( શું આ મહાશય ને ઈન્ટરનેટની જરૂર છે ?) હવે વાંચો ….
માર્ક ઝુકરબર્ગ ભારત દેશમાં ફરી રહ્યા છે … ધન્ય ધન્ય થઇ ગયા આ પવિત્ર એવી ભારત ભૂમિ પર આવીને , લાગે છે સાહેબે કંઈક સરસ ગોળી ગળાવી છે અને એ ગળાની નીચે ઉતરી ગઈ છે..
કે પછી પેલો પ્રોજેક્ટ નામની ગોળી સાહેબને ગળાવવા આવ્યા છે ..? નામ યાદ નથી આવતું એ પ્રોજેક્ટ નું …હા યાદ આવ્યું internet.org પણ આ નામ માટે આખી દુનિયામાં બહુ કકળાટ થયો એટલે પાર્ટીએ એનું નામ બદલી નાખ્યું છે અને નવું નામ રાખ્યું Free Basics
હવે આ ફ્રી બેઝીક્સ પ્રોજેક્ટ માર્ક ઝુકરબર્ગ માટે બહુ મોટો છે ,અને ભારત દેશ એ ફ્રી બેઝીક્સ માટે રાઈટ માર્કેટ પણ છે , ગરીબ લોકો ને મફત ઈન્ટરનેટ આપવાની વાત છે ..
કેવું લાગે નહિ ..? વાહ વાહ માર્ક ઝુકરબર્ગની વાહ વાહ ..!!! રોટી કપડા ઓર મકાનની બદલે
રોટી,મકાન અને મોબાઈલ અને મોબાઈલમાં ઈન્ટરનેટ ,એ પણ ફ્રી (કપડા તો હવે સમજ્યા) …ઓહો શું જોરદાર સપનું છે..!!!
પણ શું આ વાત સાચી છે ?કે માર્ક ઝુકરબર્ગ ફ્રી ઈન્ટરનેટ આપવા આવ્યા છે …!!!
કે પછી ફરી એકવાર સર ટોમસ રો આવ્યા છે ભારતમાં ?
મને તો સાહેબ અમેરિકા ગયા અને માર્ક ઝુકરબર્ગ જે રીતે લળી લળીને આવકારતા હતા અને પાછા પોતાના મમ્મી પપ્પા સાથે ઓળખાણ કરાવી ,અને આખી મુલકાતને એક ફેમીલી કે હોમલી ટચ આપવાની કોશિશ કરી ત્યારે જ કઈક રંધાય છે એવું ગંધાયુ હતું ..
મારો બેટો અમેરિકન માણસ જિંદગીમાં કોઈનો થયો નથી અને થવાનો નથી , અને એમાં ABCD અને DCBA બધા આવી જાય ..પરમાર્થ ,લાગણી ,ભાવના ,પરદુ:ખે ઉપકાર કરે તે ..આવું બધું ભારત દેશમાં ચાલે અને આજકાલ ભારતમાં પણ હાર્ડલી ૦.૦૫% લોકો છે આવા ..
અમેરિકામાં તો એકપણ નહિ.જ , મારો સમય એ મારા પૈસા છે અને મારે મારા ડ્રીમ્સ છે એટલે બીજા કશા માટે મારી પાસે કોઈ સમય નથી …પોતાના સ્વાર્થ વિના અમરિકન માણસ હાલે નહિ અને આ તો આખા ઉંધા પડી ને આળોટે ..
પણ હવે રાઝ પરથી ધીમે ધીમે પડદો ઉપાડતો જાય છે , કાલે આઈઆઈટી ના છોકરાઓ એ દિલ્લીના ટાઉનહોલમાં ઉરાઉર લીધા ઝુકરબર્ગને , internet.org થી Free Basics જુદું કેવી રીતે છે ? નેટ ન્યુટ્રલીટી એમાં હશે કે નહિ ? એ વાત પેહલા કરો અને “અમેરિકન” માણસ હા એ હા કરી …
અને પાછળથી આપણી પ્રજા ફ્રી બેસિક્સની ટર્મ અને કંડીશન ખોદીને બહાર કાઢી લાવી, ફ્રી બેઝીક્સમાં બિલકુલ નેટ ન્યુટ્રલીટી નથી ..લો પત્યું મેલ કરવત મોચીના મોચી જેવી વાત થઇ કોઈ ફર્ક નહિ internet.org અને Free Basics માં
હવે અત્યારે એવું થયું છે કે ચાઈનામાં લગભગ ફેસબુક પર પ્રતિબંધ છે , યુરોપવાળા બિચારા પોતાના કામ અને બીજી બધી મોજ મજા કરવામાંથી નવરા નથી પડતા ,આપણે જે મસ્ત મજાના દરિયા કિનારાના ફેસબુક પર ફોટા જોઈને ખુશ થઈએ છીએ એ દરિયા કિનારાના બીચ પર હજી એમને ફરવા મળે છે ..એટલે એ લોકો ફેસબુક ઓછું વાપરે છે .આફ્રિકામાં આપણા જેટલી પંચાત નથી અને ઈન્ટરનેટ પણ નથી..
એટલે ફેસબુક માટે અત્યારે તો ભારત એ બીજું સૌથી મોટું માર્કેટ છે ,આંકડો એવું કહે છે કે એક કરોડ ત્રીસ લાખ ફેસબુક યુઝર એક મહીને ભારતમાંથી ફેસબુક એક્સેસ કરે છે ..અને જો મફત ઈન્ટરનેટ આપીએ તો એક અબજ અને ત્રીસ કરોડમાંથી કેટલી પ્રજા ફેસબુક પર ચડી જાય વિચાર કરો ..?
બસ આ વિચારે જ માર્ક ઝુકરબર્ગ અહિયાં દોડીને આવ્યા છે ..લાલો લાભ જોઈ ને આવ્યો છે લોટવા..!!!
આ એક જ વિચાર જો અમલમાં આવે તો ફેસબુક ક્યાંનું ક્યાં પોહચી જાય હવે ફેસબુકનો દાવો છે કે પનામા થી પાકિસ્તાન ૩૦ થી વધારે દેશો માં અત્યારે ફ્રી બેઝીક્સ કામ કરી રહ્યું છે અને એ પણ સારી રીતે કોઈપણ જાતની કોન્ટ્રોવર્સી વિના ..
ભાઈ સારી વાત છે ,પણ અમારે તો નેટ ન્યુટ્રલીટી વિના નહી ચાલે એ તો અમારે કોઈપણ ભોગે નેટ ન્યુટ્રલીટી જોઈએ જ ..
તમારે મફત ઈન્ટરનેટ આપવું હોય તો આપો પણ પછી નેટ વાપરનારો કઈ સાઈટ જોવે કે ના જોવે એમાં તમારી દખલ અંદાજી નહિ ચાલે , એને ફેસબુક ખોલવું હોય તો ખોલે અને ના ખોલવું હોય તો કઈ નહિ …ઇન્સ્તાગ્રમ વાપરીને પણ ઈન્ટરનેટ બંધ કરી દે તો તમારે વાંધો ના હોવો જોઈએ
ખાલી હા એ હા નહિ કરવાની ,તમારી ટર્મ્સ અને કંડીશનમાં આ વાત ફેરફાર કરી અને મુકો ,
મને આ ફ્રી બેસિક્સમાં બીજો વાંધો ત્યાં છે કે અત્યારે સોસોઅલ મીડિયા હાલના કોઈપણ ટ્રેડીશનલ મીડિયા કરતા વધારે પાવરફુલ થતું જાય છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ આપું તો પાટીદાર અનામત આંદોલન ….
ઈન્ટરનેટ ને બંધ કરી અને સોસીઅલ મીડિયાને એનેસ્થેસિયા આપી દીધો ગુજરાત સરકારે થોડાક દિવસ માટે ,અને પાટીદાર અનામત આંદોલનને કચડી નાખવામાં આનંદીબેન સંપૂર્ણ સફળ રહ્યા …!!
આ છે ખરો પાવર સોસીઅલ મીડિયાનો, અને આ પાવર કોઈ એક જ કંપનીના હાથમાં ના જવા દેવાય .. અને ગુજરાત સરકારનું આટલું બધું કડક રેહવા છતાં એરટેલ અને બીજી બે ત્રણ કંપનીઓ ગુજરાત સરકારનું માનતી નોહતી અને એમના બ્રોડબેન્ડમાં ફેસબુક અને વોટ્સ એપ ચાલુ હતા ..!!!
આવું કોઈ કટોકટીના સમયમાં ફેસબુક કરે તો ..? દાખલા તરીકે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને પાકિસ્તાને માર્ક ઝુકરબર્ગને ખરીદી લીધા ,અને રોજ ફેસબુક પર પેઈડ મેસેજ નાખે કે લાલ કિલ્લા પર પાકિસ્તાન નો કબ્જો .. એ લાલ કિલ્લો લાહોરનો કે દિલ્લીનો એ ના બોલે તો કેવી અફડાતફડી મચે ..!!(લાહોરમાં પણ લાલ કિલ્લો છે સિક્રી જેવો )
એટલે તમે જો અમને એવું મફત ઈન્ટરનેટ આપો કે જેમાં ફક્ત ફેસબુક અને એણે નક્કી કરેલી બેચાર સાઈટો ખુલે ,અને કંટ્રોલ તમારી પાસે રહે ,વળી પાછુ આવું મફત ઈન્ટરનેટ ભારતના ખાલી પચીસ કરોડ લોકો ને આપી દો અને , એ પચીસ કરોડ લોકો ને એ મફત ઈન્ટરનેટની ટેવ પડે ,
પછી જે દિવસે તમે એ મફતનું ઈન્ટરનેટ પાછું લઇ લો અને એ પચીસ કરોડ “ ગરીબો “ રોડ પર આવી જાય તો અમારે કેમના કંટ્રોલ કરવા ..?
તમારે અમેરિકાથી સેના મોકલવી પડે એ પચીસ કરોડ મફત ઈન્ટરનેટ વાપરનારા “ ગરીબો “ ને કંટ્રોલ કરવા , થઇ ને બીજી ઇસ્ટ ઇન્ડિયા કંપની ..!!
કદાચ વધારે પડતું લાગે છે ને પણ આ વાત શક્ય છે …સર ટોમસ રો જયારે જહાંગીર ના દરબાર માં આવ્યા ત્યારે ખબર હતી કે આ લોકો કેટલા આગળ વધશે ..?
કદાચ અતિશયોક્તિ લગતી હશે મારી વાત ,પણ અશક્ય ચોક્કસ નથી , આ ભારત દેશમાં બધુ જ થાય , એટલે ઈન્ટરનેટ નામના ભૂતની ચોટલી કાપી અને માર્ક ઝુકરબર્ગને આપી ના દેવાય …
બીજો સવાલ એ ઉભો થાય કે ભારત સરકારે 2G ,3G , અને 4G ના નામે બધા સર્વિસ પ્રોવાઈડરો પાસેથી ઉંચી લાઈસન્સ ફી વસુલી છે , અને એરટેલ , વોડાફોન કે આઈડિયા જેવી બધી કંપની પાસે ટાવરો ઉભા કરાવ્યા અને પછી હવે માર્ક ઝુકરબર્ગભાઈ એમ કહે કે અમે અમારા ભાડે લીધેલા સેટેલાઈટથી ઈન્ટરનેટ સીધું તમારા દેશમાં બીમ કરીશું અને તમારા ભૂખ્યાનાગા “ગરીબ” જનો ને ઈન્ટરનેટ આપીશું …
તો તો પેલી કંપનીઓના તો કપડા જ ઉતારી જાય ને … એ બધી કંપનીઓ પણ દરિદ્રનારાયણની કેટેગરીમાં આવી જાય , બાપડી પેલી એરટેલની 4G વેચતી છોકરી તો શ્યામલ ચાર રસ્તે ઉભી હોય ઝોળી ફેલાવીને … ભીખ માંગવા ..
આમ પણ મનમોહનસિંહની સરકારે તો રીટ્રોસ્પેકટીવ ઈફેક્ટથી વોડાફોન પર ટેક્ષ ઠોકી અને આખી દુનિયામાં નીચાજોણું કરાવ્યું હતું, એટલે ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ભારતનો રેકોર્ડ બહુ સારો નથી.. ગુજરાતીમાં કહું તો આબરૂ ચોખ્ખી નથી ..
જો કે અત્યારે તો એકલી રિલાયન્સએ માર્ક ઝુકરબર્ગને સપોર્ટ આપવા તૈયાર થઇ ગઈ છે બીજા કોઈ હાલ્યા નથી , રિલાયન્સ ટેલીકોમની હાલત તો સર્વવિદિત છે એટલે ડૂબતો તરણું શોધે પણ બાકીના બધા મોદી સરકાર શું નિર્ણય લે એની ઉપર થોભો અને રાહ જોવોની નીતિ અખત્યાર કરીને બેઠા છે..
જો Free Basics ને નરેન્દ્ર મોદી સરકારે ઘુસવા દીધી તો એરટેલ વન પાછું ઉભું થશે અને નેટ ન્યુટ્રલાલીટીના મોટા પ્રોબ્લેમ ઉભા થશે …
બહુ મોટો જીન બાટલી માંથી બહાર કાઢવા આવ્યા છે માર્ક ઝુકરબર્ગ , મોદી સરકાર આ જીનથી દુર રહે તો સારું , પણ નહિ રહે એ ચોક્કસ છે , ગુજરાતી માણસ છે એટલે કઈક નાનો પલીતો ચોક્કસ ચાંપશે …
અને એની પાછળની ગણતરી એવી હોય કે “મન કી બાત” કરી અને રેડિયો સંભાળતા ડોસા ડોસીઓને તો વશમાં કરી લીધા ,અને હવે મફત ફેસબુક અને ઈન્ટરનેટ આપીને પચાસ કરોડ જુવાનીયાઓ ને વશમાં કરી લેવાય તો તો નેહરુ-ગાંધીની જેમ આપણી પણ જમુના ઘાટે સમાધિ નક્કી થઇ જાય ,અને થોડાક દસકા પરોક્ષ રીતે સંઘને પણ રાજ કરવા મળે ૨૦૨૯ સુધી …
આ વાક્ય લખવા માટેની પ્રેરણા આરએસએસ તરફી લોકો બહુ જોરશોરથી ગોડસે ને સાચા ઠેરવવા માટે ફેસબુક પરની પોસ્ટ વાંચી ને મળી છે ….
કદાચ આવનારા વર્ષો માં ફક્ત એવું જ કેહવામાં આવે કે ગાંધી ખોટા હતા અને ગોડસે સાચા તો સાલ ૨૦૨૦ પછીની પેદા થયેલી નવી પેઢી સ્વીકારી ચોક્કસ લેશે ..અને એમાં શ્રી માર્ક ઝુકરબર્ગ પરોક્ષ રીતે એમના ફેસબુક અને Free Basics ને લીધે જવાબદાર રેહશે ….બસ્સો જણા એક સાથે બકરાને કુતરું કહે તો બિચારો એક માણસ બકરાને કુતરું માનવા માટે ….મજ્બુ..ર .. થાય ..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા