થોડાક સમય પેહલા ખ્યાતનામ મરાઠી ગાયક શ્રી મહેશ કાળે એ ફેસબુક પર એક વિડીઓ અપલોડ કર્યો, મરાઠી નાટક “કટયાર કળઝાત ઘુસલી” નું એક ગીત ઘેઈ છંદ મકરંદ ..!!
આ જ નાટક ઉપરથી ફિલ્મ બનેલી છે અને એમાં પણ આ ગીત છે ,એ ફિલ્મ નો રીવ્યુ લખી ચુક્યો છું , અત્યંત ઉચ્ચકક્ષાની કહી શકાય એવી આ ફિલ્મ બની છે..
શ્રી મહેશ કાળે ને એ વિડીઓમાં પરફોર્મ કરતા જોઇને દિલ બાગ બાગ થઇ ગયું, પણ દિમાગનો કીડો સળવળ્યો ..
અલ્યા આ રાગ કયો ..?
બહુ વાર સાંભળ્યું, ક્યારેક માલકૌંસ લાગે ક્યારેક ભીમપલાસ લાગે. એવો સલવાયો કે ના પૂછોને વાત છેવટે બીજા મિત્રોને ફોરવર્ડ કર્યો વિડીઓ અલ્યા છે શું આ ..?
અચાનક એક મિત્ર નો ફોન આવ્યો એ ભાઈ માલકૌંસ તો ભૂલી જ જા ,અને ભીમપલાસ પણ નથી ધાની છે..
મેં કીધું ધાની ..? પાક્કું ? પેલો કહે બસ્સો ટકા ..
મારું દિમાગ પાછું ૧૯૯૫માં પાછું ગયું ..
આ ધાની ,ઝીન્ઝોટી ,પહાડી આ બધા તો વિશારદમાં ભણ્યા હતા પણ આ તો બધા પૂંછડીયા રાગો.. આમાં ક્યાં કઈ હતું ? અને ધાનીની આવી સરસ રચના..?
પણ પછી દિમાગ દોડાવ્યું કે ખરેખર સૌથી વધારે મીઠાશવાળા અને લોકપ્રિય ગીતો તો હમેશા આવા નાના નાના રાગો માંથી જ તો બન્યા છે..
જેમ કે શિવરંજની..તો ભૂપાલીમાં ગંધાર કોમળ કરો તો શિવરંજની તૈયાર, અને એમાં ગીતો ..?
અધધ ધ .. સૌથી વધારે લોકપ્રિય તો કહે મેરા નામ જોકરનું …જાને કહાં ગયે વો દિન..
રાગને ઓળખવા માટે મારી ડેવલપ કરેલી આ રીત છે, મૂળ થાટથી યાદ રાખવામાં બબાલ થાય છે, કેમકે એક માત્ર ગંધાર કોમળ થાય એટલે શિવરંજનીનું ગોત્ર બદલીને સીધો કાફીમાં થાટમાં લઇ જવામાં આવ્યો છે , પણ સાદી રીતે જોઈએ તો માત્ર એક જ સ્વરનો ફેર છે માત્ર ગંધાર કોમળ છે ,
હા સૂરની લગાવટમાં આસમાન જમીન નો ફેર આવે એ વાત કબુલ, પણ એ જમાનામાં તો બધું પરીક્ષાલક્ષી જ થતું એટલે પછી આવા શોર્ટ કટ મારીને પછી રટટો મારી લેતા..
અને ભૂપાલી તો સૌથી પેહ્લો રાગ શીખવાનો આવતો બીજો દુર્ગા ,ત્રીજો ખમાજ, ચોથો સારંગ એટલે એ અને બીજા પેહલા વર્ષના બધા રાગો એમ ઝટ ના ભૂલાય..!એટલે પેહલા વર્ષના રાગોના આધાર લઈને જ બીજા રાગો યાદ રાખતા ..
હવે એ જ ભૂપાલીના તાર સપ્તક ના ષડ્જ ને ચમકતો રાખી ને તાર સપ્તકમાં થોડી ચંચળતાથી ગવાય તો દેસકાર થઇ જાય..જ્યોતિ કળશ છલકે .. અને દેસકાર ગાવાનો સમય સવાર નો પેહલો પ્રહર થઇ જાય.. બીજા કઈ કેટલાય ગીતો..દેસકારમાં..
તો પછી ધાનીનો બાપડા નો શું વાંક ??
પહાડી અને ઝીન્ઝોટીની ધૂનો સાંભળી સાંભળી ને કાન પાકી ગયા ,લગભગ સંતૂર વાગે એટલે પહાડી આવે અને વાંસળી વાળા ઝીન્ઝોટીને રમાડી લ્યે..!!
ધાની માં આરોહ અવરોહ ની. સા ગ મ ની સાં – સાં ની પ મ ગ મ ગ રે સા છે એટલે જાતી ઓડવ-ષાડવ થઇ જાય છે..
અને ધાની એ શરદ ઋતુ નો રાગ છે,એટલે અત્યારના સમયે સંભળાવાની થોડી વધારે મજા આવે છે , કેમકે `વર્ષારાણી` ગયા અને અને `શરદરાય` આવ્યા નથી, એકદમ સંધિકાળ ચાલી રહેલો છે ઋતુનો એટલે મજા આવે..
પણ ગાવું હોય તો સાચવવું પડે કેમકે ગાંધાર અને નિષાદ બંને કોમળ લાગે અને ઉપરથી પંચમ વર્જ્ય એટલે ઉપર જતા માલકૌંસમાં ભરાઈ જવાય અને પાછા વળતા ભીમપલાસથી સાચવવું પડે ગાંધાર પરનો ઠેહારાવ જો રિષભ પર છૂટ્યો કે ભીમપલાસમાં ભરાઈ જવાય..
સ્પેશીયલી ભાવ દર્શન કરાવવા જાવ ત્યારે ફસાવાના ચાન્સીસ વધી જાય છે..
મોબાઈલ ઉપર ફરતા ફરતા એક પંડિત કુમાર ગંધર્વનો રાગ ધાની નો વિડીઓ હાથ લાગ્યો છે યુટ્યુબ ઉપર નો ..
ગજબ છે એમાં ધાની રાગની શુદ્ધતા..સેહજ પણ માલકૌંસ કે ભીમપલાસ ની અસર સુધ્ધા ના દેખાય અને આખો રાગ સડસડાટ આગળ વધતો જાય છે..!
પણ કુમાર ગાંધર્વજી છે ..ભારત રત્ન પંડિત ભીમસેન જોશીજીના પણ ગુરુ ..!!
ભલું થાજો આ ગુગલનું અને યુટ્યુબનું કે ઘેર બેઠા આવું સાંભળી ને કાન ચોખ્ખા થઇ જાય છે..બાકી તો એલપી અને કેસેટો શોધી શોધી ને થાકતા ત્યારે માંડ જે જોઈએ એ માંડ હાથમાં આવતું ..
આ તો ધાની ગુગલમાં નાખો અને ઢગલો સામે આવે .. મોટા મોટા ઉસ્તાદ અને પંડીતો ના કંઠે ગવાયેલા..!
વાહ રે પ્રભુ વાહ..!
એ ફસાયો.. વિદુષી લક્ષ્મીશંકર નો રાગ ધાની સાંભળી રહ્યો છું અને આરોહમાં પંચમ લીધો છે બહુ સ્પષ્ટ રીતે ..નિ સા ગ મ પ ની સાં , સાં ની પ મ પ ,ગમપની સાં ,પમપ ,સા ..
બોલો હવે ..? આખી રાગની જાતી જ બદલાય ને ..!
આવું થાય ને એટલે આપડે છોડી દેવાનું ભાઈ ..!
જેને જે ગાવું હોય એ ગાય ,જેવી રીતે ગાવું હોય એ રીતે ગાય ..!!
આપણે એવા સમયે રાગ ને બાજુ પર મૂકી ને સ્વરો અને સ્વરો ની સંગતિ જ સાંભળવાની..
સાલું રીલેક્ષ થવા સાંભળતા હોઈએ ત્યાં અ બધા લમણામાં કોણ પડે ?
વિવાદી સ્વર લઇ લીધો હોય કે પછી દખ્ખણમાં એમ ગવાતો હોય અને કોઈક ઘરાનામાં પણ આવી રીતે ગવાતો હોય તો ?
એકવાર સપ્તકમાં આવી રીતે હું સલવાયો તો ..
એક મોટા ઉસ્તાદ હવે એમને રાજકારણીઓના નામ ઉપરથી નવા નવા રાગ બનાવવાના ઘણા ચસકા..
હવે એમણે એક રાજકારણી નામે રાગ “બનાવ્યો” ,અને એ રાગનો આલાપ ચાલુ કર્યો..
હું મુઓ બોલ્યા વિનાનો રહી ગયો તો, તે મેં વળી એટલી ભીડની વચ્ચે બેઠા બેઠા મારાથી ચોથી સીટે બેઠેલા ને કીધું કે દાવ કરે છે આ ઉસ્તાદ, આખો દરબારી કાનડા છે ,ખાલી ગંધારને બે શ્રુતિ ઉપર ચડાવ્યો છે..! કઈ નવો રાગ બાગ નથી બનાવ્યો ..!
અને મારી બરાબર પાછળ એમના ડીસાઈપલ બેઠા હતા,હવે આપણે રહ્યા નાના બાળ ત્યારે, અને પેલા એ મને એવો ઝાટક્યો ઝાટક્યો કે ના પૂછો ને વાત..
પણ કાળા વાદળા ની રૂપેરી કોરમાં એવું થયું કે આખો પ્રોગ્રામ પત્યો અને અમે કાશીરામ હોલમાંથી બહાર આવ્યા અને ત્યારે બીજા એક બહુ જ મોટા પંડિતજીના ડીસાઈપલ મારી સાથે બહાર નીકળતા મને કહે તું સાચો બેટા આ ખોટા ખોટા ખેલ કરે છે, હું ત્યારે એટલે ના બોલ્યો કે પેલા ઘણા ગુસ્સા માં હતા .. પણ તું સાચો છે..!
એટલે મારું બેટું આ સંગીતની દુનિયામાં આવું બધું પણ ઘણું થાય..!
કોઈ કહે ગાજર અને કોઈ કહે મૂળો ..અને મારા જેવો કહે શક્કરિયું..!!
અને નીકળે સૂરણ ..!!
ક્યારેક ખોલજો યુટ્યુબ અને સાંભળજો ..
આ રાગ રાગીણીઓના સંસારની પણ અજબગજબની દુનિયા છે..
શુભ રાત્રી
શૈશવ વોરા