આવતીકાલે નીટ-૨૦૧૮ ની પરીક્ષા લેવાશે..
ગુજરાતમાંથી લગભગ સાહીઠ હજાર બાળકો આ પરીક્ષા આપશે જેમાં લગભગ પંચાવન થી અઠ્ઠાવન હજાર બાળકો ફ્રેશ બેચના અને બેથી ત્રણ હજાર બાળકો રીપીટ બેચના પરીક્ષા આપશે..!!
આજે મોટાભાગના માતાપિતાની ઊંઘ હરામ થઇ ગઈ હશે..
કોઈ બોલે અને કોઈ ના બોલે,
પણ પરીક્ષા નામનો “રાક્ષસ” અચ્છા અચ્છા મહારથીને ઢીલો કરી નાખે છે..
હૈયાના ખૂણે દરેકને એક ધાસ્તી તો હોય જ છે..
આ વર્ષ એ સળંગ ત્રીજું વર્ષ છે કે જેમાં મેડીકલ અને પેરા મેડીકલ ના એડમીશન નીટ થી થશે..
બે વર્ષ પેહલા નીટ અને ગુજસેટ અને સેમેસ્ટર બધું ગોસ-મોટાળા કરીને એડમીશન થયા હતા..
જયારે ગયા વર્ષે ૨૧૦૭માં ભયંકર ટ્રાન્સપેરેન્ટ રહીને એડમીશન થયા છે..
બધું જ ઓનલાઈન થયું છે અને એકે એક એડમીશન ઉપર એકે એક વાલીએ નજર રાખી હતી..
એમાંનો હું એક હતો..
નીટના રીઝલ્ટ પછી કદાચ એક દિવસ અને એક રાત એવી નોહતી કે જેમાં એડમીશન પોર્ટલ ઉપર લોગ ઇન થયા વિના ઊંઘ્યા કે ઉઠ્યા હોઈએ..
પણ લગભગ ત્રણ થી ચાર મહિનાની અનેક જદ્દોજેહદ પછી દીકરીને મેડીકલમાં જોઈતું એડમીશન મળ્યું એટલે આજે ખરેખર નિરાંત અનુભવી રહ્યો છું..
કદાચ મારા પોતાના એડમીશન માટે જેટલી પીડા મેં નોહતી ભોગવી એટલી પીડા મને મારી દીકરીના એડમીશન માટે મને થતી હતી..
બધું જ જ્ઞાન હતું, કે સમયથી આગળ અને ભાગ્યથી વધારે.. ધાર્યું ધણીનું..સ્થિતપ્રજ્ઞતા ..ધીર વીર અત ગંભીર..ઈશ્વરેચ્છા બલીયસી..
કેટલુય બધું જ્ઞાન..!!
છતાંય ..
શું થશે…?
બસ એક જ વાત મન ને કોરી ખાય અને એનો જવાબ જ ના મળે..
પાછલા પાંચ સાત વર્ષોના ડેટા ફમ્ફોળીએ, કેટલા માર્ક ઉપર એડમીશન અટક્યું હતું અને ક્યો મેરીટ નંબર હતો..
અનામતને પેટ ભરીને ગાળો આપી દઈએ..
આપણા જેવા સમદુઃખીયા ને ભેગા કરીએ,અને ચર્ચા વિચારણા થાય,મિત્રો અને સ્વજનો ફ્રસ્ટ્રેશન આવે ત્યારે પાસે બેસાડે, અને સમજાવે યાર નાસીપાસ નાં થઇશ ..હજી એડમીશન પ્રોસેસ ચાલુ છે
આજે ચારસો સીટ ગઈ , કાલે બીજી …એમ એક પછી એક ચાલતું જાય..
પણ છેવટે એક દિવસ એડમીશન મળ્યું અને લાપસીના આંધણ ચડ્યા..
આજે કતલની રાતે આ વર્ણન એટલે કરું છું કે છેલ્લા બબ્બે વર્ષથી નીટમાં બેસનારા બાળકોના માતાપિતાએ જે તપ કર્યા છે એમને થોડી ટાઢસ બંધાય..
રોજ દિવસમાં બે વાર તપતો ઉનાળો ,મેઘલી સાંજ કે સુસવાટા ભરી ઠંડીની સવાર કશું જ જોયા વિના ટ્યુશન કલાસીસમાં લેવા અને મુકવા જે દોડાદોડી માં-બાપો એ કરી હશે, રાતની રાત જાગી અને બાળક ભણ્યું હશે, અને એમાં પાછુ મારા જેવા અભાગિયાને તો છોકરું ઊંઘે નહિ ત્યાં સુધી ઊંઘના આવે..આ બધાનો નીચોડ ફક્ત ત્રણ કલાકમાં બાળકે ઠાલવી દેવાનો છે..!!
માતાપિતા તરીકે આજે આપણ ને ગમે તેટલી ચિંતા કોરી ખાતી હોય મનમાં, તો પણ સ્વસ્થ રહીને સંતાન ને ખુશ રાખી અને આજે તો હિંમત જ આપવી પડે..
દીકરા જે થાય તે..શાંતિથી જવાબો લખજે..એડમીશન મળે તો ય ઠીક અને નાં મળે તોય ઠીક.. મળશે તો સોનાની લંકા નથી મળવાની ,અને નહિ મળે તો લંકા લુંટાઈ નહિ જાય..
બસ બેટા, જે ભણ્યા છો એ બધું શાંત ચિત્તે વિચારી અને લખજો…
જે રીઝલ્ટ આવે એમાં તારો બાપ અને માં તારી જોડે જ છે..
બિન્દાસ્ત પરીક્ષા આપો હસતા રમતા જાવ એક્ઝામિનેશન હોલમાં અને હસતા રમતા બહાર આવો..!!
નીટ એટલે સાતસો ને વીસ માર્ક ની પરીક્ષા પચાસ ટકા વેઇટેજ બાયોલોજી પચીસ કેમેસ્ટ્રી અને પચીસ ટકા વેઇટેજ ફીઝીક્સને..
બી ગ્રુપ લીધું હોય એટલે સ્વાભાવિક રીતે મોટાભાગના બાળકોને બાયોલોજી વધારે ફાવતું હોય અને કેમેસ્ટ્રી થોડું ઓછું અને બે વર્ષથી મેથ્સ છુટી ગયું હોય એટલે ફીઝીક્સમાં થોડા આકરા ચડાણ હોય..!!
આમપણ ફીઝીક્સની કમબખ્તી છે કે એને તમારે રીયલ લાઈફ સાથે જોડવું પડે તો જ ફીઝીક્સ યાદ રહે, બાકી તો એક જમાનામાં જયારે બોર્ડ એક્ઝામ કે ગુજ્સેટ હતી ત્યારે લગભગ બસ્સો-અઢીસો દાખલા ગોખી મારો તો બેડો પાર થતો હતો, પણ આ નીટ માં સાલું બધી ગડબડ છે..
ગોખી માર્યે કે રટ્ટો માર્યે મેળ નથી પડતો,બધું `થરલી` સમજવું જ પડે, પછી જ ગાડી આગળ વધે..
અને એમાં પણ દાખલા ગણતા ગણાતા જરાક ભૂલ થઇ અને એક ને બદલે બીજી ફોર્મ્યુલા ઉપર ગાડી ચડી ગઈ તો પછી લંકાની લાડી જાય ઘોઘાની બદલે સીધી હિમાલયની ખીણમાં ક્યાંક ..
આખા દાખલાનો છેડો જ ના મળે અને પરીક્ષાનો કિમતી સમય ખાઈ જાય એ જુદું..
કેમેસ્ટ્રીમાં જો બાળપણથી એટલે કે દસમાં ધોરણથી જ જો આવર્તકોષ્ટક ઉર્ફે પીરીઓડીક ટેબલ નો વ્યવસ્થિત રટ્ટો માર્યો હોય તો પછી ધીમે ધીમે ઇક્વેશનમાં ગેડ બેસતી જાય..
બાકી તો સલ્ફર અને કાર્બનની વેલેન્સી શોધવામાં જ જન્મારો પૂરો થયા..!!
અમે કોલેજમાં ભણતા ત્યારે અમારા એક “મહાન” મિત્ર એક દિવસ મોટે મોટેથી ગોખતાં હતા..
પાણીએ સાર્વત્રિક દ્રાવણ છે ..પાણી એ સાર્વત્રિક દ્રાવણ છે..
બહુ ઝાપટો પડી હતી એને અમારા બધાની ..
સાલા આ પણ ગોખવું પડે એટલી ભાન નથી કે પાણીમાં જે નાખો એ લગભગ બધું ઓગળી જાય..
પણ થાય આવું અને એની જ મજા છે ..
આજે કોલેજ છોડ્યે આટલા વર્ષે પણ ભેગા થઇએ એટલે એકાદો તો ચોક્કસ બોલે ..
પાણી એ સાર્વત્રિક દ્રાવણ છે…!!
મજા છે આ બધી પણ..!
રહી વાત બાયોલોજીની તો એમાં જે કુદરતે સર્જન કર્યું છે એને સમજવાની વાત છે..અને થોડીક સમજણ અને થોડોક રટ્ટો, થોડુક લોજીક બાયોલોજીમાં જીતાડી દદયે…
મારા જેટલા મિત્રો અને સ્નેહીઓના બાળકો કાલે નીટ માટે બેસવાના છે એ બધાને વિનતી કે નાસીપાસ ના થશો અને ઓવર કોન્ફિડન્સમાં પણ ના રેહશો..
અપડેટેડ રેહજો, દરેક વર્ષે કોઈ ના કોઈક લીટીગેશન મેડીકલ અને પેરામેડીકલ ના એડમીશનમાં હોય જ છે..એક્ઝામના પેપર અઘરા પડ્યા અને બીજા કૈક કૈક ખેલ કરીને લોકો કોર્ટમાં જાય છે અને એ બધા લીટીગેશન પૂરા થતા લગભગ જુન મહિનો પૂરો થતો હોય છે.. માટે રીઝલ્ટ આવ્યા પછી પણ સજાગ રહીને એડમીશન પોર્ટલ ઉપર મચેલા રેહજો..
બાળક તો રવિવારે નીટની પરીક્ષા આપીને છુટ્ટું થશે, તમારું કામ પછી ચાલુ થશે..!
છાપા વાંચતા રેહજો ,એડમીશન માટેના પેરેન્ટ વોટ્સ એપ ગ્રુપો પણ બનશે એમાં જોડાતા રેહજો અને અપડેટેડ રેહજો..
યાદ રાખો આ દુનિયામાં અભણ હોવું એ પાપ છે અને ભણેલા હોવા છતાં પણ અજ્ઞાની રેહવું એ મહાપાપ છે..!!
સૌ ની ઈચ્છા હરિ ને હર..પૂરી કરે..!!
મારા કાળીયો ઠાકર અને ભગવાન સોમનાથ ને પ્રાર્થના કે ..
મને ફળ્યો એમ સહુને ફળજે બાપલીયા..!!
દરેક વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન શાંત ચિત્ત અને સ્વસ્થ મન આપજે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા