પાસપોર્ટ લાગે ના વિઝા લાગે ના પ્રેમ દેશ કી સૈર કરો ઇક પૈસા લાગે ના ..
અમારો એક મિત્ર કોલેજના જમાનામાં આ ગીત બહુ ગણગણતો પણ પછી અમેરિકાના વિઝાની લાઈનમાં ઉભો રહી ગયો અને એના નસીબે થપ્પો લાગી ગયો ને ત્યાં જ પ્રેમ કરી ને પરણી ગયો અને ડોલર ની હાયવોય માં લાગી પડ્યો..!!
પણ કલ્પનાઓ કેવી મધુર લાગે.. પાસપોર્ટ લાગે ના વિઝા લાગે ના .,જ્યાં જવું હોય ત્યાં જાવ..!!
કમબખ્ત આ પાસપોર્ટ વિઝા ના ચક્કર ચાલુ થયા અને જધામણ વધી ગઈ..
આચાર્ય રજનીશ કેહતા કે આ પાસપોર્ટ ,વિઝા અને દેશના સીમાડાઓ ના હોવા જોઈએ, જેને જ્યાં ફરવું હોય ત્યાં ફરે અને વસવું હોય ત્યાં વસે ,
પણ છેલ્લા ચારસો પાંચસો વર્ષથી દુનિયા આખીમાં જે મોકાણો થઇ છે ત્યાર પછી આ ધરતીના અગણિત ટુકડા થયા અને એના અસંખ્ય સ્વામીઓ પેદા થઇ ગયા છે..!!
આમ જોવા જાવ તો કયો સર ટોમસ રો વિઝા લઈને ઇન્ડિયા આવ્યો હતો ? કે પછી કયો કોલંબસ વિઝા લઈને અમેરિકા પોહ્ચ્યો હતો ?
અરે આપણા ગુજરાતીઓના બાપદાદા પણ ક્યાં ના ક્યાં દેશવાર જતા ,છેક ઝાંઝીબાર જઈ જઈ ને વેપલા કરી ને આવતા ..!!
હું માનું છું કે વિચારભેદ એ સરહદો ને જન્મ આપ્યો, અને ધીમે ધીમે વિચાર ને આપણે ધર્મનું નામ આપી અને સરહદોને બાંધી અને પાક્કી કરી લીધી ને પછી યુધ્ધો કર્યા..
જો કે ધર્મ ના નામે લડયા એના કરતા વધારે યુધ્ધો ધન, દોલત અને જમીનના ટુકડા માટે લડ્યા ને થોડાઘણા તો જોરુ માટે પણ યુધ્ધો થયા ,
તેમ છતાં પણ ઓવરઓલ ક્યાંય પાસપોર્ટ કે વિઝા જેવી સીસ્ટમ નોહતી ઉભી થઇ અને જેને જ્યાં વસવું હોય ત્યાં વસવાની લગભગ છૂટ રેહતી ..!
ઔદ્યોગિક ક્રાંતિ પછી પશ્ચિમ જગતે લુંટેલો માલ ફરી પૂર્વમાં પાછો ના આવી જાય એના માટે વ્યવસ્થિત રીતે ઈમિગ્રેશન સીસ્ટમ એમના દ્વારા ઉભી કરવામાં આવી, જોડે જોડે પાસપોર્ટ ,વિઝાના ચક્કર ચાલુ કર્યા અને નાગરિકતાના પણ..
પશ્ચિમે લગભગ છેલ્લા બસ્સો વર્ષથી જગત આખા ના ધનસંપત્તિ ને લુંટ્યા પછી દુનિયા આખી ની પ્રકૃતિનું દોહન શરુ કર્યું , દોહન શબ્દ કરતા શોષણ શબ્દ વધારે યોગ્ય રેહશે કેમકે પશ્ચિમ હમેશા પોતાના હવાપાણી ને બહુ નુકસાન નાં થાય એનું ધ્યાન રાખે છે અને બીજાના હવાપાણી પુરા કરે છે ..અને દોહન તો એને કેહવાય કે જેનું દોહન થતું હોય એ પ્રાણી ને પાછું બીજા દિવસ માટે જીવતું રાખવાનું હોય ,આ તો ચૂસી મારી ને ફેંકી જ દે છે..
આજે પણ શીત યુદ્ધ કે ખુલ્લું યુદ્ધ હોય કે પ્રોક્સી વોર બધે જ ચાલતા યુધ્ધોના મૂળમાં તો જે તે દેશમાંથી નીકળતી ખનીજો કે પછી ક્રુડઓઈલ જ રહેલું છે..!
આપણે અત્યાર સુધી પંચવર્ષીય યોજનાઓ બનાવતા, બધી યોજનાઓ લગભગ નિષ્ફળ જ છે પણ પશ્ચિમ પાસે તમને અને મને આવનારા બસ્સો ત્રણસો વર્ષ સુધી પક્કડમાં કેમ રાખવા એના પ્લાનીગ ફૂલપ્રૂફ પશ્ચિમ પાસે કદાચ તૈયાર પડ્યા છે..
એક ચોક્કસ લેવલથી આગળ પશ્ચિમ કોઈ ને પણ આગળ વધવા નથી દેતું..!!
પાર વિનાના સંશોધનો એમની પાસે પડ્યા છે અને પાર વિનાના સંશોધનો ચાલુ છે , બહુ સમજણપૂર્વક નક્કી કર્યા પછી પશ્ચિમ કોઈ વસ્તુ ને પૂર્વની તરફ ફેંકે છે લો ભિખારા ખાવ અને મોજ કરો..!!
પ્રેક્ટીકલી વિચારવા જઈએ ને તો પૂર્વ એને લાયક પણ છે ,મૃત્યુ પછીની જિંદગી પાછળ પૂર્વ એ એટલો બધો સમય બગાડ્યો છે અને હજી પણ સમય બગાડી રહ્યું છે પૂર્વ અને પછી અંદર અંદર બાખડી રહ્યું છે..
પશ્ચિમમાં વસેલા લગભગ દરેક ઈમિગ્રન્ટ ને જીવનમાં ક્યારેક તો સેકન્ડરી સીટીઝન નો એહસાસ કરાવી જ દેવામાં આવે છે..છતાં પણ એ કુવો છુટતો નથી..
જે લોકો સ્વીકારે છે કે કૈક બદલાવની જરૂર છે મારામાં એ ક્યાંય આગળ જાય છે ,
ભારત દેશે અત્યારે જબરજસ્ત બદલાવ નો પવન ફૂંકાઈ રહ્યો છે સીએબી અને એનઆરસી માટે કારણ વિનાના ભય ઉભા કરી કરી ને દેખાડાઈ રહ્યા છે..
ક્યા પગલા પછી નું બીજું પગલું કયું હશે એ કળવું મુશ્કેલ છે, પણ કાશ્મીરને ભારતમાં ભેળવી દીધા પછી સરહદ પાર પણ પોતાના કબજે રાખેલા કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાની હિલચાલો થઇ રહી છે અને એ સમયે ભારતવર્ષની સરકાર શું પ્રત્યાઘાત આપે છે એ જોવું રહ્યું..
યુદ્ધ જવર બંને બાજુ ગમે ત્યારે ઉથલા મારે છે ,ન્યુક્લીયર સ્ટેટની ધમકીઓ પણ આવે છે અને એના યોગ્ય જવાબ અપાઈ રહ્યા છે પણ ભાવિ ના ગર્ભમાં શું છે એ કળાતું નથી , સેનાઓ બેરેકમાંથી બાહર નીકળી તો ભીષણ યુદ્ધ હશે એટલું નક્કી છે..અને પાકિસ્તાન નેસ્તનાબૂદ થશે..!
જે લોકો સીએબી અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે એમને મક્કમ રીતે જવાબ અપાઈ રહ્યા છે કે હવે ભારત એ પ્રેમ દેશ નથી કે તમે એની સૈર કરવા હેંડ્યા આવો…!
આવનારો સમય હજી કપરો આવે તો નવાઈ નહિ ..
સોશિઅલ મીડિયાના જમાનામાં પ્રેમ દેશની સૈર થાય છે પણ મોબાઈલમાં જ ,જો કે આ જ મોબાઈલ કાશ્મીર જો પાછું ભારતમાં લેવાની રાજ નેતાઓ ની ઈચ્છા હશે તો કામ લાગશે..
દુનિયાભરમાં આહલેક મોબાઈલથી જ જાગશે ..જેમ સજ્જન ચૌહાણ ઘોઘારાણા નો વેશ ધરી ને રાત્રે નીકળતા અને પંથક આખામાં લોક ને જગાડી ને સેના ભેગી કરતા..!!
મોટા આતંકી હુમલા નાથી થઇ રહ્યા પણ શાંતિ હજી લોખંડી જાપ્તા હેઠળ છે કશ્મીરમાં , અને એવામાં પાકિસ્તાન કોઈ પલીતો ચાંપે તો ધબધબાટી ચોક્કસ બોલે..
મિયાં ઇમરાન એમ કહે છે કે એકવાર યુદ્ધ ચાલુ થયા પછી કઈ તરફ જાય એની કોઈ ને ખબર નથી હોતી પણ હકીકત એ છે કે યુદ્ધ ચાલુ થશે એની એમને ખુદ ને ખબર પડે તો પણ સારું..
સોશિઅલ મીડિયા ઉપર ઠઠ્ઠા ઘણા થયા કે પાકિસ્તાને પણ આવું જ કૈક સીએબી જેવું બીલ લાવવું જોઈએ પણ હવે એ પાકિસ્તાન છે, એક ફેઈલીયર સ્ટેટ છે, એટલે આપણે એનો વિનાશ નહિ કરીએ તો આવનારા વીસ પચ્ચીસ વર્ષમાં કદાચ જાત્તે જ એનું વિસર્જન થઇ જશે..!
આજે જયારે આપણે પાસપોર્ટ વિઝાવાળી દુનિયા નો સ્વીકાર કરી જ લીધો છે તો પછી સીએબી અને એનઆરસી નું સમર્થન જ કરવું રહ્યું અને સરહદો ને સાચવવી જ રહી..
એક અપેક્ષા ખરી નરેન્દ્રભાઈ ની સરકાર પાસેથી ..
મોટેભાગે ભારતની નકલ કરવા ટેવાયેલું પાકિસ્તાન અને મિંયા ઇમરાન જો કેહવાતા “આઝાદ કાશ્મીર” ને પાકિસ્તાન પોતાનું રાજ્ય ઘોષિત કરે અથવા બીજી કોઈ ચાલ ચાલે તો એને જંગ ના નક્કારા ની પેહલી ચોટ સમજી ને આપણે પણ પેહલો ઘા રાણા નો કરવો રહ્યો..!!
જય હિન્દ
જય હિન્દ કી સેનાએ
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*