
GST નું અવતરણ થઇ ગયું..મધરાતે સંસદ બોલાવી અને ઉજવણું પણ કરી લીધું, જો કે બહુ જ ફિક્કું ઉજવણું હતુ..ઘેર બેઠા ટીવીમાં જોયું તો ટીવીના એન્કરોને જેટલો ઉત્સાહ હતો એના ચોથા ભાગનો ઉત્સાહ પણ સંસદમાં બેઠલા માનનીય સભ્યોના મોઢા પર દેખાયો નહિ..!
કાલની મધરાતે થયેલા ઊજવણાને જો રેટિંગ આપવું હોય તો “ઠીક મારા ભાઈ” નું રેટિંગ આપી શકાય..!
આજે સવારથી ટીવી સીરીયલ મહાભારત (પેલું બી આર ચોપરાવાળુ)ની એક કલીપ વોટ્સ એપ પર ફરી રહી છે, જેમાં વિદુરજી યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે “માળી જેમ છોડ પરથી ફૂલ તોડે એમ રાજાએ કર લેવો નહિ કે છોડ આખો, અને જો રાજા આખો છોડ કે ડાળી કાપવાની કોશિશ કરશે તો પ્રજા “મિથ્યાચારી” થઇ જશે અને છેવટે રાજા અને રાજ્યનું પતન થશે..!”
સરસ વાત કરી, ગમી આપણને તો કલીપ..!
એક જમાનો હતો કે આજના “અમુક” કોટ્યાધીપતિઓ જયારે ૨૮ ફેબ્રુઆરીએ બજેટ આવે, ત્યાર પછી બજેટમાં શું આવ્યું છે એની બે દિવસ પછી બે થી ત્રણ કિલોની ચોપડીઓ બહાર પડતી બજારમાં, અને એ લોકો એ ચોપડી લઈને બેસી જતા અને એ ચોપડીમાંથી કઈ આઈટમ ઉપર સૌથી વધારે ટેક્ષ છે એને “આઇડેન્ટિટીફાઈ” કરતા અને પછી એનો “ધંધો” ગોઠવતા..!
જબરદસ્ત પ્લાનિંગ સાથે કામ થતા અને સરકારને “ચુના” લાગતા, એકાદ બે નાની મોટી “માછલીઓ” પકડાઈ જતી,પણ મોટા મોટા મહીસાગર ના “મગરમચ્છ” જેવા લોકો, જેવા “માછલા” પકડાય કે તરત જ કિનારે જઈને બેસી જતા, અમે તો આ “પાણી”માં છીએ જ નહિ..!
સો વાતની એક વાત “ઉંચો ટેક્ષ” સામાન્ય માણસને પણ ચોરી તરફ લઇ જાય..!
મને પણ ક્યારેક ટેક્ષ ભરવો બિલકુલ નોહ્તો ગમતો અને મારી દલીલ રેહતી કે સરકારે આપણા માટે શું કર્યું છે કે ટેક્ષ ભરવાનો..? ઘણી દલીલો કરતો પણ પપ્પાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે પનારો પડ્યો હતો, એટલે સીધુ “ચલણ” જ હાથમાં પકડાવે..જાવ સામે એસબીઆઈમાં જઈને ભરતા આવો..!
અને મને, કે ક-મને તાબે થવુ પડતુ..પણ એ ટેક્ષ ભરવાની આદત આજે ખુબ વહાલી લાગે છે અને એમાં પણ નોટબંધી વખતે તો હૈયે હરખ હરખ થઇ ગયો હતો..!
ટેક્ષ ના ભરવા પાછળના કારણમાં મોટેભાગે રોકડા ભેગા કરી અને અમનચમન કે પછી જમીનો કે ફ્લેટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, આવા “ફાલતુ” કારણો જ રેહતા..!
મારી એક કોલેજકાળની મિત્ર જે આજે સારી એવી મોટી ઇન્વેસ્ટર છે એની સાથે એક દિવસ ફોન પર દલીલો ચાલી એ મને કહે શૈશવ “રોકડા” તો રખાય જ નહિ, તું સીધો હિસાબ સમજ કે અત્યારે મેક્સીમમ ટેક્ષ સ્લેબ ૩૦ ટકા છે, તું એકવાર ત્રીસ ટકા ભરી દે અને એ રૂપિયાને કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડમાં નાખ તો પણ તને દસ ટકા તો છુટશે અને ત્રણ વર્ષમાં તો તારો ટેક્ષ પાછો,અને એકદમ ચેકના રૂપિયા તો આખી જિંદગી વ્યાજ આપે..!
મેં કીધું એઈ મ્યુચ્યુઅલ ફંડ બંડની વાર્તા નહિ હો..તો મને કહે અરે યાર શૈશવ તું એફ.ડી. કરી દે, આમ પણ “રોકડા” તો લોકરમાં જ “સડવા”ના છે ને..! આ તો બહુ બહુ તો પાંચ વર્ષમાં ટેક્ષ પાછો આવે છે અને પછી તો જિંદગી ચેકના રૂપિયા આખી તારી જ પાસે રેહવાનાને..!
છેલ્લા બે દસકાથી ડાયરેક્ટ ટેક્ષમાં તો ઘણી બધી રાહતો આવી છે, એટલે ટેક્ષ ઓછો ભરી અને “રોકડા” જનરેટ કરવાનો કોઈ મતલબ જ નથી રહ્યો..
પણ તકલીફ ત્યાં છે કે જેણે ટેક્ષ એટલે બહુ “મોટા માણસો” ભરે અથવા ક્યારેય કોઈ ચોપડા કે કોઈ રેકોર્ડ મેન્ટેન નથી કર્યો એ લોકોને આજે તકલીફ છે, અને એમને દલીલમાં એક જ વાત છે “ધંધો કરું છું કોઈ ચોરી નથી કરતો, ધંધો કરવો એ કોઈ પાપ કે ગુન્હો થોડી છે ?“
વાત તારી સાચી છે ભઈલા તું ધંધો કરે છે ચોરી નથી કરતો પણ યાર થોડાક ચોપડા તો મેન્ટેન કરવા પડે છે ને તારે..? ઘેર જમવા જાય ત્યારે ઘરવાળી તારા ભાણામાં રોટલી પીરસે છે કે લોટ,પાણી અને તવી ? ઘરવાળી એમ કહે કે લોટ અને પાણી છે આજે રોટલી નથી તો શું કરશો..?
દરેક ધંધાની પોતાની એક રીત હોય છે, અને એ રીતની બહાર જવું એ કોઈપણ ધંધાદારી માટે માથા નો દુખાવો હોય છે.. આજથી લાગુ પડેલો GST જો કોઈ સમજી નહિ શકે કે સ્વીકારી નહિ શકે તો નક્કી ધંધાની બહાર જતો રેહશે..!
કેમકે ઘણીબધી રીત અને રસમ બદલાશે..!
પરિવર્તન એ જગતનો નિયમ છે એ સર્વવિદિત છે, પણ પરિવર્તન ને નહિ સ્વીકારનારો કાળની ગર્તામાં ખોવાઈ જાય છે એ આપણે ભૂલી ગયા છીએ..!
જેટલી સહજતાથી GST નો સ્વીકાર થશે એટલો સમજવામાં સેહલો રેહશે અને જો નથી જ સમજાતું, કે નથી જ સ્વીકારવું એમ કરીને સામા થયા તો “સાફ” થઇ જવાશે..!
હું સરકારની ફેવર બિલકુલ નથી કરતો પણ એટલી હકીકતનો સ્વીકાર “ટ્રેડ” એ પણ કરવો જ રહ્યો કે ઇનડાયરેક્ટ ટેક્ષ વિના કોઈપણ સરકાર એક મિનીટ ચાલી ના શકે..!
સરકાર તરફથી GSTમાં એક સાથે ઘણું બધું ચોખ્ખું કરવાની ગણતરી છે, પણ ક્યાંક ખોટી પડશે ગણતરી, એક સાથે બહુ મોટો ડોઝ આપવાથી ક્યારેક “શોક” બહુ મોટો આવે છે, પેહલા ચિઠ્ઠા પર ચાલતા ધંધાને બીલમાં લાવો અને પછી પેમેન્ટની વાર્તા લાવો ..
અત્યારે “હરામીઓ” ટેન્શનમાં છે કે ૧૮૦ દિવસમાં પેમેન્ટ નહિ કરું તો ભરાઈ જઈશ..! સરકારની નિયત સાચી છે અને સારી છે, પણ હરામખોરો ની સાથે કામ લેવાનું છે..આ ૧૮૦ દિવસમાં પેમેન્ટ પર જેટલું જોર છે એટલું જોર જ્યુડીશયરી પર નાખો અને ચેક રીટર્નની ૧૩૮ નંબરની કલમના જેટલા કેસ છે એનો ફેંસલો ફટાફટ લાવો તો પણ ધંધામાં ચાલતી હરામખોરી થોડી ઓછી થશે..!
આખા દેશની ગટરો ગંદકીથી ખદબદે છે, GST એ ગટર સાફ કરવાનો પ્રયત્ન છે એવું માનું છું, નોટબંધી એ સંપૂર્ણ નિષ્ફળ પગલું હતું હવે જો GST નિષ્ફળ જશે તો પછી ખરેખર જેમ પાકિસ્તાને ૧૯૪૭ થી ૧૯૫૬ સુધી રાજા જ્યોર્જ છઠ્ઠા અને રાણી એલિઝાબેથને બંધારણીય વડા બનાવીને કામ ચલાવ્યું હતું એમ આપણે ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી એમને બોલાવવા પડશે..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા