અમેરિકામાં શું ચાલી રહ્યું છે ?
આપણે બધાએ તો જાનમાં કોઈ જાણે નહિ ને હું વર ની ફુઈ..!!
બધાએ પોતપોતાની રીતે ભડાસ કાઢી લીધી, હવે હું શું કામ રહી જાઉં ?
ખબર જ હતી કે ડો`હા હખણા રે` એમાંના નથી , ગ`ઈ વગાડી ને કેહતા હતા તે કરી બતાડ્યું..!!
હવે બધું મુંઝાણું છે કે હજી તો ઘણા દિવસો બાકી, ડોહા કૈક એકાદી ચાંપ ના દાબી દે..!
આ બધા ની વચ્ચે એક મુદ્દો બહુ મોટો ઉભરી આવ્યો ,
લોકતંત્રો ના દુનિયામાં આયુષ્ય કેટલા બાકી ?
સિરીયલી વાત કરીએ તો પ્રમુખપદના બંને દાવેદાર વચ્ચે કઈ આસમાન જમીન નો ફર્ક નથી મતો ટકાવારીના પ્રમાણમાં , કૈક બાવન ટકા અને અડતાલીસ ટકા જેવું છે કદાચ વધારે ઓછું હોય ખરું, તો પણ ટ્રમ્પ ફરી એકવાર પ્રમુખ થાય એવી ઈચ્છા ધરાવનારા અમેરિકન મતદારો કેટલા બધા થાય…!!!!!..?
અને જે ગઈકાલે થયું છે એ આગળ વધ્યું તો ? પાવર ટ્રાન્સફર સરળતાથી થવો જોઈએ લોકતંત્રમાં અને આટલા વર્ષો થી પશ્ચિમ જગતમાં થઇ રહ્યો છે તો હવે અચાનક કેમ આ ભડકો થયો ?
કારણ શું ?
દુનિયા આખી ને પલીતા ચાંપનારા અને ચોર ને કે` ચોરી કર ને ધણી ને કે` ધાકમાં રેહજે એવું કરવાવાળા ના ઘરમાં આગ કેમ લાગી ?
મને લાગે છે કે દુનિયા નો ઘણો મોટો ભાગ લોકતંત્રોની આડ અસરોથી થાક્યો છે , ઐયાશ અને બીજા ના માલ ને પોતાનો સમજી ને વાપરતી પશ્ચિમ ની પ્રજા છેલ્લા એક દસકા ની સંકડાશથી થાકી છે, ( દુનિયા ના ૬૭ ટકા કુદરતી સંસાધનો પશ્ચિમ વાપરે છે અને તો પણ આપણને ધકાવે છે કે તમે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છો , ઓબામા આપણા ગાય ભેંસ ની વા છૂટ ને જવાબદાર ગણી છે , જાણે એમના ઢોરાં સેન્ટેડ મિથેન વિનાની પાદ ને લાદ કરતા હોય )
બીજું કે પોતાના લોકતંત્ર ને ટકાવી રાખવા પશ્ચિમ લોકતંત્રો ના શાસકો એ હંમેશા સરમુખત્યાર કે સામ્યવાદીઓ ને પાછલે બારણેથી કોઈ ને કોઈ રીતે પોષ્યા છે ,
અત્યારે ભારત નો દાખલો લઈએ તો ખાલિસ્તાની ને કેનેડાવાળા જસ્ટીન પંપાળે અને બીજી બાજુ એ જ રાણી ના જ ફોટાવાળી ચલણી નોટ બનાવતા ઓસ્ટ્રેલિયાવાળા ભારત ને ચીનની સામે સાચવે..!!
રાણીના દિકરાઓ લોકતંત્રો અને સામ્યવાદ કે સરમુખત્યાર બધા ને બિલકુલ સમાંતર ચાલવે છે , બિલાડા બાઝ્યા જ કરવા જોઈએ અને રાણી ના સિક્કા પડતા જ રેહવા જોઈએ..!!
આમ જોવા જાવ તો સામ્યવાદીઓ અને સરમુખત્યાર નો સરવાળો કરો એટલે લોકતંત્રો થાય..!!
દુનિયામાં બંને ની સંખ્યા એકસરખી છે અને બન્ને નું અસ્તિત્વ એકબીજા ઉપર જ નભે છે..!!
રામાયણ નો દાખલો લઈએ ને એમાંથી જો રાવણ ની બાદબાકી કરી નાખીએ તો રામ ને મહાન થવાનો મોકો જ ના મળતે..!!
બિલકુલ એવી વાત છે, પાકિસ્તાન નામનું કચરીસ્તાન છે તો એ લોકો ભારત ના લોકતંત્ર ને સારી રીતે ચાલવા દઈ રહ્યા છે..!!
અહિયાં ખોટી ખોટી આઝાદી અને સ્વતંત્રતા ની બડાશો ના મારવી, એના ઉપર બડાશ મારતો એક આખો બ્લોગ લખી ચુક્યો છુ ,પણ પોખરણ વાળું પિક્ચર જોઈ લેવાનું કે અમેરિકન સેટલાઈટ થી બચવા માટે કેટલા કારસા કરવા પડ્યા હતા..!!
હવે આગળ ..
ગઈસાલ પછી થોડાક નવા સવાલ આવ્યા દુનિયા ની સામે…
કોવીડ ખરેખર કુદરતી છે કે માનવ સર્જિત ? અત્યારે દુનિયામાં ચાલી શું રહ્યું છે ?આગળ થશે શું ?
ટૂંકી દ્રષ્ટિ અને છોટા દિમાગથી મૂલવવાની કોશિશ કરું છું..!
સાલ ૨૦૨૦ પેહલા નો પ્રાણ પ્રશ્ન આખી દુનિયાનો ક્રુડ ઓઈલ ઉર્ફે ફોસિલ ફ્યુઅલ હતો અને એના માટે દરેક મહાસત્તા ક્રુડ ઓઈલ ઉર્ફે કાળું સોનું એના માટે યુધ્ધે ચડેલી હતી છેક ૨૦૨૦ ની શરૂઆત સુધી , એક પણ દેશ એવો નોહ્તો કે જે ક્રુડ ઓઈલ નું ઉત્પાદન કરતો હોય એ પશ્ચિમ ની શેહમાં ના આવ્યો હોય..!
ચીન દેશ જેવા દેશે ક્રુડ ઓઈલ નું મહત્વ સમજી ને છેક ગ્વાદરથી વાયા કાશ્મીર અને તિબેટ આખી ક્રુડ ઓઈલની પાઈપ લાઈન નાખી પોતાને ઘેર ક્રુડ ગંગા નું અવતરણ નો ભગીરથ પ્રોજક્ટ કર્યો..!!
આપણે પણ ઘણા ખેલ કર્યા , ક્રુડ ઓઈલના મોટા સ્ટોરેજ માટે અને દસ ટકા ઇથેનોલ ભેળવ્યા, સીએનજી ની ગાડીઓ કરી અરે ત્યાં સુધી કે સુષ્મા સ્વરાજજી ના દેહાંત પછી વિદેશમંત્રી ની પસંદગીમાં ક્રુડ ઓઈલ ઈકોનોમી ને ધ્યાનમાં રાખી ને એવા વિદેશમંત્રી સિલેક્ટ કર્યા કે જેની મધ્ય પૂર્વ અને ખાડી ના દેશો ઉપર પક્કડ હોય..!!
ટૂંકી દ્રષ્ટિ અને છોટા દિમાગ ..!
એક વાત નક્કી થઇ ચુકી હતી એકવીસમી સદી ને આવતા આવતા કે જેની પાસે ક્રુડ ઓઈલ નો ભંડાર હશે તે આવતા બસ્સો વર્ષ દુનિયા ઉપર રાજ કરશે..!!
પશ્ચિમ ના રાણીમાં ના દિકરાઓ ને પોતાની ઉપર કોઈ રાજ કરી જાય એને હરગીઝ મંજુર ના રાખે ..!
અઢારમી અને ઓગણીસમી સદીમાં જગત ઉપર રાજ કરવા માટે પશ્ચિમ નું સૌથી મોટું હથિયાર હતું તો એ છે `સંશોધન`..!!
દરેક જગ્યાએ સંશોધન કરી કરી કુદરત ની સામે પડી અને માણસજાતના જીવન ને `ઈઝ` પૂરી પાડી ને પોતાનું રાજ કાયમ રાખ્યું..!!
પણ એક કમબખ્તી થઇ , ક્રુડ ઓઈલ ઉપરની ડીપેન્ડન્સી દિવસે નહિ એટલી રાત્રે વધતી ગઈ..!!
મધ્ય-પૂર્વ અને ખાડી ના દેશો પશ્ચિમના સકંજામાંથી છૂટવા લાગ્યા અને છેવટે એમના જ દૂધ પાઈ ને ઉછરેલા સાપો એમની સામે આવી ને ઉભા ..!!
૯/૧૧ એ પશ્ચિમ ઉપર થયેલો બહુ મોટો કુઠારાઘાત હતો, પથ્થર નીચે આંગળી હતી પશ્ચિમની, ક્રુડ વિના જીવવું અશક્ય હતું ,આંખ આડા કાન કરવા જ રહ્યા ..!!
સંશોધન એક જ હથિયાર..!!
એનર્જી નો બીજો સોર્સ શોધો, તડામાર સંશોધનો ચાલ્યા ..
એક જ આશાનું કિરણ હતું ઇલેક્ટ્રિક વેહિકલ અને ક્રુડ કોલસા ગેસ વિનાની વીજળી પેદા કરો..!!
સોલાર એક ઓપ્શન પણ અધૂરું અપૂરતું ..!!
વીજળી પેદા ના કરી શકીએ તો બચાવી જાણો .. એલઇડી લાઈટ એ ઘણી મદદ કરી, દરેક ઇલેક્ટ્રિક ઇકવીપમેન્ટ ના પાવર ક્ન્ઝપશન ઘટતો ગયો,એફીશીયન્સી વધારો..!!
થયું , કામ ઘણું થયું પણ પુરતું નોહતું..!!
પરમાણુ ઉર્જા એક ઓપ્શન છે પણ સો ટકા એફિશિયન્ટ ઇલેક્ટ્રિક વેહિકલ અને ઇલેક્ટ્રિકસીટી નું સ્ટોરેજ શક્ય બનતું નથી , ઇલેક્ટ્રિકસીટી તાજી બને છે ને તાજી જ વપરાય છે..!!!
ખેલ કદાચ અહિયાં મંડાયો છે , એનર્જી નો નવો સોર્સ કે સ્ટોરેજ મળ્યા છે અને ટેસ્લાવાળા ભાઈ પાસે છે ,
સંશોધનથી દુનિયા ઉપર રાજ કરાય એની જાપાન ને ઘણી પેહલા ખબર પડી હતી પણ એણે બીજા વિશ્વયુદ્ધ ની હાર પછી પશ્ચિમ ની સામે આંખ ઉંચી નથી કરી અને આડા નથી ઉતર્યા..! એટલે એનો ક્યારેય વાંધો નાથ કાઢ્યો પશ્ચિમે..!
ચીન દેશ પણ સંશોધન ની કિંમત સમજી ગયું ,પણ એણે સંશોધન ની શરૂઆત કરી નકલ કરવાથી અને આજે બિલકુલ પશ્ચિમ ની સામે આંખ માં આંખ નાખી ને વાત કરી રહ્યું છે , કદાચ ટેસ્લાવાળા ભાઈ નો ખેલ બગાડે તો એ એકમાત્ર ચીન દેશ છે..!
બાકી તો આ જ ડોહા એ કેવી જબરાઈ કરી ને આપણી પાસેથી એચસીકયુ લઇ લીધી હતી ..!!
યાદ કરવું ઘટે .. છેલ્લા ઘણા સમયથી ઓબામા અને મિશેલ ઓબામા વડીલ ની ભૂમિકામાં છે અને ટ્રમ્પ ને લગભગ પાગલ કરાર કરવા ઉપર એમનું મીડિયા અને સોશિઅલ મીડિયા મચ્યું છે..!
જોઈએ આગળ શું થાય છે ..
પણ એટલું તો નક્કી કે કે મારામારી કશી`ક બીજી છે , ટેસ્લાવાળા ભાઈ ની છે કે પછી બીજું કઈ એ કળાતું નથી ..!!
સોચો સોચો..!
નવા એનર્જી સોર્સ ની મોકાણ ?????
બહુ ટપ્પોના પડે તો પંડિત વિશ્વમોહન ભટ્ટજી એ મોહનવીણા ઉપર વગાડેલી, ઓનલાઈન સપ્તક નું રેકોર્ડીંગ મુકું છું સાંભળો ..!!
રઘુપતિ રાઘવ રાજા..!!
પણ રાવણ ના હોત તો ?
દુનિયા ને રાવણ અને રામ બંને જોઈએ છે કદાચ.!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*