રમેશ સિન્ડ્રોમ ..
વાત કરું એક સફળ એન્ટરપ્રીનરની..
રમેશભાઈ ખુબ સફળ એન્ટરપ્રીનર, એક સમય એવો કે અમદાવાદની તમામ જીઆઇડીસીઓમાં સ્કુટર લઈને ચાર ચાર ફૂટના ખાડા કુદાવતા ,ટાઢમાં સ્વેટર અને મફલર ને વરસાદમાં રેઈનકોટ પેહરીને ધંધો કરે..
ધીમે ધીમે બે પાંદડે થયા એટલે સ્ટાફ વધ્યો ,રમેશભાઈ પોતે એવું માનવાવાળા કે કારખાનામાં સીસ્ટમ હોવી જોઈએ , માણસથી કામ નહિ ચલાવવાનું સીસ્ટમથી કામ ચલાવવાનું ..
આવો સુંદર સિધ્ધાંત બનાવી લીધો હતો જીવનમાં , જો કે સીસ્ટમ ચલાવવા તો માણસ જોઈએ પણ એમણે કોઈક એમબીએના પ્રોફેસર પાસેથી જ્ઞાન લીધું, પ્રોફેસરે ભારતીય રેલ્વેના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે રેલ્વેમાં બે પાંચ દસ એન્જીન ડ્રાઈવર માંદા પડે તો રેલ્વે બંધ ના થઇ જાય કારણકે આખી સીસ્ટમ બેઇઝ છે ,એક ની જગ્યા બીજો લઇ લે પણ રેલ્વે ઠપ્પના થાય..
પછી એ જે કોઈ પોતાના કારખાના માટે સીસ્ટમ ડેવલપ કરવાની હતી તે ધીમે ધીમે જાળું એમની પોતાની આંતરસૂઝ પ્રમાણે ગૂંથતા ગયા અને આગળ વધતા ગયા..
હવે થયું શું કે રમેશભાઈ એ પોતાની જે સીસ્ટમ ડેવલપ કરી તેમાં એવું નક્કી કર્યું કે દરેક માણસ જે રાખ્યા છે તેને લગભગ દરેક વસ્તુનું નોલેજ આપવું..
કોઈ ને ભણેલાને “અભણ” રાખવો નહિ ..
તકલીફ અહિયાં આવી ..સીસ્ટમ ચલાવનારા દરેક મેનેજર ઉર્ફે ગાડા નીચે ચાલનારા કૂતરા પોતાને બળદ સમજવા લાગ્યા..
બળદ તો આખી કંપનીમાં એક જ હતો રમેશભાઈ પોત્તે .. પણ રમેશભાઈની જે વાતચીતની કરવાની સ્ટાઈલ ,એમની અધિકારીઓ સાથે ડીલ કરવાની પદ્ધતિ આ બધું એમના માણસો શીખતા ગયા .. સીસ્ટમની સાથે સાથે ..
અને એમાં જેમ મોટેભાગે ઈશ્વરને વધુ પ્રમાણમાં ભજવાવાળા લોકો પોતાની જાતને ઈશ્વર સમજવા લાગે છે અને દુનિયાભરમાં જે અતિધાર્મિક લોકો જે પાપને પુણ્ય સમજી અને કરવા લાગે છે તેમ રમેશભાઈના માણસો ધીમે ધીમે પોતાની જાતને રમેશભાઈ સમજવા લાગ્યા..
ધર્મના કેસમાં તો કેવું કે કે દુનિયમાં જેની પણ આરાધના થાય છે એમાંનો એકપણ ઈશ્વર આપણી પાસે સદેહે હાજર નથી એટલે બની બેઠેલા ઈશ્વર થોડાક સમયમાં પરખાઈ જાય ..
પણ રમેશભાઈના માણસોના કેસમાં તો રમેશભાઈ સદેહે હાજર એટલે જુના માણસો સવાયા રમેશભાઈ થઇ ગયા અને રમેશભાઈને શીખવાડવાનું ચાલુ કરી દીધું કે શેઠ કંપની આમ ચલાવાય અને આમ ઉભી થાય..
અલ્ટીમેટ રીઝલ્ટ શું ? તો ગાડા નીચે ના કૂતરા ગાડાને ક્યા રોડ ઉપર લઇ જવાનું એ નક્કી કરે એટલે ગાડું ખાડામાં પટકાય..
છેવટે રમેશભાઈ એ નક્કી કર્યું કે આપણે આ બધું હવે છુટું કરો..
બધા જ કુતરાઓ તોરમાં આવી ચુકેલા પચ્ચીસ પચ્ચીસ વર્ષથી નોકરી કરીએ છીએ અમે ,શેઠને ઉપર લાવનારા અમે છીએ અમે બીજી કંપની ઉભી કરીશું તો કોઈ કે રમેશભાઈની કોમ્પિટિટર કંપનીઓમાં જઈને ગાણા ગાયા .. રમેશભાઈને હું ઉંચો લાવ્યો છું મને રાખી લ્યો હું તમને એમનાથી આગળ લઇ જઈશ..
તમામ છુટા થયેલા “રમેશભાઈઓ” પાસે રમેશભાઈના લક્ષણ કરતા અપલક્ષણ વધારે હતા..
જેમ કે રમેશભાઈએ એ જમાનામાં ટાઈપીસ્ટ તરીકે કોઈ ફરફરાટ અંગ્રેજી બોલતી અને કમ્યુનિકેશનમાં પાવરફુલ એવા કોઈ દક્ષિણ ભારતીય લેડીને રાખ્યા હતા અને એ બેન એ જમાનામાં સુંદર મજાના લેટર્સ જાતે લખે ,સાથે સાથે ટેલીફોન ઓપરેટરનું પણ કામ કરે.. મલ્ટી ટાસ્કર લેડી અને ઘણીવાર રમેશભાઈની કેબીનમાં બંને જણા કેબીન લોક કરીને બેસે પણ ખરા ..
બસ ગાડા નીચેના કૂતરા હંમેશા એવું માનતા રહ્યા કે રમેશભાઈ અને એ બાઈ વચ્ચે કૈક ગડબડ છે જ્યારે હકીકત એ હતી કે પેલા બેનનું દાંપત્યજીવન ડખે ચડેલું હતું અને બાઈ રમેશભાઈની સલાહ લેતી અને એમની સલાહએ એનું દાંપત્યજીવન સરખું થઇ પણ ગયું હતું.. પણ હું રમેશભાઈથી આગળ છું એવું વિચારીને છુટા થયેલાએ પેહલું કામ ફરફરાટ અંગ્રેજી બોલતી સ્ત્રી શોધવાનું કર્યું અને કેબીન બંધ કરી દીધી ..
જય હો .. પછી તો એણે કોઈક રીલ્સ જોઈ જેમાં આવ્યું કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે અને સફળતા વધુ જોઈતી હોય તો સ્ત્રીઓ વધારતા જાવ .. લત લાગી ગઈ .. રમેશભાઈ સિન્ડ્રોમ એ એના જીવનનો ભોગ લીધો, નિષ્ફળતા ઉપર નિષ્ફળતાએ એના શરીરને રોગનું ઘર કર્યું અને છેવટે પ્રયાણ કર્યું..
બીજું ગાડા નીચેનું કુતરું .. ત્રણ ચાર કંપનીઓ બદલી જેટલા શેઠિયા મળ્યા એને એ બધા બે મહિનમાં સમજી જતા કે ગાડા નીચેનું કુતરું છે આ જવા દો અલ્ટીમેટલી બે વર્ષમાં સામાજિક અને આર્થિક બધ્ધી રીતે ખુવાર.. જીવન અસ્તાચળે ગયું ..
ત્રીજું ટેકનીકલ કુતરું સેઈમ રમેશભાઈ જેવો પ્લાન્ટ ઉભો કર્યો કોઈના રૂપિયે અને બે વર્ષ પછી સામેથી રમેશભાઈને મળવા ગયો અને કીધું કે હવે જુવો હું તમારી બજાવું છું .. રમેશભાઈ એ કીધું અડધી કિંમતે આ પ્લાન્ટ વેચવો હોય તો મને અડધી રાતે ફોન કરજે લઇ લઇ લઈશ.. મનમાં રમેશભાઈ બોલ્યા કે મને ખબર છે તું સારામાં સારો પ્લાન્ટ ઉભો કરી અને મેન્ટેન કરી જાણે છે પણ પ્રોડકશન કાઢવું એ તારું કામ નથી એટલે જેણે જેણે તારા ઉપર ભરોસો કરી અને રૂપિયા નાખ્યા છે એ છ મહિનમાં જ પ્લાન્ટ વેચવા કાઢશે..થયું પણ એવું ઉપર ઉપરી બેચો ફેઈલ .. પ્રોડક્શન આવે જ નહિ .. અને રમેશભાઈએ એ જ પ્લાન્ટ ત્રીજા ભાગની કિંમતે વેચાતો લીધો અને ગાડા નીચેનું કુતરું નાક લીટી તાણી અને અડધા પગારે ફરી નોકરીએ આવી ગયું અને દેવું ચૂકતે કરવામાં જન્મારો કાઢ્યો..!
રમેશભાઈએ હંમેશા પોતાની સફળતાનો શ્રેય એમના માણસોને આપ્યો અને એ પણ ત્યાં સુધી કે એમનો ડ્રાઈવર ગેમો ઉર્ફે ગેમર .. મોટી મોટી મીટીંગોમાં કહે કે અમદાવાદથી અંકલેશ્વર જવું હોય તો હું તો ઊંઘતો હોઉં ત્યારે મારી જિંદગી ગેમર સાચવે છે અને મારા એક જોડ કપડા ગાડીમાં હોય કે ના હોય પણ ગેમરના એક જોડ કપડાં હોય જ .. ગેમરને કહું કે મુંબઈ લઇ લે તો અમદાવાદથી અંકલેશ્વર ગયા હોઈએ પણ ત્યાંથી એ મુંબઈ લઈ લે ક્યારેય ગેમા એ એમ નથી કીધું કે મારે આમ પ્રસંગ છે શેઠ.. મારી નાની નાની જરૂરીયાતનું ધ્યાન ગેમર રાખે..
રમેશભાઈના બધા નોકરોમાં એકલો ગેમો હોંશિયાર નીકળ્યો એની મા એ શીખવાડ્યું હતું કે બટા ગધેડાની પાછળ અને શેઠની આગળ ઉભા જ નહિ રેહવાનું નહિ તો લાત જ પડે ..
રમેશભાઈનો ડ્રાઈવર ગેમો ઉર્ફે ગેમર મહીને ચેકથી ઓફીશીયલ નેવું હજાર પગાર ઘેર લઇ જાય છે એમની ઈમ્પોર્ટેડ પોરશે (પોર્શ)ગાડી ચલાવવાના અને એના છોકરા પરદેશમાં રમેશભાઈના ખર્ચે ભણી રહ્યા છે..
ગેમો રમેશભાઈ બનવા ક્યારેયના ગયો અને મોજે મોજ પામ્યો.. રમેશભાઈ કોઈ સારી બ્રાંડની શરાબ મુંબઈમાં બેઠા પીવે તો હોટેલમાંથી વેઈટરને બાહર પાર્કિંગમાં સારી બીયર લઈને મોકલે જા મારી ગાડીમાં આપી આવ .. ગેમા માટે..!
રાજકીય પરીપેક્ષમાં આખી વાર્તાને જોવી હોય તો જોઈ શકો છો રાજકીય પક્ષના નીચલી હરોળના નેતાઓ “રમેશભાઈ સિન્ડ્રોમ”થી પીડાતા હોય છે અને પોતાની જાતને રમેશભાઈથી ઉતરતા ના સમજતા હોય તો શું થાય હાલહવાલ ?
હવે ફરી એકવાર વાંચી જાવ અને પછી ફોરવર્ડ કરજો ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*