ઘણા દિવસે બ્લોગ લખવા લેપટોપ ખોલ્યુ…સાયકલ મીટીંગની પાછળ પડ્યો છું બસ અંત હવે હાથવેંતમાં છે.. પણ સાચું કહું, ક્યાંક બહુ દુ:ખ થાય છે શર્વરીને છોડતા, છેલ્લા સાત મહિનાથી લાગલગાટ દર મહીને ત્રીસ ત્રીસ પાના ભરીને શર્વરી,ઇશાન અને ચિરાગની વચ્ચે હું ફરતો અને એમની દુનિયામાં જીવતો..
અણહાગરો લાગે છે શર્વરી,ઇશાન અને ચિરાગનો..પાત્રોની આટલી બધી માયા પેહલી વાર થઇ છે મને..મારી પેહલી વાર્તા સુખની સાડા સાતીની પૂર્વી તો મારી નજર સામે હતી..
થોડોક લગાવ મને પરભા બા જોડે પણ થઇ ગયો હતો.. વાર્તાના અંતે છેલ્લે પરભાબા દુનિયા આખીનો ભાર એમની છાતીએ લઈને સિધાવ્યા ત્યારે લખતા લખતા આંખનો ખૂણો ભીનો થઇ ગયો હતો અને ત્યારે મને એક ડૂસકું લઇ લેવાની તીવ્ર ઈચ્છા થઇ ગઈ હતી..!
આજે ઇશાન,શર્વરી અને ચિરાગથી છુટા પડવાની વેળા નજીક છે..ત્યારે દરેકમાં મને મારી જાત દેખાય છે..રાતની રાત ઘરની બહાર રખડતા..એરપોર્ટ, હોટેલ અને ઓફીસ..ડ્રાઈવર..નોઇડા લેલો ફેઈસ વનમેં ગોલ ચક્કર લેલો..બીજે દિવસે નરોડા અને ત્રીજે દિવસે પીનીયા, ચોથે દિવસે પીપરી ચિંચવડ..નર્યા હડીયાપાટા જિંદગીના.. લેન્ડીંગ અને ટેઈક ઓફ..!
દિલની ભડાસ બહાર..!
ચલો હવે ટોપિક પર સરકારે મોલ અને નાની દુકાનોને અગિયાર વાગ્યાથી વધારે ચાલુ રાખવાની છૂટ આપી..!
શું ફર્ક પડશે..? વેપાર ધંધામાં તેજી ફૂટી નીકળશે..? ના ભાઈ ના ખાલી પોલીસની આવકમાં વધારો થશે “તોડપાણી” વધારે થશે કઈ બીજો દેખીતો ફર્ક નહિ આવે..!
બાકી મારા જેવા નિશાચરોને તો ખબર જ છે હિન્દુતાનના ક્યા ખૂણે કેટલા ક્યાં અને કેટલા વાગે શું મળે છે..અને ના ખબર હોય તો બીજા નિશાચરને ફોન કરીને પૂછી લેવાનું..અને ચરી આવવાનું..
રાત્રે દુકાનો ખુલ્લી રાખવાથી કદાચ કોઈકની સગવડ ક્યારેક સચવાય બાકી સવારની આઠની વિરાર ફાસ્ટ પકડી અને બીકેસી જતો અને સાંજની સાતવાળી ફાસ્ટ પકડીને પાછો આવતો, પીસાતો ,ચીસો નાખતો ઘેર પધારતો મુંબઈગરાને એની ઘરવાળી એમ કહે કે ચાલો ને મોલમાં રખડવા જઈએ હવે તો આખી રાત મોલ ચાલુ છે એટલે પેલો બરાબર નો ગિન્નાય કેમ કાલે સવારે રજા છે..?
સરકારે ખાલી મોલ નહિ નાની નાની દુકાનોને પણ ચાલુ રાખવાની પરમીશન આપી..
હવે મુંબઈ અને દિલ્લીને છોડી અમદાવાદમાં આવુ…
ટાઉન પ્લાનીગ તો આપણું કેવું જોરદાર નહિ..?દરેક ફ્લેટની નીચે દુકાનો કરી છે..અને એમાંથી પચાસ ટકા હોટલો છે..!
શું હાલત થશે એ લોકોની કે જેના ઘરની નીચે હોટલ છે..? રાતના અગિયાર વાગ્યા પછી જે શાંતિ મળતી હતી એ પણ નહિ મળે…રોડ પર વાહનોનું ટી..ટી .. ચાલુ રેહશે..
અમદાવાદ કઈ વેગસ કે મકાઉ નથી..
જો ખરેખર સામાન્ય માણસને મદદરૂપ થવું હોય ને તો સરકારી ઓફિસો અને બેંકોને રાત્રે નવ વાગ્યાસુધી ખુલ્લી રાખો..આમ પણ હવે સાતમાં પગાર પંચમાં ફોકટનો પગાર વધારો ખાશે..!
મોલ અને નાની દુકાનો ખુલ્લા નહિ રાખો તો ચાલશે..!
અમેરિકન મોડેલ ઝાલવા જાય છે પણ ત્યાં અમેરિકામાં રાત પડ્યે બાઈકના ..ઢે.. ટુ.. ટે..ટુ કરતી પ્રજા રેહવાસી ઇલાકામાં બેફામ નથી રખડતી હોતી..
ભારત ભારત છે..આપણે ગોકુળિયા ગામથી ગીફ્ટ સીટી તરફ જવાનું છે..!
આંધળી નકલો આપણને બહુ ભારે પડે છે,
જેમ જર્સી ગાયો અને ગાંડા બાવળ દેશમાં ઘુસી ગયા અને પછી પરિણામ શું આવ્યું..? તો કહે હવે ગીરની ગાયો બચાવવા માટે અભિયાન આદરવું પડ્યું અને ગાંડા બાવળ જમીનના રસકસ ચૂસી ગયા અને આંબા, લીમડા, પીપળા, વડ, જાંબુડા ઓછા થતા જાય છે..!
મને લાગે છે કે સરકાર પરમીશન આપશે તો પણ નાની નાની દુકાનો મોડી રાત સુધી ચાલુ રહે એ શક્યતાઓ ઓછી છે..એનું કારણ એ છે કે નાની નાની દુકાનોવાળા દુકાન માલિકોને પણ આઠ કલાક ઊંઘવા તો જોઈએ ને ભાઈ..!
મારા ઘરની બાજુમાં એક સ્ટેશનરીની દુકાન છે રાત્રે આઠથી તે અગિયાર સુધી એને ત્યાં પગ મુકવાની જગ્યા નથી હોતી.. દુકાનનો માલિક નાનો ત્રીસેક વર્ષનો છોકરો જ છે..મેં એને કીધું અલ્યા આ તારે ત્યાં કેમ રાત પડ્યે જ ઘરાકી ફાટી નીકળે છે..? મને કહે સાહેબ તમે બધા કામધંધેથી સાત આઠ વાગે ઘેર આવો અને જમો પરવારો ત્યાં તમારું ટેણીયુ બોલે કે સ્કુલમાં ફલાણો પ્રોજેક્ટ છે અને તમે દોડતા મારે ત્યાં આવો છો એમ આ બધા આવે છે..
ત્યારે મેં એને કીધું હવે તો તારે આખી રાત દુકાન ખુલ્લી રખાશે..બિચારો મને કહે ના હો સાહેબ એવા રૂપિયા નથી જોઈતા..ઊંઘવું તો પડે ને…!
બધી વાતો છે સરકારની, નતનવા નાટકો સુઝે છે અને પછી ઝાપટો પડે એટલે મનની વાત કરવા બેસી જાય..
વેપાર ધંધામાં તેજી લાવવા માટે કરવા જેવા બીજા ઘણા કામ છે..ધીમેક થી સો ટકા એફડીઆઈની પરમીશન આપી દીધી, બાબાજી આ જ કામ મનમોહનસિંહ એ કર્યું હોત તો..? પેટ્રોલ ડીઝલ કેવા ચુપચાપ બજારને હવાલે કરી નાખ્યા..!
બબ્બાજી લીવર બ્રધર્સ અને પામોલીવની પાછળ પડ્યા છે..સારી વાત છે સ્વદેશી ચીજો બને અને વેચાય એ ,પણ બીજી બાજુ આપણે ૧૦૦ % એફડીઆઈ કરીને આમન્ત્રણ આપીએ છીએ, ક્ન્ફ્યુઝીંગ છે બધુ..!
રાત આખી ધંધા ધાપા ચાલુ રાખવા છે પછી પાવર બીલનું શું..? ચાલો ગુજરાતમાં તો વધારાનો પાવર છે..બાકીના દેશમાં શું ..?
અને પેલો દિવસ દરમ્યાન સૂર્ય પ્રકાશનો મેક્સીમમ ઉપયોગ કરી અને ઉર્જા બચાવવાની વાર્તા કરતા હતા એનું શું..?
પાણી નેહરો ઉપર સોલાર પેનલો બિછાવી અને ઉર્જા ઉત્પન્ન કરવાની હતી પ્રોજેક્ટ લગભગ ફેઈલ જવા પર છે, ગુજરાતની સુજલામ સુફલામ ,KG બેસીન નો ગેસ..કલ્પસર ..
નવા વિચારોનું સ્વાગત પણ ખોટા રૂપિયાના આંધણ એ ખોટી વાત..રોજ આખી રાત ધંધા ચાલુ રાખવાની જરૂર નથી હા કોઈ તેહવારો કે થોડાક સ્પેશિઅલ દિવસોમાં ભલે ખુલ્લું રેહતું બાકી કઈ જે કામધંધા વાળી પ્રજા છે એને અડધી રાત પડ્યે રખડવું એ પોસાય નહિ સો વાતની એક વાત ભાઈ..
જો કે પ્રજા પણ ઘણી શાણી થઇ ગઈ છે એમને પણ આવી બધી વાતોમાં રસ ઓછો પડે છે..
આખો દેશ લગભગ ગુજરાતી માઈન્ડ સેટ પર આવી ગયો છે
મારું શું ? નહિ તો મારે શું ..?
મત આપવા નો આવશે ત્યારે લેખાજોખા વિચારશું અત્યારે તો ભલે શૈશવભાઈ બ્લોગ લખતા..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા