આજે કેટલા વર્ષે ભરબપોરે એક વાગ્યે અમદાવાદમાં જનતાને બાવળિયું બાળીને તાપણા કરતી જોઈ..જોરદારનું “ટાઢોડું” આવ્યુ છે..!
બે રાત પેહલા આવેલી માગશરની પૂનમ અમે લગભગ આખે આખી રાત માણી..!
રાત પડ્યે જીમના ટેણીયાઓ જોડે બે વગાડ્યા,અને સવાર સવારમાં ભોંભાખળે દીકરીઓને સ્કુલ અને કોલેજ માટે બસ સુધી મુકવાનો આપણો વારો આવ્યો..! પૂનમ ખરેખર અલહાદ્ક હતી..મસ્ત મસ્ત ગુલાબી ઠંડીને લીધે એસ.જી ઉપર સન્નાટો હતો, (ભીડ નોહતી) ટુ વ્હીલર ઓછા થઇ ગયા હતા,અને વર્ષ આખું કબાટોમાં ભરી મુકેલા પરદેસથી આણેલા જેકેટ્ બહાર આવ્યા હતા..ચોખ્ખા આકાશે પૂર્ણેન્દુ એની સોળે કળા ધરતી ઉપર વરસાવતો હતો..!
એકચ્યુઅલી અમદાવાદમાં રાત રખડવું હોય તો આ બે મહિના જ વેધર સપોર્ટીવ હોય છે,પછી તો પરસેવા નીતરતી રાતોમાં મધરાતે પણ ભાનુપ્રસાદ એમનો પ્રકોપ વિખેરતા હોય છે..!
છેક બ્રહ્મમુર્હુતમાં પણ ઇન્દુલાલ ખીલેલા જ હતા,એવું લાગતું હતું કે આજે તો પાર્ટી ફૂલ ફોર્મમાં છે આજકાલના નવા પરણેલા “જોડા” ઓની જેમ..!
જો કે એમને ફોર્મમાં રેહવું જ પડે સત્યાવીસ “બૈરા” કર્યા છે 😉
પંચાગ એવું કહે છે કે ગઈકાલે ચંદ્રમા મૃગશીર્ષ નક્ષત્ર છોડી અને આદ્રા પાસે આવ્યા..અને એની એંધાણી પણ વાતાવરણમાં પણ આવી ગઈ હતી,વેહલી સવારના અસ્તાચળે જતા પૂર્ણેન્દુ મહારાજ ઉપર વાદળા આવી ગયા હતા,અને અચાનક ગઈકાલ રાતની ઠંડક સવારે સેહજ ગરમીમાં પરિવર્તિત થઇ..!
આદ્રા નક્ષત્ર જલત્વનું નક્ષત્ર છે, એટલે માવઠું તો થાય,આમ પણ પેલું ગુગલ્યુ નોટીફીકેશન ઠોક્યા કરે છે સાયક્લોન આવી રહ્યું છે,આવી રહ્યું છે..!!
અત્યારે તો સાયક્લોન “ઓખી” મધદરિયે ઘૂમી રહ્યું છે,અને અરબસાગરને ધમરોળી રહ્યું છે,પણ ધીમે ધીમે કચ્છ-કાઠીયાવાડ,ગુજરાતની ધરતી તરફ આગળ આવી રહ્યું છે..
ભઈલા “ઓખી”, સોરી બેના “ઓખી” (સાયક્લોનને સ્ત્રી ગણવામાં આવે છે),તું સેહજ ડાબી બાજુ જવાનું રાખને તો તને ત્યાં વધારે મજા આવશે..! અમારા કચ્છ,કાઠીયાવાડ અને ગુજરાતમાં તો અત્યારે આમ પણ બહુ “બબાલો” ચાલી રહી છે, ત્યાં કરાંચી તરફ તું જતી રહે…એ લોકોને ત્યાં કારણ હોય કે ના હોય બધા એકબીજાને મારતા જ હોય છે, તો પાંચ-પચીસ બીજા તું લઇ લેજે..!
બંગાળની ખાડીએથી નીકળેલું સાયક્લોન લગભગ આખા ઉપમહાદ્વીપના સાગર કિનારાની એક લાંબી સફર કરીને છેક ઉપમહાદ્વીપને પશ્ચિમે પોતાનો છેડો શોધતુ આવી રહ્યું છે..ઓખી જેટલો સમય દરિયા ઉપર વધુ રેહશે એટલો જમીન પર કેહર વધારે વરસાવશે..! અત્યારે તો સેટેલાઇટ ઈમેજ ઓખીને ગુજરાત તરફ આવતું હોય એવું દેખાડી રહ્યા છે..!
લેટેસ્ટમાં ઓખી ગુજરાત મેલ પકડીને મુંબઈ, સુરત અને વડોદરા થઈને અમદાવાદ સુધી એક દિવસમાં આવી જાય એવી મજબૂત આગાહી છે..પવનનું જોર પણ ૫૦ થી ૬૦ કિલોમીટરની સ્પીડ અમદાવાદ સુધી કહી રહ્યું છે..!
૫૦ કિલોમીટરની પવનની સ્પીડ ચુંટણીના પાટીયા ભેગા લોકોના લગ્નોની બેન્ડ વગાડી દેશે..માગશરના લગ્નો મોટેભાગે પાર્ટીપ્લોટમાં થતા હોય છે અને આ બંગાળી નામધારી “ઓખી” ઉર્ફે “આંખ” બધું રફેદફે કરી નાખશે..!!
૫૦-૬૦ની સ્પીડ હોય તો એકલા અમદાવાદમાં જ ઓછામાં ઓછા ચારસો પાંચસો ઝાડને લઈને જાય, હજી એએમસી હાલી નથી, આજે પાંચમી તો ગઈ મુંબઈથી અમદાવાદ સુધીમાં ઝરમર વરસી રહ્યો છે,અને ઓખી અમદાવાદ સુધી ખેંચવાનું જ હોય તો પછી રીવરફ્રન્ટના પાણીના લેવલ આજ સાંજ સુધીમાં ઉતારી નાખવા પડે,નહિ તો બે ત્રણ ઇંચ વરસાદ પણ બધા જ અન્ડર પાસ ભરી મુકશે..!
આખા ગુજરાતના દરિયાકાંઠે અત્યારે ૩ નંબરનું સિગ્નલ ઉતારીને ૨ નંબરનું સિગ્નલ લાગ્યું છે,પીપાવાવ બંદરે લાંગરેલ જહાજના લંગર તૂટ્યા છે..કદાચ હવે ઓખી બીજી તરફ જાય એવી શક્યતા ઓછી થતી જાય છે, એટલે વણનોતર્યા મેહમાનનું હવે પૂરી “તૈયારી”થી સ્વાગત કરવું જ રહ્યું..!
લગભગ ખંભાતના અખાતમાંથી ઓખીની આંખ ખુલે એમ લાગે છે,એટલે સુરત ભરૂચ અને અંકલેશ્વર ઉપર ખતરો વધ્યો છે,એનડીઆરએફ ની ટીમો અને સેનાની ત્રણે પાંખો સજ્જ થઈ ગઈ છે..!
ટીવી ઉપર ધીમે ધીમે ચૂંટણીના સમાચારો પાછળ જઈ રહ્યા છે અને ઓખી આગળ આવી રહ્યું છે..
આપત્તિને અવસરમાં ફેરવવા ટેવાયેલા પ્રધાનસેવક માટે ઓખી પણ એક અવસર બની શકે તેમ છે, છેલ્લી ઘડીએ આવી પડેલી આફતમાંથી ગુજરાતને પ્રોપર મેનજમેન્ટ કરીને જો ઓછામાં ઓછું નુકસાન થાય એવું તંત્ર ગોઠવાય તો મતદાનની પેટર્નમાં મોટો ફર્ક આવી શકે છે..
આપણે ગાડીઓ ઝાડ નીચેથી ખસેડવી પડશે,ગઈસાલના ચોમાસે તો આપડી એક ગાડી ઉપર ઝાડ પડ્યું હતું પણ દૈવયોગે કોઈ મોટું નુકસાન નોહતું આવ્યું, પણ ઝાડ ગાડી ઉપરથી હટાવવા માટે મ્યુનિસિપાલીટીમાં અનેક ફોન કર્યા પણ ત્યાંથી એક જ જવાબ આવતો હતો કી તમારી પ્રાઈવેટ સોસાયટી છે એટલે પેહલા જાહેર રોડ-રસ્તાના ઉખડી ગયેલા ઝાડને ક્લીયર કરશું, અને પછી તમારો વારો આવશે, છેવટે અપના હાથ જગન્નાથ કરીને ફેક્ટરીના માણસો અને બાજુની હોટલેથી વેઈટરને ભેગા કર્યા,અને ઝાડ ધીમેથી ઊંચું કરીને ગાડી નીચેથી ખેંચી લીધી.. પંદર વર્ષ જુનું ઝાડ હતું, આપડે જ વાવીને મોટું કરેલું પણ ઈશ્વરે ઈચ્છા બલીયસી..!
મમ્મી દર ચોમાસે બુમો પાડે આ ઝાડ થોડા કપાવ એટલે વરસાદ આવે ત્યારે પાણીના ભારથી આખા ના તૂટી જાય,પણ દોઢ ડાહ્યા આપણે પર્યાવરણને નુકસાન કેવી રીતે કરાય..? છેવટે હવાની એક મોટી ઝાપટે આખું ઝાડ પડ્યું..!
આજે જો મ્યુનિસિપાલિટીના બગીચા ખાતાના લોકો જાગે અને થોડા ભારે ઝાડની છટણી કરી નાખે તો આવતીકાલના ફૂંકાવાના સંભવતઃ પવનમાં ઘણા ઝાડને જીવનદાન મળી જશે..!
અત્યારે ૨૦૦ ફૂટના રીંગરોડેથી ગાંધીનગર અમારી સવારી જઈ રહી છે,એક પણ ગાડી કે ટ્રક સેહજપણ સાઈડમાં ઉતરવા તૈયાર નથી ફૂલ ટ્રાફિક છે, જરૂરના હોય તો ઘરની બહાર ના જવામાં સાર છે, સાંજ પડે તે પેહલા ઘરભેગા થવામાં ડહાપણ છે, અત્યારનું વાતાવરણ જોતા આવતીકાલે આગોતરું આયોજન કરીને ગુજરાતની શાળા કોલેજો કમસેકમ બંધ રાખવી જોઈએ..રીંગરોડ ઉપરની વિઝીબીલીટી ઘટી રહી છે પાંચસો મીટર માંડ રહી છે,વાહનોની હેડલાઈટો ચાલુ થઇ ગઈ છે..!
દરિયા ખેડવાના તો ભૂલી જાવ પણ હાઈવે પણ ખેડવામાં જોખમ છે..!
અમદાવાદમાં અત્યારે પહાડોનું વાતવરણ છે, અમે કોલેજમાં ભણતા ત્યારે એક મિત્ર બોલતો કે આપડી કોલેજ આબુમાં જતી રહે તો કેટલી મજા મજા થઇ જાય.. અમે એનું નામ “મુંગી”(મુંગેરીલાલ) પાડ્યું હતું.. આજે મુંગીનું સપનું સાચું પડ્યું છે..!
પણ અફસોસ “મુંગી” જઈને બેઠો છે નોર્થ અમેરિકામાં, અને કોલેજની એ મૂંગીમન્તર દિવાલો,વડલો અને વડલે લટકતી વડવાગોળ..આ બધા સિવાય હવે કોલેજમાં કોઈ આપણને ઓળખતું નથી..!
એક સમય હતો જયારે દરવાજે આપણું ૮૧૮૭ (બાઈક)ઘૂસે અને એના ફાયરીંગના અવાજથી દોસ્તો બુમો પાડીને કેહતા એ શૈશાવ્યા “પેલી” ત્યાં કેમેસ્ટ્રીમાં છે, સેહજ આગળ જઈએ ત્યાં બીજી બુમ આવે એ “પેલી” બાયો ના પાર્કિંગમાં છે, જા બે`..ત્યાં..જા..!
જેમનું “કોઈ” નોહતું એ “બીજી બધીને” જોઈ જોઇને આપડા નામના બીલો ફાડતા..!
આપડો શુક્ર પાવરફૂલ ખરો,પણ શનિ-ગુરુની જોડે બેઠેલો અને મંગળ બેઠો રાહુ જોડે..સાલું પ્રેમ થાય જ નહિ..!
પણ યારો આવા માદક વાતાવરણમાં જૂની “ભૂતાવળો” જાગે તો ખરી..!
શું કેહવું છે ??
આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લ્યો કઈ “ભૂતાવળ” દેખાઈ ..??!!!!
વોટ્સ એપ કરો ત્યારે, બપોરના પોણા બે થાય છે તમારી “ભૂતાવળ” વાસણ ઉટકી ને નવરી પડી હશે..અને વોટ્સ એપ ના જવાબમાં ફોન આવે તો..
એ બસ હવે…અટક હો “મુંગી”..!!
સાંજે ઘરવાળીને લઈને કોફીના પ્લાન કરાય..જુની “ભૂતાવળ”ને લઈને કોફી પીવા ગયા ને તો અઠવાડીયા સુધી “ચુડેલ” સ્વરૂપ જોવા મળશે..
આપડે તો ભઈ એવું રિસ્ક ના લઈએ..!
એન્જોય અને સાચવજો..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા