ઘણા સમયથી ગુજરાતી પત્રકારોમાં અંદર અંદર કઈક ઝઘડો પડ્યો હોય એવું લાગે છે,મેં બ્લોગીંગ ચાલુ કર્યાને લગભગ ત્રણેક વર્ષ થવા આવ્યા અને બ્લોગીંગ ચાલુ કર્યા પછી એવા થોડા ઘણા વ્યવસાયે પત્રકાર હોય એવા લોકો મિત્રો થયા,
એ પેહલા તો હાર્ડલી બે કે ત્રણ વ્યક્તિને હું ઓળખતો જેમણે પત્રકારિતાને વ્યવસાય રૂપે સ્વીકાર્યો છે..
બે ત્રણ વર્ષથી ઘણા મોટા મોટા પત્રકાર મિત્રોને હું ફોલો કરું છું,કેટલાક મને પણ સામે ફોલો કરે છે..
છેલ્લા ઘણા સમયથી એકબીજાની સામે બહુ જ ખતરનાક રીતે “છીંટાકશી” ચાલી રહી છે, “કાદવ ઉછાળવો” શબ્દ વાપરવો જોઈએ પણ એમાં હવે બહુ મજા રહી નથી એટલે હિન્દી ચેનલો પાસેથી ઉધાર લઈને છીંટાકશી શબ્દ વાપરુ છુ..
અને એમાં મુખ્યત્વે લડાઈ ચાલી રહી છે ગુજરાત સમાચારની સામે એવું પ્રતીત થાય છે..!
એક બહુ જ સમજી વિચારીને ગુજરાત સમાચારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને ગુજરાત સમાચારના શબ્દો એમને ટાર્ગેટ આપી પણ રહ્યા છે, આજે જે હેડીંગ આવ્યું કે “૨૬ જવાનોને ફૂંકી માર્યા” એ તો મારા જેવા બહુ જ લિબરલ માણસને પણ કઠે એવું છે,
“ફૂંકી મારવા” અને “શહીદ” થવુ આ બે શબ્દો ઘણું બધું કહી જાય છે..
નરેન્દ્ર મોદી સરકાર સરેઆમ નિષ્ફળ જઈ રહી છે..ગમે તેટલી બહુમતીથી ચુંટણી જીત્યા અને જીતતા હોય પણ જયારે નકસલવાદ અને કાશ્મીરનો મામલો આવે ત્યારે તો “ભક્તિ” ના થઇ શકે..
પણ સામે કોઈ પક્ષે ૨૬-૨૬ સ્વજનના મોતને શહીદીને બદલે “ફૂંકી માર્યા” એવુ લખે એ પણ સહન ના જ થાય..!
આ દેશમાં પત્રકારિતાએ મને લાગે છે કે વકીલ અને ન્યાયાધીશની ભૂમિકા સૌથી પેહલા લગભગ આરુષી મર્ડર કેસમાં ભજવી અને એ પછી આજ નો પત્રકાર લગભગ દરેક વાતમાં પોતાનુ નાક ખોસી દે છે, છેલ્લા પાંચેક વર્ષમાં વ્યવસ્થિત રીતે બે ધડા ઉભા કરવામાં આવ્યા છે નરેન્દ્ર મોદીની વિરુદ્ધ અને તરફેણ
બસ બે જ ભાગ રેહવા જોઈએ, તટસ્થતા જેવી ત્રીજી કોઈ વાત જ નથી દેખાતી..
તટસ્થ રેહવા માટે જુના અને જાણીતા પત્રકારો, જે પેઢી આજે હયાત નથી હવે એ લોકો હંમેશા “પરિસ્થિતિ”ને ટાર્ગેટ કરતા નહિ કે “વ્યક્તિ”..
જ્યારે પત્રકાર જગતમાં આજે વ્યક્તિ પૂજન બહુ જ મોટી માત્રામાં થઇ રહ્યું છે, જો કે ગુજરાત સમાચારે એક જમાનામાં માધવસિંહ સોલંકીને જબરજસ્ત ટાર્ગેટ કર્યા હતા અને સામે સંદેશે ખુબ જ માઈલ્ડ રહીને સમાચારો છાપ્યા હતા..
હું માનું છું કે શાસનની સામે પડવું એ ગુજરાત સમાચારનો સ્વભાવ છે પ્રકૃતિ છે અને સંદેશ માટે તેરી ભી ચુપ મેરી ભી ચુપ.. દિવ્ય ભાસ્કર કભી હા કભી ના અને નવ ગુજરાત સમયની પાશેરાની પેહલી પૂણી છે..
થોડા ઘણા સેમીનારમાં જયારે જયારે જાઉં છું ત્યારે ત્યારે પત્રકારો બુમો મારતા હોય છે કે તંત્રીઓ અમારા લખાણોને ક્યાંક ક્યાંક કાપી નાખે છે કે પછી ક્યારેક ખખડાવી પણ નાખે છે..અને તંત્રીઓ એમ કહે કે અમારે તો માલિકો જેમ કહે તેમ કરવું પડે છેવટે તો અમે પણ “દાસત્વ” કરીએ છીએ..!
આ બધાની વચ્ચે સ્તંભ લેખકો..(કોલમિસ્ટ)
આ એક એવી જમાત રહી છે કે જે પોતાના લખાણોમાં મૌલિકતા જાળવી અને બની ગયેલી ઘટનાનું જવાબદારી પૂર્વક એનાલીસીસ કરી અને થોડો ભૂતકાળ અને થોડા ભવિષ્યનો અંદાજ આપતી..!
પણ એમાં હવે આજકાલ દર વર્ષે એકાદ બે પદ્મશ્રી ગુજરાતના સાહિત્ય અને પત્રકાર જગતમાં આવે છે એટલે એ પદ્મની લાલચે અમુક અમુક વડીલોએ તો રીતસર બધું જ નેવે મુકીને જે “ભક્તિ” આદરી છે..!
મને તો એમના કરતા પેલી મીના “ભિખારણ” સારી લાગે..પેહલા લખી ગયો છું મીના વિષે, થોડું ટૂંકમાં કહુ તો નેવુંના દાયકામાં એક મીના કરીને ભિખારણ આવતી મારી સોસાયટીમાં હું એને સો રૂપિયા આપતો અને મીના એકાદ બે મીરાંબાઈના ભજન ગાતી, હું મીનાને કેહતો કે મહીને મહીને આવતી હોય તો ..ત્યારે મીનાએ કીધું..નાં સાહેબ એવું દર વખતે હેંડી આવું તો મારી કદર જતી રહે..!
એટલે મીના છ આઠ મહીને એક જ વાર આવતી..
કલાકાર કદરનો ભૂખ્યો હોય નામ કે ઇનામ,અકરામ નો નહિ…!
જયારે કોઈપણ વ્યવસાયની પાછળ “કાર” લાગે છે ત્યારે એણે કારની(ગાડી) ખેવના છોડી દેવી જોઈએ અને ત્યારે જ એ કલાકાર,પત્રકાર,સાહિત્યકાર..(વગેરે વગેરે..) પોતાની અંદર રહેલા ઓજસથી સમાજને અજવાળી શકે..!
દેશ આખામાં બહુ જ ખોટી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે, લોકતંત્રનો એક મોટો પાયો વર્ષો સુધી નરેન્દ્ર મોદીનો વિરોધી રહ્યો અને હવે ભક્તિ કરી રહ્યો છે..
આપડા જેવા સામાન્ય માણસને નરેન્દ્ર મોદીને ઓળખવા કે સમજવા હોય તો પત્રકાર ના લખાણ અને સ્તંભ લેખાંક આ બે જ માધ્યમ છે, એ સિવાય આપણે એમને ઓળખી ના શકીએ અને જયારે આ લોકો પોતે જ અંદર અંદર ઝઘડે અને બાયસ માઈન્ડ સેટ કરી નાખે ત્યારે પ્રજા જાય ક્યા..?
આ એ જ મીડિયા છે કે જેણે અરવિંદ કેજરીવાલને અનહદ માથે ચડાવ્યા હતા અને દિલ્લીની પ્રજા એમાં આવી ગઈ, નરેન્દ્ર મોદીને જયારે સોનિયા ગાંધીએ “મોત ના સોદાગર” કીધા ત્યારે મીડિયાએ લગભગ “હત્યારા” ચીતરી નાખ્યા હતા અને આજે દેવનું સ્થાન અપાઈ રહ્યું છે..!
આપણે શું સમજવુ ..? વાલીયો લુંટારો વાલ્મીકી ઋષિ થઇ ગયો ?અને વાલ્મીકી વાલીયો થઇ ગયો ?
ગુજરાતી સમાચારપત્રોમાં તટસ્થ આંકલન મળતુ નથી..
વિરોધ વ્યક્તિનો,પરિસ્થિતિ કે ઘટનાનો ગમે તેનો હોઈ શકે, પણ આજે તો રાષ્ટ્રપ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે જે ખોટું છે,
GST બીલ રાજ્યસભામાં પાસ કરાવવામાં સરદાર મનમોહનસિંહની દિલેરીને વખાણવાનું એકે એક સમાચારપત્રો ચુક્યા..
આવા ઘણા બધા પ્રસંગો છે, અત્યારે યોગી આદિત્યનાથની ચાલી રહેલી ભક્તિ નરેન્દ્ર મોદીનું કદ વધારવા માટે છે કે ઘટાડવા માટે એ પણ સમજણની બહારનું છે.. એક વાતનો સ્વીકાર દરેક મીડિયાકર્મીએ કરવો રહ્યો કે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે અને હાલ પુરતો એમનો વિકલ્પ કોઈ જ દેખાતો નથી..અને જે રીતની બહુમતીથી પ્રજાએ એ એમને ચૂંટીને મોકલ્યા છે એ રીતે એમનો વિકલ્પ ઉભો કરવા માટે એમને નીચું દેખાડી અને કોઈને આગળ કરવા એ પણ ખોટું થશે..!
નવી નવી પરિસ્થતિઓનું નિર્માણ થતું જ રેહશે, વ્યક્તિઓ પણ આવશે એ જશે પણ જેના માથે માહિતી આપવાનું કામ છે એ જ જો પોતે બાયસ થશે તો સમાજમાં ભાગલા બહુ જ જલ્દી પડશે..
દુનિયાના પેહલા પત્રકાર નારદમુની હતા,એમને વૈકુંઠ હોય કે કૈલાસ અયોધ્યા હોય કે લંકા દરેક જગ્યાએ એન્ટ્રી ફ્રી હતી ,જે કઈ બોલવુ હોય તે બોલવાની છુટ્ટી હતી અભય વરદાન હતું.. ઘણી બધી જગ્યાએ નારદને લાકડા લઢાવનારા તરીકે ચીતર્યા છે પણ એમના હૈયે અને જીહવા પર જગતનો નાથ બેઠો હતો..મન હમેશા ધરતી અને દેવોનું કોઈ અહિતના કરી જાય એ વિચારવામાં વ્યસ્ત રેહતુ હતુ.. સાધુ પુરુષ હતા ..
આજ ના નારદને સાત પેઢીનું ભેગુ કરવાની ખેવના છે અને પચાસ સાહીઠ લાખની ગાડીમાં ફરવાની ઝંખના છે, સરકાર અને સમાજની વચ્ચે દલાલી કરવી છે અને એના માટે રાજનૈતિક ગલીયારામાં “પેઠ” અને સમાજમાં “એંટ” રાખવી છે..!
પણ જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે..ગુજરાતી નવી પેઢીને વાંચતા લખતા આવડતુ નથી હા ગાળો ગુજરાતીમાં આવડે છે..! એટલે ધીમે ધીમે ગુજરાતી છાપાનું પતન નક્કી છે..વાંચવાવાળા જ ના હોય તો છાપીને શું કરશો..?
એક સેમીનારમાં થોડાક પત્રકારોની સામે મેં કહેલું કે તમારા છાપામાંથી કુપન કપાઈ ગયા પછી છાપાની કિમત કેટલી..?અને મારું આ જ વાક્ય મારી જ સામે એક તંત્રી મહોદયે બીજા એક સેમીનારમાં મારી જ સામે વાપર્યું હતું..
હું તો બ્લોગર છું મને કોઈ જ ફેર પડતો નથી મારા બ્લોગ્સ લોકો નીચેથી મારું નામ કાઢીને પોતાનું નામ લખીને ફોરવર્ડ કરે છે.. હું તો કહું છુ “કર અલ્યા કર” એમ તો એમ મારા વિચારો ક્યાંક તો આગળ વધી રહ્યા છે..!
આજે સોશિઅલ મીડિયાના જમાનામાં મારા જેવા નાનકડા બ્લોગરને રોજના દસ વીસ હજાર લોકો વાંચી લેતા હોય તો થોડાક દિવસો જવાદો ,ઈન્ટરનેટ હજી પણ સસ્તું થશે અને છોકરાઓને ગુજરાતી આવડતું નથી અને હફિંગટન પોસ્ટ જેવા મોટા મોટા માથા અંદર આવ્યા છે,પછી તમારી પસ્તી મફતના ભાવમાં અમારે ઘેર તમારે નાખી જવી પડશે..
દિવસો ઓછા બચ્યા છે કરવી હોય એટલે હરામખોરીઓ કરી લ્યો રાજકારણીઓની જોડે રહીને, એ તો બધા જીવવાના મોત તો તમારે માથે ઝળુંબે છે..!
પછી ગાશો કે “લાખ સવાનો તને હાર જ આપું આપું રે તુજને દોરિયો”
તો સામે જવાબ આવશે .. “શાને કાજે નાગણ તારે કરાવી ઘરમાં ચોરિયો..!”
યમુનામાં વિષ ઘોળનારા..ગોકુળમાં કાળ રમી રહ્યો છે..!
નહિ નહિ તોય દેશ આખામાં બે પાંચ હજાર બ્લોગરો મંડેલા છે ફેસબુક અને વોટ્સ એપ પર, દુનિયાભરના લખાણો સોશિઅલ મીડિયા પર ફરી રહ્યા છે.. સોશિઅલ મીડિયાની મજા એ છે કે ઇન્ટરેકટીવ છે.લખાણ ના ગમે તો સામે જ ગાળ આપી દેવાય, ટુ વે કોમ્યુનિકેશન છે છાપા સિંગલ વે કોમ્યુનિકેશન છે..
હવે મારી ઉપર તૂટીના પડશો કે અમેરિકાના તો છાપા હજી “ચાલુ” છે સોશિઅલ મીડિયા અને બ્લોગર છે તો પણ..!
એ ..બકા ..”વટ” કોનો છે..? એ બોલો ને..?
પસ્તી પેપાર…!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા