સુરતના ભજીયાવાલા નો કેસ બહુ ગાજ્યો,ચર્ચાયો..સોશિઅલ મીડિયાએ જેટલી ઉડાવાય એટલી ખીલ્લી ઉડાવી લીધી અને પ્રિન્ટ મીડિયાથી થાય એટલું પોસ્ટમોર્ટમ કરી લીધું..!
હવે શું..? તો કહે મહેશકાકા ભુલાઈ ગયા એમ ભજીયાવાલા ભુલાઈ જશે..! અને બધા કૈક નવુ શોધશે..
“પણ” .. હા મારે આજે આવા કેસમાં “પણ” વચ્ચે નાખવું છે..
પણ કેમ બધાએ ભજીયાવાલા કેસમાં ચીન્ગ્મ ની જેમ ચાવી ચાવીને મજા લીધી..? લગભગ કોઈ જ કેમ બાકી નથી..? શું બગાડ્યું હતું ભજીયાવાલા એ તમારુ..? અત્યારે પડતી “રેડો”માં કરોડો રૂપિયા પકડાય છે અને એ બધું ખરેખર કાળુનાણું છે કે નહિ એ જાણ્યા વિના કેમ જનતા હરખાઈ જાય છે..?
શું ખરેખર એક પ્રજા તરીકે તમારી પાસે એકપણ રૂપિયાનું કાળુનાણું નોહતુ..?
ક્યારેય કશું જ જીવનમાં ખોટું કર્યું નથી..?
ખોટા સવાલો પૂછુ છુ ને..?
મારા મિત્રો કેહશે કે આજે શૈશવે મગજની નસોના તારને એના તાનપુરાના તાર સમજીને છેડવાના ચાલુ કર્યું છે..! ભાઈ શૈશવ તારે હવે જે કેહવાનું છે એ કહી દે યાર ખોટા ખોટા રાગ વિસ્તાર ના કર..!
ઓકે ચાલો પોઈન્ટ પર આવુ..
કોઈને ત્યાં રેડ પડે અને એના રૂપિયા જાય ત્યારે આપણે રાજી રાજી થઇ જઈએ છીએ,એનુ કારણ શું તો એક છૂપો ઈર્ષ્યાભાવ..
ભારતીય સમાજની એક બહુ જ મોટી ખામી જે છેક રામાયણના કાળથી ચાલતી આવી છે રાણી કૈકેયી ને જીવથી વ્હાલા રામની ઈર્ષ્યા થઇ ગઈ..!
આપણે આપણી સાથે રેહતી વ્યક્તિ જયારે આપણને છોડીને આપડાથી સમાજના ઉપલા વર્ગમાં પોહચી જાય અને એવી એકપણ વ્યક્તિ જયારે ગુન્હેગાર ઠરે અને એનું કૈક બુરું થાય એટલે આપણે રાજી રાજી થઇ જઈએ છીએ..
દોસ્તો એક બહુ જ જૂની કેહવત છે “દરેક મોટી સફળતા પાછળ એક ક્રાઈમ છુપાયેલો હોય છે..!” અને ભારત દેશમાં તો આ બહુ જ સાચી અને નીવડેલી વાત છે, ભારત દેશની આઈપીસી ૧ થી ૪૦૦ કલમો અને બીજી હજારો હજારો પેટા કલમો આ દેશના દરેકે દરેક નાગરિકને ગુન્હેગાર ઠેરવવા માટે પુરતી છે..!
હું આજનો બ્લોગ કોઈ ગુન્હેગારને છાવરવા નથી લખતો પણ એક હકીકત એ છે કે ભારત દેશના કાયદા તમારે જો ઝડપથી પ્રગતિ કરવી હોય તો તમને મદદરૂપ નહિ પણ ચોક્કસ અડચણરૂપ જ થાય છે,
અને આવા સંજોગોમાં જો કોઈ એક કાયદાનો ભંગ કરીને કે કોઈપણ રીતે કાયદાની કોઈક છટકબારી શોધીને જો તમે ચુપચાપ કામ કરો તો આગળ એકદમ સ્પીડમાં જવાય છે..! અને લોભને ક્યાંક થોભ રાખો તો પછી પાછળથી ઘણું બધું “સેટ” કરી શકાય છે..!(દરેક સરકાર તમને “સેટ” કરવા માટે બારી ખોલી આપે છે)
હવે અત્યારના સંજોગોમાં જોવા જઈએ તો આખો દેશ “હરામી” અને “ક્રિમીનલ” નીકળ્યો.ભારત સરકારે પંદર લાખ કરોડની નોટો છાપી અને લગભગ એ પંદરે પંદર લાખ કરોડ રૂપિયાની નોટો પછી બેંકમાં આવી ગઈ કે આવી જશે..!
મતલબ શું થયો..? આ દેશમાં કાળુધન હતું જ નહિ..!
એક નાગરિક તરીકે આ દેશના ચાલીસ કરોડ બેંકના ખાતા ધારકો નાલાયક નીકળ્યા અને બાકી હતું તે બેંકોના કર્મચારી અને રાજકીય પક્ષો સહકારી મંડળી ના ખાતેદારો અને સહકારી બેંકો એ પૂરું કર્યું..!
લગભગ આખા દેશે ભેગા થઇને પોતાની જ સીસ્ટમને ઉલ્લુ બનાવી..!
તો પછી એકલા ભજીયાવાલા કે મહેશકાકાને કેમ ગાળો આપીએ છીએ..?
દેશનો એક એક નાગરિક ઓછા વત્તા અંશે હરામી અને નાલાયક નીવડ્યો..!
કાળુધન, કાળુધન વર્ષોથી સાંભળતા આવ્યા અને આજે લગભગ ૩૦મી તારીખે એવું જાહેર કરવું પડશે કે દેશમાં કાળુધન નથી..અને છે તો એ રોકડ નહિ પણ મિલકતોના રૂપમાં છે..!
આ બધી બદમાશીનો કોઈ રસ્તો ખરો ..? સરકાર ઈમેઈલ એડ્રેસ આપે છે જો તમને ખબર હોય કે કાળુધન ક્યાં છે તો અમને જણાવો..!
અરે રે આ હમામમાં તો બધા નાગા છે કોણ કોને નાગો કહે..?
આ નાગાઈનું મૂળ ક્યાં ?
સાત પેઢીનું ભેગું કરી લેવાની લાલસા..!
યેન કેન પ્રકારેણ.. રૂપિયા ભેગા કરવા છે મિલકતો ઉભી કરવી છે અને સાત પેઢીને તકલીફના પડે એવું સેટ કરીને જવું છે..એવું થાય છે ખરું?
ના નથી થતુ, ત્રીજે ત્રિકમલાલ જાગે જાગે અને જાગે..! ત્રીજી પેઢીએ તો ત્રિકમ વાગે અને ગમે તેવી મોટી મોલાતોને તોડવાના વા
રા આવે તો પછી સરકાર જ આ કામ કેમ નથી કરતી..?
દુનિયાભરના બધા, નથી એટલા ટેક્ષ આપણા માથે નાખ્યા છે અને જે દુનિયાભરમાં છે “એ” ટેક્ષ કેમ નથી નાખતી..?
એ ટેક્ષનું નામ છે “વારસાઈ વેરો”
અમેરિકાના ઘણા રાજ્યોમાં તમે મરી જાવ પછી સાત લાખ ડોલર છોડીને તમારી તમામ મિલકતના ચાલીસથી સાહીઠ ટકા સરકાર લઇ જાય અને એ સરકારી ખજાનામાં જમા થઇ જાય..!
અમેરિકાના મોટા મોટા ધનકુબેરોને કુતરા નથી કરડયા કે અઢાર હાથે દાન કરે છે.. આમ પણ મર્યા પછી સરકાર મિલકત ઠોકી જવાની છે તો જીવતે જીવ જીવતુ જગતિયું શું કામ ના કરીએ..?
તમારા છોકરા એમનું કુટી લેશે..!
પણ અહિયાં તો ગલેફું અડધું ડોકટરે કાપી લીધું હોય, પાણી પણ સ્ટ્રો થી પીવું પડતું હોય અને સંતાનમાં એક જ સંતાન માંડ હોય, તો પણ આખા ને આખા શેહર ના શેહર પોતાના કે પોતાની કંપનીના નામે કર્યા હોય..!
આપણે ત્યાં ચાલો સામાન્ય માણસના મર્યા પછી મિલકત માણસાઈની રીતે ના લઇ લેવી જોઈએ ..બરાબર છે અમેરિકામાં પણ સાત લાખ ડોલર સુધી તો કોઈ કશું નથી લઇ લેતુ
તો આપણે ત્યાં ચાલો પાંચ કરોડની લીમીટ કરો .. કોઈ પાંચ કરોડની મિલકત મુકીને જાય ત્યાં સુધી એના છોકરા વારસાઈ વેરામાંથી બહાર પણ પછી એનાથી આગળ તો વારસાઈ વેરો લો..!
અને હા બીજો રસ્તો પોલીટીકલ પાર્ટી મંદિરો,મસ્જીદો,અને તમામ ધાર્મિક ટ્રસ્ટ, નાતની મંડળીઓ અને બીજા બધા ૮૦ જી ના ટ્રસ્ટોની રોકડ અને સોનાને દસ વર્ષ માટે ફીક્ષ ડીપોઝીટમાં લઇ લો વ્યાજ નહિ આપવાનું દસ વર્ષે પાછા..!
ખાલી આટલું થાયને તો ભજીયાવાલા અને મહેશકાકા ઉભા જ ના થાય અને એક સામાજિક સમરસતા ખરેખર પેદા થાય..!
આતંકવાદ રૂપિયાથી પોષાય છે ને તો જાતિવાદ પણ રૂપિયાથી જ પોષાય છે,
અને બીજા મોટાભાગના દુષણો રૂપિયાને લીધે જ પેદા થાય છે
લોઢું ગરમ છે નરેન્દ્રભાઈ.(મને ખબર છે મારો બ્લોગ તમારા સુધી પોહચે છે 😉 )
પ્રજા સહન કરવાના મૂડમાં જ છે
ટીપી ઘાલો..
માર બુધુ ને કર સીધુ
શુભ રાત્રી
શૈશવ વોરા