નીરજા..
એક જોરદાર ફિલ્મ..ઘણા વખતે એવી ફિલ્મ આવી અને જોઈ કે જેમાં ઓડીયન્સ કલાઇમેકસ આવે ત્યારે થીયેટરમાં પુરુષો ભીની આંખે અને તમામ સ્ત્રીઓ રડતી આંખે તાળીઓ પાડે..
૧૯૮૬ની સત્યઘટના પરથી બનેલી ફિલ્મ ,ત્યારે એ જમાનામાં દૂરદર્શનની મેહરબાનીથી આ ઘટનાની જાણકારી થઇ હતી અને,
અમદાવાદના બાવીસ પેસેન્જર હતા એ જ ફ્લાઈટમાં ,એટલે ત્યારે ગુજરાતી છાપાઓ એ સારું એવું કવરેજ આપ્યું હતું ,પણ ઘટનાની ભયાનકતાનો અંદાજ એટલો બધો મને નોહતો કેમકે ત્યારે મેં હવાઈ યાત્રાઓ ઘણી લીમીટેડ કરેલી..
પણ આજે નીરજા જોઈને લાગ્યું કે ઘણી બધી જગ્યાએ હું પોતે ખોટો સ્વાર્થી અને નાલાયક છું.
હું દર વખતે ક્યાં પણ જતી વખતે મારા પપ્પાને જે ઉડાઉ જવાબ આપતો એ ખોટો હતો..
છેલ્લા વીસ વર્ષમાં મારી અઢળક હવાઈ મુસાફરી થઇ,નરોડા અને નોઇડા બંને મારા માટે સરખા અંતરે હતા,બે કલાક અને પપ્પા દર વખતે ઘરેથી નીકળતા મને એમ કહે પોહચીને ફોન કરજે..
અને હું તદ્દન બેફિકરો ,નફફટ જવાબ આપતો “ યાર શું પપ્પા તમે પણ મારી મેથી મારો છો..! ટીવી જોઈ લેજો મારું પ્લેન હાઈજેક થાય કે તૂટી પડશે તો તમને વેહલા ખબર પડશે ,કેવી વાતો કરો છો તમે પપ્પા ..અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડેલુ પ્લેન કઈ કરાંચી ના જાય..એ દિલ્લી જાય..! ”
પણ ના..!!
આજે નીરજાની માં અને બાપના પડદા પરના આંસુ જોયા અને ભારોભાર પસ્તાવો થયો મને મારા એ રૂટીન જવાબ માટે ..
શબાનાના અભિનયની તાકાતએ મને મજબુર કર્યો મારી ભૂલ સ્વીકારવા..!
એરક્રાફ્ટનું ઈમરજન્સી ડોર ખુલે અને થીયેટરમાં બેઠા બેઠા મારા જેવાને થાય કે જલ્દી જમ્પ મારું..
મારો એક નાનકડો અનુભવ ..!
હું એરક્રાફ્ટમાં લગભગ ઈમરજન્સી ડોરવાળી સીટ હમેશા માંગીને લઉં કેમકે ત્યાં થોડી લેગ સ્પેસ મને વધારે મળે અને શાંતિથી ટાંટિયા લાંબા કરીને ઘોરી જવાય..
અને ઈમરજન્સી ડોર પર બેસુ એટલે પ્રોટોકોલ પ્રમાણે એરહોસ્ટેસ મારી પાસે આવે અને સમજાવે કે કોઈપણ ઈમરજન્સીમાં આ બારણું તમારે કેવી રીતે ખોલવાનું છે..
હું ક્યારેક ટીખળ પણ કરી લઉં એની સાથે યાર આપ મુઝે સમજા રહે હો યા ડરા રહે હો..!
એકવાર એક એવી ઘટના બની હતી મારી સાથે અને હું ઉભો થઇ ગયો હતો અને મારો હાથ ઈમરજન્સી ડોરના હેન્ડલ સુધી પોહચી ગયો હતો..
પુનાથી આવતો હતો અમદાવાદ લેન્ડીંગ થઇ ગયું અને એરક્રાફ્ટ એક્ટીવ રન વે છોડી અને ટેક્સી રન વે પર આવી ગયું હતું સ્પીડ ઘણી વધારે હતી બપોરનો સમય હતો, સદનસીબે હું જાગતો હતો અને મારી નજર બહાર જ હતી..
એક શ્વાનએ અમદવાદ એરપોર્ટ પર મારી નજર સામે પ્લેનની સામે દોટ મૂકી જેમ આપણા એકટીવાની પાછળ દોડે એમ .અને એ કુતરું લગભગ એરક્રાફ્ટની નીચે આવી જાય એવી હાલત થઇ હતી ..
પાઈલોટએ સમયવર્તીને ઈમરજન્સી બ્રેક મારી જબરજસ્ત મોટા ઝાટકા સાથે એરક્રાફ્ટ ઉભું રહી ગયું અને બારીની બહાર મને ધુમાડો દેખાયો મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ ઓહ નો .. સ્મોક ..ધુમાડો અને મેં ઉભા થઇને હેન્ડલ પકડી લીધું..પ્રેક્ટીકલી મારી રાડ ફાટી ગઈ હતી અને મારા શરીરના બધા જ તંત્રો જબરદસ્ત કામ કરવા લાગ્યા હતા.. હું એક મોટી ઈમરજન્સી માટે માનસિક રીતે સજ્જ થઇ ગયો હતો ..!
ચાર પાંચ સેકન્ડમાં જ પાછળથી એક મેઈલ એરહોસ્ટેસ દોડતો આવ્યો મને કહે આપ બેઠો મેં હું ..!! એ હેન્ડલ પકડીને ઉભો રહી ગયો અને અમે બંને બહાર જોતા હતા કે અને તૈયાર બેઠા હતા કે ક્યારે ઈમરજન્સી લાઈટો ઝબ્કે અને હેન્ડલ ઘુમાવીએ .. જે ધબકારા વધ્યા હતા ..એક જ ટાર્ગેટ સેટ થયું હતું મુઠ્ઠીઓ વાળીને દોડો બસ આ આગ પેટ્રોલની ટેંક સુધી પોહચે એ પેહલા..
લગભગ બધા જ પેસેન્જરના જીવ અધ્ધર થઇ ગયા હતા ,અચાનક બ્રેક મારવા મારવાને લીધે અડધા પેસેન્જરના માથા આગલી સીટે અથડાયા હતા..ત્યાં લગભગ ત્રીસેક સેકન્ડમાં મને બારીની બહાર એક જીપ દેખાઈ ભારતીય વિમાન પતન પ્રાધિકરની ..!!
અને બે જણા દંડો લઇને ઉતર્યા ને કુતરાને રનવે ની બહાર ભગાડ્યું..!! ધુમાડો ગાયબ થઇ ગયો હતો ..અને હેમખેમ હું ટર્મિનલ પર આવ્યો ..
મને જે બે ચાર સેકંડ માટે જે ધુમાડો દેખાયો હતો એ પાઇલોટની અચાનક બ્રેક મારવાને લીધે પાછલા ટાયરોમાંથી નીકળ્યો હતો, અને પેલા મેઈલ એરહોસ્ટેસના જણાવ્યા પ્રમાણે કુતરું એન્જીનમાં ખેંચાઈ ના જાય એટલે પાઈલોટએ ઈમરજન્સી બ્રેક મારી હતી અને એન્જીન બંધ કરી નાખ્યું હતું ..!!
હે માં માતાજી ..!
મને તો ધોળે દિવસે તારા દેખાઈ ગયા હતા અને મારી દીકરીઓના મોઢા યાદ આવી ગયા હતા આટલી નાની એવી વાતમાં તો..!!
અને આજે નીરજા પિકચરમાં તો એરક્રાફ્ટમાં જોરદાર ગોળીઓ પણ ચાલે છે અને બોમ્બ પણ ફેંકાય છે !
અને એ બધાથી ઉપર જઈને એક એરહોસ્ટેસ બહાદુરી ,અક્કલ અને હિમત બધું જ વાપરી અને ૩૫૯ પેસેન્જરને બહાર કાઢી લાવે છે ..!
જાત પર નફરત થઇ જાય કે ખાલી કુતરું વચ્ચે આવ્યું હતું અને એક બ્રેક વાગી એમાં તો રનવે ના કિલોમીટર સુધ્ધા ગણી નાખ્યા હતા શૈશવ તે,અને બીજા કોઈને મદદ કરીશકે બચાવી લઈશ એવો વિચાર હરગીઝ ત્યારે મારા મનમાં નોહતો આવ્યો ,
ફક્ત અને ફક્ત એજ દેખાયું હતું કે આ બાજુ ટર્મિનલ તો ઘણું દુર છે એટલે કુબેરનગરની તરફ જ ભાગવું પડશે તો જ બચીશ, અને કોઈ મદદ મળશે..!!
લાખ લાખ સલામ નીરજા ભનોતને પોતાના જીવની પરવા ના કરી અને કેટલા બધાના જીવ બચાવ્યા..!!
આ સ્વાર્થથી ભરેલી દુનિયામાં જ્યાં કોઈ કોઈનું નથી , અમેરિકન એરલાઈન જેનું પ્લેન અને પેસેન્જર હતા એ એ એરલાઈને તો પેહલી જ મીનીટે નાગાઈ કરી હતી ત્યારે કે જે કરવું હોય તે પાકિસ્તાની અને અમેરિકન સરકાર કરે અમે તો સિવિલિયન એરલાઈન છીએ ,
ભારત સરકાર મજબૂરીથી હાથ પર હાથ ધરીને બેઠી હતી કેમકે એરક્રાફ્ટ કરાંચીમાં હતું..! પાકિસ્તાની સરકાર એમ કેહતી હતી ત્યારે કે જે આતંકીઓ ને છોડવાનું કહે છે એ આતંકીઓ અમારી પાસે નથી..!!
ચારેબાજુ નાલાયકીની પરાકાષ્ટા વચ્ચે ઈશ્વરે મોકલેલો નીરજા નામનો માનવતાનો દીવડો પોતાને બળી અને અજવાળું ફેલાવી ગયો..!!
મહાદેવ તારા શરણમાં રાખજે એને..!
શત શત વંદન એ વીરાંગનાને, માં ભારતીની સાચી દીકરીને..!
ખુબ સરસ ફિલ્મ ચોક્કસ જો જો ..! ભાર દઈને કહું છું પરિવારની સાથે જ જો જો પ્લીઝ ..!
શુભ રાત્રી
શૈશવ વોરા