આજે જીવન એ સાઆશ્ચાર્યાનંદ દિવસ મને આપ્યો..
મારી નાની દીકરીને દસમાં ધોરણના બોર્ડમાં ૯૬.૮૬% માર્ક્સ આવ્યા.. પિતા તરીકે ગર્વની લાગણી થાય..!
કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં શ્રી અમિતાભ બચ્ચનના જન્મદિવસે એમના માતા શ્રીમતી તેજી બચ્ચનની એક ઓડિયો કલીપ વગાડવામાં આવી હતી..અત્યંત ભાવપૂર્ણ આશીર્વચનની એ ઓડિયો કલીપ હતી અને મને તો એકદમ હૈયા સોંસરવી ઉતરી ગઈ હતી..!!
જે શબ્દો મને ગમ્યા તે હતા *“–ઔર એક માં કો ઇસસે અધિક સુખ.., માં યા બાપ ,મેરા ખ્યાલ વો અપને જીવન મેં અપની સંતાન કો બઢતે દેખતે હુએ જીવન મેં ઇસસે અધિક સુખ નહિ હૈ, કે ભગવાન ઐસા સુખ તુમ્હે ભી દે..” *
સનાતન નિર્વિવાદ સત્ય…!!
*માતાપિતાના જીવન નું પરમસુખ પોતાના સંતાનને આગળ વધતું જોવાનું..!!*
મને ખબર નથી કે આ સુખ મેં કેટલું મારા માતાપિતાને આપ્યું , પણ હા મારા સંતાનો આજે આ સુખ મને આપી રહ્યા છે ..!! અને એ ચોક્કસ માતાપિતાના આશીર્વાદ છે..પરમકૃપાળુ પરમાત્માની કૃપા છે..!
ઘણા બધા વોટ્સ એપ મેસેજીસ અને ફોન કોલ્સ અભિનંદનના આવ્યા , હરખથી અને હક્કથી સ્વીકાર્યા . પણ એક ખૂણે એમ થતું કે આજે મારા સંતાનની મળેલી આટલી અમથી એક નાનકડી સફળતાનાં અભિનંદનનો હું હક્કદાર કેટલો ?
કદાચ નહિ..અને છું તો બહુ જ ઓછું..,
જે કર્યું છે તે મારા સંતાનો એ કર્યું છે , માતાપિતા તરીકે જે કઈ આપણે કરીએ છીએ તે આપણી ફરજ છે.. અને આવું કેહવાનું કારણ છે.. મારા માતાપિતાએ જે મારી પાછળ કર્યું છે અને જે ભોગ આપ્યો છે ,એનો પાંચમો ભાગ પણ હું અત્યારે મારા સંતાનોને નથી આપી રહ્યો ,અને આજ ના સ્કુલના બાળકો જેટલી `સિન્સીયારીટી` મને તો કોલેજમાં પણ નોહતી આવી..!
સંતાન જયારે આગળ વધતું હોય ત્યારે આપણે ગર્વ તો ચોક્કસ લઇ લઈએ છીએ અને ફટાક કરતુ માથું પણ ઊંચું કરી દઈએ છીએ ,પણ ત્યારે જ વિચાર કરવો જરૂરી હોય છે..
થોડાક સમય પેહલા રિશી કપૂર સાહેબનો એક ઈન્ટરવ્યું હતો એમાં એક સવાલ પુછાય છે કે તમે તમારા દીકરાની એક્ટિંગ અને પરફોર્મન્સથી ખુશ છો ..?
એમનો બહુ જ સ્પષ્ટ જવાબ હતો .. ના
એન્કરની આંખ પોહળી થઇ ગઈ …હેં કેમ ..?
ત્યારે એમણે એમના દાદા પૃથ્વીરાજ કપૂરની એક વાત કરી હતી કે મારા દાદા એમ કેહતા કે મદારી જયારે ખેલ કરતો હોય ત્યારે પોતાના વાંદરાને એક પછી એક ખાલી ડબ્બા ના મિનારા ઉપર ચડાવતો જતો હોય ત્યારે વાંદરું એક ડબ્બો ચડે એટલે મદારી બીજો ડબ્બો ગોઠવે ,અને એમ એક પછી એક ડબ્બાનો મિનારો થતો જાય, મદારી ક્યારેય બે કે ત્રણ ડબ્બા ઉપર ચડેલા વાંદરાને ઉતારી નથી લેતો..સાત આઠ ડબ્બાનો મિનાર બને અને વાંદરું એ છેક ઉપરના સાતમાં કે આઠમાં નાના માં નાના ડબ્બા સુધી ના પોહાચે ત્યાં સુધી વાંદરું લાકડીઓ ખાય,
એમ જ તમારું સંતાન એક મુકામ સર કરે, એટલે બીજો મુકામ એની સામે મૂકી જ દેવો પડે , અને સંતાન એક મુકામ સર કર્યાના સફળતાના નશામાં એ બમણા જોરથી નવો મુકામ સર કરવા તાકાત લગવાશે..માટે મારા છોકરાની બેસ્ટ ફિલ્મ આવવાની બાકી છે અને બાપ તરીકે હું ક્યારેય સંતોષ નહિ પામું. અને લાકડીઓ મારતો જ રહીશ..!”
કેવું કેહવાય નહિ ..!!??
આજ ના ભયંકર પોઝીટીવીટીના જમાનામાં જમાનાથી તદ્દન ઉંધી વાત..!!
ના ..ના .. નાં … ભાઈ હો બાળક ને ખોટ્ટુ પ્રેશર તો કરાય જ નહિ ,એને જે કરવું હોય તે કરવા દેવાય , એને જે લાઈન લેવી હોય તે લેવા દેવાય …આજકાલ બાળકને દબાણ કરવાનો જમાનો નથી..!
હું તો માનું છું કે દબાણ તો કરવું જ રહ્યું ..સ્ટ્રેસ તો આપવો જ રહ્યો .. ખોટી સુફિયાણી વાતો નો મતલબ નથી ..
દુનિયા ડીગ્રી અને નોલેજની દિવાની છે, અને જો લખલૂટ સાત પેઢી ચાલે એટલો રૂપિયો બાપ મૂકીને ના ગયો હોય તો એ ડીગ્રી જ છે જે ભવિષ્યમાં તમારા સંતાનના ઘરના લાઈટ બીલ અને કરીયાણાના બીલ ભરશે..!!
બાકી ખોટી હોશિયારી મારી અને સમયવર્તે તલમાં તેલ હોય છતાં પણ પીલો નહિ તો તડકો એનું કામ કરવાનો જ છે ..ગરમીમાં તલ નું અંદરનું તેલ સુકાઈ જશે અને તલ `ફોફું` થઇને ઉભું રહી જશે..!!
અને જો સમયવર્તે પીલાય અને સારા પેકિંગમાં ભરાય તો ૧૦૦ એમ એલ તલના તેલના ૩ અમેરિકન ડોલર આવે પૂરા અને ફોફાના ચાર આના પણ નહિ..!!
કડવું સત્ય..!!
શ્રીમતી તેજી બચ્ચનના આશીર્વચનને સત્ય કરવા હોય તો સંતાનને સ્ટ્રેસની ટેવ પાડવી જ રહી..!
સ્ટ્રેસ વિનાની જિંદગી ઢોર જેવી થઇ જાય…
આપણે એવા કિસ્સા રોજ વાંચીએ છીએ કે ભણવાના સ્ટ્રેસને લીધે કેટલાક બાળકો એ આત્મહત્યા કરી , માંબાપ રોલ અહિયાં જ આવે છે ..જેમ મદારી ચાર ડબ્બા એનું વાંદરું ચડી જાય એટલે તરત જ એક બિસ્કીટનો ટુકડો એની તરફ ફેંકે અને પછી તરત જ લાકડી મારે ચલ ઉપર ચડ ..
બસ માતાપિતા એ એમ જ સ્ટ્રેસ આપતા રેહવું પડે અને રીલેક્સ કરતા રેહવું પડે ..
અને આ બધી રમત રમતી વખતે કમ સે કમ માતાપિતા એ પોતે સ્થિરબુદ્ધિ ના હોવું જરૂરી બની જાય છે..જો માતાપિતા પોતાનો સ્ટ્રેસ બાળક ઉપર નાખે તો પછી પરિણામ ઊંધું ..!!!!
અમિતાભ બચ્ચન હોય કે રણબીર કપૂર એમની સફળતામાં પરિવારનું બહુ મોટું યોગદાન છે, અમિતાભ બચ્ચન તો છડેચોક કહે છે કે મારી સફળતા પાછળ મારા માતાપિતા છે..
ચોક્કસ છે, જેના માતાપિતાનો તીનમૂર્તિ ભવનથી લઈને એક સફદરજંગ સુધી નો એક્સેસ રહ્યો જોય એને બાળપણથી જ હવામાંથી જ કેટલી બધી વાતો શીખવા મળી હશે ..??!!
અને રણબીર ના કેસમાં તો એ એક વટવૃક્ષ ની વડવાઈ છે , જીનેટીકલી સ્ટ્રોંગ અને આવો કડક ઉછેર.. પછી સફળતા કદમ ના ચૂમે તો જ નવાઈ છે..!
સ્ટ્રેસ આપવો પડે અને સ્વતંત્રતા ઉપર પણ ક્યારેક તરાપ મારવી પડે તો મારવી પડે ,
મોટેભાગે બાળકોને એ જ ખબર નથી હોતી કે એ લોકો જે ભણી રહ્યા છે એ એમને જીવનના ક્યા તબક્કે અને ક્યાં કામ લાગશે..અમારા જમાનામાં તો બ્રિટીશ લાઈબ્રેરી સુધી તૂટવું પડતું ,
અને આજે તો ગુગલ છે ,કઈ ડીગ્રી લીધા પછી કયું કામ કરવાનું થશે ,અને એના કેટલા રૂપિયા મળશે અને એ રૂપિયાથી તું શું લઇ શકીશ અને જો રૂપિયા ઓછા હશે તો શો-કેસમાં તારી આંખ સામે પડેલી વસ્તુને તારે લાખ ઈચ્છા હશે તો પણ બજારમાં જ મૂકી ને જ આવવું પડશે…
આટલી ચોખવટ તો માતાપિતાએ આજ ના જમાનામાં સંતાન સાથે કરવી જ રહી … પોઝીટીવીટીના નામે પપલાવાય નહિ..!!
હા છેલ્લે પોઝીટીવીટીના નામે પપલાવાય નહિ ,અને નેગેટીવ થઇને બીવડાવી પણ ના મુકાય, બધું ય માપમાં રાખી ને થાય..!!
જીવન છે ,એક આંખ હસતી ને એક લાલ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
એક બહુ ગંદી કોમેન્ટ આવી ..તારી દીકરીઓ તો “તૈયાર” થઇને કોઈકના ઘર જ ઉજાળશે ને..!!
અરે યાર લઠ્ઠ બુદ્ધિ , આવી કોમેન્ટ આપતા પેહલા એટલું તો વિચારવું હતું કે તારી માં એ કોઈક નું ઘર ઉજાળ્યું કે એનું પોતાનું ..???
અજ્ઞાની અને આંધળા ની બધી ભૂલ માફ..