આજે સવાર સવારમાં એક બહુ મોટા મેનેજર સાહેબનો ફોન આવ્યો..
પેહલા તો નવા વર્ષના સાલમુબારક અને રામ રામ થયા પણ મને એમનો ફોન નંબર વિચિત્ર લાગ્યો એટલે મેં પૂછ્યું જયેશભાઈ ક્યાં છો..?
તો બોલ્યા સિડની..
મારા મોઢામાંથી લગભગ ચીસ નીકળી ગઈ સિડની..?તમે ત્યાં શું કરો છો.? મારા દીકરા જોડે હું ત્યાં કાયમ માટે સેટલ થવા માટે હું જતો રહ્યો છું..!
મેં કીધુ શું યાર જયેશભાઈ તમે મજાક કરો છો, હજી આપણે ધનતેરસે તો મળ્યા છીએ,અને ત્યારે તમે કશું બોલ્યા નહિ અને હવે આજે હજી સાતમ થાય છે દસ દિવસમાં..તમે યાર..મજાક છોડો અને એન્જોય કરો દીકરાના ઘેર ..
જયેશભાઈ બોલ્યા ના શૈશવ બહુ પાપ વોહરી લીધા આ શેઠિયાઓ માટે હવે મારાથી નહિ થાય..
હું થોડો સીરીયસ થયો મેં પૂછ્યું શું પ્રોબ્લેમ થયો છે જયેશભાઈ? શાંતિથી ખુલીને વાત કરો
જયેશભાઈએ જવાબ આપ્યો ના શૈશવ હું તને એક મિત્ર તરીકે જ ફોન કરું છું આમ પણ મને સાહીઠ ઉપર ઘણા થઇ ગયા છે, અને હવે બસ, મારાથી વધારે પાપ નહિ થાય..
મને સેહજ થડકારો થયો કે યાર જયેશભાઈએ આખી જિંદગી એક જ કંપનીમાં કાઢી, શેઠિયા એમના કુટુંબી જ થાય અને હજાર કરોડના ટર્ન ઓવર સુધી કંપની પોહચી ગઈ જયેશભાઈ એક બહુ મોટો પાયો છે કંપનીનો,દસ કરોડ સુધીના ચેક તો જયેશભાઈની એકલાની સહીથી પાસ થાય છે, અને આજે જયેશભાઈ આમ કેમ બોલે છે..?
હું કઈ ફોનમાં બોલ્યો નહિ એટલે એમણે સામેથી પૂછ્યું ફ્રી છે ને તું ?
મેં કીધું હા હા જયેશભાઈ જે વાત હોય એ ખુલ્લા દિલે બોલો અને પ્રોબ્લેમ હોય તો હું શેઠિયાઓ ને વાત કરું, તમારાથી મોઢા મોઢ ના કહી શકાય હોય એમ તો..
સેહજ હસીને બોલ્યા શૈશવ મોઢા મોઢ તો ઘણું બધું કેહવું હતું પણ પછી ગમ ખાઈ ગયો છું અને નીકળી ગયો છું, હવે સાંભળ તારે બ્લોગ પર લખવા માટે જ હું આ બધી વાત કહું છું અને મારું નામ લઈને લખવું હોય તો પણ લખજે, જેથી બીજા મારા જેવા “વફાદાર મેનેજર” લોકો શેઠિયા માટે પાપના પોટલા પોતાના માથે ના લઇ લે, એમ થાય છે એવું કે પાપના પોટલા આપણા અને રૂપિયાના પોટલા શેઠિયાના..
દોસ્ત હવે સાંભળ મારા કરમની કઠણાઈ..
મારો બાપ મને છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મારી માં અને મારા સિવાય બીજા બે ભાઈ મૂકીને મરી ગયો, સાબરકાંઠાના એક ગામમાં હું રહું, મારી માં આ શેઠિયાઓની કાકાની દીકરી બેન થાય, એટલે મામાના સબંધે બાર મહીને અમને એ જમાનામાં એ લોકો અમને પાચ સાત હજારની મદદ કરતા,એમના જુના કપડા વાસણથી લઈને બધું જયારે જયારે જયારે ગામડે આવે ત્યારે મારા ઘેર મૂકતા જાય, માં ગામમાં સીવણ કામ કરે અને અમારું ઘર ચાલે..
બારમાં ધોરણ પછી તરત જ શેઠિયામામા આવ્યા અને મને નારણપુરાના બંગલે રેહવા લઇ ગયા આઉટ હાઉસની રૂમમાં નોકરોની બાજુમાં પણ એટેચ સંડાસ બાથરૂમવાળી રૂમમાં મને રાખ્યો પાર્ટ ટાઈમ કોલેજ અને ફૂલ ટાઈમ ફેક્ટરી દુનિયાની તમામ હરામખોરી મામા શેઠિયાએ શીખવાડી..(લગભગ સીતેર નો દાયકો)
મારી પેહલી એક્ઝામ ત્યારે આવી જયારે ફેક્ટરીમાં સ્ટ્રાઈક પડી ત્યારે તું તો કદાચ ચડ્ડીમાં ફરતો હોઈશ..સ્ટ્રાઈક એકદમ સાચા પોઈન્ટ ઉપર પડી હતી દરેક કારીગર જોડે બાર બાર કલાક અને ક્યારેક ચૌદ કલાક હું કામ કરાવતો,અને હું એમને ફિક્સ પગાર જ આપતો કોઈ જ ઓવર ટાઈમ નહિ કે જમવાનું નહિ..અને એ સ્ટ્રાઈક તોડવા માટે મેં જ મારી ફેક્ટરીથી થોડે દુર કારીગરોના લીડરને દારૂનું સ્ટેન્ડ ચાલુ કરાવી આપ્યું..એક કાંકરે ઢગલો પક્ષી મેં માર્યા, મારા આ નિર્ણયથી મારા મારામાં રહેલું “હીર” મારા મામા શેઠિયા પારખી ગયા..
યુનિયન લીડર ફેક્ટરીમાંથી બહાર ગયો, અને કારીગરો બાર કલાક કામ કરીને ઘેર જતા પેહલા દારૂ પીને જ જાય, એટલે ઘેર જઈ ને એમના રોટલા ખાઈને ઊંઘે વેહલી પડે સવાર, અને યુનિયન લીડર ગયો એટલે યુનિયન તૂટી ગયું, મારે ફેક્ટરીમાં ગજબની શાંતિ થઇ ગઈ એકપણ વિરોધનો સ્વર ના રહ્યો,ખાલી વાર તેહવારે મારે દારુના સ્ટેન્ડવાળાને સાચવવાનો રહ્યો અને એના માટે પણ પોલીસનો હપ્તો હું ચૂકવી દેતો..! એટલે ફેક્ટરીમાં કોઈ કારીગર ઉંચો થાય તો પેલો દારૂવાળો જ એની ધોલધપાટ કરી નાખતો..
આ મારું પેહલું મોટું પાપ જેના લીધે લગભગ હજારેક કારીગરોની આંતરડી બળી ગઈ હશે અને વગર મોતે એ લોકો વેહલા મર્યા હશે..
હવે એનાથી મોટું પાપ કર્યું ફેક્ટરીમાં સેફટી પ્રીકોશન પાછળ ખર્ચો ના કર્યો, અને એક કારીગર મરી ગયો મેં પેલા સ્ટેન્ડવાળાને બોલાવી અને એની લાશને હોસ્પિટલ ભેગી કરી અને એને ત્યાં જીવાડ્યો, છેવટે બાર કલાક પછી એને મરેલો જાહેર કર્યો કંપનીના સેહજે દસ લાખ એ જમાનામાં બચાવ્યા..!
મેં કીધું જયેશભાઈ બસ કરો યાર.. હું કોઈ ચર્ચનો પાદરી નથી કે તમે મારી આગળ કન્ફેશન કરવા બેઠા છો
એમણે કીધું કરી લેવા દે મને કન્ફેશન કારણ છે..
બીજું એક પાપ, કો-ઓપરેટીવ બેંકો એ જમાનામાં બહુ હતી, અને ફટાફટ રૂપિયા મળતા,પણ કઈ દેખાવ પુરતું પણ ગીરવે મુકવું પડે, મામા શેઠિયાના ઘર બાર ફેક્ટરી બધું ગીરવે હતું, ધંધો મોટો કરવો હતો રૂપિયા ખૂટતા હતા સપ્લાયરોને તો છ છ મહીને માંડ રૂપિયા ચુકવતા..
મેં શેઠિયા ને રસ્તો બતાડ્યો એમના જ સગા ભાઈનો મોટો બંગલો અને બંગલો એમની ભાભીના નામે, મેં એમના ભાઈના નામના નકલી કાગળિયાં બનાવી અને એમના ભાઈનો બંગલો કો-ઓપરેટીવ બેંકમાં ગીરવે મુકાવી દીધો, અને રૂપિયા બેંકમાંથી લઇ લીધા..
અને પછી તો ફાવટ આવી ગઈ આવા કૈક લોકોના આવા કાગળિયા બનાવી અને અમે બેંકમાં ધરી દેતા, નકલી સ્ટોક બતાડતા આવા તો બીજા કૈક કૈક ધતિંગ કર્યા..
મેં હસીને કીધું ઠીક છે જયેશભાઈ તમે એકલા નોહતા આવું કરવામાં આખી માધુપુરા બેંક ઉઠાડી આવા જ ધંધા કરીને લોકોએ ,એટલે જે કર્યું એ ભૂલી જાવ અને હવે નવી જિંદગી શરુ કરો..
એ બોલ્યા ના શૈશવ હજી છેલ્લો કિસ્સો બાકી છે
આટલું બધું મેં એમના માટે કર્યું પણ મારે જયારે ઘર લેવાનું આવ્યું ત્યારે મને બેન્કમાંથી “લોન” એમણે અપાવી, જેના લોન ના સાચા ખોટા કાગળિયા હું કરતો એને એમણે મને લોન અપાવી,મારા છોકરાને ઓસ્ટ્રેલીયા જવા માટેના રૂપિયા આપવાના આવ્યા ત્યારે એવો જવાબ મળ્યો કે આપણા એમ્પ્લોઇના છોકરાઓની ફી જ આપણે ભરીએ છીએપણ દેશમાં ભણવું હોય તો જ અને એ પણ પચાસ હજારથી વધુ નહિ, છેવટે હું એમાં ઘરે ગયો ત્યારે મામા શેઠિયા એ કહ્યું જયેશ તું ઘેર આવ્યો છે તો તને ના નહિ કહું હું લાખ રૂપિયા આપી દઈશ પણ મારે તું એકલો ભાણો નથી,તને ગામડેથી અહિયાં લાવ્યા ભણાવ્યો મોટો કર્યો હજી મારે તારું કેટલું કરવાનું..? ૨૦૦૧ ની સાલ હતી એ ..
આંખો તો મારી ત્યારે જ ખુલી ગઈ હતી, પણ ખબર નહિ એમને લાત મારતા કોણ મને રોકતું હતુ ,કદાચ એક છેલ્લું પાપ એમના માટે મારે કરવાનું બાકી હતુ..
એ છેલ્લું પાપ એટલે એમણે પરદેશથી A પ્રોડક્ટ મંગાવી અને B પ્રોડક્ટનું બીલ બનાવડાવવાનું,
A પ્રોડક્ટ પર ચાલીસ ટકા ડ્યુટી અને B પ્રોડક્ટ પર દસ ટકા…દરેક જગ્યાએ મારી સહીઓ કરાવી અને મેં સહીઓ કરી, લગભગ ચાલીસ ફૂટના સો કન્ટેનર આવી ગયા દેશમાં, અને પાપનો ઘડો છલકાયો..
કસ્ટમ્સ અને DRI ની રેડ આવી અને એક પોર્ટ ઉપર પડેલા વીસ કન્ટેનર સીલ થયા તો પણ બધા અંડાગંડા કર્યા અને બોન્ડ આપી અને છોડાયા, છેવટે બે વર્ષ એમના બદલે હું જેલમાં રહી આવ્યો,
હું અમેરિકા કે ઓસ્ટ્રેલીયા ક્યાય નોહ્તો ગયો જેલમાં રહ્યો હતો..અને બહાર આવ્યો પછી તરત જ મને આંતરડાનું કેન્સર આવ્યું, મારું આંતરડું કાપી નાખવામાં આવ્યું..બહુ કિમોથેરાપી લીધી અંગે અંગ બળતું હતું અને ત્યારે મને પેલા કારીગરોની દેશી દારૂથી બળતી આંતરડી યાદ આવતી..
હજી પણ એમને મને છોડવો નથી કરોડો કમાયા પણ લોભ છૂટતો નથી સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયાના નામે લોનો લેવી છે, અને મારી સહીઓ કરાવવી છે હું હવે કેન્સરના લાસ્ટ સ્ટેજમાં પહચી ગયો છું થોડાક દિવસ કે મહિનો માંડ..
ફરી ફોન કરીશ તને બીજા ઘણા બધા પાપ લખાવવા છે, લખજે અને આજના “વફાદાર” નવા મેનેજરો ને કેહજે તમને તમારી કંપની કયું કામ કેવી રીતે કરવાનું છે એ ચોક્કસ શીખવાડશે, પણ તમે જે કામ કરી રહ્યા છો એ શા માટે કરો છો અને કોના માટે કરો છો એનું ધ્યાન ચોક્કસ રાખજો ,
એક વેશ્યાને પણ ખબર હોય છે કે એ તેનું કામ એના ઘરાકની વાસના સંતોષવા કરી રહી છે, તો તમે એના કરતા પણ વધારે અજ્ઞાની અને અબુધ ના થશો …
ફોન મુકાઈ ગયો અને મારી સવાર બગાડતો ગયો..
લખ્યા વિના છૂટકો જ નોહતો નહિ તો મારા મનની ભડાસ બહાર ના આવતે..
જયેશભાઈની વાત ખુબ સાચી છે, જયારે હું કોઈ અમેરિકામાં સેટ થયેલા છોકરાના માબાપ ને ગર્વથી કેહતા સંભાળું છું કે મારો દીકરો નાસા માં છે ત્યારે મને ખરેખર એવો સવાલ પૂછવાનું મન થાય છે કે તમારા દીકરાએ શોધેલી કોઈ ટેકનીક F-16 માં વપરાઈ છે..? અને જો હા તો એ જ F-16 વિમાનથી પાકિસ્તાન તમારા જ દેશને અણુબોમ્બથી ઉડાવી દેશે..
પણ અમેરિકા,ઓસ્ટ્રેલિયા કે હિન્દુસ્તાન દુનિયાના ગમે તે ખૂણે,ગમે ત્યાં ,ગમે તે કામ કરતા અને કરવાતા લોકો એ એક વાર તો જાણી લેવું જરૂરી છે કે હું કોઈપણ “કામ” શા માટે કરું છું ?અને એની અલ્ટીમેટ ઈફેક્ટ શું ?ક્યાં ?અને કેવી આવશે..?
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા