યુટીવાળા એ..!!
એક મિત્ર નો દીકરો રેસીડેન્ટ છે, ચોખ્ખીના પાડે છે ઘરે આવવાની વિડીઓ કોલ કરી લ્યો લોહીના પીશો અહિયાં હલાય એમ નથી..!!!
એક મિત્રનો ક્વોરન્ટાઈન પીરીયડ હમણા પત્યો, વાઘના નખ દાંત બધું ઉતારી લીધું હોય એવો ઢીલો ઘેંશ જેવો થઇ ગયો છે ગોળીઓ ગળી ગળી ને ..!
જો કે અઠવાડિયું થશે હજી પછી ધીમે ધીમે એ પણ ઢીટ થઇ જશે , છતાય ડર જતો નથી..!
ન્યુ નોર્મલ લખવું અને કેહવું સેહલું છે પણ અપનાવી ને જીવવું બહુ અઘરું છે..!!
આપણે તો ઘણા બજારમાં હરતા ફરતાં થઇ ગયા છે પણ ડોક્ટર્સ અને પેરા મેડીકો સ્ટાફ એ પણ કોવીડ ડ્યુટીમાં છે એ બધા ની હાલત સખખ્ત ખરાબ થતી જાય છે માનસિક રીતે સતત અને સખ્ખત ભય ઉપરથી કામ નું પ્રેશર..!!
અચ્છા અચ્છા નું સાયકોસીસ થઇ જાય એવી પરિસ્થિતિ છે..!!
કયો ડોક્ટર કે પેરા મેડીકો કેટલા અને ક્યાં પોઝીટીવ આવ્યા એની ચર્ચા અસ્થાને છે પણ હવે સખ્ખત જરૂર છે સાયકો થેરાપી ની કોવીડ ના પેશન્ટ ને અને એની સારવાર કરતા સ્ટાફ ને ..!
મોટા રાજનેતા અથવા ધાર્મિક નેતા થકી જ આ કામ થઇ શકે તેમ છે , જેમ કોઈ પરિવારમાં અચાનક બીમારી આવે અને આખું પરિવાર બીમારી ની સામે લડવા લાગી પડે એમ આખો દેશ જોતરાઈ ગયો છે,
પણ જયારે ખબર પડે કે બીમારી હવે લાંબી ચાલે છે એમ એમ બધા એક પછી એક ખસતા જાય અને છેલ્લે તો ખાલી ફોનથી પૂછી લ્યે કેવું છે સારું છે ને ?
બિલકુલ એવું જ કોવીડમાં થયું છે ,શરુ શરુ માં હોંશે હોંશે બધું ફૂડ પેકેટ ને બીજું બધું લઈને નીકળ્યું પણ અત્યારે કોઈ જ દેખાતું નથી..
મેડીકલ સ્ટુડન્ટ ને ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલા ટેસ્ટ તમારે કમ્પલસરી કરવાના..અઢાર ઓગણીસ વર્ષના બાળકો ક્યાંથી લાવે ટેસ્ટ કરવા માણસો ?
ખરેખર જો એગ્રેસીવ ટેસ્ટીંગ કરવા જ છે તો પછી રાજકીય પક્ષો ના કાર્યકતાઓ ને ઉતારો મેદાનમાં , જેમ ચૂંટણી વખતે મતદાન મથક સુધી ખેંચી લાવો છો તેમ લોકો ને પીએચસી સુધી પકડી લાવો ટેસ્ટીંગ માટે ..!
ધાર્મિક સંગઠનો આગળ આવે ક્વોરોનટાઈન થયેલા લોકો ના ઘરે ઘરે જમવા ના અને બીજી જીવન જરૂરીયાતની વસ્તુઓ પોહ્ચાડવા માટે..!!
એકલા ડોક્ટર્સ અને પેરા મેડીકો સ્ટાફ ને ખભે બંધુક મૂકી ને આ જંગ નહિ જીતાય…!!
સમાજના દરેક વર્ગ એ ભાર ઉપાડવો પડશે..!!
વિચારજો તમે શું યોગદાન આપ્યું કોવીડની સામે ના જંગમાં …!
કીટલીએ ચા પીધી કે શાક લેવા જતા પાણીપુરી ખાધી..??
જયારે સમાજના એક મોટા ભાગ નું સાયકોસીસ
એક સાથે થાય છે ત્યારે એ ટોળાનું રૂપ ધારણ કરે છે અને પછી શું થાય એની બધા ને ખબર જ છે..!!
અટકાવો સાયકોસીસ ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)