આજે સવારની ઘટના ઘટી પછી મને ભદ્રનો કિલ્લો યાદ આવ્યો..
ભદ્રકાળી મંદિરની બાજુનો જે મોટ્ટો દરવાજો છે ત્યાંથી ભદ્રના કિલ્લા ની અંદર પ્રવેશવાનો બીજો નાનો દરવાજો છે ને ત્યાં થઇ ને પછી છેક ઉપર ટાવર સુધી જવાય છે,ત્યાં ગયા પછી સેહજ આગળ વધીએ તો કિલ્લાના ઉપરના ભાગમાં જમણી બાજુ એક સીડી છે ..
*એક જમાનામાં એ સીડી બે જણા ચડતા અને એક જણ એ સીડી ઉતરી ને નીચે પાછો આવતો અને બીજો લટકી જતો..!!!*
જી હા ત્યાં ફાંસીનો માચડો હતો..
ભદ્રના કિલ્લાની પાછળ ની બાજુએથી જીલ્લા પંચાયતના બિલ્ડીંગ તરફથી જુવો તો એ માંચડો ચોખ્ખો દેખાય છે,
એ જમાનામાં જીલ્લા પંચાયતનું અને બહુમાળી બિલ્ડીંગ નોહ્તું કે નોહ્તું લાલ દરવાજાનું બસ સ્ટેન્ડ એટલે એ ખુલ્લા મેદાનમાંથી રૈયત ગુન્હેગારને ફાંસીને માચડે લટકતી લાઈવ જોઈ શકતી હશે..!!
ક્યારેક જોવા જવાય આપણા શેહરનો જ એ ભાગ છે..!!
આજના દિવસની સાપેક્ષમાં જોઈએ ને જે “કુદરતી” ન્યાય તોળાયો છે એ જોતા એક બહુ મોટી વિડંબણા છે કે આ જ ભદ્રના કિલ્લામાં આજે એક બહુમાળી અદાલત ઉભી છે..!!
લગભગ છેલ્લા છ સૈકાથી અમદાવાદમાં ભદ્રના કિલ્લાની અંદર ન્યાય તોળવામાં આવી રહ્યો છે અને આજના દિવસભરના ભારતભરમાં પ્રજાના ઉભરા પછી કમ સે કમ એટલું તો સાબિત થઇ ગયું કે આજ ની ન્યાય પ્રણાલી કરતા પ્રજા ને છ ,સાત ,આઠ સૈકા પેહલાના તોળવામાં આવતા ન્યાય ઉપર વધુ વિશ્વાસ છે..!!
એક બહુ મોટ્ટો પ્રશ્નાર્થ ચિન્હ ન્યાય પાલિકા ઉપર મુકાઈ ગયો છે..
એક સ્પષ્ટતા જરૂરી છે આગળ વાત કરું તે પેહલા..
*આજે જે કઈ થયું તે બરાબર જ થયું છે ,આપણા વકીલો જેને `કુદરતી ન્યાયના સિધ્ધાંત` કહે છે એમાં ભલે અકુદરતી રીતે પણ મારો વિશ્વાસ `કુદરતી ન્યાયના સિધ્ધાંત` માં કાયમ થયો છે..*
*ક્યાંક કોઈક તો છે કે જે પ્રજા માનસ ને પોતાની વિદ્વતા અને ડહાપણ ને બાજુ પર મૂકી અને ઓળખીને વર્તે છે..!!*
ભલે પોલીસના હાથમાંથી છટકવા ગયા અને માર્યા ગયા પણ ન્યાય તો થઇ ગયો..!
અત્યારની ઉભી થયેલી ન્યાય વ્યવસ્થા સલ્તનતે બર્તાનીયા એ ઉભી કરીને આપણને આપી છે, આપણે ભારતીય માનસ ના ડીકોલોનાઈઝેશન ની વાત કરીએ છીએ પણ ભારતવર્ષમાં સૌથી વધારે કોલોનાઈઝ માઈન્ડ સેટ આજે પણ બચ્યું હોય ક્યાંય તો એ છે જ્યુડીશીયરી..!!
બ્રિટીશ હાકેમો ને ભારત ને ન્યાય તોળી આપવામાં ક્યારેય એવો રસ નોહ્તો અને એટલે ન્યાય પાલિકાને રગશિયા ગાડાની જેમ ચલવતા , અને આજે પણ બહુમતી કેસો કે જ્યાં બહુ મોટું પ્રેશર ના હોય ત્યાં રગશિયા ગાડા ચાલી રહ્યા છે ..
દેશનો અત્યંત ગાજેલો નિર્ભયા કેસ હજી પણ સાત-સાત વર્ષે પણ અંજામથી દૂર છે.. અને એ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ માં ચાલેલો કેસ છે તો પણ..!!
ત્યારે ક્યારેક આવો સવાલ કરવાનું મન થાય ,મોટેભાગે કાયદો અને વ્યવસ્થા માટે આપણે પોલીસને જવાબદાર ઠેરવી અને મૂકી દઈએ છીએ પણ અસલી ગુન્હેગાર તો ક્યાંક પડદા પાછળ ના જજ સાહેબો તો નથી ને ?
*જીવતા માણસની લેથાર્જી મૃત્યુ કરતા પણ વધારે ખતરનાક હોય છે…!*
રૈયત ને રાજ નો ભય ના હોય ,પણ રાજના ન્યાય નો ભય જરૂર હોય..!!
આજે થયું છે શું ? તો કહે રાહુલ બજાજને સરકારથી બીક લાગે છે ,(કટોકટી એમના ઇન્દુમાસી એ જ નાખી હતી ) અલ્યા સરકારથી શેનું બીવાનું ? બીવું હોય તો કોર્ટથી બીવો કે જેલમાં ઘાલી દેશે અને સજા આપી દેશે..!!
પણ આઝાદી પછી થયું શું ?
તો કહે કોર્ટો ને જનતા ઘોળીને પી ગઈ અને રાજકારણીઓ થી ડરતી થઇ ગઈ જે પોતાને `સેવક` કેહવડાવે છે..!
જે રીતે પોલીસના જયકાર થઇ રહ્યા છે એ જોતા તો હવે આખી જ્યુડીશીયરી ને વિખેરી અને ફરી બનાવવી રહી..!!
મુદતો માં માહિર માનનીય ને આજે પોતાની જાત ને પૂછવા નો સમય પાકી ગયો છે કે શું મેં મારું કામ બરાબર કર્યું છે..? રજાઓ અને વેકેશનો ના લીધા હોત તો ..?
ભૂલ ભૂલ માં પણ સવાલ નો જવાબ `હા` આવે તો ચોક્કસ માનવું કે હવે કલિયુગ પૂરો થવામાં છે અને યુગો યુગો સુધી ધરતી રસાતળ જતી રેહશે..!!
*અમુક ગુન્હા ની તીવતા એટલી બધી હોય છે કે એ શરીરથી આગળ જઈને માંહ્યલા ને ઝંઝોળી નાખે એવા હોય છે,જ્યાં માણસ અને માણસાઈ બધું જ મરી જાય છે , આવા સમયે ન્યાય તંત્ર એ સંવેદના બતાવી અને પોતના ઠાંસી ઠાંસી ને ભરેલા ડાહપણ ને બાજુ ઉપર મૂકી ને તરત ન્યાય કરવો રહ્યો..*
આરોપીઓ એ ભાગી છૂટવાની કોશિશ કરી એટલે એન્કાઉન્ટર કરવું પડ્યું એવું બયાન આપી અને પોલીસે કાયદો હાથમાં લઇ ને ન્યાય તોળ્યો છે એવો જશ લેવાથી દૂર રહી છે , પણ પ્રજા પોલીસને ફૂલેકે ચડાવી રહી છે..!!
ન્યાયના આસને બેઠેલા અને ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો માટે આજે કાળો દિવસ છે , કદાચ આખા ન્યાય તંત્રની વિરુદ્ધમાં આજે ભારત દેશે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી ને મૂકી દીધી છે જો માનીએ તો..!!
બંધારણના સોગંધ ખાઈને સત્તા સ્થાને બેઠેલા લોકો એ હવે ફરી વિચારવાનો સમય પાકી ગયો છે , હું તો ઘણા વર્ષોથી કહું છું કે બંધારણ સભા ને ફરી એકવાર બેસાડી અને જનમત પ્રમાણે ફરી એકવાર કાયદાઓ ને ઘડવાનો સમય પાકી ગયો છે..
જે બંધારણનો આપણે અને પાકિસ્તાને આધાર લઈને બંધારણ ઘડ્યું છે એ સલ્તનતે બર્તાનીયા નું બંધારણ લખાઈને બંધ નથી કરી મુક્યું એ લોકો એ ,આજે પણ એમનું બંધારણ લખાઈ રહ્યું છે અને ભવિષ્ય માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે ..
સદીઓથી આપણે ત્યાં પણ પરંપરા રહી છે કે મોટાભાગના ગ્રંથોમાં સુધારા વધારા કરી શકતા કે તેમાં નવા શ્લોક ઉમેરી શકાતા કે પછી તેમની ઉપર ટીકા કે ભાષ્ય પણ રચાઈ જતા પણ આપણે લોકતંત્રના કોઇપણ સ્તંભ ની ટીકા કરીએ તો બદનક્ષી ના દાવા ને કે અવહેલના નો કેસ ઝેલાવા ની તૈયારી રાખવી પડે છે..!!
શું આજ નો જમાનો એવો ખરો કે..??
પરદુઃખે ઉપકાર કરે તો ય મન અભિમાન ના આણે રે..
અરે મોટા મોટા પાટિયા ચડે જરાક ઉપકાર કરે તો પણ ,અરે ગાય ને બે રોટલી ખવડાવે તો સોશિઅલ મીડિયા ઉપર ફોટા પોસ્ટ થાય ..
સકળ લોક માં સહુ ને વંદે ..
ઘેલો ગણાય ,ઘેલો ..
નિંદા ના કરે કેની રે ..
શું કરવા ના કરે ..? કરવી જ રહી..
હવે તો નિંદા નહિ કરીએ તો નિર્ભયા ના અપરાધી પણ હજી બીજા બે ચાર વર્ષ `મોજ` કરશે તમારા અને મારા ટેક્ષના રૂપિયે..!!
મહામહિમ ઝટ કરજો ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*