ગઈકાલે બપોરે સમાચાર આવ્યા કે નૌશેરા સેક્ટર પર ચોવીસ સેકંડમાં ચોવીસ શેલ ઠોકી દીધા છે અને ખાસ્સું એવું નુકસાન કર્યું છે..!
પેહલા તો લાગ્યું કે “અમુક” લોકોના હૈયે હરખની હેલી ચડશે અને મચી પડશે વોટ્સ એપ અને ફેસબુક પર..થયું પણ એવું જ,અને ટીવીવાળા તો “માપ” છોડી જ દેશે એટલે ટીવી તો જોવાનું સદંતર મોકૂફ રાખ્યું..
ધીર વીર અતગંભીર..!
બસ ત્રણ જ શબ્દો બીજું કાઈ ના શોભે..હવે
કરવું પડે તેવું હતું માટે કર્યું..
બીજો કોઈ જ વાણી વિલાસ નહિ..”દુશ્મન” તો દુશ્મન પણ એની પાસેથી પણ કઈ શીખી શકાય, પ્રભુ રામચન્દ્રજીએ અનુજ લક્ષમણને મરતા રાવણ પાસેથી કૈક શીખવા મોકલ્યો હતો..!
કારગીલ ની ટેકરીઓ પર છ છ મહિના એ લોકો “ચોંટી” રહ્યા હતા ત્યારે દુશ્મનોએ કેટલો અવાજ કર્યો હતો ..?
શું આપણે ખાલી “ચણો” છીએ ?
તો પછી કેમ વાગીએ છીએ ? નંગરહાર પર આટલો મોટો બોમ્બ ફેંક્યા પછી પણ “બડબોલા” કેહવાતા ડીજેટી કશું બોલ્યા?
જે કરવાનું છે એ આપણે કરવાનું છે,બીજું કોઈ તો આવવાનું નથી તો પછી ચે ચે ચે કરીને ગામ ગજાવવાની ક્યાં જરૂર છે..?
સવારના છાપા પણ ગાજશે અને એનાલિસિસ પણ થશે,
મોકો કેમ અપાય છે? સામે છેડેથી હમેશા ઇનકાર થાય છે કે આવું કશું થયું જ નથી ..
અરે સારી વાત છે આ તો ભાઈ, આપણે પણ કશું કર્યું જ નથી..બીજા ચાલીસ પચાસ મોર્ટાર-શેલ ઠોકી આવો,આમ પણ વીસ-ત્રીસ વર્ષ જૂની બોફોર્સ તોપો હવે ખખડધજ થઇ ગઈ છે,શસ્ત્રભંડારમાં પડ્યો પડ્યો દારૂગોળો પણ ખરાબ થઇ જશે, હિન્દુસ્તાની રાજકારણી સિવાય દરેકની શેલ્ફ લાઈફ હોય છે એટલે એ તોપગોળા તમે નહિ ફોડો તો અત્યાર સુધીનો અનુભવ એવું કહે છે કે ગમે ત્યારે “કોઈ ને કોઈ” શસ્ત્રભંડારમાં આગ લગાડી જશે અને વગર કારણની દિવાળી ઉજવાઈ જાય છે એના કરતા, સામેવાળો “ના” પાડે છે કે તમે અમને માર્યા જ નથી તો પછી એને રોજે રોજ મારતા જાવ અને કેહતા જાવ કે અમે પણ કશું કર્યું જ નથી..!
કેટલી સ્માર્ટલી દુશ્મન રમત રમે છે,અને આપણે સસ્તી પબ્લીસીટી અને ખોટા “હું” કાર ભણવામાંથી ઊંચા નથી આવતા..!
મેજર સાહેબ એક નહિ એકવીસ સુવ્વરને બાંધો ને જીપડે, અને ઘસડો શ્રીનગરની ગલીએ ગલીએ,પણ ચુપચાપ કરો ને સાહેબ..
સામેવાળો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી અને રડી પડે કે અમને છોડવો આ બધામાંથી અને આપણે એમ કેમ ના કહીએ કે આવું તો અમે કર્યું જ નથી, તમે અમને કેમ કહો છો ?
મારો ક.મા. મુનશી નો “મહામાત્ય મુંજાલ” કે “આચાર્ય ચણક” પાછો ક્યાં પડે છે..?
ભાગ્ય ભરપૂર છે, પણ ધીરજ ના “ધન” ખૂટ્યા એ દિવસે શું વધશે..?
કરેલુ તો ચોક્કસ દેખાશે, અંધારી રાત પછી પ્હો ફાટે એ તો જગ આખું જાણે અને વધાવે,પણ અડધી રાતે હોકારા દેકારા કરી કરીને પરાણે કુકડા બોલાવો અને પછી બોલો કે જો પ્હો ફાટ્યું અને બસ ૨૦૨૨માં તો સવાર થઇ જાશે એ તો બધું નકામું..!
બિલકુલ ઈચ્છા નથી થતી કાલ સવારનું છાપું ખોલીને વાંચવાની..લાહોરની ભાગોળે પોહચીએ ત્યારે હૈયે ટાઢક વળે..!
છેતાલીસ,છપ્પન ,બાવન,અઠ્ઠાવન બધું બાજુ પર મુકીને નિષ્ફળ નાણામંત્રી પાસેથી સંરક્ષણ મંત્રાલય લઈને બીજી પરિકર સાહેબ જેવા યોગ્ય વ્યક્તિને ઝટ અપાય તો સારું..!
કાશ્મીરમાં ચાલી રહેલા કકળાટને કોમી રંગ આપવાની ઘણી કોશિશો થઇ રહી છે, એકાદી “કુતરી” ભસે છે પણ ખરી કે આપણે કાશ્મીરને આઝાદ કરવું જોઈએ..!
રાષ્ટ્રદ્રોહ નો ગુન્હો નથી બનતો..?આ કુતરીનું સ્ટેટમેન્ટ ?કોઈ ફરિયાદ ના કરે સરકાર ફરિયાદી બનીને કાર્યવાહી કેમ નથી કરતી ?
સાલુ વર્ષોથી જે કોઈ પીળા પાસપોર્ટ પર રાજદ્વારી કે નેતા પરદેશથી ભારત આવે છે એની જોડે જાહેરમાં પકડી પકડીને આપણે બોલાવીએ છીએ કે “કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે અને એમાં કોઈએ દખલ કરવની જરૂર નથી” અને ઘરમાં આપડા રોટલે અને ઓટલે નભતુ “પ્રાણી” બકવાસ કરે અને આપણે સાંભળતા રહીએ..?
ક્યાં સુધી ઈતિહાસને રીપીટ કર કર કરવાનો છે?ક્યાંક તો કરવટ બદલવી પડશે ને?
હળાહળ ઓકતા કાળોતરાને છુંદી નાખો, પણ મોઢા બંધ રાખો યાર..!
એ જમાનો ગયો કે ભાટ ચારણ દુહા ગાય અને કસુંબા પાણી થાય પછી બાપુ ને શૂર ચડે અને રણ ખેલાય ત્યારે એક એક પચ્ચીસ પચ્ચીસને મારે,એકલા ધડ લડતા રહે અને માથું ક્યાંક પડ્યું હોય..!
કેટ કેટલા હથિયાર ભાથામાં પડ્યા છે, અને દુનિયાભરના બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટ્યા છતાં આપણે તો ભાવ એ ના એજ રાખ્યા, વત્તા ભ્રષ્ટાચાર કર્યો નથી નોટબંધી કરીને બેંકો છલછલ ભરી મૂકી,ફોરેન રીઝર્વ સાચું બોલતા હોઈએ તો આઝાદી પછી આજ સુધીનું હાઈએસ્ટ છે..
પારીકર સાહેબે ખરીદી ધૂમ કરી છે છેલ્લા ત્રણ વર્ષમાં, તો હવે તો સમય પાક્યો છે..
દેશભરની યુનિવર્સીટીમાંથી હજારો જુવાન જોધ છોકરા ગાયબ થઇ ગયા છે અને એમના માંબાપને ખબર નથી કે ક્યાં ગયા છે અને ખબર છે તો બોલતા નથી,છેક સીરિયા સુધી પોહચી ગયા છે, ગળાડૂબ પાણીમાં મૂકીને પાછલી સરકારો ગઈ છે હવે તો નાકથી ઉપર આવે છે, શું રમત રમો છો કાશ્મીરી “ફઈબા” જોડે ?
હિન્દુસ્તાનની જોડે “સ્વતંત્ર કાશ્મીર” નો ઝંડો હોય એવા ટેબલ ઉપર પણ તમે બેઠા..પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ હતી ત્યારે અમને,પણ હશે આ માણસ “કઈક” તો કરશે..
હવે તો મૂઠ,જંતરમંતર,જાદુ ટોના એવું બધું કરનારા એમને જ્યાં જવાનું હતું ત્યાં જતા રહ્યા, એમને સ્વર્ગે જવું હતું કે નરકે એ તો એ જ જાણે, પણ ગયા
તો એ કઈ કરી નાખશે એવી બીક પણ …
પરફોર્મન્સ માટે જુવો તો પીયુષ ગોયેલ સાહેબનો રીપોર્ટ કાર્ડ ઉજળો અને આગળ આવે છે, આમ પણ નાણામંત્રીશ્રી ને કમ્મરનો દુખાવો ઘણો રહે છે ભાર હળવો કરવો હોય તો થાય ખરો અને મોઢું બંધ રાખીને કામ કરે છે “જણ”..
અકબર અને રાજા માનસિંગના જમાનાની એક તોપ હજી પણ આમેરમાં “પડી” રહી છે વાપરવી હોય તો,સડી નથી હો બિલકુલ..
“જયવાણ” એનું નામ છે એકપણ યુદ્ધમાં હારી નથી જયવાણ અને વપરાઈ પણ નથી..!
સિર્ફ નામ હી કાફી..જયારે જયારે આઠ આઠ હાથી આમેર પરથી જયવાણ ને નીચે લાવતા અને યુદ્ધ મોરચે લઇ જઈને ફાયર કરે એ પેહલા જ સામેવાળુ બધુ “રટ્ટી” થઇ જતુ..!
કોઈ “જયવાણ” ખરી ભાથામાં..?
ગુણ ગાવા હોય ને એના ગવાય કે જેનાથી સામેવાળો “ઝઈડ” જતો હોય..!
અહી તો બધુ વર્ષોથી જે ચાલતુ આવ્યું છે એ જ વાપરવું અને બે ચાર ચકલા મારીને આખું જંગલ જાગતું કરવુ અને આપણે ઊંઘી જવું અને બધાને કેહવુ સ્વર્ણિમ, હીરક,શતાબ્દી,સાર્ધ શતાબ્દી,દસ હજાર વર્ષને,પચાસ હજાર વર્ષ, “ગુરુ” ને વિશ્વગુરુ..
કોંગ્રેસની જેમ નામો બદલવા અને નામો પાડવા..
પાંચસો બારે બારને કેહવાનું મન થાય છે ઈતિહાસ રચવા તમને દિલ્લી મોકલ્યા છે, સંસદ ભવનનો વાસ્તુદોષ દુર કરવા નથી મોકલ્યા..!
(આજે તો આપણે પણ ઠોકીએ ત્યારે, “સમજાય તેને વંદન ના સમજાય તેને અભિનંદન “ )
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા