તેહવારો એક પછી એક ચાલી નીકળ્યા અને હવે ખુલશે લગ્નસરા..
જીવનમાં બહુ ઓછી દિવાળીઓ ઘેર રહીને ઉજવી છે, મોટેભાગે દિવાળીના દિવસે પપ્પા મમ્મી દવાખાનું પતાવે અને બેસતાવર્ષની પરોઢે ગાડી મારી મુકી હોય અથવા કોઈ ટ્રેઈન કે હવાઈ જહાજનું બુકિંગ હોય એટલે બસ્સો, પાંચસો, હજાર કે બે-પાંચ હજાર કિલોમીટર અમદાવાદથી દૂર નીકળી ગયા હોઈએ..
કારણ એક જ હતું પેશન્ટ..બારેય મહિના રવિવારની રજા રાખ્યા સિવાય દવાખાનું ચાલુ હોય એટલે દિવાળી અને ઉનાળામાં બે વેકેશન પપ્પા મમ્મી લઇ લેતા , એ સિવાય શક્ય નોહતુ..
ઘણું ફર્યો જીવનમાં ,લાખ્ખો કિલોમીટર થઇ ગયા પણ ઘર આંગણે થોડુક જોવાનું રહી ગયું હતું..
રાણકીવાવ નોહતી જોઈ, મોઢેરાનું સૂર્ય મંદિર મારી નાની દિકરી કહે ડેડી તમે મને બતાડ્યું જ નથી ,એનો સીધો મતલબ કે વીસ વર્ષ થઇ ગયા મોઢેરા ગયાને .. નળ સરોવર ..?
કોઈકના ફાર્મની પાર્ટીમાં ગયા હોઈએ ,પણ સરોવરમાં નાવડામાં બેસીને ? તો જવાબ આવે ના…
મિત્રોને પૂછ્યું, બે ચાર મિત્રો પક્ષીઓના ખરા જાણકાર,
પણ બધાએ કીધું કે અત્યારે પાણી મળશે નળ સરોવરમાં, પક્ષીઓ હજી ના આવ્યા હોય, ફેબ્રુઆરી પછી જામે..
પણ એવું છે કે રજાઓ મળી તો મળી, બાકી આટલા વર્ષ નીકળી ગયા એમ બીજા જતા રહે, ભરતપુરની બર્ડ સેન્ચ્યુરી વર્ષો પેહલા જોવા જતા રહ્યા હતા, પણ ઘરઆંગણું છૂટી ગયું હતું એટલે આ વખતે તો પછી નક્કી જ કર્યું કે નળ સરોવરના નાવડે બેસી જ જવું..!
મસ્ત ઠંડક થઇ ગઈ હતી, શરદના સૂર્યોદયની લાલીમાં જોવાની મોજ આવી ગઈ..
મારા બેટા વોટર લીલીને કમળ કહે, પણ ઠીક છે હવે ચાલે, લોકલ ગાઈડને મોટેભાગે એક લેવલથી આગળ જ્ઞાન ના હોય અને મારા જેવા માથાના ફરેલા કોઈક જ આવતા હોય એટલે બધું લોલમ લોલ ..
પક્ષીઓના નામ બોલે પણ મારા મિત્રના પત્નીજી સાથે હતા એમણે શુધ્ધ ગુજરાતીમાં કીધું કે ભ`ઈ તમે જે બોલશો તે .. અમે અહિયાં તમારા નાવડેથી ઉતર્યા પછી એકપણ પક્ષીના નામ અમને આવડવાના નથી.. તમ તમારે બોલ્યા કરો ..
વાત પણ ખરી .. આપણને મોર, પોપટ, ચકલા, બુલબુલ, કિંગફિશર,કાગડા ,સમડી,કબુતરા એવા થોડાક જાણીતા પક્ષી ઓળખાય પછી તો ભેંસ આગળ ..
જો કે રાણકી વાવમાં સીન જરાક આપણી ફેવરમાં ..
એક વિષકન્યાનું શિલ્પ બતાવ્યું ગાઈડે આપણે ચાંપ દબાવી અને ઉતારી લીધો ફોટો અને ત્યાં જ ગતકડું રચી અને ગાઈડને શીખવાડી દીધું .. માથે ચોર ,પગમાં મોર ને કેડે કાળોતરો …આ છે વિષકન્યા..!!
હવે એ શિલ્પમાં વિષકન્યાને સંપૂર્ણ નગ્ન બતાવી છે અને ખજુરાહોની જેમ તે શિલ્પમાં પણ વિષકન્યાની યોની બિલકુલ સ્પષ્ટ રીતે કંડારેલી છે, વિષકન્યાને માથે ત્રણ ઘુવડ બેસાડેલા બતાવાયા છે, કમ્મરે કટિબંધની જગ્યાએ બિલકુલ યોનીના સાનિધ્યમાં ઝેરી નાગ છે, અને પગમાં મયુર છે એટલે આપણે જરાક કલાકારી વાપરી .. માથે ચોર ,પગમાં મોર ને કેડે કાળોતરો …આ છે વિષકન્યા..!!
ખુબ સુંદર નિરૂપણ થયું છે વિષકન્યાનું એ શિલ્પમાં .. ઘુવડની જેમ અંધારે પોતાનું કામ પતાવે , મોર પગલે આવે ને જાય ,અને ઝેરી કાળોતરાનું ઝેર તેની યોનીમાં ..
જે વ્યક્તિ તેના સંસર્ગમાં આવે એના રમી જાય રામ…
બીજા શિલ્પોમાં દશાવતારના શિલ્પો છે, જેમાં કૃષ્ણના મોટાભાઈ બલારામને પણ દશાઅવતારમાંનો એક અવતાર દર્શાવ્યો છે..આમ તો પેહલા અષ્ટાવતાર જ હતા પાછળથી દશાવતાર થયા છે એવું કેહવાય છે, સંગીતની ઘણી બધી ચીજોમાં બુદ્ધ અવતારને બદલે કૃષ્ણ અવતાર પેહલા બલરામ અવતાર દર્શાવાય છે , વિવાદ છે .. બુદ્ધવતાર નથી દર્શાવતા ..
એ જ રીતે બુદ્ધ અવતારને બદલે મહાવીર સ્વામી દેખાડાય છે ..
આવું બધું ઘણું વાદ વિવાદિત સદીઓથી ચાલે છે, પણ રાણકીવાવ બનાવવાવાળા રાણી ઉદયમતી મને સ્માર્ટ લાગ્યા, બલરામ અવતાર અને બુધ્ધાવતાર/ મહાવીર અવતાર બધું મુકાવી દીધું છે એટલે માથાકૂટ નહિ, આમ પણ પાટણ બન્યું ત્યારથી વાણીયાઓનું જોર વધારે પાટણમાં , ક.મા.મુનશી વાંચીએ તો રજપૂતો અને વાણીયાઓ વચ્ચે છૂપો ગજગ્રાહ સતત ચાલતો રેહતો, મારા જેવાને રાણકી વાવના શિલ્પમાં પણ એ ગજગ્રાહ દેખાઈ જાય..!!
એ સિવાય શણગાર કરતી સ્ત્રીઓના, ઉમામહેશ્વર , બ્રહ્મા ,વિષ્ણુ-લક્ષ્મી ,શેષશાયી વિષ્ણુ તો ત્રણે માળેથી દેખાય.. ઘણા બધા શિલ્પો, વત્તા પાટણના પટોળાની ભાત પણ શિલ્પકારીમાં,આવું ઘણું બધું..
પણ સમય લઈને જવું પડે અને પ્રોપર સરખો ગાઈડ જે આપણને સમજાવે અને સમજવાનો સમય પણ આપે .. હેંડો આગળ હેંડો એવું ના કર્યા કરે એવો ગાઈડ જોઈએ..
બીજું એક સ્ત્રીનું અર્ધનગ્ન શિલ્પ મને ગમ્યું જેમાં સ્ત્રીનું વસ્ત્ર એક મરકટ ખેંચે છે અને તેની અડધી યોની દેખાઈ જાય છે, તેમાં સ્ત્રીના મુખનો લજ્જા ભાવ સ્પષ્ટ રીતે દેખાય છે, એ જ શિલ્પમાં નીચે સિંહ છે જે ખજુરાહોના સિંહને મળતો આવે છે , ખજુરાહોમાં દર્શાવાયેલ સિંહના મુખમાંથી આગ નીકળતી બતાવાય છે ..
જે પુરુષને કામાંધ થતા રોકવાની ચેતવણીના એક ભાગ રૂપે છે ..
એ શિલ્પમાં જે મરકટ ઉર્ફે વાંદરું છે તે પુરુષના મનનું પ્રતિક છે અને સિંહ એ ચેતવણી છે કે મનના મરકટને કાબૂમાં રાખ પુરુષ..
પણ આપણે ત્યાં તો ગાઈડ આવું કઈ દેખાય એટલે આગળ ચાલો આગળ ચાલો આ બધા ઈરોટિક શિલ્પો છે .. અલ્યા કૈક સંદેશો છે આમાં ,તને ના ખબર હોય તો અમને ઉકેલવા દે ..ખોટો તો ખોટો પણ કૈક પ્રયત્ન તો કરવા દે રૂપિયા ખર્ચીને આવ્યા છીએ તો..
આજના જમાનાના દુનિયા આખીએ ધરાઈ ધરાઈ પોર્ન જોયા છે અને એ પણ ઝૂમ કરી કરીને, તો આમાં શું દોડાવે છે લ્યા તું..!! પેલી કામક્રીડાની કલાકારો (પોર્ન સ્ટારનું આવડ્યું એવું ગુજરાતી કર્યું છે) રોડ ઉપર ઉતરે છે તો એને જોવા લાખ્ખોની ભીડ ભારત દેશમાં જ રોડ ઉપર ઉતરી આવે છે..
અરે હા ગણપતીના શિલ્પમાં ગણપતિને એક જ પત્ની બતાવાઈ છે,
હવે સાઉથમાં ગણપતિને એક પત્ની અને કાર્તિકેયને બે પત્નીવાળા બતાવાય છે, રાણકી વાવમાં પણ મને ગણપતિની એક પત્ની જોવા મળી ,એટલે કદાચ એવું કહી શકાય કે કારીગર દખ્ખણથી લાવ્યા હશે મહારાણી ઉદયમતી ..
કેમ કે નોર્થમાં તો કાર્તિકેયને બ્રહ્મચારી માનવામાં આવે છે..
ભારતભરના શિલ્પો જોયા છે તેમાં લગભગ તમામ દેવી દેવતાઓને તેમના વાહન અને હથિયારથી જ ઓળખવામાં આવે છે, મોટાભાગના મંદિરો ધર્મ,અર્થ,કામ અને મોક્ષની થીમ ઉપર જ બન્યા છે ..
ક્યાંક રોજીંદી દૈહિક પ્રક્રિયાઓના તો ક્યાંક રામાયણ મહાભારત કે બીજા કોઈ પ્રસંગો કંડાર્યા છે ,
પણ મને તો મારા દેશના એક એક પથરા જોડે વાતો કરવી ગમે છે..
કેવી મસ્ત છે મારી આ ભારતભૂમિ હેં ??? !!!
એના પથરા પણ આખી વાત,વાર્તા કહી જાય.. અને એની પાછળનો વિચાર પણ ..
પછી કર્યા કર શૈશવ તું તારે મનન ,ચિંતન અને તર્ક..!!
મજા આવી ગઈ આપણને તો આ દિવાળીએ ..
અલ્યા છે કોઈ અભાગીયો મારા જેવો કે જે લંકા થી કાશ્મીર અને થીમ્પુથી દ્વારકા રખડ્યો હોય પણ રાણકીવાવ ,મોઢેરાને નળ સરોવરના ગયો હોય ..
જઈ આવજો હોં લ્યા..!
ચલો સૌને જય જીનેન્દ્ર
વાણીયો તો હું પણ ખરો કાઠીયાવાડનો
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*