
પાટીદાર “અનામત” વિરુદ્ધ “લઘુમતી” જૈન ..
અનામત અને લઘુમતી બંને શબ્દોએ હિન્દુસ્તાનની રાજ્યવ્યવસ્થાની ઘોર ખોદી નાખી ,સમાજમાં વણજોઈતો વર્ગવિગ્રહ ઉભો કર્યો ,ના સરકાર બરાબર ચાલી કે ના સમાજ ,
“લઘુમતી” જૈન સમાજ …બહુ ખરાબ શબ્દ લાગે છે મને , બહુ વર્ષોથી આ ભૂત ધુણતું હતું, જૈનોને લઘુમતીનો દરજ્જો આપવાનું , અને એની સામે મોટા મોટા જૈન આચાર્યોએ અને શ્રેષ્ઠીઓ એ બહુ મજબુત અને સાચી દલીલો મૂકી હતી .. જૈન સમાજ ક્યારેય લઘુમતીનો દરજ્જો નહિ સ્વીકારે, અમે ભામાશાના વંશજો છોએ , અમે સમાજને આપવા માટે સર્જાયેલા છીએ લેવા નહિ , અમારે દરિયો છોડી તળાવમાં નથી પડવું , અને આવી ઘણી બધી દલીલ ઉપર વર્ષો ના વર્ષો જૈનોને લઘુમતીનો દરજ્જો આપવાની દરખાસ્ત પેન્ડીંગ રહી , લટકતી રહી ,અને અચાનક એક દિવસ લઘુમતીનો દરજ્જો જૈન સમાજને આપવામાં આવ્યો અને સ્વીકારી પણ લેવામાં આવ્યો…!!!!!!!!!
પાટીદાર “ અનામત “ એક જબરજસ્ત મોટું ભૂત ઉભું થયું છે , ગુજરાત સરકાર માટે તો હા પડે તો હાથ કપાય અને ના પડે તો નાક કપાય .. કરવું શું .?કોઈ જ જવાબ નથી..? પીડાની શરૂઆત ક્યાંથી થઇ ? મૂળ ઘણા ઊંડા છે..
પાટીદાર સમાજે આ દેશને ઘણું બધું આપ્યું છે ,અને સૌથી વધારે આપ્યું હોય તો એ ડહાપણ અને વ્યહવાર કુશળતા ,કોઈ પણ પરિસ્થિતિમાં ટકી જવાની હિમત , પટેલ ગમે તેવા હાલાત ઉભા થાય પણ પટેલ ટકી જાય અને આબાદ બહાર આવે , અને આ બધા વત્તા એક મોટો એનઆરઆઈ વર્ગ આપ્યો , જેણે નામ કાઢ્યું છે ….
થોડી આડ વાત , હવે આ પટેલને ટકાવે પટલાણી… ૧૦ રૂપિયામાં પણ પટલાણી ઘર ચલવે ,અને દસ લાખમાં પણ , પટેલને ફક્ત અને ફક્ત પટલાણી જ ટકાવી રાખે ,અમારા કનકકાકા હમેશા કેહતા તમારે જેની સાથે લડવું હોય ત્યાં લડો , પણ જો તમારી ઘરવાળીનો સાથ ના હોય તો તમે જીતીને પણ હારી જશો , એ જ ન્યાયે પટલાણીની ઘર ચલાવવાની તાકાત પર પટેલ ગામ આખાની પટલાઈ કૂટે, ધંધા ઠોકે કે ખેતી કરે …અને સફળ થયો ..પટેલ સમાજ કામ્યો અને બે પાંદડે થયો ,અને પટેલ સમાજમાં ખભે ખભા મિલાવીને પટલાણી ઉભા રહ્યા … છતાં પણ કલંક તો લાગ્યું દીકરીઓને પેટમાં મારી નાખવાનું , ૯૦૦ છોકરાએ ૭૦૦ દીકરીની એવરેજ આવી … પટેલ સમાજ જાગ્યો અને અત્યારે લગભગ કન્યા ભ્રૂણહત્યાને તિલાંજલિ અપાઈ ગઈ …
આઝાદી પછી બે પેઢી ગઈ પટેલ સમાજની ઘણા ફેરફારો આવ્યા, અમેરિકા જવું એ સૌથી ટોપ પ્રાયોરીટીમાં આવ્યું અને એક મોટો વર્ગ ભણી ગણી અને અમેરિકા પોહચ્યો, હામ ,દામ ,નામ અને ઠામ બધું મળ્યું અમેરિકામાં ,અત્યારે લગભગ ૯૫% પટેલના છોકરા છોકરી ને ભણી ગણી ને અમેરિકા કે ઓસ્ટ્રેલીયા જવું છે ….
આજના પટેલને ખેતી નથી કરવી ,કારખાના કે વેપાર કરવો છે ,નોકરી કરતો પટેલ બહુ ઓછો મળે ..કારખાના અને વેપાર કરી અને રોજગાર ઉભા કરનારા પટેલને રોજગારી માટે અનામતની જરૂર કેમ પડી ..??પીડા ક્યાં ઉપડી..?
સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં લાખોની ફી ભરી અને ગામડાના પટેલના છોકરા એમબીએકે એન્જીનીયર થયા અને નોકરીના નામે શું મળ્યું .. ? શકોરું…. , ધંધાધાપા અત્યારે લગભગ ગુજરાતમાં પડી ભાંગ્યા છે , કારણ શું ? તો જમીનોના ઊંચા ભાવ , અત્યારે જમીનોના જે ભાવ ચાલે છે, એ ભાવે જમીન લઇ કોઈ પણ નવું કારખાનું નાખો તો એ વાયએબલ ના થાય ,( મોટા પ્રોજેક્ટ માટે સરકાર વચ્ચે રહીને હમણાં સુધી સસ્તી જમીનો આપતી .. ટોટલ હલકાઈ ..) બીજું કારણ બાપના ધંધે દીકરાને બેસવું નથી ,તો કરવું શું .?? ખેતી કરવી પડે .. બિલકુલ નહિ ,ખેતી કરી ને મજુરી કુટી કુટીને વીઘે મળે કેટલું ..? હવે તો ભણવું ગણવું છે અમદાવાદ જવું છે અને મોટી નોકરી કરવી છે, નહિ તો સીધા અમેરિકા ,ઓસ્ટ્રેલીયા , ન્યુઝીલેન્ડ ,પણ ગામમાં નથી રેહવું .. પીડા આ છે ..!!!
હવે એક્ઝેક્ટલી જોઈએ છે શું પાટીદારો ને ..? જૈન વાણીયાને લઘુમતી ગણ્યા અને લઘુમતીના લાભો આપ્યા એમ અમને લઘુમતીના લાભ આપો, ક્યાં તો અનામત આપો …
ક્યા લાભ મળ્યા ? આ સેલ્ફ ફાઈનાન્સ કોલેજના નામે અમે લુંટાયા, આટ આટલા રૂપિયા ખર્ચી અને છોકરા ભણાવવાના …પણ જો આ સેલ્ફ ફાયનાન્સ ના હોય અને અમે લઘુમતીમાં આવીએ તો બધી ગ્રાન્ટ સરકાર આપે અને લગભગ મફતના ભાવમાં છોકરા ભણી રહે ..અમારા ઘણા બધા રૂપિયા બચી જાય …વાત સો ટકા સાચી છે .
અને આટલા રૂપિયા ખર્ચી અને ભણાવ્યા પછી નોકરી ક્યાં છે ..? એટલે અમને અનામત આપો
બંને માંગણીનું હું સમર્થન કરું છું , જૈનો એવા ગરીબ કે પ્રતાડિત નથી કે એમને લઘુમતીના દરજ્જાની જરૂર હોય અને પટેલો એવા પીડાયેલા નથી કે અનામત આપવી પડે , પણ હવે જયારે રાજકીય લાભ ખાટવા માટે જૈનો ને લઘુમતીનો દરજ્જો આપ્યો છે તો પટેલને અનામત કેમ નહિ ..??
અને ધીમેક થી વાણીયા બ્રાહ્મણોને કઈ બીજી કેટેગરીમાં નાખો .. રાજપૂત કે આપણે ગુજરાતમાં જેને દરબાર કહીએ છીએ એવા જાડેજા , ગોહિલ એવા છ અટકવાળા દરબાર બાકી છે એમને કઈ બીજું આપો , બાકી કોઈ વધતું હોય તો એમને પણ આપો …
છેલ્લે લઘુમતી અને અનામતમાં રહેલા બધા ત્રાસીને કેહશે કે આ બધું કાઢો અને બધું એક કરો … ત્યારે શાંતિ થશે …
રાજકીય ગણતરીએ તમે જો આ લઘુમતી અને અનામતના ભવાડા બંધ ના કરી શકતા હો તો એને એટલા મોટા કરી નાખો કે લોકો જ ત્રાસે ..
રહી વાત આ આંદોલનની , પ્રભુ ને પ્રાર્થના કે અંદોલન આગળ ના વધે ૧૯૮૫ના તોફાનો મારી આંખ સામે છે .. છ મહિનાનો કરફયુ ,આગ ,તોફાનો અને અસંખ્ય માંઓ ના દીકરા માર્યા ગયા . બીક લાગે છે..
હવે કોઈ ને ચાર પાંચ દીકરા ,દીકરી નથી એક કે બે માંડ હોય છે .. દરેક જીંદગીની કિમત વધી ગઈ છે એકવીસમી સદીમાં .. રીવરફ્રન્ટની રેલી શાંતિથી પતે એવી ભગવાનને ફરી એકવાર પ્રાર્થના …..
ટોળાને અક્કલ નથી હોતી , એ પટેલ ,જૈન ,મુસલમાન ,વૈષ્ણવ ,ક્રિચિયન , ક્ષત્રીય , બ્રાહ્મણ કે ગમે તે નાતજાત નું હોય … ટોળું એ ટોળું જ છે …
શુભ સંધ્યા
શૈશવ વોરા