સંજય લીલા ભણસાલી ૯૯ રને આઉટ થઇ ગયા ..ફરી એકવાર જબરજસ્ત રૂપિયાનું આંધણ કરી અને કે.આસિફની સામે મેચ હારી ગયા..!
ભવ્ય સેટિંગસ ,અને જોરદાર સ્ટાર કાસ્ટ,સરસ મજાની કથાવસ્તુ, ભરપુર ટેકનોલોજીનો ઉપયોગ,સરસ મ્યુઝીક છતાય ક્યાંક કઈક મને ખટક્યું..
પેલું કહીએ ને કે અડધા મણ રૂના સાત સાત ગાદલા,એની ઉપર સાત સાત મલમલની રજાઈ અને એની ઉપર નાખી સુંવાળી સુંવાળી સાત ચાદર અને તોય રાજકુમારીને કેડમાં કઈ ખુંચે અને જોયું તો છેલ્લા ગાદલાની નીચે એક કાંકરી હતી અને એ રાજકુમારીને કેડમાં વાગી …
બસ બાજીરાવ મસ્તાનીમાં મને એવું થયું કેડમાં કાંકરી ખૂંચી આટઆટલા ગાદલા અને મલમલની રજાઈ અને સુંવાળી ચાદરો નાખ્યા હતા તોય..
હિસ્ટોરિકલ મુવી હોય એટલે સ્વાભાવિક રીતે એને મોગલે આઝમની જોડે સરખાવાઈ જાય, અને પછી એમ થાય કે ના ભાઈ ના કે.આસિફ તો હજી ૩૩૩ રને પણ અણનમ છે..!
પણ મજા આવી મુવી જોવાની..
સેટિંગસના મામલામાં ફ્યુઝન દેખાયું, ક્યાંક ટીપીકલ મરાઠા સેટ્સ હતા તો ક્યાંક મુઘલ જેમાં જહાંગીરી આર્ટ ઉડીને આંખે વળગતી હતી, દીવી,દીવા અને મશાલનો ભરપુર ઉપયોગ કર્યો છે ,
અને પેલા દીવાની મૈ દીવાની મસ્તાની હો ગઈ ..એ ગીત માટેનો સેટ સંપૂર્ણ ફ્યુઝન કોલોનિયલ, રાજસ્થાની, મુઘલાઈ બધાનું સરસ મિક્ષ્ચર ..!
મારી પેહલી ઓળખાણ થઇ “બાજીરાવ મસ્તાની” જોડે લગભગ સાલ ૧૯૮૩માં સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદમાં,ત્યાં એક મસ્ત તૈલચિત્ર હતું ત્યાં જેમાં પેશ્વા બાજીરાવ હાથમાં જામ લઈને બેઠા હતા અને મસ્તાની કથ્થકના પોઝમાં હતી , લગભગ નગ્ન કેહવાય એવી મસ્તાની હતી અને એની ઉપર ખાલી કેહવાનુ પુરુતુ આછું સફેદ કપડું નાખેલું હતું..? એ પેઈન્ટરે ..
આવા નકલી પેઈન્ટીંગસ રાજસ્થાનમાં પણ જોઈએ એટલા વેચાય છે પાછા..!
મારી એ જીવનના તેરમાં વર્ષે “મસ્તાની” જોડેની પેહલી મુલાકાત ..!
આજે બીજીવાર મળી “મસ્તાની” ,
દીપિકા પદુકોણ થઈને મને મસ્તાની મળવા આવી,પણ બાજી મારી ગઈ મસ્તાનીની બદલે પેશવાઈન કાશીબાઈ ઉર્ફે પ્રિયંકા ચોપરા..
એના વાળમાં નાખેલા મસ્ત ગુલાબ..! યાર મને તો બહુ ગમી ગયા, આજકાલના બૈરાઓ હીરા મોતી અને સોનાચાંદીના રવાડે ચડી ગયા છે, ફૂલોનો શણગાર તો સાલો ખોવાઈ જ ગયો છે ,એ આખી કળા જ મરી પરવારી છે..!
આખા મુવીમાં પ્રિયંકાએ સરસ ત્રણ ગુલાબ એના વાળમાં નાખેલા છે..એક્ટિંગ ખરેખર સારી, ક્યાંક એ રુકમણીના પાત્રમાં હોય એવું લાગ્યું ..!
ઇનફેક્ટ આખુ મુવી રાધા અને રુકમણી વચ્ચે રમતું હોય એવું દેખાય..!
રણવીર સરસ ..! બસ આટલું જ
મસ્તાની ઉર્ફે દીપિકા ..ટીનેજની મસ્તાનીને ભૂલવાની કોશિશ કરું છું,પણ આ બાજીરાવને માથે પડેલી મસ્તાની ખરેખર મસ્ત છે,
પુના ,સાતારા,શનિવારવાડા,કોથરૂડ..આ બધું ભમેલા હોઈએ એટલે ઘણું બધું જાણીતું લાગે અને મજા આવે ..!
ઈતિહાસનો આધાર લઈને બનતા મુવીમાં ઈતિહાસ જોડે ઘણું સમાધાન થતું હોય છે,ઇતિહાસમાં ઘણી બધી જગ્યાએ મસ્તાનીને માત્ર એક કાલ્પનિક પાત્ર જ ગણાવામાં આવ્યું છે, કોઈ ઐતિહાસિક પુરાવા અવેલેબલ નથી મસ્તાનીના પણ, ઓવર ઓલ લોક નજરમાં ક્યાંક ગમેલું અને વગોવાયેલું પાત્ર છે મસ્તાની..અને એને ઘણી સારી ચીતરી છે સંજય લીલા ભણસાલીએ ..
બાજીરાવ એ મરાઠા ઈતિહાસનું એક અમર પાત્ર છે ,પણ આજકાલના છોકરાને બાજીરાવ પૂછો કે બાજીરાવ કોણ ..? તો ડોબો મી બાજીરાવ સિંઘમ બોલશે.. આતા માંઝી સટકલી..
જુના સમયમાં અંગ્રેજી વોરિયર મુવી જોતા હોઈએ એવો ભાસ આખા મુવીમાં થયા કરે છે, ટેકનોલોજીથી યુદ્ધના દ્રશ્યો સરસ ફિલ્માવ્યા છે ..
હવે વાત મારા સબ્જેક્ટની મ્યુઝીક સંજય લીલા ભણસાલીનું મ્યુઝીક એટલે મજા તો આવીજ જાય ,મેલોડી ભરપુર હોય પણ એક ખાસિયત રહી છે સંજય લીલા ભણસાલીના ડીરેક્શન અને મ્યુઝીકમાં ,જુદા જુદા પ્રાંતના લોકગીતો અને નૃત્યોને પોતાના મુવીમાં સરસ રીતે વણી લે છે..
જે તે પ્રાંતમાં જઈ ને એનો ટોટલ સ્ટડી કરી અને મુવી બનાવે છે ,જેમકે હમ દિલ દે ચુકે સનમ .. તો એમાં બે ગીતો બેઠા ઉઠાવાયા ,
એક અલબેલા સજન આયો .. આ બહુ જાણીતી ચીજ છે શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય ગાયનો સંભાળનારા માટે .. અને બીજું લીમ્બુડા લીમ્બુડા …. એ ગીત પેહલીવાર મેં સપ્તકમાં માંગણીયાર અને લંઘાઓ પાસેથી સાંભળ્યું હતું મોરચંગની જોડે,
ત્યારે જ મેં કીધું હતું કે આ ગીત જોર છે,અને મારા મિત્રો એ મને ગાળો આપી શૈશવ્યો ગાંડો થઇ ગયો છે. અને સંજય લીલા ભણસાળી એ ઉપાડ્યું અને એને અમર કરી નાખ્યું ..
એ જ રીતે રામલીલા ..નવરાત્રીમાં અમદાવાદની કલબોમાં ફરી ફરી ને રેકર્ડીંગ સંજય લીલા ભણસાલીએ કર્યા, અને પછી એમાંથી ગરબાના સારા સારા સ્ટેપ અને બીટ્સ લીધા અને રબારીઓનું ગીત પરભુ પરોઢ ના રે મારા ઘેર ઉતારા કરતા જાવ … એને ઘુસાડી ને ધમ્માલ મચાવી ..
દેવદાસ પણ એક ઉત્તમ નમુનો બંગાળી કલ્ચરનો , એક કોમર્શીયલ મુવી મેકર તરીકે આટલી મેહનત અને રીસર્ચ કરી અને પછી જે આઉટકમ આવે છે એ ખરેખર સરાહનીય છે ..એટલે થોડી ઘણી ચોરી ચપાટી છે પણ માફ..!
ગાયિકા તરીકે શ્રેયા ઘોષાલ એ સંજય લીલા ભણસાલીની પેહલી ચોઈસ રહી છે, જો કે શ્રેયા ઘોષાલને પેહલો બ્રેક આપનાર પણ એ જ છે,લતા મંગેશકરના રીટાયરમેન્ટ પછી અત્યારે તો શ્રેય ઘોષાલ એ એક જ વર્સેટાઈલ સિંગર છે અને એના અવાજ નો બહુ સરસ ઉપયોગ થયો છે ..
હાઉસફૂલ જાય છે બાજીરાવ મસ્તાની અને જવું જ જોઈએ,
બાજુના સ્ક્રીન પર “ દિલવાલે” હતું કંપેરેટીવલી ઓછો રશ હતો ,અને હોવો પણ જોઈએ,પાયરેટેડ સારી સીડી મળશે તો જોઈશું ,રૂપિયા તો નહિ જ બગાડું એ ટોપા માટે , બહુ ફાટ્યા છે મોફાટ બોલે છે ..મારા તરફથી ૧૬૦૦/- રૂપિયાનું એને નુકસાન ..એટલો વકરો ઓછો,
છ ટીકીટ નહિ લઉં અને પાયરેટેડમાં જોઇશ..બોલ હજી બોલ ..!
જોઈ આવજો બાજીરાવ મસ્તાની થીયેટરમાં મજાનું છે
શુભ રાત્રી
શૈશવ વોરા