પ્રેમજી ..ગુજરાતી મુવી ..
ગઈકાલે ફેસબુક મિત્ર હેમંત દવેનો આગ્રહપૂર્વક નો સંદેશો આવ્યો શૈશવભાઈ અમારી સાથે પ્રેમજી જુવો, બીજી વખત રીલીઝ કરી રહ્યા છીએ..અને રવિવારે સ્ક્રિનીગ છે તમારે આવવાનું જ છે..!
આગ્રહ એવો પ્રેમભર્યો હતો કે માન આપ્યે જ છૂટકો હતો..
પણ સાચું કહું તો ખૂબી અને ખામીથી ભરેલુ ગુજરાતી મુવી પ્રેમજી ગમ્યુ..એકાદ વાર ચોક્કસ જોવાય..રૂપિયા ખર્ચીને પણ જોવાય..!
જુના ગુજરાતી મુવી જોયા હતા સંતુ રંગીલીના સમયના, પછી તો જે ગુજરાતી મુવી આવ્યા કે ગુજરાતી મુવી જોવા માટે થીયેટરનો રસ્તો જ ભૂલી ગયા અને લગભગ ગુજરાતી નાટકો જોવા પર ચડી ગયા,તે પછી છેક “છેલ્લો દિવસ”,”કેવી રીતે જઈશ” ના આવ્યા પછી અમે ગુજરાતી મુવી જોવા પાછા થીયેટરમાં વળ્યા..!
જેને આજકાલના છોકરા અર્બન ગુજરાતી ફિલ્મ બોલે છે અને એ જોવા માટે પાલડી વાસણાનું ટીપીકલ નાટકો જોતું “ક્રાઉડ” ને થીયેટર સુધી ખેંચી લાવવુ એ સર્જકો માટે બહુ મોટું ટાસ્ક છે..!
કોઈકના આગ્રહને લીધે આવી રીતે ભૂતકાળમાં એક ગુજરાતી નાટકના સ્ક્રીનીંગમાં અમે ઘુસી ગયા હતા અને રીતસરના થાંભલા શોધીએ કે અલ્યા આવડા મોટા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં વચ્ચે એકે થાંભલો કેમ નથી..?
માથા પછાડવા તો ક્યાં જઈને પછાડવા ..? એવા ભરાઈ જઈએ અને એમાં ઉપરથી નાટકના કલાકારોના ભાઈબંધો પાછા તાળીઓ પાડે..!
બહુ કફોડી પરિસ્થિતિ આવે સ્ક્રીનીગમાં જઈએ ત્યારે..
જોકે આજે પ્રેમજીમાં એવું તો નોહતુ ..સારી મેહનત કરી છે આખી ટીમે અને લોકેશન કચ્છ અને અમદાવાદના હતા એટલે ત્યાં જ પોતીકું લાગવા માંડે ..
પ્રેમજીના પાત્રની એક્ટિંગ ખરેખર સુંદર..એકવાર તો થઇ ગયું કે આવો “લીટો” (બાયલો) ક્યાંથી શોધી લાવ્યા છે આ લોકો..! પણ સાચો પ્રેમજી મુવી પત્યું પછી હાજર થયો ત્યારે ખરેખર તાળી પાડવાનું મન થયું કે યાર આ તો “લીટો” નથી “સીધો” છે…!
દાદ આપવી પડે એની એક્ટિંગ ને..!
જમાવટ તો થઇ જાય છે..સંગીત પણ ખરેખર સરસ છે પણ ડાયલોગ ડીલીવરીમાં માર ખાય છે મુવી .. કચ્છનું લોકેશન અને કચ્છી પેહરવેશ અને કચ્છમાં આખું મુવી ફરે અને ડાયલોગ બોલાય અમદાવાદી ભાષામાં..!અથવા મુંબઈના નાટકોની જેમ..!
આખા કચ્છમાં ગમે ત્યારે જાવ તો “એ ભલે ભલે..” આ ત્રણ શબ્દો તો ટીપીકલ રીતે બોલાય જ, ડાયરેક્ટર અહિયાં ચુક્યા..કચ્છની ઓરીજીનલ દાબેલીમાં અમદાવાદી અમુલનું ચીઝ નાખી દીધુ..!
ક્યાંક અર્બન અમદાવાદી પબ્લિકને થીયેટર સુધી ખેંચી લાવવાની લાલચે આ ચૂક થઇ હોય એવું લાગે છે.. અને કોલેજના સીનમાં જ્યાં અમદાવાદી કલ્ચર બતાડવાનું હતું ત્યાં દેશી ગામડિયા દેખાડ્યા..!
સંગીતના પાર્ટમાં ક્યાંક ક્યાંક તાનપુરો વાપર્યો છે અને જોડે તબલાની તાકાત વાપરી અને એકાદો તરાનો નાખી દીધો હોત તો જમાવટ થઇ જાત.
નાની નાની ભૂલો છે પણ સ્ટોરી લાઈન મજબુત છે ઇન્ટરવલ ક્યાં આવે એની ખબર નથી પડતી, થોડા મરીમસાલા છાંટવાની કોશિશ થઇ છે આઈટમ સોંગ નાખ્યુ કોઈ કારણ વિનાનું, અને નાખવું જ હતું પછી “આઈટમ” સારી લાવવા જેવી હતી એકાદી “સારી” આઈટમ નાખી હોત તો એ આ મુવીને મહિનો તો થીયેટરમાં ટકાવી દેત..!
એક પછી એક આવતા વળાંકો સીટ પર બેસાડી રાખે, પેહલીવાર રીલીઝ કર્યું ત્યારે લોકો એ બહુ લાંબુ છે એવી બુમો પાડી હતી એટલે ક્યાંક ક્યાંક કાતરો ફેરવી અને “માપ”માં ફિલ્મ લાવ્યા છે..
પરીક્ષાઓની મોસમ પુરબહારમાં ખીલેલી છે એટલી ઓડીયન્સ માટે તકલીફ, પણ તકલીફ તો રેહવાની જીવનમાં..!
એકાદો બોલ્ડ ટ્વિસ્ટ હેરાન પણ કરી જાય અને એ પણ મારા જેવા અઠંગને, એટલે મગજ ચકરાવે ચડે કે અલ્યા એ આ ક્યાંથી ક્યાં લઇ જાય છે ફિલ્લમને..! આટલો બોલ્ડ સીન એકાદ બે સેકન્ડમાં પતાવી દીધો, મેં જ્યારે વાર્તા લખવાનું ચાલુ કર્યું ત્યારે મને એક મિત્રે સલાહ આપી હતી કે લખતી વખતે ક્યારેય એમ ના વિચારતો કે આ વાર્તા મારા કોઈ સ્વજનો વાંચશે અને મારા વિષે શું વિચારશે જે મનમાં આવે એ એકવાર તો લખી જ નાખજે..અને એમાંથી પછી સાયકલ મીટીંગની શર્વરી જેવું મજબુત પાત્ર હાથ લાગ્યું જે કદાચ હજજારો ની ફેન્ટસી થઇ ગઈ..બોલ્ડ સીનમાં કોઈની દરકાર જ ના રખાય એક વાર તો આખો ઠોકી જ દેવાય..ઘૃણા ઉત્પન્ન કરવા અને એના પછીની સહાનુભુતિ ઉભી કરવા માટે બહુ કામ લાગે છે અડધી મિનીટનો સીન..!
પણ આ બધાની વચ્ચે એક વાત તો કેહવી પડે “લીટો” આખી મુવીમાં છવાયેલો તો ચોક્કસ રહે છે..!
જો કે ગુજરાતી માનસને આખી ફિલ્મને એક ઘટના કે વાસ્તવિકતા સાથે જોડવી જરાય ના ગમે મનોરંજન પુરતી બરાબર છે..
રામલીલામાં પણ કચ્છ હતુ અને એમાં પણ પેહલા તો નખત્રાણામાં હથિયારની દુકાનો દેખાડી હતી..ત્યારે એકવાર એમ થઇ ગયું હતું “હેં કચ્છ આવું ક્યારથી થઇ ગયું..?”પણ એ સંજય લીલાની ખૂબી હતી કે જેનું અસ્તિત્વ નથી એ બતાડ્યુ..અને લોકોને મોજ કરાવી..
અહિયા પણ થોડુક એવું ખરુ, નથી એ બતાડ્યુ છે..
અને મજા જ એની છે..
પ્રયોગો તો થવા જ જોઈએ નવું આવે તો જ જુનું જાય, રામાયણ અને મહાભારતમાં પણ શ્લોક સમય સમય પર ડીલીટ અને ઓલ્ટર થયા છે, અને હું તો ત્યાં સુધી માનુ છું કે ભગવદ્ ગીતામાં પણ ઓલ્ટરેશન થયેલું છે..!
એટલે એક મુવી ઓલ્ટર કરીને ફરી થીયેટરમાં મુકાય તો કઈ ખોટું નથી..
ચાલો અહિયા પૂરુ કરુ છુ
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા