`ઉપ્પર` નો ફોટો અમે જાત્તે પાડ્યો છે ,
ચાલો બધા ધ્યાનથી જુવો તો ..
જોયો ..?
ફરી એકવાર જુવો તો ..
જોયો ને , બત્તી થઇ ?
શું કેહવાય આને ..?
*“ ઊંટ કાઢે ઢેકા તો માણહ કાઢે કાઠા”*
જેને નાં સમજાયું એને માટે વાર્તા ..
ભગવાન બધા પ્રાણીઓને ઘડતો હતો ત્યારે કોને કેવું શરીર આકાર જોઈએ એની `લીબર્ટી` આપતો , હવે એમાં થયું એવું કે ઊંટ ની પીઠ પણ ઘોડાની જેમ સપાટ કરી ભગવાને , એટલે ઊંટ ભડક્યું ,
એ ભગવાનજી નો નો નો .. મારે આવી સપાટ પીઠ ના જોઈએ ..
શ્રી ભગવાન ઉવાચ .. વ્હાય ડાર્લિંગ ઊંટ ?
ઊંટ રીપ્લાઈડ .. જુવો ભગવાનજી એક વાત કહી દઉં કે તમને , તમે આ ઘોડાની સપાટ પીઠ કરી ને એમાં ઘોડાની ઉપર માણસ સવારી કરવા ચડી બેઠો અને આપણને એ સેહજ પણ મંજુર નથી ..
શ્રી ભગવાન ઉવાચ .. તો બોલો તમારી પીઠ નું `ડિઝાઈનીગ` કેવું જોઈએ તમારે શ્રીમાન ઊંટ ..?
ઊંટ રીપ્લાઈડ .. મારી પીઠ ઉપર એક “ઢેકું” રાખો એટલે `માણસીયો` બેસે નહિ ..
શ્રી ભગવાન ઉવાચ .. ઊંટ ડીયર , થીંક ટ્વાઇસ હો ..ફિર પાછળ સે રોયેગા વોહ નહિ ચલેગા ..
ઊંટ કન્ફર્મડ .. “ઢેકું” જોઈએ, જોઈએ અને જોઈએ ..
શ્રી ભગવાન ઉવાચ ..તથાસ્તુ ..!!
ટોઈંગ ..!!!
તરત જ ઊંટની પીઠ ઉપર “ઢેકું” ફૂટી નીકળ્યું .. ઊંટ હરખ હરખ થઇ ગયું ,
*અને બહુ હરખ થાય એટલે થાય હરખાયેલું થાય `હરખપદુડું`..!!*
`હરખપદુડું` સીધ્ધું ભગવાન પાસેથી આવ્યું અમદાવાદી નગરીએ અને ત્યાં વસે શૈશવ જેવી અસલી સાબરમતીના પાણી પીધેલી પરજા ..
હરખપદુડું બોલ્યું જો જો માણસીયા મેં તો “ઢેકું” મુકાયું હવે બેસ મારી ઉપર ..લે લે લેતો જા..!!
અને પછી તો અમદાવાદી ખોપરી ટર્ન મારી, અને ખોપરી દોડી .એની માં ને તારી જાત નો પેદા મારું ઉંટીયા તારી ઓકત કેટલી હે ..?
અને અમદાવાદી ખોપરી એ એક લાકડાનું કાઠું બનાવી કાઢયું..
અમદાવાદી ખોપરી એ કાઠું એવું બનાવ્યું કે ઊંટ ના ઢેકાની પાછળ પણ એક બેસે અને આગળ પણ એક બેસે..
અને પછી તો ઊંટયો જે સલવાયો..પાછો દોડયો ભગવાનજી પ્લીજ બચાવો આ તો એક ને બદલે બે બેઠા..!!
ભગવાનજી સેઇડ..આઈ ટોલ્ડ યુ બીફોર, થીંક થીંક ટ્વાઇસ પણ ત્યારે તું સાંભળતો નોહતો હવે તો વેચેલો માલ પાછો ના લેવાય, નો રીટર્ન પોલીસી..ભોગવો..!!
પત્યું ત્યારથી ઘોડા ઉપર એક માણસ સવારી કરે અને ઊંટ ઉપર બે માણસ ..!!
બિલકુલ આવી જ રીતે અમદાવાદી પોલીસના કેમેરા ને `ચકમો` આપવા માટે અમદાવાદી પરજા એ રસ્તો શોધી કાઢ્યો નંબર પ્લેટસ `વાળી` કાઢે છે પ્રજા..!!
*કેમેરામાં આખ્ખો નંબર પ્લેટ ઉપરથી નંબર વંચાય તો ઘેર ચલણ આવે ને રૂપિયા ભરવાનું..!!*
અત્યારે તો લગભગ પાંચથી દસ ટકા લોકો એ આ `ધંધો` કરેલો છે ,અને પોલીસ પકડી અને પૂછે કે કેમ નંબર પ્લેટ `વાળી` છે..?
તો પ્રજા જવાબ આપે છે કે મોલ માં ગયો હતો ત્યાં પાર્ક કર્યું હતું અને ત્યાં કોઈ નંબર પ્લેટ વાળી ગયું છે..!!!
બહુ અઘરું છે ..!!
પ્રજા ને શિસ્તમાં લાવવી ..!!
એમ અમદાવાદી પ્રજા ની નાકે ચોકડું ભરાવી , આંખે ડાબલા લગાડી ને એની ઉપર સવારી કરવી શક્ય નથી,
અને એમાં પણ આ તો લોકશાહી ..ઈલેકશનમાં માંબેન એક કરી નાખે, કઈ વાત નો ગુસ્સો ક્યાં ઉતારે અને કયું બટન દબાવી દે કઈ કેહવાય નહિ ..!!
*કાયદા એવા હોવા જોઈએ કે જેનું પાલન શક્ય હોય..*
*ખાલી ખોટા સલ્તનતે બરતાનીયાના હાકેમ ની જેમ જનતા જનાર્દન ને બીઝી રાખવા અને ધાકમાં રાખવા નતનવા ખેલ કરીએ તો પછી પરજા પોતે ઢેકા પણ કાઢે અને કાઠા પણ કાઢે..!!*
અમદાવાદનો ટ્રાફિક બિલકુલ ગેરશિસ્ત છે માન્યું , પણ સામે રોડ ઉપર ચાલનારી પ્રજા અને બીજા બધા સંજોગો પણ પ્રજાને સપોર્ટ નથી કરતા..
આજે દરેક ચાર રસ્તે લગભગ ચાલીસેક સેકન્ડ માટે એક રોડ ખુલે છે, રોડ ખુલે એ પેહલાના લગભગ સો સેકન્ડના વિરામમાં તમારી અને મારી આજુબાજુ ચારેબાજુથી ફેરીયા અને ભિખારા આવી જતા હોય છે ,
વત્તા ટ્રાફિક ખુલે તો પણ છેલ્લી સેકન્ડે દોડી અને રસ્તો ક્રોસ કરનારા પણ હોય છે , આ બધા ભેગા થઈને લગભગ તમારી ને મારી વીસેક સેકન્ડ ખાઈ જાય છે તો બાકી બચેલી વીસ સેકન્ડમાં કેટલો ટ્રાફિક ક્લીયર થાય ?
આ સંજોગોમાં છેલ્લી સેકન્ડમાં ચાર રસ્તે આવેલો બેબાકળો થયેલો વેહિકલવાળો ભાગે , ચમચો દબાવે, અને કેમેરા નાખવાથી સ્માર્ટ બનેલું શેહર ,
અને એનો પોલીસવાળો કન્ટ્રોલ રૂમમાંથી ફોટો પાડે , કે તમે સિગ્નલ તોડ્યું ને તમારા ઘેર ચલણ આવે..!!
સ્માર્ટનેસ તો ખરી ને ભાઈ, ટેકનોલોજી …!!
ઘી કાંટે થી પીત્તળીયે બમ્બે જતા ત્યારે ક્યારેય વિચાર્યું હતું કે અમદાવાદ આટલું બધું “સ્માર્ટ” થઇ જશે..?
આજે અમદાવાદના પકવાન કે આઈઆઈએમ ચાર રસ્તા આજે લગભગ એ ભિખારા અને ફેરિયાઓ ને લીધે પચાસ ટકા જ કામ કરે છે આવા બીજા અનેકો અનેક ચાર રસ્તા છે કે જ્યાં આ ફેરીયા અને ભીખારા ટ્રાફિક જામ માટે જવાબદાર છે…અને હા ગયા મહિનાનો શૈશવનો ભારત ભ્રમણનો રાઉન્ડ પૂરો થઇ ચુક્યો છે, ને આ ટ્રાફિક સિગ્નલના ફેરીયા અને ભિખારા એ ભારતભરના તમામ શેહરોમાં એક સરખી મોડસઓપરેન્ડી થી કામ કરી રહ્યા છે..!!
આખા દેશના ટ્રાફિક જામની સમસ્યા પાછળ કદાચ વીસથી પચ્ચીસ ટકા “આ લોકો” નો હાથ છે..!!
પણ પક્ષ હોય કે વિપક્ષ હોય.. કોઈ ને આ ફેરીયા અને ભિખારા દેખાતા જ નથી , કેમકે એમની ગાડીઓ ઉપરથી લાલ બત્તી ઉતારી છે સાયરનો થોડી ગઈ છે ?
એક સાયરન વાગે એટલે પેલા બધ્ધા રફુચક્કર ..!!
ભયાનક સમસ્યા છે આ રોડ રોકતા ભિખારા અને ફેરીયાની,
પણ તંત્ર ને લોકો ને દંડિત કરવામાં મજા આવે છે નહિ કે સમસ્યા ના મૂળ સુધી જઈને સમસ્યા હટાવીને લોકો દંડિત ના થાય અને પોતે સામેથી જ કાયદાનું પાલન કરે એવી વ્યવસ્થા ધરાર નથી ગોઠવવી..!!
અમદાવાદ શેહરમાં બહુ બહુ તો દસેક હજાર ભિખારા અને ફેરીયા સિગ્નલ ઉપર ફરતા હશે , પકડી લ્યો એમને ..
ઘણા એનજીઓ છે મંદિરો છે ,મસ્જીદો છે ઢગલો રૂપિયા છે એમની પાસે સાચવી લેશે આ ફેરીયા અને ભીખારાને ..!!
અને હા છેલ્લે એક સવાલ પૂછું ..
તમે ગાડી ચલાવો છો ત્યારે તમારો ડાબો ઘૂંટણ દુઃખે છે ક્યારેક ક્યારેક..?
*આ ચાર રસ્તાના ફેરીયા અને ભિખારા તમારો ઘૂંટણ ખાઈ ગયા છે દોસ્ત .. એમના લીધે ક્લચ દબાવી દબાવીને તમારા ઘૂંટણની અને દેશના પેટ્રોલ ડીઝલની માં પરણાઈ ગઈ છે..!*
વાંધો નહિ હો સરકાર એટલી નિર્દય નથી રહી હવે..
ઘુટણ બદલવાના ભાવ ફિક્સ કરી નાખ્યા છે એટલે એમાં હવે તમે નહિ લુંટાવ..!!
બાકી તો બીજો ઉપાય ઓટોમેટીક ગાડી છે,
લગભગ નવી વેચાતી ગાડીઓમાં પચીસ ટકા ઓટોમેટીક ગાડીઓ વેચાતી થઇ ગઈ છે ,
તમારે તમારું કાઠું શોધવું જ રહ્યું..
વાંચવું ગમ્યું ?
તો ફોરવર્ડ કરો ભાઈઓ,
શેર કરો બેહનો..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા