ન્યુડ વિડીયો ..નગ્ન વિડીયો ..
ખતરનાક સમસ્યાનો ઉદ્દભવ થયો છે આજકાલ .. રોજ કોઈને કોઈ અજાણ્યા મોબાઈલ ઉપરથી વોટ્સ એપ કોલ આવે છે અને ફેસબુક ,ઇન્સ્ટા ઉપર અજાણી સ્ત્રીઓ અને પુરુષો બંનેના અઢળક મેસેજ ચાલુ થઇ ગયા છે..
મારા જેવા થોડાક જેમને બે-પાંચ લોકો ઓળખે એવાને પૂછ્યું તો કહે ..અરે ત્રાસ થઇ ગયો છે શૈશવ કોણ જાણે ક્યાંથી આ લોકો નંબર લઇ આવે છે અને ફોન કરતા હોય છે, કંઈ સમજાતું જ નથી..!!
બહુ અઘરો સમય ચાલી રહ્યો છે અમારા જેવા આધેડો અને ડોહલાઓ માટે, જો કે જુવાનીયા પણ બહુ બાકાત નથી ઉદ્દભવ સ્થાન ત્યાંથી જ છે એટલે ઓવરઓલ અત્યારે આ વિડીયો બનાવવાના ધંધા પૂરપાટ ઝડપે ચાલી રહ્યા છે ..!
શરૂઆત ક્યાંથી ?
સેહજ પણ શબ્દો ચોર્યા વિના કહી દઉં તો પેહલો કેમેરાવાળો મોબાઈલ આવ્યો અને બ્લ્યુટુથથી કલીપો ટ્રાન્સફર થતી ત્યારથી, એટલે કે નહિ નહિ તો પણ વીસ વર્ષ પેહલાની અને એની પણ આગળથી શરૂઆત ક્યાંથી ?
તો વીસીઆર આવ્યા અને “વાદળી” ફિલ્મો આવી .. એનાથી પણ પાછળ જાઉં તો મેગેઝીનોમાં ફોટા જોવા અને “એવા પ્રકારનું” સાહિત્ય છપાતું અને વેચાતું ..
પાંચમાં ધોરણમાં એટલે કે સાલ ૧૯૭૯-૧૯૮૦ની વાત કરું તો રીગલ ,અશોક, રૂપમ, ક્રિષ્ના થીયેટર ઘીકાંટામાં આવેલા , અને એમાં અશોક થીયેટરની પાછલી ગલીમાં આ પ્રકારનું સાહિત્ય વેચાતું , દસ પૈસામાં જોવા પણ આપે દસ મિનીટ માટે ..યાદ છે કોઈ ડોહા ડગરાને ?
ખોટી ચાંપલાશપટ્ટી નહિ કરવાની કે અમે તો સંસ્કારી ઘરના ..
અને જો ખરેખર એવું હોય તો જે ધર્મ, પંથમાં માનતા હોઉં એમને ત્યાં જઈને એમનો હાઈએસ્ટ એવોર્ડ સામે ચાલીને માંગી લ્યો.. કારણ કે તમે પુરુષ નથી ..ચોક્કસ પુરુષ નથી .. મહાપુરુષ છો વડીલ ..!!
હા એવો એવોર્ડ આપવાવાળાની પાત્રતા છે કે નહિ ? એવું પૂછશો તો ગડબડ થઇ જશે ..!!
તમે “જે કારણે” એવોર્ડ લેવા જશો એ આપવાવાળો “એવો” નીકળ્યો તો શું કરશો ..??
મને લાગે છે કે એવોર્ડ લેવાનું માંડી વાળજો નહિ તો બીજા એક દુઃખનો વધારો થશે જીવનમાં..!!
આજકાલ વિડીયો કોલમાં સામે વિજાતીય પાત્ર આવે છે, એક કે બે જ સેકન્ડમાં ઉપવસ્ત્ર પાડી દે , તરત જ વસ્ત્ર અને પછી આંત :વસ્ત્રનો પણ ત્યાગ થાય..
એવે સમયે જો રાજાધિરાજ પોતાના કમરામાં એકલા હોય તો એમને પણ પ્રજા થતા જરાક પણ વાર ના લાગે ..અરે વસ્ત્રો તો છોડો શરીરની ચામડીનો પણ ઝીલ્લે ઇલાહીને ભાર લાગે પણ બે પાંચ મિનીટના ખેલ અને સ્ખલન પછી ભાન આવે કે આપણી તો “ઉતરી” ગઈ ..!!!!
પછી બે જ મિનીટમાં ફોન ..અને એકાઉન્ટ નંબર આપવામાં આવે ચલ ઝટપટ રૂપિયા કર..
એક બાળક આવી રીતે લાખ દોઢ લાખ આપી અને વાયા વાયા ફોન ઉપર વાત કરવા આવ્યું હતું .. હવે શું કરું ?
મેં કીધું અલ્યા સાયબર સેલમાં જાવ અને રૂપિયા ધર્યા પછીથી પણ સાયબર સેલમાં જવાનું તો પેહલા જ જાવ ને ભાઈ ..!!
અવાજ ઉપરથી લાગ્યું બહુ ડિપ્રેસ હતું.. મેં થોડાક સવાલ પૂછ્યા .. મેં કીધું જે થવાનું હતું તે થઇ ગયું હવે તો તારી પાસે માફી માંગવા સિવાય નો કોઈ વિકલ્પ ખરો ?
તો કહે ..ના ..
મેં કીધું તારો બાપ ક્યાં સાબરમતી જેલમાં નોકરી કરે જલ્લાદની ?
તો કહે ના ..
મેં કીધું તો પછી તને તારો બાપ ફાંસીએ તો ચોક્કસ નહિ ચડવે .. બીજું કોઈ ખરું કે જે તને ફાંસીએ ચડાવે એવું?
તો બાળક કહે ના એ બધાને હું પોહચી વળુ ..
કામ આસન હતું ..
જાવ બાપાને લઈને પાનના ગલ્લે રાતે અને ભસી મારો જે કર્યો કાંડ … સિમ્પલ .. બાપ છે સાપ તો છે નહિ ..
મેં મારા મનમાં કીધું બાપ બિચારો જશે ક્યાં ? દુનિયામાં બાપથી વધારે મજબૂર પ્રાણી ખરું દુનિયામાં…?
કોઈપણ ઓળખાણ વિના પોલીસની મદદથી બધું સુલટી ગયું પણ મારું માનવું છે કે આવા કાંડમાં ભરાવ તો એકવાર “નાગા” થયા છો તો પછી “નાગાઈ” પણ શીખી જ લેવાની .. કોઈ રસ્તો નથી બીજો ..!
કારણ કે સામેવાળા પૂરેપૂરા “નાગા” છે ..પેહલું કામ પોલીસ અને બીજું કામ હિંમતથી “નાગાઈ” બતાડવાનું..
થાય તે કરી લ્યે ..
હવે આવો કાંડ થયો એની જાણ એક ને થાય એટલે જુવાનીયાઓમાં તો ફેલાય એટલે એક દિવસ ટોળું આવ્યું ..સદ્દભાગ્યે મારી સાથે એક પાંત્રીસે પોહચેલો જુવાનીયો હતો ..
એ ડોહા આ ન્યુડ વિડીયો બનાવે છે એ લોકોનો કંઈ તોડ લાવો ને ..
મારી સાથે ઉભેલો પાંત્રીસવાળો બોલ્યો એટલે ?
છોકરા બોલ્યા .. યાર જોવાની બહુ મજા આવે છે .. પેલો પાંત્રીસ બોલ્યો ..પછી પેલાની જેમ હલવાયે ત્યારે …
છોકરા બોલ્યા .. નાં હલવાય એવો કોઈ તોડ ..
પાંત્રીસનું મગજ ચાલ્યું ..ત્રેપ્પ્નનું બંધ થઇ ગયું હતું.. જો હેન્ડ એક રસ્તો આલું .. આવો ફોન આવે ને ત્યારે તમારે લખોટાઓ એ સીધા બાથરૂમમાં દોડી જવાનું .. બાથરૂમમાં અરીસા ઉપર તમારી મમ્મીનો ચાંલ્લો ચોંટેલો હશે અને એ ચાંલ્લો તમારા મોબાઈલના ફ્રન્ટ કેમેરા ઉપર લગાડી દેવાનો .. બરાબર ?
છોકરા બધા આફરીન આફરીન … ત્રેપ્પ્નના કાકાને બાજુ પર મૂકી અને પાંત્રીસનો જયજયકાર થયો ..!!
બીજા દિવસે એક લખોટો ઉતરેલા મોઢે આવ્યો .. મેં કીધું સુ થયું ? ના મેળ પડ્યો ચાંલ્લો લગાડ્યો તો હારી એ ફોન કાપી નાખ્યો..!!
જુવાની કોને કીધી ..!! આગ જોડે જ રમવું હોય અને સામે છેડે પણ જુવાનીને વેચીને રૂપિયા જોઈતા હોય..!!
ચારેયબાજુ હહાહાકાર છે .. દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર સેલ મુકવો પડે અને પોલીસને ટ્રેનીગ આપીને તૈયાર કરવા કરતા તૈયાર છોકરા છોકરીને કોન્ટ્રેક્ટ ઉપર રાખી અને પ્રોબ્લેમને ડામી દો..!
પોલીસને ટ્રેનીગ આપી અને તૈયાર કરવામાં ઘણું મોડું થઇ જશે, ઘણી જિંદગીઓ હોમાઈ જશે , લગભગ સાયબર ગુન્હાઓમાં આભ ફાટ્યું છે, કોઈ જ ઘર બાકી નથી કે જ્યાં કોઈ “દાવ” ના પડ્યો હોય આર્થિક કે શારીરિક ,ક્યાંક તો કોઈકે રૂપિયા ગુમાવ્યા જ છે ..!!
અને ઘરમાં જડતા ઓછી રાખી અને પોતાના વ્યક્તિઓ સાથે ક્ષમાભાવ સાથે સાથે સમતા ધારણ કરવી પડે તેવું છે અને કોઈક મારા જેવો ચેતવે તો દોઢ ડાહ્યો છે એવું કેહવાને બદલે આભાર માનજો..! કારણકે હિમશિલાની ટોચ જ છાપામાં અને મેગેઝીનમાં છપાય છે..!!
જાળવજો તમારા પોતાના ને ..! આંધી છે બાહર ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*