સાહેબની અમેરિકાની યાત્રા ..
ભાઈ ના ગયા હોત તો ચાલતે ,પણ હવે કોઈ મોકો હોય અને ગુજરાતી માણસ છે તો પછી વેહવારમાં આપડે ક્યાય પાછા ના પડવા જોઈએ , એક તો મલક આખુ મને માંડ માંડ ઓળખતું થયું છે અને હું જાઉં નહિ તો પાછા બધા મને ભૂલી જાય, અને છેક ત્યાં સુધી ગયા પછી તો સીન સપાટા તો કરવા જ પડે ને ..
લગ્નમાં ગયા હોઈએ તો પચાસ માણસ આપણને મળે કોઈ ને ભેટી પડીએ ,તો કોઈ ને પ્રેમથી હાથ મિલાવીએ તો કોઈની સાથે નજરો કતરાય ,તો કોઈ ને બતાડી દેવા માટે એના દુશ્મનો જોડે લળી લળી ને વાતો કરવી પડે ..
વળી પાછી મામા ના દીકરા ભાઈનું ઘર હોય વ્હાઈટ હાઉસ, તે પછી એને મળીને પાછા આવીએ ..બસ આવું બધું થયું અમેરિકામાં સાહેબની જોડે ..
યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં હાજરી દુનિયાના બધા દેશોના વડા આપે કોઈ નવી વાત નથી પણ , આપણે તો દરેક જગ્યાએ હું છું હો ભાઈ બસ બતાડી દીધું ..જો કે કૂટનીતિ આમાં કેટલી હતી એ તો સમય જ બતાડશે ..
ઘણું ક્રીટીસીઝમ થયું ઝુકરબર્ગને ભેટ્યા , હીરાબાને યાદ કરી કરી ને બોર બોર આંસુડે રડ્યા ,સયુંકત રાષ્ટ્ર ની સલામતી સમિતિમાં પરમેનેન્ટ મેમ્બરશીપ માટે જાપાન અને બ્રાઝીલને જોડે રાખી અને અને વાત કરવાની જરૂર શી હતી ?
જી -૪ ના નેતાઓ માં સોટ્ટો પડી ગયો આપણો તો ..
ઓન સીરીયસ નોટ … જયારે જયારે ભારત દેશ ના વડાપ્રધાન યુએનમાં જાય છે ત્યારે ત્યારે ખાલી વાર્તાઓ સિવાય કઈ જ થતું નથી,હું થોડી જુદી રીતે વિચારું છું છેલ્લા કેટલાક વર્ષોથી સલામતી સમિતિના કાયમી સભ્યપદ માટે ભારત રીતસરનું ઝઝૂમે અને ઝૂરે છે નાના નાના ઘણા દેશો નો ટેકો મળે છે પણ સરવાળે બાદબાકી થાય છે ,જ્યાં સુધી પાંચ મહાસત્તાઓ એક સાથે કન્વીન્સના થાય ત્યાં સુધી બધું જ નક્કામું પડે ..
યુનાઇટેડ નેશન્સનું બંધારણ લગભગ બીજા વિશ્વ યુદ્ધ પછીનું બનેલું છે સાલ ૧૯૪૨ પછી જે ચોકઠા ગોઠવાયા એ પ્રમાણે યુએન નું બંધારણ થયું અને ત્યારપછી વિશ્વનો મોટાભાગનો પાવર પાંચ મહાસત્તાઓ પાસે રહ્યો , પણ ૧૯૪૨થી લઈને ૧૯૬૫ સુધીમાં યુનિયન જેક લગભગ દુનિયા આખીમાંથી ઉતરી ગયો , અનેક નવા રાષ્ટ્ર બન્યા અને કોલ્ડ વોર ચાલુ થયું થોડાઘણા સુધારા વધારા કોલ્ડ વોર દરમ્યાન પણ થયા ,
આપણે અમેરિકાને કોરાણે મૂકી અને રશિયાના પડખામાં પેઠા અને ચાઈના વોર વખતે જોરદાર લાત મારી રશિયાએ આપણને , એક બાજુ ભાઈ છે અને બીજી બાજુ પરમ મિત્ર કોનો સાથ આપવો ..? આવું ગંદુ સ્ટેટમેન્ટ આવ્યું સોવિયત યુનિયન તરફથી અને જવાહરલાલ નેહરુ ડીપ્રેશનમાં ગયા ,લતાજી નું એય મેરે વતન કે લોગો સાંભળતા સાંભળતા એ સ્વર્ગે ગયા અને જીમી કાર્ટર ,કેનેડી નેહરુ યુગનો અંત થયો ..
સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકો થતી રહી , ઇન્દિરા અને રાજીવ યુગ પત્યો ભારતદેશમાં , સોવિયત યુનિયન તૂટ્યું પણ ભારત દેશમાં લઘુમતીની સરકારો આવી અને વિદેશનીતિ નું નખ્ખોદ વળી ગયું ,અંધારે અંધારે અટવાતા રહ્યા , જેના ભરોસે રહ્યા એ સોવિયત યુનિયનનું પણ ગોર્બેચોવએ વિસર્જન કરી નાખ્યું ..આપણે ક્યાં જવું કયા નહિ કઈ સમજણ ના રહી બસ મોટી મોટી વાતો કરી અને બધા જ નાના નાના વડાપ્રધાનો પાછા ભારત આવ્યા ..
બીજી ઘણીબધી ક્રાંતિઓ સર્જાઈ દુનિયામાં અને છેલ્લી લેટેસ્ટ ઇન્ટરનેટની ક્રાંતિ આવી દુનિયામાં ,ભારત વર્ષના પનોતા પુત્રો અને પુત્રીઓ એ સીલીકોન વેલીમાં કાઠું કાઢ્યું, પેટની આગ અને આગળ આવવાની તમન્ના એ આખા વિશ્વમાં ભારતીયોને ફેલાવા અને આગળ આવવા મજબુર કર્યા ,અને ભારત દેશની અંદર દરેક શિયાળો ઠંડી લઈને આવે અને ચોમાસામાં બે પાંચ કરોડ બાબલા બેબલી વધી જાય .. ( શિયાળા થી ચોમાસા નું અંતર ૯ મહિના હોય છે )
દેશમાં ૩૦ કરોડના ૧૨૦ કરોડ થયા અને પરદેશમાં ૧૨ કરોડ થયા ટોટલ ૧૩૦ કરોડ થી વધારે ..બસ સાહેબની નજર અહિયાં બગડી છે,વેચવા બેઠા છે ૬૦ કરોડનો મિડલક્લાસ સાહેબ ,જોરદાર મોટું માર્કેટ છે દુનિયા માટે અને ખાસ કરીને જાપાન ,ચીન અમરિકા અને યુરોપ માટે આ ૬૦ કરોડનો મિડલ ક્લાસ ..સાહેબ આ બધાની ગરજ જોઈ ગયા છે
આ બધાના ધંધાના બદલામાં સલામતી સમિતિનું કાયમી સભ્યપદ માંગે છે સાહેબ ,પણ મામાના દીકરા અને જગત કાજી ઓબામા ચાતરી ગયા ,સંયુક્ત રાષ્ટ્રના નવા મહાસચિવ આવે પછી વાત એમ કરીને ફોઈબાના દીકરા ભાઈ ને ભારત પાછા મોકલી દીધા ,અને ત્યાં સુધીમાં એમની મુદત પણ પૂરી થાય અને નવા આવનારાને જે કરવું હોય તે કરે ..
બીજું મોટું કામ સાહેબ એક કર્યું અમેરિકામાં સભાઓ ગજવી , ડાયરેક્ટ અમેરિકાની જનતા સાથે કનેક્ટ થવાની વાત છે , મોટા ભાગના અમેરિકાનો ને જ્યારથી એબેટાબાદનો કાંડ થયો ત્યારથી પાકિસ્તાન દીઠું ગમતું નથી પણ સેનેટ અને પ્રેસિડેન્ટ પાકિસ્તાન ને ડોલર આપ આપ કરે છે ..એક જનમત અમેરિકામાં ઉભો કરવાની વાત છે પાકિસ્તાનની વિરુદ્ધમાં , અને થઇ પણ રહ્યો છે ..જોડે જોડે હીરાબાની ભૂતકાળની તકલીફોને યાદ કરીને આંસુ સારી લીધા , હું તો તમારા જેવો જ સામાન્ય માણસ છું એવું દેખાડી દીધું અમેરિકાનોને ,બહુ બધી મેહનત મજુરી કરીને ઉંચો આવ્યો છું ..અમેરિકનો ને આવા માણસો બહુ ગમે..!!
ત્રીજું કામ અમેરિકા જાય એટલી વાર મોટી મોટી અમેરિકન કંપનીઓ ના સીઈઓ ને ચોક્કસ મળે છે , હોશિયારી પૂર્વકનું પગલું છે આ અમેરિકા એનો જનમ થયો ત્યારથી એના કોર્પોરેટ્સના હાથમાં રમતું આવ્યું છે , નિશાન બરાબર તાક્યું છે સાહેબે અમેરિકન કોર્પોરેટ્સને હાથમાં લો ..અને અમેરિકન કોર્પોરેટ્સ એટલે ગોરબાપો ,વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો .. તદ્દન લુચ્ચા પોતાના નફા સામું જ જોવે અમેરિકન કોર્પોરેટ્સ ..
અને નફો ક્યાં મળે જ્યાં ધંધો હોય ,ધંધો તો જમ્બુદ્વીપે ભારત દેશમાં પુષ્કળ છે ,સાહેબે બરાબર સોગઠા ગોઠવ્યા ,ઝુકરબર્ગને ભેટ્યા , હવે જો દુનિયામાં નામ કરવું હોય તો ગુગલ ફેસબુક સિવાય છૂટકો નથી અને પાછા ચીનાઓ ફેસબુક પર પ્રતિબંધ મૂકી ને બેઠા છે એટલે ફેસબુક માટે તો ભારત્મ્ શરણમમ ગચ્છામી .. જેવો ઘાટ છે ..
જી -૪ ના નેતાઓ ને જોડે લઇ ને સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ માંગ્યું , એકલા માંગી માંગી ને થાક્યા ચાલો ચાર જોડે માંગીએ ,બરાબર છે કઈ ખોટું નથી ..
થોડાક ભયસ્થાન છે , મોટા માણસો ને રોજ રોજ મળવામાં કેમકે મોટા માણસો આપણા કરતા વધારે હોશિયાર હોય છે , ક્યાંક રૂપિયો આપી ને કલ્લી ના કાઢવી લે .. પર્યાવરણના નામે મામાના દીકરા ઓબમા કોઈ સહી કરાવી લે તો ઘણી તકલીફ થઇ જાય અને આપણી ભૂલો તો આપણે જોવા ટેવાયેલા જ નથી ..
એક કાંકરે ઘણા પક્ષી સોરી એક પોટલી માં ઘણા બધા કાંકરા ભેગા કરીને માર્યા છે સાહેબે ક્યાં ક્યાં અને કેટલા પક્ષી મારશે એ તો આવનારો સમય જ કેહશે ..
હવે થોડા પગવાળીને બેસે અને ઘરમાં બધું સરખું કરે તો સારું ,
શુભ રાત્રી
શૈશવ વોરા