“બોલ બીજું શું ચાલે છે ?”
“ના બસ તું કહે બોલ બીજું શું ચાલે છે ?”
કેવો હથોડો પડે ..! મગજ પર..!! જયારે આપણે ફોન પર વાત પૂરી કરવા માટે કેહતા હોઈએ કે ભઈ બોલ બીજું કઈ કામ હોય તો બોલ, એની બદલે પેલો સામે હથોડો મારે, ના બસ તું કહે બીજું શું ચાલે છે ..
બે યાર ..ફોન મુકને હવે, બહુ ખેંચી તે તો ,પછી છેલ્લે એવું કેહવાનુ મન થઇ જાય તગારું અને નગારું તારા બાપાનું બે ટોપા..
મને આ બે વાક્યો કદાચ દુનિયાના સૌથી વધારે બકવાસ વાક્યો લાગે છે,ચોખ્ખું લાગી આવે છે કે ભાઈ હવે વાત કરવાનો ટોપિક નથી રહ્યો..પણ ના બસ ખેંચવી જ છે પેલા ટીનેજર લવરીયાની જેમ ..
જાનુ ..હમ્મ્મ્મ જાનુ …હમમ શું છે ..મને મળને ..હા કાલે સાંજે તો ..આવું તો છું ને.. ના અત્યારે આવને ..ના અવાય મમ્મી ..અઅ અ ..જાનું ..હમમમ જાનુ ..
બસ જાનુ ..અને હમ મમ બે જ શબ્દો હોય અને મારા બેટા રાત ની રાત વાતો ખેંચે, મારા જેવા ને તો બહુ અકળામણ થઇ જાય કે અલ્યા એ ભઇ શું માંડ્યું છે?આ જાનુ અને હમમ ..
જુના જમાનામાં આવો જાનું અને હમમ નો પ્રેમ કરતા એક લવરિયાને હું એના જાનુ અને હમમમ થી કંટાળીને મેં રાત્રે બાર વાગ્યે ગટરની પાઈપ ના રસ્તે એની જાનુ ના ઘેર પોહચાડી દીધો હતો,લે કર્યા કર તારું જાનુ અને હમમમ ..તારી જાનુના રૂમમાં ભરાઈને આખી રાત..
જો કે એ વાત જુદી છે કે અત્યારે પણ એ જાનુનો હમમમ ગટરના પાઈપ નો ઉપયોગ કરે છે ,હવે એ ગટરના પાઈપથી નીચે ઉતરે છે દારુ પીવા..!
પેહલા ગટરના પાઈપથી ઉપર ચડતો હતો..!!
વાત કરવા માટે કોમન ટોપિકના હોય અને છતાં પણ ખેંચે રાખવાની કેમ..? તો કહે હું નવરો છું અને તારે પણ મારી સાથે જોડાવાનુ..કે ખેંચાવાનું..
જો કે હવે તો મારી પાસે એક સારો જવાબ છે, હું કહી દઉં છું જા મારો બ્લોગ વાંચી લે..નવરો હોય તો ..!!!!
પણ ખરેખર વાત કરવા માટે કોમન ટોપિક ના હોવો એ અત્યારના જમાનાની ના દેખાતી હોય એવી બહુ જ મોટી સમસ્યા છે, સબંધો સાચવવામાં બહુ જ મુશ્કેલી પડે એવી હાલત અને હાલાત છે ,
પેહલાના જમાનામાં માણસો કોઈ ને કોઈ વાતને પકડી અને વાતો કરતા અને સબંધોનો સેતુ પડવા નોહતા દેતા અત્યારે હવે આ ઈન્ટરનેટ અને ટેકનોલોજી ના જમાનામાં જ્ઞાન ઓછું થઇ ગયું છે અને ગુગલ પરની ડીપેન્ડીબીલીટી વધી ગઈ એમાં વાત કરવાના ટોપિક મરી ગયા..
જોડે જોડે જુના જમાનાના સામાજિક પ્રશ્નો એ ભૂતકાળની વાતો થઇ ગઈ છે ,એક જ ભાઈ અને એક જ બેહન હોય ,એટલે દેરીયા ,જેઠિયા , મોટી નણંદ અને નાની નણંદ ના રૂસણા અને સાસુ ના છણકા,એ બધું જતું રહ્યું સાસુ જ હવે જીન્સ પેહરતા હોય એટલે વહુના બીજા ઘણા બધા પ્રોબ્લેમ એમનેમ જ સોલ્વ થઇ ગયા એટલે આમ જોવા જાવ તો અત્યારનો સમય અમારી ઉમરના પુરુષો માટેનો આ સંસાર સુવર્ણકાળ કેહવાય ..
પેલું … કુથલી લઈને સાંજનો સમીર આજ વને વને ઘૂમ્યો..
કુથલી અને નિંદા રસનો આનંદ હવે ભૂતકાળ છે,એટલે લાંબી લાંબી વાતો ના ચાલે એ સ્વભાવિક છે,
રામાયણ નો ધોબી અત્યારે આવે તો નકામો પડે, અત્યારની પ્રજા એને એમ જ કહી દે એ ભઇ તું તારું કામ કરને બે યાર..ખોટી ગામના બૈરાની પંચાત ઠોક્યા વિનાનો ..તારીને સાચવ, નહિ તો એને જો બીજો કોઈ લઇ ગયો ને તો તારા વાળી તો અશોક વાટિકામાંથી પાછા આવવાનું નામ જ નહિ લે અને તું રખડી પડીશ..!!
એટલે હવે જો કુથલી કરાવી હોય તો સીધી દીપિકા પાદુકોણ અને કેટરીના કેફની જ કરવી પડે..
કાલે રાત્રે મહાદેવ જતી વખતે રેડિયામાં નીતુ કપૂર કઈક બોલ્યા.. મારી જોડે ગાડીમાં મારી નાની દીકરી બેઠી હતી હજી સાતમાં ધોરણમાં છે..
વાત કરવાનો ટોપિક નોહતો એટલે મેં કીધું આ નીતુ કપૂર તો નકામી છે ,મારી દીકરી કહે કેમ ?મેં કીધું આ રણબીર અને કેટરીનાનું તોડાઈ નાખ્યું , તો મને જવાબ મળ્યો જવા દો ને ડેડી દીપિકા જોડે પણ એણે જ તોડાઈ નાખ્યું હતુ , મારુ મોઢું ખુલ્લું રહી ગયું મેં કીધું હે ..હા ડેડી એ રણબીરને કોઈની જોડે સેટ થવા જ નહિ દે..બહુ જબરી છે .. મેં કીધું સાચી વાત છે આ દીપિકા કેટરીનાની બદલે કોઈ અમદાવાદની છોકરી હોતને તો એણે નીતુ રિશી કપૂરનું તોડાઈ નાખ્યું હોત..મારી દીકરી બોલી પોઈન્ટ છે હો ડેડી તમારી વાતમાં..
બાળકો સાથે વાત કરવા માટે નીતુ કપૂરને વચમાં ઘલાવી પડે એવા દિવસો આવી ગયા છે, નહિ તો એમની દુનિયા જુદી છે અને આપણી દુનિયા જુદી કોઈને પોતાની દુનિયા છોડી અને બીજાની દુનિયામાં જવું નથી કે કોઈ ને આવવા દેવો નથી ..
એક આભાસી જગત ઉભું થઇ ગયું છે અને આભાસી દુનિયા , સાથે રમશું સાથે ફરશું બધું જ ખોવાયું છે ટોળાની દુનિયા નથી રહી હવે..
દરેકને પોતાની દુનિયામાં મસ્ત રેહવું છે ..!! દુઃખને નજીક ભટકવા નથી દેવુ અને એનું મોટું ઉદાહરણ છે મરણ પછીની લૌકિક ક્રિયાઓ ..બે ચાર જંગલી જાતિઓને છોડીને લગભગ બધે કાણ-મોકાણ બંધ થઇ ગઈ..છાજીયા લેવા એ શું ?
૧૯૭૦ પછી જન્મેલાને પૂછો કે છાજીયા કોણ લે ? તો એના માટે છાજીયા અને છાણા બધું સરખું જ છે બંને શબ્દોમાં “છા” આવે છે એટલે છાણાંનો જ કોઈ પ્રકાર હશે છાજીયા એવું લાગે એને..
એકવાર જમાલપુર જગન્નાથજી ના મંદિરે સપરિવાર જતો હતો અને ત્યારે રસ્તામાં એક વાસ આવ્યો અને ત્યાં કોઈ મરણ થયું હતું અને પચાસ સાહીઠ બૈરા ગોળ ફરીને છાતી ફૂટતા હતા અને છાજીયા લેતા હતા..
ગાડી સાઈડમાં ઉભી રાખીને પત્નીજી અને બાળકોને “ગીનાન” આપ્યું ..
જો આને છાજીયા લેવા કેહવાય..!!
ત્રણે જણા ધન્ય ધન્ય થઇ ગયા ..!! વાહ તમને તો યાર બહુ બધી ખબર પડે ..!
બસ આવી હાલત છે
વાત કરવા ટોપિક નથી દીપિકા ,કેટરીના અને છાજીયા ઉપર વાતો કરવી પડે છે અને છેલ્લે ..
“ કઈ નહિ બોલ બીજું શું ચાલે છે તું કહે ..”
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા