કર્ણાટક .. કર નાટક.. બહુ જૂની ઉક્તિ છે મુંબઈના લોકો કર્ણાટકના લોકો માટે વર્ષોથી આ શબ્દ વાપરતા આવ્યા છે, આપડે કર્ણાટક જોડે પનારો ઘણો ઓછો પડ્યો છે જયારે મુંબઈને વધારે..
એટલે કર્ણાટકની સંધી “કર-નાટક” કરી અને છૂટી પાડી દેવાઈ..
ચાલે પણ આવી મજાક મસ્તી ચાલે..
આ વખતે ચૂંટણી પ્રચારમાં બરાબર “કર-નાટક” નો ઉપયોગ થયો, અને ચતુર સુજાણ થી લઈને ઘોઘારામ બધાએ એનો ઉપયોગ જબરજસ્ત રીતે કર્યો..
થાય એટલા બધા નાટક બધાએ કરી લીધા, અને છેવટે બદલાયેલા શેડ વાળો ભગવો લેહારાયો..
ભગવા અને કેસરિયા રંગ માં ફર્ક છે જેમ પ્રવીણ તોગડિયા, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી ના હિન્દુત્વમાં ફર્ક છે તેમ..
કેસરિયો બાબરી તોડી પાડે છે, જયારે ભગવો કોર્ટમાં કેસ છે એમ કરી ને પાંચ વર્ષ બરબાદ કરે છે..!!
છતાં પણ બીજી ઘણી બાબતો ભગવાએ `કવર` કરી અને કર્ણાટકનું રણ જીતી લીધું ..
કોંગ્રેસના વળતા પાણી છે અને ૨૦૧૯ના પડઘમ વાગી રહ્યા છે..
પીપીપી પોંડીચેરી પંજાબ અને પરિવાર સિવાય ક્યાંય સરકાર રહી નથી છતાં પણ આ વખતે એક ખૂબી જોવામાં આવી રહી છે..ચૂંટણી સમયે આઘાપાછા થતા જેમને સેવક શિરોમણી ચુનાવી વ્યંડળો કહે છે એ આમતેમ થાય છે બાકી કોંગ્રસ અકબંધ રહી છે..
આશ્ચર્યની વાત છે..
કોંગ્રેસ ના કલ્ચર પ્રમાણે કોંગ્રેસ તૂટી પડવી જોઈતી હતી અને ટુકડે ટુકડા થવા જોઈતા હતા છતાં પણ એવું કઈ થતું નથી…!
મારા જેવા ને એમ થાય કે ભાજપના અશ્વમેઘ નો અશ્વ હવે જરાક સિંધ બલુચ કે સરહદ તરફ જાય તો સારું.. ઘેર તો બધું પૂરું થયું..
રોજ સવાર પડે અને બે ચાર મેસેજ આવે કે સાત સીટ માટે પંદર દવસ તો બહુ કેહવાય આમ કરી નાખશે અને તેમ કરી નાખશે..
જે પ્રકારનું લોકતંત્ર આપણે ઈચ્છતા હતા એવું મળ્યું નથી, પણ જે છે એ ચલાવી લેવાની વાત છે ..
સદીઓથી રાજ્યવ્યવસ્થા વિષે મનોમંથન થઇ રહ્યા છે, પણ એક આદર્શ રાજ્ય વ્યવસ્થા ને દુનિયાનો કોઈ દેશ ઉભો નથી કરી શક્યો કે ક્યાંય ચાલી નથી..
કર નાટક માં ભજવાઈ રહેલા નાટક અમેરિકામાં પણ થઇ ચુક્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય ઉપર પણ શંકાની સોયો લાગેલી છે તો પછી ભારતમાં દંભ શાને ?
આપણને બાળપણથી કેહવામાં આવે છે કે ઓછો ખરાબ શોધો ભાઈ, એકદમ સારો માણસ તો મળવાનો જ નથી..
એટલે હવે કઈ બીજું થઇ શકે તેમ નથી એવું આપણે સ્વીકારી લીધું છે, અને એમ જ જીવીએ છીએ..
દરેક વાતમાં વહીવટ અને છેડા શોધતી નીંભર અને આળસુ પ્રજા આવી જ પરિસ્થિતિને લાયક હોય છે ,આજે જે સ્થિતિ કર્ણાટકમાં બની છે તે જ સ્થિતિ હવે લોકસભામાં આવશે એવી એંધાણીઓ વર્તાય છે..
ગૂંચવાડા ભરેલી જટિલ ચુંટણીપ્રથા સાદા દેશીહિસાબ સમજતી પ્રજાને સીસ્ટમમાંથી બહાર ફેંકી દે છે..
આદર્શ રીતે એવું હોવું જોઈએ કે જેનો વોટ શેર વધારે એની પાસે મેક્સીમમ બહુમતી હોવી જોઈએ પણ એવું થતું નથી ..
ક્યાંના ક્યાં લશ્કર લડે અને છેવટે થાકીને પ્રજા પૂછે અલ્યા ફાઈનલી શું કરવાનું છે એમ બોલો…
અપેક્ષા હતી કે નવી બંધારણ સભા બેસે અને જુના કાયદા રદ થાય અને થોડું પોલીટીકલ સીસ્ટમમાં પણ સરળીકરણ આવે ..પણ એક જીએસટી લાવી અને સેટ કરતા તો ફીણ પડી ગયા અને એમાં પણ હજી આવકનો મુખ્ય સ્ત્રોત એવા પેટ્રોલ ડીઝલને તો જીએસટીના દાયરાની બાહર રાખવા પડ્યા છે..
એટલે હવે કઈ વધારાનું થાય એવી આશા રાખવી એ ચમત્કારની આશા રાખવા બરાબર જ છે..
કોંગ્રસ મુક્ત ભારત એ શક્ય નથી આજ ની પરિસ્થિતિમાં, અસહ્ય મેહનત માંગી લ્યે..
એવું કેહવાય છે કે લોકસભાની ૨૫૦ સીટો ઉપર સીધી ટક્કર છે કોંગ્રસ જોડે છે અને ઘણી બધી સીટો ૨૦૧૪માં જીત્યા એ બહુ જ પતલા માર્જીન વાળી હતી..
એટલે ૨૦૧૯ ડામાડોળ છે..રાજસ્થાન અને મધ્યપ્રદેશ હવે શું જવાબ આપે છે એ જોવાનું રહ્યું, મામાજી અને મહારાણી કસોટીની એરણે છે..
લગભગ ગુજરાત જેવી પરિસ્થતિ થાય આબરૂ બચે..
કર નાટક ના હવે પાંચ વર્ષ નાટક ચાલ્યા કરશે..
આખા ભારતમાં શેહર અને ગામડાના મુદ્દા જુદા પડે છે, અને કર નાટકમાં તો બેંગલોર જેવું મહાનગર વસેલું છે કે જેના છેડા દુનિયાભરના ખૂણે જોડાયેલા છે એટલે અચ્છા અચ્છા પોલીટીકલ પંડિતો થાપ ખાઈ જાય એવી હાલત છે..
બેંગ્લોરનો એક વોટર હાઈલી ક્વોલીફાઈડ છે અને બીજો તદ્દન અભણ..
અને બંનેના મતની કિંમત એક સરખી..
ચુંટણીની બાબતમાં હું ઘણી વખત કહું છું કે મારા મતની અને રસ્તા ઉપર ઉભેલા ભિખારી ના મતની કિંમત એકસરખી છે..હું શું જોઈ અને વિચારીને મત આપું છું અને પેલો શું જોઈને અને વિચારીને મત આપે છે એમાં જમીન આસમાનનો ફર્ક છે, પણ કિંમત એક સરખી..બંને ના મતની ..!
લોકતંત્રની વિડંબણા છે આ…ખાલી કેહવાની જ લોકશાહી દુનિયાભરમાં પ્રવર્તી રહી છે..
જેવો આપણે ગમે તે માણસને ચૂંટીને મોકલીએ છીએ એટલે તરત જ એ માણસ રાજાપાટ માં આવી જાય છે અને આપણે જ ચૂંટેલા આપણા માથે દમન નો કોરડો વીંઝે છે..!
કદાચ આવી જ પરિસ્થિતિ વધુ વર્ષો ચાલી તો દુનિયા આખી ફરીવાર મોનાર્કી તરફ વળે તો નવાઈ નહિ..
એક ડેટા નવો આવ્યો ..
છેલ્લા થોડાક દિવસોમાં મેગન મર્કલ .. ઓળખાણ આપું મહારાણી એલીઝાબેથ બીજાના પેહલા દીકરાના બીજા દીકરા પ્રિન્સ હેરીના વાગ્દત્તા..
ટૂંકમાં પ્રિન્સેસ ડાયેના અને પ્રિન્સ ચાર્લ્સ ના બીજા દીકરા અને અંગ્રેજ રાજઘરાનાના વારસદારની લાઈનમાં પાંચમાં નંબરે આવતા પ્રિન્સ હેરીના થવા વાળા ઘરવાળા..
એમની પોર્ન કલીપ ઉપર નું સર્ચિંગ દુનિયાભરમાંથી સૌથી વધારે થયું..!! અમુક કરોડ લોકો એ મેગન મર્કલને ઈન્ટરનેટ ઉપર શોધ્યા..
હવે આ ઘટનાને રાજાશાહીની લોકપ્રિયતા ગણવી કે પછી બીજું કઈ ગણવું..?
નાટક કે પિકચર જોવા ગયા હોઈએ અને જો ચાલુ પીકચરે કે નાટકે મગજ કસવાનું કે બુદ્ધિ વાપરવાનું ચાલુ કરીએ તો શું થાય ..?
માથું ચડે .. બીજું કઈ જ નહિ
એટલે હવે તો નાટક પૂરું થાય પછી વાત..!
આપડે માથું નથી દુખાડવું સો વાતની એક વાત ..!
આપણો દિવસ શુભ રહે
શૈશવ વોરા