તમે એવી કેટલી લુખી લાટને ઓળખો કે જે ફક્ત પુરુષ જ છે..?
એની પાસે શારીરિક રીતે પુરુષ હોવાના અભિમાન સિવાય બીજું કશું જ નથી…? સાવ કોરો ધાક્કોર..??
હું એવી બહુ બધી લાટોને ઓળખું છું,
જો કે સાથે સાથે એ પણ કહી દઉં કે હું જેને ઓળખું છું એ લોકો મને ઓળખે છે એ જરૂરી નથી…
જગતની અંદર એવા અસંખ્ય પુરુષો છે કે જેની પાસે ફક્ત શરીર જ પુરુષનું છે અને પુરુષ હોવાનો અહંકાર છે , પણ એનાથી વિશેષ એની પાસે કશું જ નથી , બસ આમથી તેમ ભટક્યા કરે ..
આવા લોકોને પોતાની કે પોતાના પરિવારની સ્ત્રીઓના જીવનમાં શું ચાલે છે એ જોવા સુધ્ધાંની દરકાર નથી હોતી , બસ પોતાની ધૂનમાં જિંદગી જીવ્યા કરે ,
માતા ? એ તો એના પિતાજીની જવાબદારી , બેન ? એ તો બનેવીની જવાબદારી , પત્ની..?? એ તો સાસરા કે મમ્મી પપ્પાની જવાબદારી અને દિકરી…?? ઠીક છે.. પરણાવી જ દેવાની છે ને…
કમ્પ્લિટ લુખ્ખી લાટ ..માઇન્ડ સેટ ..
થોડા સમય પહેલા હું વર્કઆઉટ કરતો હતો ત્યારે એક 28-29 વર્ષનો જુવાનિયો મારી પાસે આવ્યો…
એ ભાઈ વાત કરવી છે તમારી જોડે..
મેં કીધું શું થયું બેટા તારે ?
તો પૂછે ..આ મેનોપોઝ શું હોય..? એટલે મને થોડું નવાઈ લાગી કે તારે વળી મેનોપોઝની જોડે શું લેવા દેવા ?
બહુ જ આશ્ચર્ય થયું પહેલા તો મને.. કે આ નંગને મેનોપોઝ જોડે કેમનું કનેક્શન આવ્યું..? આ કોઈ મેનોપોઝવાળી આંટી જોડે સેટિંગમાં પડી ગયો કે શું ? હલકું લોહી હવાલદારનું …
એટલે મેં ઊંધો સવાલ એવો પૂછયો.. કે ભાઈ તારે અને મેનોપોઝને શું લેવા દેવા ? ક્યાંય ખોટી જગ્યાએ તો કોઈ આંટી જોડે ડખો નથી કરી નાખ્યો ને ???
એટલે સામે જવાબ આવ્યો બે યાર તમને તો છે ને અમે બધા આવા જ દેખાઈએ છીએ ,તમે માનો છો ને એટલા ખરાબ અમે લોકો નથી, અમારી જનરેશનના છોકરાઓ એવા એટલા બધા હલકા નથી, એકદમ ઇમોશનલ થઈને જવાબ આવ્યો..
મને એહસાસ થયો કે મામલો કંઈક જુદો છે , મેં ભાંગરો વાટી નાખ્યો છે , એટલે મેં કીધું સારું સારું ચલ હવે આગળ વધારે ના બોલીશ , પ્રોબ્લેમ શું છે એ બોલ ?
તો કહે પપ્પા બહાર ગયા છે અને મમ્મીને કંઈક બહુ જ પ્રોબ્લેમ થાય છે એટલે મેં મમ્મીને પૂછ્યું કે શું છે? તો મને મમ્મી એવું કીધું કે એમને મેનોપોઝલ ઇસ્યુ છે એટલે આવું બધું થયા કરશે , એટલે મારે જાણવું છે કે આ મેનોપોઝ શું છે અને એની દવા કેવી રીતે થાય અને મારે મારી મમ્મીને સરખી અને સારી કરવી હોય તો કેવી રીતે થાય ? કયા ડોક્ટર પાસે લઈ જવાની ? શું કરવાનું…??
એક મિનિટ માટે તો મને એ છોકરા ઉપર ભયંકર પ્રેમ આવી ગયો, 28 વર્ષનો છોકરો પોતાની મા ના મેનોપોઝના પ્રોબ્લેમને સમજે કે સમજવાની કોશિશ કરે અને એની દવા કરાવવા માટે ઈનીશીએટીવ લે એ આ નવા ભારતમાં અને 21મી સદીમાં જ શક્ય છે…
થોડું ઘણું છોકરો google કરીને આવ્યો હતો. મેનોપોઝ વિશે , પણ ક્લેરિટી નહોતી આવતી એટલે મેં થોડીક સમજણ આપી ,મેં કીધું કોઈ સારા ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ જા ..
એટલે એ કહે પહેલા હું એમને તમારા મમ્મી પાસે એમને લાવુ તો ?મારો જવાબ હતો કોઈ વાંધો નથી ,તું દાદી પાસે લઈ જા.. પણ જવું તો ગાયનેકોલોજિસ્ટ પાસે જ પડશે…તારા મમ્મીને લઈને …
બહુ જ આનંદ થાય એવી વાત હતી કે એના પપ્પા એક મહિનાની કોઈ ફોરેન ટ્રીપ ઉપર હતા અને એ દરમિયાન એ છોકરો એની મમ્મીને લઈને મેનોપોઝની દવા કરાવવા માટે ફક્ત ગાયનેકોલોજીસ્ટ જ નહી સાયકોલોજિસ્ટને ત્યાં પણ એ લઈને ફર્યો અને એટલી સુંદર રીતે ચાકરી કરી કે એક દીકરી પણ ના કરે…
સળંગ બાર બાર દિવસ બ્લિડિંગ ચાલુ રહેતું હતું એમને , હિમોગ્લોબિન સખત લો થઈ જતું હતું શારીરિક રીતે ઘણી બધી મર્યાદાઓ, અશક્તિ આવી જતી હતી , અને માનસિક રીતે પણ એ સ્ત્રીને ઘણા બધા પ્રોબ્લેમ હતા, ફક્ત એક જ સંતાન અને એમાં પણ દીકરો , પતિ બહારગામ , નોન ગુજરાતી ફેમિલી અહીંયા રહે ,એટલા બધા કોઈ સગા વાહલા નહીં, ઉપરથી એ સ્ત્રી પણ નોકરી કરે એટલે સામાજિક પરિસ્થિતિ આપણે સમજી શકીએ કે એક એક તણખલું પતિ પત્નીએ વીણી વીણી અને માળો બાંધીને એમાં એક સરસ મજાનું ઘર બનાવ્યું હોય, એક બાળક ઉછેર્યું હોય..
મને એમના ઉછેર ઉપર માન થઈ ગયું..સાથે સાથે ખાતરી થઈ ગઈ કે આ છોકરાને પરણવાવાળી સો ટકા સુખી થશે..!!
પેલી જે ઉપર વાત કરીને એ લુખી લાટ જેવું એનું બાળક નહોતું..!!
સામાન્ય રીતે 25 થી 35 વર્ષની વચ્ચે પુરુષના જીવનમાં એની માતાનું મેનોપોઝ આવે આજના જમાનામાં, પણ એટલુ સમજણવાળો છોકરો હોવો કે મારી માતાને અત્યારે મેનોપોઝલ ઇસ્યુ છે અને મારે એમને સાચવવાના છે આ બહુ મોટી વાત છે…
નકરા સ્વાર્થી ભરેલું જગત , એમાં પણ સ્વાર્થી થવાની ઉંમર અને એવા ઘોર કળિયુગમાં માતા માટે છેક આ લેવલે જઈ અને વિચારવું બહુ રેર છે,
ન્યુક્લિયર ફેમિલીની આ તાતી જરૂરીયાત છે, એકમાત્ર દીકરો જણ્યો હોય , ઘરમાં બેન પણ ના હોય, એટલે સ્ત્રીઓને પડતી શારીરિક સમસ્યાઓ વિશે ક્યારેય ઘરમાં ઉચ્ચારણ ના થાય ત્યારે સામેથી મેનોપોઝ વિશે દીકરો વિચારે એવા સંસ્કાર સીંચવા અત્યંત મહત્વપૂર્ણ બાબત છે આજના જમાનામાં..
હું એવું બહુ સ્ટ્રોંગલી માનું કે જે દીકરો માતાની સારી સાર સંભાળ લઈ જાણે છે એ પોતાની પત્નીને ચોક્કસ ગ્રો કરશે, એક્ચ્યુલી શરૂઆત જ ત્યાંથી થાય, માતા પ્રત્યે જો સભાન રીતે સન્માન કેળવાશે તો પત્ની પ્રત્યે માન કેળવાશે , અહીંયા કૌંસમાં નહીં પણ સ્પષ્ટ રીતે કહી દઉં કે માવડિયો નહીં, પણ માતાને સમજી શકે એવો દીકરો, એની વાત કરું છું , માવડીયા તો ઘણા હોય ..એકલું માવડીયાવેડા કરીને મમ્મી, મમ્મી ,મમ્મી કર્યા કરે એ જીવનમાં કશું ઉકાળી ના શકે..
મારી ઉંમર જ્યારે વીસ બાવીસની હતી ત્યારે સંગીત શીખવા જતો અને ત્યાં સંગીત ક્લાસમાં બે ત્રણ પચાસેક વર્ષ ઉપરની ઉંમરના બહેનો આવે, સૂર ના બહુ ઠેકાણા નહીં તો પણ આવે .. અંદર અંદર ઘૂસર ફૂસર કર્યા કરે ..
એક દિવસ ગુરુજીને પુછી લીધું કે આ લોકો કેમ હેંડયા આવે છે..?
જવાબ હતો મેનોપોઝલ પ્રોબ્લેમમાંથી બહાર આવવા …!
ઘરે જઈને મમ્મી સાથે વિસ્તારથી ચર્ચા કરી લીધી .. એ પછી ઘણા બધાને સંગીત અને કલા તરફ ધકેલ્યા , મેનોપોઝલ ઇસ્યુમાંથી બહાર આવવા માટે ..!
અકસીર ઇલાજ છે , કલા પ્રત્યેનો ઝુકાવ અને લગાવ ..!!
મધર્સ ડે વગેરે વગેરે એ બધું ઠીક છે પણ આપણી આજુબાજુના માતા બહેનોની શારીરિક માનસિક સમસ્યાઓને ઓળખી અને સહકાર આપો એ બહુ મોટી વાત છે..
નવી જનરેશન ઘણી બધી રીતે લચીલી છે આ બાબતે , આનંદની વાત છે …
હેપી મધર્સ ડે કહી દીધું હોય તો ભલે પણ એ કહેવા જેટલી ઉંમર અને સમજણના થાવ ત્યારે માતાની શારીરિક તકલીફો શરૂ થતી હોય છે , ઓસ્ટ્રિયોપોરોસીસ પણ બહુ મોટો દુશ્મન છે મમ્મીઓનો…
જરાક જોતા રહેજો , અને બીજી વાત એમ ઘણા લોકો ઘરડા ઘરના તંજ કસે છે, પણ બહુ ઓછા ઘરડા ઘર છે .. મોટાભાગના મમ્મીઓ તો હજી ઘરમાં જ છે.. અને રહેવાના ..!!!
ચાલો આપની રવિવારની સાંજ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*