એક રૂપિયાની “પલ્સ” એ ફેબ્રુઆરીમાં ૩૦૦ કરોડનું વેચાણ કરીને “ઓરીયો” જેવી બ્રાંડને પછાડી..! ગ્લુકોઝ,સુક્રોઝ,એસેન્સ અને ચૂરણમાંથી બનેલી અને પાનના ગલ્લે કે કરિયાણાની દુકાને છુટ્ટાની બદલે મળતી “પલ્સ”..જયારે થોડાક વર્ષ પેહલા લોન્ચ થઇ ત્યારે જ એના બ્લેક માર્કેટ થતા..હજામાહજમ નું ચૂરણ અને કાચી કેરીનો સ્વાદ..
કેડબરીની એકલર્સ ની જેમ ઉપરથી કાચી કેરી અને અંદરથી ચૂરણ ,જેમ જેમ એ કાચી કેરી મોઢામાં ઓગળતી જાય એમ એમ અંદરથી ચૂરણનો ટેસ્ટ કાચી કેરી સાથે ભળતો જાય અને લેહજત આવતી જાય..
બે ત્રણ થી વધારે ખવાય તો પછી અડધા કલાકે એ.સી. ચેમ્બરમાં એર ફ્રેશનર છંટાવી દેવુ પડે..! એવી જોરદારની “કિક” આવે..
એક નાનકડો “નકલખોર” પણ ઇનોવેટીવ આઈડિયા ક્યાંના ક્યાં પોહચાડી દે છે..!
નકલખોર આઈડીયા એટલે કહું છું કે પેહલો આઈડિયા એકલર્સનો છે ચોકલેટની અંદર કેડબરી ,પલ્સમાં કાચી કેરી પીપરની અંદર ચૂરણ છે..!
“પલ્સ” ની સેલ્સ ફીગર્સ અચ્છી અચ્છી કંપની અને માર્કેટિંગ ગુરુઓને વિચારતા કરી દે એવી છે..આજ નું ઇકોનોમિકસ ટાઈમ્સ લખે છે કે ભારતમાં શ્યુગર કેન્ડીનું માર્કેટ ૬૬૦૦ કરોડનું છે મહીને…!
અમેઝિંગ…!
આટલુ મોટું માર્કેટ અને પ્લેયર્સ જોઈએ તો ગણ્યાગાંઠ્યા,અને એમાં પણ અનઓર્ગેનાઈઝડ સેકટર તો બિલકુલ જ ઓછુ, જે કોઈ છે એ ખાલી ને ખાલી જાયન્ટ્સ એમાં પડેલા છે, અને સૌથી પેહલો યાદ કરો તો પાર્લે જ યાદ આવે અને આ અનઓર્ગેનાઈઝડ સેક્ટર નજર નાખીને જુવો તો આપણા સિંધી ભાઈઓને દાદ આપવી પડે આ ખુબ જાણીતા છતાં વણખેડ્યા માર્કેટને પણ આઇડેન્ટિટીફાઈ કરી અને હાથ અજમાવી દેવા માટે..
જોકે અનઓર્ગેનાઈઝડ સેકટરે શ્યુગર કેન્ડી બનાવવામાં ઘાલમેલ પણ જબરજસ્ત કરી છે ,પેહલાના જમાનામાં શ્યુગર કેન્ડીનું મેઈન રો-મટીરીયલ ખાંડ એક જ ઓપ્શન હતું, અને ત્યારે તો ખાંડ રેશનીંગ અને કન્ટ્રોલના જમાના હતા એવા સમયે દુનિયામાં અચાનક સોડીયમ સેક્કેરીન નામની પ્રોડક્ટ આવી અને જે ખાંડ કરતા લગભગ ૩૦૦ થી ૪૦૦ ગણી ગળી હતી અને એનો ભાવ ૧૯૯૨-૧૯૯૩માં લગભગ ૧૨૦૦/- રૂપિયે કિલો હતો (મારા જીવનનો પેહલો મોટો સોદો હતો, એક ફાર્મા કંપનીને એક ટન સોડીયમ સેકેરીન આપ્યુ હતુ માટે પરફેક્ટ ભાવ યાદ છે) અને શ્યુગર કેન્ડીમાં સેક્કેરીન બહુ પ્રેમથી વાપર્યું અને પરિણામે એક માન્યતા જનતાના દિમાગમાં ઘર કરી ગઈ કે શ્યુગર કેન્ડી ખાવ તો ગળું બેસી જાય.. ખાંડથી બનેલી શ્યુગર કેન્ડીથી ગળુ ઝટ ના બેસે પણ સેક્કેરીન હોય એટલે ટેણીયાનું ગળુ ગયુ અને એની માં બિચારી ધંધે લાગે..!
એક જમાનામાં શ્યુગર કેન્ડી અને સોફ્ટ ડ્રીંકથી લઈને જ્યાં જ્યાં ખાંડ વપરાતી ત્યાં ત્યાં આ સોડીયમ સેક્કેરીન ઘૂસ્યું હતું..આમ તો કોઈ વાંધો નોહતો આવતો પણ સોડીયમ સેક્કેરીન ને લીધે,પણ પાછળથી સેહજ કડવાશ આવી જતી, અને પછી તો જે લોકો જેમણે આ પ્રોડક્ટ ને પેહલા બિલકુલ “સેઈફ” કીધી એમણે જ કીધું કે આ તો “સેહત કે લિયે હાનીકારક હૈ”
અને નવી પ્રોડક્ટ બજારમાં ઘાલી “એસ્પાર્ટમ”, ઘણા વર્ષો એસ્પાર્ટમ પ્રમોટ કરી અને એસ્પાર્ટમ હજી સુધી ચાલુ છે, એસ્પાર્ટમના પણ લીવો અને ડેક્સટ્રો સોલ્ટ આવ્યા અને હવે એવું કહે છે કે ડાયાબિટીક લોકો માટે બરાબર છે પણ કાર્સિયોજેનિક છે..(વધારે લઇ લ્યો તો કેન્સર થવાના ચાન્સ છે) એટલે ડાયાબીટીક ના હો તો એસ્પાર્ટમ લેવાની એવોઈડ કરો..!
જો કે એસ્પાર્ટમ તો શ્યુગર કેન્ડીમાં વાપરવી પોસાય એમ હજી પણ નથી, અને આજકાલ તો ફૂડ અને ડ્રગ ડીપાર્ટમેન્ટ પણ ખાસ્સુ જાગતુ થઇ ગયુ છે..
“પલ્સ” ની આ સફળતા પાછળ આપણી ચટપટી જીભ છે..આપણને ખાંડમાંથી બનેલી ગળી ગળી પેલી ખટ્ટમીઠ્ઠી ગોળીઓ પણ ભાવે અને જોડે જોડે આંબલીનું ચૂરણ પણ ભાવે..અને બંનેનું કોમ્બીનેશન આવ્યું અને સફળ થઇ ગયું..!
કેટલા બધા આવા કોમ્બીનેશન આપણી જોડે પણ છે, મેં એકવાર પુનામાં થયેલી એક કોકટેલ પાર્ટીમાં આવો જ ટ્રાયલ મુક્યો હતો, ત્યાં ફાંકામાં સ્ટેટમેન્ટ ઠોક્યું હતું કે “ગુડ કેમિસ્ટ ઈઝ ઓલ્વેઝ ગુડ કુક” અને પછી સાબિત કરવાનો વારો આવ્યો એટલે હું બાર ટેન્ડર જોડે ઘુસી ગયો અને પછી કોકટેલ બનાવવાના ચાલુ કર્યા.. સહારો મળ્યો વિનેગર અને ચાટ મસાલાનો..!
પ્યોર રોયલ સ્ટેગ વ્હીસ્કી ને રેડબુલ જોડે મિક્સ કરી સેહજ વિનેગર નાખ્યું અને ઉપરથી ચાટ મસાલો ઠપકાર્યો, અને પછી બાર ટેન્ડરને કીધું ચાખ તો (આપણે તો પીતા નથી એટલે બીજા ને જ ચખાડવું પડે..!) પેલો ખુશ અને જનતાને પીરસ્યું..ચાટ મસાલો કામ કરી ગયો..
પછી તો એપલ સ્મીર્નરોફ જોડે ફાલસાનો જ્યુસ મંગાવ્યો અને મિક્સ કર્યો એમા પણ વિનેગર અને ચાટમસાલો..! જનતા મુડમાં આવી ગઈ, કીવી ફ્રુટનો પલ્પ અને એમાં વ્હાઈટ રમ સેટ કર્યો, દરેકમાં ચાટ મસાલો અને વિનેગર ઠોકરતો ગયો ક્યારેક સેહજ મીઠું અને મરી પણ..લીંબુ પણ નાખ્યા,હા ટેમ્પરેચર નું ધ્યાન રાખવું પડે પાણીની બદલે બને ત્યાં સુધી આઈસ ક્યુબ જ નાખવાના એકદમ ચીલ્લડ પેગ તૈયાર કરવાનો અને ડ્રેસિંગમાં ફુદીનો હાથમાં આવી ગયો હતો,(એકવાર તો કોથમીર પણ ઠોકવાની ઈચ્છા થઇ ગઈ હતી પણ કોમ્બીનેશન સેટ નહિ થાય એમ વિચારી ને માંડી વાળ્યું) વીસેક પીવાવાળાની વચ્ચે સોળ બાટલી પૂરી થઇ ગઈ હતી,મારા સિવાય બધું ફૂલ ટુંન ઘૂઘરા..!
રાત ચડી ગઈ માથે બધા વેઈટરો પણ થાક્યા હતા, પણ એક મારી સેવામાં લાગેલો વેઈટર આવ્યો સા`બ થોડા હમારે લિયે ભી..યે ક્યા પિલાયા આપને સબ કો ? હમને ઇતની તારીફે નહિ સુની હૈ.. બે બાટલી વધેલી પડી હતી, મેં કીધું જા એક પતીલા લે આ, પેલો એક મોટું તપેલું લઇ આવ્યો કિચનમાંથી, મેં વધેલા બધા જ્યુસ અને પલ્પ અને ચાટ મસાલો,બરફ અને બધું ભેગું કરીને ચારેક લીટરનો બલ્ક કરી આપ્યો તપેલામાં,બાર ટેન્ડરને તો બાપડાને ચાખી ચાખીને ચડી ગઈ હતી..પણ ચાર લીટરમાં વેઈટરો એ પણ એમની રાત સુધારી લીધી .!
વર્ષો પેહલા (હર્ષદ મેહતાની તેજી વખતે) એક પિયક્કડ મિત્રને પૂછ્યું હતું અલ્યા આ કોકટેલમાં હોય શું ? ત્યારે એણે ગુજરાતીમાં જવાબ આપ્યો હતો “કઈ નહિ લ્યા, આ તો ગમે તેમ કરીને દારુ ગળેથી નીચે ઉતારવાની વાત છે, તારું કફ સીરપમાં કેટલી ખાંડ હોય છે ને ?બસ કોકટેલ એટલે એવું જ અલ્યા..! ”
બસ “કોકટેલ”નો દેશી સિધ્ધાંત હાથ લાગી ગયો,અને એમાં પછી ચાટ મસાલા આપણે ઠપકાર્યા..!
લાગે છે ચૂરણ ને પણ ક્યારેક કોકટેલમાં ચાન્સ મળે ઠોકવુ પડશે..!
ચાલે ભાઈ ચાલે દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહિયે..!
હજમાહજમ નું ચૂરણ પણ મહીને ત્રણસો કરોડનો વકરો આપે છે..!
૧૩૭ કરોડનો દેશ જે વેચવુ હોય તે વેચાય અને પાછું જે ભાવે વેચવુ હોય તે વેચાય..!
કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે..!
ધંધો શોધતા હો તો આ ચોકલેટ પીપરની તરફ નજર મારજો,(ચાટ મસાલાની ચોકલેટ) જબ્બર પોટેન્શિયલ છે..! ૬૬૦૦ કરોડનો ધંધો..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા