`મે` મહિનો આગળ જતો જાય છે , જેમના મકાનો નવા બની રહ્યા છે એ બધાના `વાસ્તા` એક પછી એક થતા જાય છે, બાળકોની સ્કુલ શરુ થાય તે પેહલા શીફટીંગ થઇ જાય અને થોડી હડબડાટી ઓછી પોહચે એવી ગણતરી મુકાતી હોય છે મોટેભાગે..!!
અત્યારે હું ગાંધીનગરના રસ્તે છું અને રેડિયો ઉપર પેલા કિશોરકાકા બોલી રહ્યા છે..
એ કાકા આપણા દેશમાં લગ્ન એકવીસ વર્ષે કરવા દે છે અને મતદાન કેમ અઢાર વર્ષે ?
કાકા બોલે છે.. અલ્યા એવું જ હોય વહુ સાચવવી અઘરી હોય છે,એના કરતા દેશ ચલાવવો સેહલો છે..!!
સત્ય વચન..
આજે ઘર અને ઘરના લોકોની વાત …
આ બધા વાસ્તુપૂજાનોની વચ્ચે ક્યાંક આવતા એકાદ બે વર્ષ પછીના લગનો જેમને ત્યાં છે એમના “બાબા” ના રૂમનું પણ રીનોવેશન ચાલી રહ્યું છે..
મને વર્ષોથી પજવતો સવાલ..
*બાબાના રૂમ નું રીનોવેશન કેમ ?*
*તમારા રૂમ નું રીનોવેશન કરીને `બાબા` ને કેમ નહિ આપવાનો ?*
*માસ્ટર બેડરૂમ ઉપર `સાંપ`ની જેમ કુંડલી મારીને કબજો જમાવી ને કેટલા વર્ષ સુધી બેસી રેહવાનું ?*
*દીકરા દીકરીના લગન થાય તો પછી વાનપ્રસ્થાશ્રમ જેવી કોઈ વ્યવસ્થાને સમાજવાની કે નહિ ?*
*બધું `બાબા`નું જ છે તો પછી કંપનીના એમ.ડી. થઇ ને `મરો` ત્યાં સુધી કેમ ચોંટી રેહવાનું ?*
*ભગવાન તમને ભીષ્મ પિતામહની જેમ પોણા બસ્સો વર્ષના કરવાનો છે ?*
અને પોણા બસ્સો વર્ષ જીવ્યા પછી પિતામહ ને શું મળ્યું ? (આશરે ૧૭૦ વર્ષ ગણાય છે પિતામહ નું આયુષ્ય ..)
*બાણશૈયા ?*
વધુ જીવીએ અને સમયસર જો બધું છોડી ના દઈએ તો છેલ્લે બધાને મરતા જોવાના અને મરતી વખતે ખાટલો પણ નસીબમાં નાં હોય..
ઉત્તમ ઉદાહરણ પિતામહ ..!
એક બહુ જ ગંદી સમાજવ્યવસ્થા ઉભી કરી મૂકી છે આપણે, આપણા બાપદાદા આવા મૂરખા નોહતા ,પચ્ચીસ-પચ્ચીસ વર્ષનાં સરસ મજાના જીવન ના ભાગ પાડીને મુક્યા હતા એમણે ,અને આપણે જ બધું `મેશ-અપ` કરી મુક્યું છે..
કશું જ છોડી નથી દેવું , એ પણ પોતાના જ સંતાનો માટે ..અને બોલ બોલ કરવું છે કે અમે તો શું આજે છીએ અને કાલે નહિ … *અમે મરી જઈએ પછી બધું એમનું જ છે,*
*અલ્યા આજકાલની તમને દવાઓ એમ મરવા નહિ દે ..*
રોજની એક ગોળી પિસ્તાળીસે ચાલુ થશે અને એશી ના થાવ ત્યારે દસ ગોળી સુધી પોહચશો પણ `ઉક્લશો` તો નહિ જ..!!
સાહીઠ એ રીટાયર્ડ થાય સરકારી નોકરીમાંથી પણ ધંધાવાળો તો સાહીઠ એ એક્સપાનશન કરે અને છોકરા ને વધારે ગુંચવે..
એવું નહિ કે બાબા બેટા તમે કરો જે કરવું છે તે હું પાછળ બેઠો છું ..બાબા ને દોડાય દોડાય કરવાનો અને ઘરમાં એની વહુ ને ..!
અને ઉપરથી વાર તેહવારે એહસાસ કરવવા નો કે બધું અમારું ઉભું કરેલું છે ..
એક મિત્ર પત્ની નો દાવો છે કે એમના પરમપૂજ્ય સાસુમાં લગ્નના વીસ વર્ષ પછી પણ દિવસમાં એક વાર તો ચોક્કસ બોલે કે અમે બધું પૈસો-પૈસો બચાવીને ઉભું કર્યું છે..!
અને એ મિત્ર-પત્ની એના ધણીને છુટ્ટા મોઢે રાત પડ્યે આપે છે…
પણ બરાબર છે , આપવી જ જોઈએ ..
મારી આગળ કેસ આવ્યો હતો , મેં એની પત્ની ને શીખવાડ્યું બોલતા..
કહી દેજે મમ્મીજી ને ..એમાં એવું છે ને તમે પૈસો-પૈસો ભેગો કરી ને ફ્લેટ લીધો છે પણ રૂપિયો-રૂપિયો ભેગો કરીને ફાર્મ હાઉસ લીધું હોત ને તો પછી તમને ત્યાં જ “હળગાવતે”, અહિયાં શું કે ફ્લેટમાં આજુબાજુ વાળા એવું નહિ કરવા દે એટલે તમને થલતેજ જ લઇ જવા પડશે..!!
મિત્ર બોલ્યો બે એ શૈશાવ્યા તું શું શીખવાડે છે મારા બૈરા ને ..
મેં કીધું સાચું શીખવાડું છું , રોજની આવી એક હથોડી તારી સાસુ તને માથે મારતી હોય ને તો તને ખબર પડે .. કહું એની માં ને એક ફોન રોજ કરશે તને ,હથોડી નહિ મારે ખાલી એક ફોન કરશે અને તારે ત્રણ મિનીટ વાત કરવાની ..
પછી મેં બળતામાં એક ઓર આહુતિ આપી અને ઘી રેડ્યું .. મિત્રપત્ની ને કીધું તે પણ ભૂલ કરી આના બાપને જ પરણવા જેવું હતું..
એટલે ..??
પેલો લગભગ રડવા જેવો થઇ ગયો અને બોલ્યો યાર છોડને શું કરવા મને આટલો બધો `ઝલીલ` કરે છે ?
મને લાગ્યું કે ભઈલો સમજી ચુક્યો છે ,એટલે મેં વાતની છાલ મૂકી દીધી..
પણ સો વાતની એક વાત *“ઘરમાંથી `વર` નાં થાય , વરમાંથી `ઘર` થાય..!!”*
પણ આજકાલના મિલાવટના આજકાલના જમાનામાં ઘર નાનું છે, વર બિચારો સ્ટ્રગલ કરે છે ,
એક આખી જિંદગીની કમાણી એક ઘર લેવામાં હોમાઈ જાય છે , ધણીબાયડી બંને તૂટી મરી અને કમાય નહિ તો ઘરના અને ગાડી ના હપ્તા નથી નીકળતા ,અને એ પુરા થયા ના હોય ત્યાં સંતાનની સ્કુલ કોલેજ ની ફી મારી નાખે છે..!
એટલે ઘર નાનું છે અને વરમાં પાણી પચાસ ટકા જ હોય પછી કકળાટ ચાલુ થાય..!
માતાપિતાએ મેહનત કરીને ઘર બનાવ્યું હોય એટલે એમને એમનો `વહાલો` માસ્ટર બેડરૂમ છોડવાની હરગીઝ ઈચ્છા થતી નથી ,
અહિયાં જ સમજણની જરૂર છે માસ્ટર બેડરૂમ એ ઘરની જવાબદારી છે ,એસી અને લાઈટબીલ ભરવાની જવાબદારી છે,
પોતાના જ ઘરમાં નાના બેડરૂમમાં શિફ્ટ થવું એ વાનપ્રસ્થાશ્રમ ના સ્વીકારનું પેહલું પગથીયું છે..!! અને વહુ દીકરો કે દીકરી જમાઈને સંસારની રીતમાં લાવવાનું પેહલું પગલું છે..
તમે મેહનત કરીને ઉભું કર્યું કબુલ અને ઉભું કરતા જે સમય લાગ્યો તે લાગ્યો પણ એનો મતલબ એ નથી કે સંતાન પાસેથી પણ `પ્રીમીયમ` વસુલવાનું ..
હું આજે પણ ઘણા એવા નંગો ને ઓળખું છું કે જેમના ઘર એમના બાપના પેન્શન કે વ્યાજમાંથી ચાલતા હોય..!
માંબાપ એ `સગવડ` પણ ના આપી હોય , અને `જવાબદારી` પણ ના નાખી હોય,
પછી શું થાય? અડતાલીસ વર્ષે બાપાની સામે જુવે ..!
માસ્ટર બેડરૂમમાં બાપા જ ઊંઘતા હોય..!
જુના જમાનામાં તીર્થ યાત્રાએ જતા વાનપ્રસ્થાશ્રમમાં, પણ હવે તો યુરોપ અને અમેરિકા જવા નો ટ્રેન્ડ છે.. ભલે જતા એમના રૂપિયા છે એ વાપરે પણ જેને પૂરો પગભર થવા દીધો નહિ અને ફેરા ફેરવી દીધા છે એવા બાબા ને પણ કૈક મોકો આપવો રહ્યો ..
હું તો માનું છું કે જુના જમાનાના ચાર આશ્રમપ્રથા શ્રેષ્ઠ હતી, અને આજ ની અમેરિકન સીસ્ટમ પણ એવી જ કૈક છે ..
પચાસ વર્ષે વાનપ્રસ્થાશ્રમ અને પંચોતેર વર્ષ પછી સન્યસ્ત આશ્રમ એ કઈ ખોટી વાત નોહતી પણ આપણે તો પેલા એમડીએચ મસાલાવાળા કાકા જેવું કરવું છે …મસાલાના કન્ટેનર વેચ્યા જ કરવા છે આવતા ત્રણ ચાર જન્મ સુધી..!!
પછી છેલ્લે ઝાડ પડ્યું ને જગ્યા થઇ એવું થાય ..!!
વિચારજો જેમના પચાસ પુરા થયા છે દીકરા દીકરી પરણાવી દીધા છે એ બધા ..
માસ્ટર બેડરૂમ આપ્યો કે પછી સાંપ ની જેમ કુંડલી મારીને બેઠા છો ..?
કોમેન્ટ સેક્શનમાં ખોટા સંયુક્ત કુટુંબ ગુણગાન ગાવા નહિ..
સંયુક્ત કુટુંબની જ આ મોંકાણ છે ઈચ્છાઓ છૂટતી નથી, અને જીભડી કાબુમાં રેહતી નથી અને `બીજા` ને હંમેશા પોતાના કાબુમાં રાખવા છે…
સંયુક્ત કુટુંબની આ એક વિડંબના છે ..
જો ડાયાબીટીસ અને બ્લડપ્રેશર એ મનનો રોગ છે એવું ડોકટરો કેહતા હોય, તો દુનિયામાં સૌથી વધારે આ બે રોગ ના `મરીઝ` પણ ભારતમાં છે ..
અને દુનિયાના સૌથી વધારે સંયુક્ત કુટુંબ પણ ભારતમાં જ છે..!!
અનેકો અનેક રંગ ધરાવતી દુનિયાનો આ પણ એક રંગ છે ..
અને ક્યાંક `ચચરી` હોય તો સુધરજો..
અને ફોરવર્ડ કરજો , કોઈક બાબા ને અને એની વહુ ને બ્લડ પ્રેશર કે ડાયાબીટીસ આવતો અટકશે..!
રાધા ,રુકમણી ,કે સીતા ના સાસુ-સસરા એ સન્યસ્ત આશ્રમ સ્વીકાર્યો હતો..
બાકી તો આપની સાંજ શુભ રહે..
શૈશવ વોરા