રીલ બીઝનેસ ..
એક ખતરનાક ધંધો ..
લગભગ આજે દર બીજો માણસ મોબાઈલમાં મોઢું ઘાલીને પડ્યા રહે છે , કોઈને મોબાઈલ સિવાય કશ્શું જ સુઝતુ જ નથી, સાવ નાનું બચ્ચું કે એકદમ ઘરડા ,દરેકને મોબાઈલ ,
અને મોબાઈલમાં ઘણો મોટ્ટો સમય રીલ્સ ..
એક પૂરી થઇ નહિ કે બીજી ચાલુ.. એવું આલ્ગોરીધ્મ સેટ કર્યું છે કે ના પૂછો ને વાત ..
જેવી તમારી પોસ્ટ અને તમે જેવું ફોલો કરતા હોઉં એ પ્રમાણે તમને રીલ્સ આવે એક પછી એક ,
અને પછી ? તમે જે પ્રકારના કન્ટેન્ટની રીલ્સ વધુ જુવો તે પ્રકારના વધુ રીલ્સ આવ્યા કરે ..પણ રીલ્સ તમને `શોક` પણ વચ્ચે વચ્ચે આપ્યા કરે ..કોઈક સાવ ઈદમ તૃયમ રીલ પણ વચ્ચે નાખે..
મારો પર્સનલ બ્લોગ છે એટલે મારી વાતો તો આવશે જ..અને મારી જ વાત કરવા માટે બ્લોગ લખું છું.
મારા કેસમાં કેવું થાય છે કે મને ક્રિકેટમાં જરાય રસ નહિ એમ કહું તો સો ટકા ચાલે ,પણ જીમીંગ બહાર હરવા ફરવાનું ,રાજકારણ ,સંગીત ,ધંધો , એન્જીનીયરીંગ , મેડીકલ ,સાહિત્ય , માછલા , બાઈક, ફિલોસોફી બીજા ઘણા બધા ચસકા એટલે એક રીલ જોવાની ચાલુ કરું તો બીજી આવતી રીલ અજબ ગજબની હોય છે..!
પેહલી રીલ અને બીજી રીલ સાથે કોઈ કનેક્શન જ નહિ..
ફેસબુક હોય કે ઈન્સ્ટા ..એક ઝરણા ગર્ગ કરીને બેન છે, એની એક રીલ જોઉં તો બીજી પ્રેમાનંદ મહારાજની આપે, ત્રીજી કોઈક જીમની કે ઉઘાડા શરીર બતાડે, ચોથી પછી હિંદુવાદી આવે પાંચમી કોઈક પતિ પત્નીનો નોક ઝોક આવે છઠ્ઠી શાસ્ત્રીય ગાયકની આવે સાતમી ઓશો કે કૃષ્ણમૂર્તિ આવે ..પછી એકાદી ડાર્ક કોમેડી આવે ..
સતત એક પછી એક જુદા જુદા ફિલ્ડની એટલી બધી એક મિનીટની રીલ્સ આપ્યા જ કરે ..
મને એમ થાય કે મોબાઈલ મુકવો જ નથી હાથમાંથી ..
દુનિયાના ડાહ્યા માણસો જેને અંગ્રેજીમાં `વાઈસ મેન` કહે એ લોકો એમ કહે કે તમે સમયની બરબાદી કરી રહ્યા છો ,
ચાલો માન્યું ,
રીલ્સ જોવાની ફેવર નથી કરતો પણ બીજી બાજુ એવું છે કે જો સમયને હું બરબાદ નહિ કરું તો સમય મને બરબાદ કરી નાખશે..
જાગ્રત અવસ્થામાં જીવતા મનને કોઈક વાત કે વિચાર તો આપવો જ પડશે ને ? નહિ તો મગજ બંધ થઇ જાય ,જડ થઇ જાય ,
વાર્તા પૂરી થઇ જાય.. ભૂતકાળ થઇ જવાય..
જીવવાની પેહલી અને છેલ્લી કંડીશન ઉર્ફે શરત છે કે જીવતું રેહવું પડે ..!
રીલ્સ જીવતા કરી દે તમને,
પોઝીટીવ બાબત રીલ્સની ..પણ સિક્કાની બીજી બાજુ હવે..
રીલ્સ એક પછી એક જુદા જુદા જગતમાં તમને લઇ જાય અને એક જ મિનીટમાં બાહર પણ ફેંકી દે ..
જીવવાની તો મજા આવે જ છે ..
પણ મને એક તકલીફ લાગી રીલ્સ બહુ બધી જોયા પછી ..
મારા વિચારોની લંબાઈ ઘટી ગઈ .. કોઈ એક વિચાર ઉપર હું અડધો પોણો કલાક વિચારી શકતો હતો કે એની ઉપર રીસર્ચ કરતો અથવા જે તે વિચાર હોય એના તજજ્ઞ મને લાગતા હોય એવી વ્યક્તિ જોડે એ વિચાર વિશે વાત કરું ચર્ચા કરતો આ બધું ઘટી ગયું રીલ્સ વધારે પડતા જોયા પછી ..
અકારણ ઉન્માદ વ્યાપે એવું પણ ફિલ થતું લાગ્યું ..
મૂળે શાસ્ત્રીય સંગીતના સંસ્કાર ઠુસી ઠુસીને ભર્યા મારી અંદર, રાગની શરૂઆત આરોહ-અવરોહથી કરવાની પછી એને આકારમાં ગાવાનું પછી પકડ ,પછી રાગ વિસ્તાર પછી ચીજ સ્થાયી ,અંતરો ..
સાથે સાથે રાગનું ચલન અને બીજી બધી પ્રોપર્ટી જે થીયરીમાં શીખવાની ,જે રાગ પકડ્યો હોય તેનો થાટ અને બીજા એવા જ રાગથી બચાવીને ગાવાનું ,આવું બધું ઘણું શીખ્યા અને એની ટેવ પાડી ,
એક રાગ શીખ્યા એવું કેહવા કરતા ફક્ત એને સમજવામાં લગભગ અઠવાડિયું ક્યારેક મહિનો અને અઠવાડિયા પાંચ સીટીંગ થાય એટલે ટોટલ વીસ પચ્ચીસ સીટીંગ પણ થઇ જાય..
આ વાત એટલે કરી કે કેટલી બધી ધીરજ કેળવી છે જીવનમાં,
પણ આ રીલ્સ બધાનો ખાત્મો બોલાવી નાખે છે..
અકારણ ભયંકર ઉન્માદ આવી જાય છે ક્યારેક..
એમાંથી બાહર આવવાનું નક્કી કર્યું , રીલ્સ બંધ કરી અને પાછો શાસ્ત્રીય ગાયન ઉપર ચડ્યો..
મોબાઈલમાં તાનપુરાની એપ ચાલુ કરી અને રીયાઝનો કોશિશ કરી સ્વરોના ઠેકાણા જ નાં આવે , એટલું સારું છે કે ગળું ભલે સાથ છોડે પણ કાન હજી પાક્કા , પોતાનું જ ગાયન રેકોર્ડ કરી અને સાંભળું અને જાતને ગાળો આપું ..
હટ્ટ બેસૂરા શૈશાવ્યા..!
છેવટે પ્રોજેક્ટર ચાલુ કરી અને એમાં યુટ્યુબ ચાલુ કરી અને ગાયન વાદન એક આખ્ખો રાગ સાંભળવાનો ચાલુ કર્યો , જેમ સપ્તકના પ્રોગ્રામમાં બેઠો હોઉં એમ લગભગ બે કલાકારોના એક સવા કલાકના બે પ્રોગ્રામ યુટ્યુબ ઉપર સાંભળું ..
લગભગ મહિના જેવું કર્યું.. ઉન્માદ ઘણો ઘટી ગયો ,અને નક્કી કર્યું કે રીલ બીઝનેસ નહિ..!
પતી જવાશે.. પેહલા ઉન્માદ ઉર્ફે એન્કઝાઇટી અને પછી ડીપ્રેશન..
જો કે મારા જેવા શકરા બાજ ગામને ડીપ્રેશન લાવે પણ પોતાને તો ના જ આવવા દે..
ખબર છે હવે ,
ટણી બહુ સારી નહિ ,
કોને ક્યારે શું થાય એ કેહવાય નહિ ..પણ ક્યારેક ટણી કરી લેવી અને થોડીક પોતાની જાત માટે રાખવી પણ ખરી..
એક ફરિયાદ છે મિત્રોની કેમ બ્લોગ ઓછો આવે છે ?
સાચી વાત કહું તો મને ક્યારેક એવું લાગે છે કે હું બ્લોગ લખવાનો વ્યસની થઇ ગયો છું અને વ્યસન કોઈ પણ ચીજ ,આદત ,વસ્તુ કે વ્યક્તિ બધાનું ખોટું..
એટલે જાણી કરીને નથી લખતો , ટીવીના શો પણ એટલા બધા નથી લેતો…
ખબર નહિ પણ મારું મન કશુંક નવું માંગે છે ,
એક મિત્રના દિકરાએ રાયફલ શુટિંગ રેંજ ખોલી છે કૈક ,જવાની બહુ ઈચ્છા થાય છે , કબડ્ડી રમવાની ઈચ્છા થાય છે, તબલાં શીખવાની ઈચ્છા જાગે..
શોખ પણ બદલતા રેહવું ..
મનનાં માંકડાને નવી નવી ડાળીઓ આપવી ,
કૂદતું રેહશે..! જીવતું રેહશે..!
પણ દર મીનીટે નહિ હોં નહિ તો પેલું એન્કઝાઈટી અને ડીપ્રેશન..
ચાલો જીમનો સમય થઇ ગયો ..
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*