થોડાક સમયથી લખવાનું ઓછું થઇ ગયું છે ..
વિચારોની હારમાળા જુદી જુદી તરફ જઈ રહી છે,
જ્યાં સમસ્યા દેખાય ત્યાં સમાધાન શોધવા તરફ મન દોડે છે, પણ દરેક વખતે સમાધાન ના દેખાય ત્યારે થાક જેવું લાગે છે અને થોડીક નિરાશા વ્યાપે..
ગઈકાલે સવારે ગાંધીનગરવાળા કારખાને હતો,
જરાક ઓછા માણસો અને કુદરત ખરી ત્યાં ગાંધીનગરમાં, એટલે જમ્યા પછી વોક લેવાની આ સિઝનમાં પણ ભરબપોરે મજા આવે..
હું ફોન પર વાત કરતા કરતા ચાલવા નીકળી ગયો, થોડોક દૂર ગયો અને એક ખુલ્લા મેદાન જેવું આવ્યું અને ત્યાં અચાનક પાછળથી એક મોટ્ટો આલ્ફા મેઈલ વાંદરો આવ્યો અને એક કારખાનાની દીવાલ ઉપર ચડી ગયો ..
દ્રશ્ય ભયાનક હતું ..
એ આલ્ફા મેઈલ વાંદરાના ડાબા હાથમાં કોણીથી લઈને હથેળી સુધીમાં લગભગ સાત-આઠ ઇંચથી વધારે માંસ અને ચામડી નીકળી ગઈ હતી.. અને એમાંથી એના હાડકા બાહર નીકળી ગયા હતા, એનું રેડીયસ અને અલના બાહર દેખાતા હતા ,
વત્તા એની લાંબી પૂછડીના છેડેથી લગભગ એક ફૂટ જેટલું માંસ નીકળી ગયું હતું અને હાડકા દેખાઈ રહ્યા હતા ..કોઈક કારખાનામાં ઘુસતા કે બહાર નીકળતા ક્યાંક ફસાયું હશે પ્રાણી, અને બાહર નીકળવામાં આવી બુરી રીતે ઘાયલ થઇ ગયું હશે એવું મેં માની લીધું.. આજકાલ વાંદરાઓની વસ્તી દરેક જગ્યાએ ખુબ વધી ગઈ છે અને એમનો ઉત્પાત પણ એટલો જ ..
એક બે મિનીટ માટે વાંદરો મને જોવે અને હું તેને..
વાંદરો તેનો ઘાયલ હાથ જોવે અને એની પૂછડી જોવે ..
આપણને વધારે વિચારવાની ટેવ એટલે એટલી સમજણ પડી કે અબોલ જીવને અસહ્ય પીડા થઇ રહી હશે, માટે સતત પોતાની પૂછડી અને હાથના ઘા ને જોઈ રહ્યું છે..
એની નજીક જવાની કોશિશ કરી , વ્યર્થ હતી , છતાં પણ કરી જોઈ..
તરત જ ભાગી અને એ ઘણો દૂર જતો રહ્યો..!
કશ્શું જ ના કરી શક્યો શૈશવ એના માટે..
થોડાક દિવસ પેહલા હું કોઈક ને ત્યાં બે પગથીયા ચુકી ગયો હતો અને એવે સમયે પગનો પંજો વળી ગયો હતો ત્યારે જે હાલત થઇ હતી મારી ..,
સદ્દનસીબે ફ્રેકચર કે બીજું કશું ના થયું ,પણ સખ્ખત દુ:ખાવો ..
એ ઘટનાને યાદ કરી અને પેલા વાંદરાની પીડાને સમજવાની કોશિશ કરી ,
પણ નક્કામું હતું, વાંદરો એના રસ્તે કુદરતના ખોળે જતો રહ્યો હતો ..
આપણે જીવદયા દેખાડવી હોય તો પણ કશું થઇ શકે નહિ એવી વાત હતી..
એક બીજી પણ ઘટના ઘટી હતી..
સાંજના સુમારે હિંચકે ઝુલતા ઘર પાસે મને અચાનક જ અસાધારણ રીતે સમડીની ચિચિયારી સંભળાઈ હું તરત જ બાહર દોડી ગયો..
એક ઘુવડ,
ફુલ્લી ગ્રોન ,લગભગ અઢી ત્રણ ફૂટનું અને એની ઉપર ત્રણ સમડી હુમલો કરે..
તાત્કાલિક રીતે એક લાકડી લઈને મેં સમડાને ઉડાડી મુક્યા, પછી પેલું ઘુવડ મારી ગાડીઓની વચ્ચે ભરાઈ રહ્યું ..
આપણે અમદાવાદ શેહરના રેહવા ટેવાયેલા, આજે પણ લાકડીઓ ઘરમાં ચોક્કસ મળે જ , અને કમ્પાઉન્ડવોલ ઉપર પથરા વત્તા ધાબા ઉપર પણ પથ્થર ,ઢેખાળા રાખવાના જ ..
તાત્કાલિક ધોરણે એક પક્ષીપ્રેમી ભત્રીજાને ફોન કર્યો ..
“શૈશવકાકા એક મોટું ખોખું લઇ અને એમાં બે કાણા પાડો અને એમાં ઘુવડને મુકો હું રેસીક્યું ટીમ મોકલું પણ પેહલા તમે ખોખામાં એને મુકો ..”
ઘર આખું ઘર અને સોસાયટી માથે લીધી, ખોખું શોધ્યું અને કાણું પાડ્યું ,
અમારી સોસાયટીમાં એવું કેહવાય કે શૈશવના ઘરમાં હાથી પણ મળે, પણ માંગો ત્યારે હાથમાં ના આવે, સંઘરેલા સાપ કામમાં આવે એ ન્યાયે આખું ઘર હવે ગોડાઉન બનવાની તૈયારી છે..
બાજુવાળાના છોકરાને લાકડી પકડાવી અને ગાડીઓની વચ્ચે સંતાયેલા ઘુવડની ચોકીદારીએ રાખ્યો,
પાછા આપણે સમડા ભગાડ્યા ને બિલાડા ના ખેંચી જાય “બિચારા”ને..
પણ જરાક વાર થઇ મારે , અને એટલી વારમાં ત્રણે સમડાએ પૂરી તાકાતથી જબજસ્ત વળતો હુમલો કર્યો ,
પેલો “ચોકીદાર” ટેણીઓ પાછો પડ્યો, લાકડી મૂકીને ભાગી છૂટ્યો,
ઘુવડને જીવ બચાવવાનો હતો એટલે એ એનામાં હતી એટલી તાકાત કરી અને ઉડી ગયું,
પાછળ સમડીઓ પણ …
છેવટે ખોખું લઈને પેલા ટેણીયાને ફરી પકડ્યો અને બાઈક પર બેસાડીને આજુબાજુ ઘુવડ બહુ શોધ્યું પણ નિરાશા ..
નિરાશા સાથે પક્ષીપ્રેમી ભત્રીજાને ફરી ફોન કર્યો અને ઘટના વર્ણવી ..
સરસ બોટમ લાઈન આપી એણે “કુદરતને એનું કામ કરવા દો, થાય તો મદદ કરવી, પણ હિંસા કુદરતમાં દરેક જગ્યાએ વ્યાપ્ત છે એ રોકાશે નહિ..”
પેલા વાંદરાના કેસમાં પણ આવું જ કૈક ..!
જીવનમાં પણ આવું જ લાગુ પડે ..
કેટલાય વાંદરા ઘાયલ આજુબાજુ રખડતા હોય છે સેહજ મદદ કરવા જઈએ તો એને એમ લાગે કે આપણે એને વધારે નુકસાન કરીશું એ બીકે ભાગી જાય અને ઘણીવાર ફસાયેલા ઘુવડોને બચાવવાની કોશિશ કરીએ તો એ જ સમડા એને વાહલા લાગે ..
કેમ ?
તો કહે રાત પડવા દો પછી વારો મારો ..!!
પ્રાણી જગતને મનુષ્ય જગત સાથે સેહજ જોડીએ તો આવી બધી ઘટનાઓ ચારેબાજુ દેખાશે..
મોટેભાગે ઘાયલ વાંદરાઓને ખબર જ નથી હોતી કે એમનો ઈલાજ શક્ય છે ..
અને ઘુવડો બચવા તૈયાર નથી..
રાતની રાહ જોવી છે એને, અને પછી સમડીઓને પતાવી દેવી છે, અપના ટાઈમ આયેગા..
સામાજિક પ્રાણી થઇ ગયા પણ હજી અંદરનું જંગલી પ્રાણી એવું જ છે, અવિશ્વાસની ભાવના એટલી જ બળવત્તર છે..!
કંઈ થાય ?
ના થાય..
આપણે પ્રયત્ન કરવાનો,
બાકી તો હવે ઝૂંપડીએથી મેહલે મ્હાલતો મારો રામ રાખે એમ રેહવું..!
જય હો ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*