પેહલો સવાલ તો દિલ્લી આવું ત્યારે એક જ થાય કે આ લોકો ખાંડવીને ખાંડવી કહે , ઢોકળાને ઢોકળા કહે પણ ખમણને કેમ પીળા ઢોકળા કહે છે ??
બિચારા ખમણે શું બગાડ્યું કે એનું નામ લેતા જ નથી ?
છેલ્લા એક દસકાથી લગભગ દિલ્લીની તમામ ફરસાણ વેચતી જગ્યા ઓ એ કચોરી, સમોસાની બાજુમાં ખમણ , ઢોકળા અને ખાંડવીએ પ્રોપર ઘૂસ મારી દીધી છે , સેન્ડવિચ ઢોકળા પણ ખરા એમાં..
ચાંદની ચોકની પરોઠેવાળી ગલીથી લઈને પાંચ સિતારા હોટલો વાયા હલ્દીરામ, બધ્ધી જગ્યાઓ એ આ ત્રણ ગુજરાતી વાનગી આવી ગઈ છે, અને એ રીતે દારૂ પીતા પીતા ચખણામાં ભાજીપાંઉ અને બીજી જાત જાતની ફ્લેવરના વર્ણસંકર ખાખરાએ ઘૂસ મારી છે ..!!!
નવાઈ તો બહુ લાગે કે ખાખરા જેવી નિર્દોષ ” બાઈ માણસ” ને વટલાવીને કેમ બજારમાં મૂકી દીધી …!!!
વાંક તો આપણી પ્રજાનો કે ખાખરામાં ફ્લેવર્સ નાખી અને દારૂ સુધી લઈ ગયા …
બિચારી “ખાખરી બાઈ” નવકારશીથી દારૂ સાથે પોહચી ગઈ.. જેમ મંદિરનું સંગીત કોઠે જતું રહ્યું હતું ભૂતકાળમાં ..
ઘોર અપરાધ છે ..!!!
મને દિલ્લીની ખાણીપીણી ગમે , આપણા ગુજતારી પંજાબી કરતાં અહીંયાનું હજાર ગણું સારું , મને અહીંનું પંજાબી ચોખ્ખું લાગે અને એમાં પણ કાળી દાળ તો આપણને એકલી રોટી સાથે પણ ચાલી જાય..
કોણ જાણે રોયાઓ શું નાખે છે ?? પણ સરસ લાગે..!!
કદાચ આજીનોમોટો ઓછો નાખે છે ..
હવે વાત જાણે એમ કે છેલ્લા બેત્રણ દિવસથી આપણા દિલ્લીમાં ધામા છે , બિલકુલ ચાણક્યપુરીમાં દેશ દેશના ઝંડાઓ ચારેય બાજુ ફરકે અને એ બધાની વચ્ચે આપણને રહેવાની મજા આવે …
ગઈકાલે રાત્રે જરાક કકડીને ભૂખ લાગી હતી , પેહલા તો એવું નક્કી કર્યું હતું કે સીપી જઈને ખાઈ લઈશું , સસ્તામાં પણ પતે , અને જરાક રખડવાની મજા પણ આવે …
પણ ગરમી … અહીંયા પણ અમદાવાદની જેમ માથાફાડ, રાત્રે પણ વાયરો વાગે ..
તો પણ આપણે હિંમત કરી અને રિક્ષા પકડી , જસ્ટ મોદી સાહેબના ઘર પાસે પહોંચ્યા અને ત્યાં તો વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાની ધાર …
આપણે રિક્ષાવાળા ને કીધું “ભાયા હોટેલ વાપીસ લેલો, ઇસમેં તો પલાળ જાયેગા .. ”
યાદ આવ્યું પેલું… ખબર છે મોદી સાહેબે કીધું હતું કે દરેક ગુજરાતીનું હવે દિલ્લીમાં એક ઘર છે…!
બિલકુલ એમના ઝાંપે ઊભો હતો , એમ થઈ ગયું કે હાલો અંદર જઈને એમની હારે દૂધ ભાખરી ખાઇ લઈએ , પણ એવા એવા પાડા જેવા સ્ટેનગન લઈને મૂછાળા ઊભા હતા કે આપણી હિમ્મત જ નો હાઈલી..!!!
રેતીની ડમરી અને તડ તડ વરસે..
હોટલ આવી અને બે જણ વચ્ચે થોડુંક વધારે જમવાનું મંગાવાઈ ગયું ..
એક તો મોંઘા માઇલા શાક અને દાળ, ઉપરથી રોટી રાઈસ .. માળું કેમે કરીને ખૂટે નહીં..એમાં વેઇટરશ્રી આવીને પૂછે સર ડેઝર્ટ???
મારામાં થોડાક વર્ષે પેહલા જન્મેલો અતિ નમ્ર કીડો જાગ્યો એટલે અમે જરાક અંગ્રેજીમાં કીધું ..We wasted a large amount of food. We should not have ordered this much. I am very sorry about that…
વેઇટરશ્રીને પણ કંઈક ખોટું થયું હોય એમ લાગ્યું એટલે એમણે પણ કીધું નહીં નહીં સર મુઝે ભી આપ કો બતા દેના ચાહીએ થા કી આપ ઝયાદા ઓર્ડર કર રહે હો..
એના મોઢા ઉપર દુઃખ ઝળક્યું .. પણ ઠીક છે રૂપિયા તો મારા ખિસ્સામાંથી ગયા ને… છેલ્લે તો અમદાવાદી રૂપિયા ઉપર જ આવીને ઊભો રહી જાય…
વી મારા ઘણા બધા ગુરુઓમાં ના એક એવા પ્યૉર મુંબઈગરો અને છત્રીસ પત્તાનો પાસપોર્ટ ધરાવતા એક ગુરુ યાદ આવી ગયા…વીસેક વર્ષ પહેલાની વાત ..
” શૈશવ, તમારી જમ્યા પછીની તમારી પ્લેટ કેટલી ચોખ્ખી છે એ તમારી જાત ઉપરનો તમારો કેટલો કંટ્રોલ છે એ બતાવે છે અને હોટેલના રૂમને જ્યારે તમે પાછો આપો ત્યારે એની કન્ડીશન તમારી દિમાગની કેટલી ચરબી છે એ બતાવે , તમારો ઉછેર બતાવે..”
જ્યારે તે જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું ત્યારે તરત જ કહેવું પડ્યું કાકા વિસ્તાર કરો. બહુ મેળ ના પડ્યો…
એમણે ત્યારે સમજણ પાડી હતી કે શૈશવ કેટલી ભૂખ લાગી છે અને કેટલું ભાણામાં લેવું એ મન અને જીભ ઉપરનો કંટ્રોલ હોય તો જ માપે માપ થાળી માં આવે બાકી ક્યાં તો વધે અને ક્યાં તો ઘટે .. ઘટે એટલે ફરી લેવા જાય અને પછી ચોક્કસ વધે અને છાંડી મૂકે..
આપણે કીધું લાયા કાકા બરાબર લાયા હોં.. પણ હવે પેલી હોટલવાળી વાત …
જો સમજ શૈશવ , ચેક આઉટ વખતે રૂમ ગંદો કરી મૂકે , ટુવાલો બાથરૂમમાં ગંધાતા કરી મૂકે , ફ્લોર ઉપર કંઈક ઢોળાયેલું હોય , બેડશીટ્સ ઢંગધડા વિનાની હોય એટલે સમજવું કે માબાપે ટ્રેનિંગ નથી આપી , નોકરોની અને સામેવાળાની કદર નથી આ માણસને જીવનમાં બહુ આગળ ના જાય એકવાર રૂપિયા આવી જાય તો પણ સંસ્કાર તો નથી જ…
મારા ગળે વાત ઉતરી ગઈ , ત્યારથી હું લોકોની પ્લેટ્સ અને એમના રૂમ્સ જોઉં , તરત અંદાજ આવી જાય કે છતના ચાળા છે કે અછતના ઉછાળા …!!
છતના ચાળે ચઢેલો દે દે ઓર્ડર કરે થાળી ભરીને લઈલે અને પડતું મૂકે અને અછતના ઉછાળે પણ આવું જ થાય…
કાકાએ જોરદાર જ્ઞાન આપી દીધું હતું…
વર્ષો પેહલા હર્ષદ મહેતાની તેજીમાં એકવાર મઢ આઇલેન્ડની હોટલમાં ગયો હતો , અમારા યજમાનની ગાડીની બિલકુલ બાજુમાં હર્ષદ મહેતાની ગાડી પાર્ક થઈ હતી , યજમાન ઘેલા ઘેલા થઈ ગયા હતા અને અમે ગાંડા ગાંડા.. હર્ષદ મેહતા જ્યાં આવ્યા છે ત્યાં આપણે આવ્યા , સાથે બીજા કોઈ વ્યક્તિ પણ હતા , ધંધાદારી મિત્ર…
શાવર લીધા પછી ટુવાલ રૂમમાં ફેંક્યો અને બહાર નીકળતા એ જ ટુવાલથી શૂઝ સાફ કર્યા , પાંચ સિતારા હોટેલના ટુવાલની વાટ લગાડી દીધી, આપણે ટોયલેટની બહાર મૂકેલા પેલા મશીનમાં સાફ કર્યા હતા શૂઝ ..
વાત એટલે યાદ આવી કે આજે એ વ્યક્તિ નું ધંધામાં ક્યાંય અસ્તિત્વ નથી , ભાઈઓ ના આશરે જીવન વિતાવી રહ્યા છે..
નાની નાની વસ્તુઓ ચીવટ અને બીજા તરફનો તમારો વ્યવહાર ઘણી બધી દિશાઓ બદલી નાખે છે…
ચાલો અત્યારે એક ધંધાદારી મિત્ર ના અતિશય આગ્રહને માન આપવા એમની કોઠી ઉપર લંચ માટે જવાનું છે , એક વાત છે દિલ્લીમાં સિમ્બોલ વાળી ગાડીઓ ઓછી પણ જનરેટિવ મની જેમની પાસે છે એમના સંયમ અને વ્યવહાર ઉપર માન થઈ જાય..
લૂંટિયન્સ માં કોઠી હોવી અને એ પણ પાંચ છે પેઢીથી .. કેટલો સંયમ પેઢી દર પેઢી હશે ? બાકી આપણે તો … વેચી (વેકી બોલે ) જ ખાય મહારથી…!!
બાય ધ વે ગઈકાલે લાલ કિલ્લે ઘણા બધા લોકો એવા હતા કે જે માનતા કે આ કિલ્લામાં એમના પૂર્વજ રહેતા..
જ્યાં ત્યાં પાનની પિચકારી મારતા હતાં..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*