પેમ્પરીંગ ..
ઘણા દિવસ પછી ભૂતકાળમાં નજર કરવાનું મન થયું ..
વાર્તા માંડું..
થોડાક વર્ષો પેહલા એકવાર હોંગકોંગથી શેનઝેન જવાનું થયું હતું, હોંગકોંગથી શેનઝેન પોહચવાના ઘણા રસ્તા છે, ફેરીબોટ , ટ્રેઈન અને જમીન રસ્તા વાટે પણ જતા રેહવાતું ત્યારે ..
મોટેભાગે હું હોંગકોંગ ઉતરું એટલે સીધી ફેરીબોટ પકડી લઉં કેમ કે બાય રોડ જવાનું હોય તો પેલી શેરીંગ ટેક્ષી આખી ભરાય નહિ ત્યાં સુધી ઉપાડે નહિ અને કલાક જેવું ખોટી થવું પડે ..અને સસ્તું પણ પડે અમદાવાદી જીવડાને .. દરેક વાતમાં જરૂર છે ? એવું પોતાની જાતને પેહલા પૂછી લેવું પછી ખર્ચો કરવો આવું બધું જ્ઞાન અમદાવાદી માણસને જન્મજાત મળેલું હોય ..!
હવે એ દિવસે થયું એવું કે મારી સાથે એક એનઆરઆઈ ગુજરાતી કાકા .. હું ત્યારે ખણખણતો જુવાન અને કાકા સાહીઠની આજુબાજુ, પણ દોસ્તી અમારી એકદમ પાક્કી જામી ગયેલી, મોઢાની બિલકુલ છૂટ અને ત્યાં સુધીની કે એકલામાં હોઈએ તો કાકા સાથે તું તા`રી ના સબંધ ..
મેં કાકાને કીધું હેંડો નાવડામાં બેસી જઈએ ..
કાકાની છટકી .. ના અલ્યા એવા બધામાં તે ક`ઈ જ`વાતા હશે ..
મને લાગ્યું કે કાકા એના ડોલરિયા એટીટ્યુડમાં આવી ગયા છે એટલે મેં મોઢામાંથી કાઢી ગાળ અને કર્યો છણકો .. તો શું પેલી લીમોઝોનમાં જવું છે તારે ડોહા..?
કાકા એકદમ અમેરિકન એક્સેન્ટમાં બોલ્યા .. યસ ઓફકોર્સ ,એ બધા નાવડામાં ગંધાવા હું નથી આવવાનો અને અમદાવાદી તારી પાસે ઓછા હોય તો ટ્રીપ ઓન મી ..
મને થયું કે હજી ટ્રીપની શરૂઆત છે અને આ કાકા મારા ડોલર પુરા કરાવશે ..
મેં કીધું .. એ કાકા યાર મફતના ભાવમાં જવાય છે ત્યાં લીમોઝોનના રૂપિયા ક્યાં તારે મારી પાસે ખર્ચાવવા છે ?
કાકા બોલ્યા .. મારી ઉપર ભરોસો છે ને ? તારો ખર્ચો નીકળી જશે ચલ બેસી જા ..!
ઓપ્શન હતું નહિ કાકાનો છેડો ઝાલ્યો હતો એટલે શૈશવ પાર્ટી લીમો ઉર્ફે લીમોઝોનમાં ચડી બેઠી ..!
આખી રાત એર ઇન્ડિયાના `કેટલ ક્લાસ`માં કાઢ્યા પછી તખ્તે-તાઉસ (મયુરાસન શાહજહાં વાળું ) મળ્યું હતું , શરીરને તો મોજે મોજ આવી ગઈ .. પણ ખરી મજા ક્યાં આવી તો કહે હોંગકોંગ ચાઈના બોર્ડર આવી અને હું બારણું ખોલીને ઉતરવા ગયો .. કાકા એ ઈશારો કરી બેસાડી રાખ્યો .. મારું હહારું લીમોઝોન હતી એટલે પેલો ચીનો ઈમિગ્રેશન ઓફિસર કેમેરો લઈને છેક ગાડીમાં ઘુસ્યો અને ફોટા પાડી પાસપોર્ટ ઉપર સિક્કા મારી અને ઓકે લા કરી ગયો ..!!
આપણી આંખો તો ચાર .. મેં કીધું (ગાળ .,ગાળ ,ગાળ ) કાકા સાલ્લા ચીનાઓ આમ તો આપણા મોઢા ફેરવી ફેરવીને જોવે છે અને પછી એના દેશમાં ઘુસવા દે છે અને આ લીમોઝોનમાં બઠા છીએ તે છેક અંદર ગાડીમાં આવીને ઈમિગ્રેશન પ્રોસેસ કરી ગયો .. અઘરો ..!
કાકા હસતા હસતા બોલ્યા .. બેટમજી માલ હૈ તો તાલ હૈ ..!!
લીમોઝોન છેક અમારી હોટેલની બાહર અમને ઉતારીને ગઈ .. કાકા એ કીધું ચલ ઝટ નાહી ધોઈ લ્યે હું તારા રૂમમાં આવું છું થેપલા અને ચા પીવા ..!!
અમે ચેક ઇન કર્યું અને પછી આખો દિવસ અને પોણી રાત ધંધાના લમણાં લીધા કર્યા ..!
ચીન દેશ જાઉં ત્યારે મારી સાથે પેહલા બે દિવસ ત્રણ જણને થાય એટલા થેપલા પછીના બે દિવસ માટે સરખી કડક મોણ નાખેલી ભાખરી અને પછીના છેલ્લા બે દિવસ માટે `ઈનફ` ખાખરા ભરી રાખતો .. અને લગભગ ત્રણથી ચાર વ્યક્તિને થાય એટલું ભાતું જોડે બાંધી જ લેવાનું એટલે કોઈક ગુજરાતી રડ્યો ખડ્યો ભૂખ્યો મળી જાય તો એની ક્ષુધા તૃપ્ત કરી શકાય..!
હવે મજાની વાત એ હતી કે એકવાર બેંગ્લોરની બહુ મસ્ત પાંચ સિતારા હોટેલમાં હું રહ્યો હતો અને એ જ કાકા મને ત્યાં મળી ગયા અમને કહે ક્યાં રહ્યો છે ? મેં કીધું “ધ પીલા” માં .. કાકા મને કહે ઘેલા એવા રૂપિયા નખાય ? હું તને એક મસ્ત જગ્યા બતાડું ચલ મારી હા`રે ..
કાકા મને એકદમ સી-ગ્રેડની હોટેલમાં લઇ ગયા પણ આખ્ખી હોટેલ ભરેલી ,ખુબ મોટી હોટેલ અસંખ્ય કન્નડ સ્ત્રી પુરુષો હોટેલમાં દેખાય અને બધા જોતા જ આપણને લાગે કે ભદ્ર વર્ગના છે .. એ હોટેલની રેસ્ટોરન્ટમાં ઢોંસો મળે ખાલી દસ રૂપિયાનો અને કેટલો બધો મોટો .. બાપરે ..ઢોંસાની સાઈઝ જોઈને ચકરી ચડે ..!
કાકાએ સમયે મને કીધું ઘેલા અહિયાં રેહ્વાય ખોટા ધ પીલા ,કિલા ના રૂપિયા ના બગાડાય ..!! અહીં પાંચસોમાં પતે અને પીલા બાર હજાર ઠોકે ..
ત્યાં શેનઝેનમાં મને એ ધ પીલા વાળી વાત યાદ આવી .. બે દિવસ પછી હું અને કાકા શેનઝેનના એક પબમાં રીલેક્સ થવા ગયા.. ત્યારે મેં એ વાત છેડી .. મેં કીધું કાકા તું મને બેંગ્લોરમાં ધ પીલામાં રેહવાની ના પાડે છે જયારે અહિયાં લીમોઝોન ..?
કાકા બોલ્યા .. જુવો બેટમજી ક્યારેક આપણે આપણી જાતને પેમ્પર કરી લેવાની , આપણી જાત ને ઇન્સેન્ટીવ આપવાનું, આપણા પોતાના ધંધા છે કોઈ કંપનીઓ તને પ્રાગ કે વેગસ નહિ ફેરવે, જાત્તે જ ફરવું પડે અને જોવું જાણવું પડે અને જાતને પેમ્પર કરી લેવાની .. અને આપણે ધંધે બેઠા છીએ એટલે મૂડ ફ્રેશ રાખવો બહુ જ જરૂરી હોય છે , તું આખી રાત નો થાકેલો હતો, દારુ-બારું તો તને ફાવે નહિ એટલે તારો મૂડ બુસ્ટ કરવા જ મેં લીમો કરી ..!!
ગમ્યું મને .. “પોતાની જાતને ક્યારેક પેમ્પર કરી લેવી ..!!”
પણ પરદેસ જઈએ ને તો બે પાંચ ડોલર બચાવી ને બૈરી છોકરા અને મમ્મી પપ્પા માટે શોપિંગની બહુ તાલાવેલી મને થતી હોય છે..
જો કે “પોતાની જાતને ક્યારેક પેમ્પર કરી લેવી ..!!” એ વાત મને ગમી ..પણ થોડુક અઘરું પડે છે બાપ તરીકે..! *જો કે મને નહિ પણ દરેક બાપને પણ લાગુ પડતી આ વાત છે ..!!*
મન ને મારીને જિંદગી જીવતો બાપ ક્યારેક વરસના વચલા દિવસે પોતાની જાતને પેમ્પર કરી લ્યે તો ચાલે, પણ રોજ રાત્રે બાટલી ખોલીને પોતાની જાતને પેમ્પર કરતો સાંપ (બાપ)આ વાતને પોતાની ઉપર લાગુ પાડે તો પાછું આ ખોટું ..!!
પણ મને કાકાની એ વાત બહુ ગમી કે ક્યારેક આપણી જાતને પેમ્પેર કરી લેવી પડે ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*