ભિખારીની જોડે સેલ્ફી
બહુ સરસ કટાક્ષ કર્યો છે ,દાન આપ્યા નો સંતોષ લેવા માટે નો ફોટો …કે સેલ્ફી નો ક્રેઝ
ગઈકાલે એક રેડિયાના એફ એમ પર ભિખારી પર નો સર્વે આવ્યો હતો , મુંબઈ ના ભિખારીની એવરેજ આવક મહીને ૩૦,૦૦૦ હજાર રૂપિયા છે ..!!!
એક આરજે એ અમદાવાદના એક ભિખારીનો ઇન્ટરવ્યુ કર્યો, રોજની આવક ૩૦૦ રૂપિયા ખર્ચો ૨૦ થી ૨૫ રૂપિયા અને અઠવાડિયે એક વાર પોટલી પીવાની ૪૦ રૂપિયાવાળી , મિલકતમાં ઘેર ગામડે એક ઘર અને બે ભેંસ અને થોડી બકરીઓ …એક ભેંસ અત્યારે ૫૦૦૦૦ ની આવે છે …!!!
તમે ભીખ કેમ માંગો છો ? સવાલ ના જવાબમાં એ શ્રીમાન ભીખારીજી એ કીધું આ કામ સેહલું કામ છે અને બીજું કામ કરવું ફાવતું નથી , અને ટેવ પડી ગઈ છે.
દાનેશ્વરી ભારત દેશના રાધેય અંગરાજ કર્ણના અવતારો આપણે બધાએ શું કાઢી લીધું ..?? દાન દક્ષિણા કરીને ..?
એક બીજો કિસ્સો કહું ,દિલ્લીના એક મંત્રાલયમાં જવાનું હતું, મારી સાથે એક માલેતુજાર હસ્તિ પણ જોડાઈ હતી , સવાર સવારમાં એર ઇન્ડીયા લઈને દિલ્લી ઉતર્યા ,શેઠ મોટા હતા એટલે એમણે એમના મોભા પ્રમાણે એક લાંબી મોટી ગાડી ભાડે કરી એરપોર્ટથી, કઈક પાંચ છ હજારના રોજના ભાડાવાળી ટેક્ષી હતી ,ધોલાકુઆ ક્રોસ કરીને આગળ રસ્તામાં એક ચાર રસ્તા ઉપર લાંબી ગાડી સિગ્નલ ઉપર અટકી , લાંબી ગાડી જોઈ એટલે નાના નાના ભિખારી ટેણીયા ગાડીની આજુબાજુ બણબણવા માંડ્યા …
ટ્રાફિક જામ સાધારણ હતો એટલે એ જ સિગનલ ક્રોસ કરતા વીસેક મિનીટ થઇ ,જેમ જેમ સિગનલ નજીક આવ્યું તેમ તેમ એમાંથી ચાર પાંચ ટેણીયા બહુ એગ્રેસીવ થવા લાગ્યા ..એમના હાવભાવ વધારે પડતા દયામણા થવા લાગ્યા ,એટલે મારી જોડે બેઠેલા શેઠજી ને ખબર નહિ પણ કેમ દયા આવી અને એમની બાજુની બારી ખોલી અને એક ભિખારી ને દસ રૂપિયા આપ્યા , બસ તરત જ બીજા બધા ભિખારી ત્યાં આવી અને બારીમાં હાથ ભરવી દીધો , અને દસ રૂપિયા જેને આપ્યા હતા એણે દસની નોટ પછી ગાડીમાં ફેંકી અને સો રૂપિયાની માંગણી ચાલુ કરી , એકદમ કાગારોળ મચી એ સેઠ હમકો ભી એ સો રૂપિયા દેતા જા .. હમારી આત્મા કો જલાકે તુઝે ક્યા ખુશી મિલેગી .. માતા રાની તેરે કો બરકત દેગી .. તેરે બચ્ચે …
બસ એક સામટા બધા ભિખારી મચી પડ્યા અને હું અકળાઈ ગયો , આગળ સિગનલ ખુલ્યુ ગાડી આગળ ચાલવવાની ડ્રાઈવરે કોશિશ કરી, સેઠજી એ ગ્લાસ ઉપર કર્યો .તો એકપણ ભિખારીએ હાથ બહાર કાઢ્યો નહિ ઉલટું હાથ કોણી સુધીના હાથ ગાડીમાં નાખી દીધા, સાત આઠ હાથ ગાડી ની અંદર , બારી બંધ જ ના કરવા દે ભીખારીઓ , ગાડી આગળ જઈ જ ના શકે એવી પરિસ્થિતિ થઇ ગઈ , પાછળથી બીજી ગાડીઓના જબરજસ્ત હોર્ન વાગવા માંડ્યા ..અમારી આગળ ટ્રાફિક ક્લીયર અને પાછળ અમારી ગાડીને લીધે જામ …
છેવટે ડ્રાઈવર નીચે ઉતર્યો ગાડીની ડેકીમાંથી એક હોકી કાઢી અને ચાલો હટો યહાં સે , એમ કરીને રીતસર એક બે છોકરાને ડ્રાઈવરે ઊંચકી ને ફેંક્યા ફૂટપાથ પર અને ત્યારપછી બીજા બીક ના માર્યા ત્યાંથી ખસ્યા … બિચારા ડ્રાઈવરને સવાર સવારમાં પરસેવો પાડી દીધો ભીખારીઓ એ , અને માંડ માંડ કાચ બંધ થયો ગાડી આગળ ચાલી …
મારી જોડે બેઠેલા અંગરાજ કર્ણ તો હબકાઈ ગયા હતા આખા એપિસોડથી , ઓ બાપરે આ તો જબરા છે દિલ્લી ના ભીખારા, મેં મન માં કીધું ભાઈ આપણે તો મંત્રાલય માં જઈએ છીએ …ત્યાં તો આનાથી મોટા મોટા …સમજી જાવ
બહુ મોટી અને અઘરી જમાત ભેગી થઇ છે આ ભીખારીઓની ,
ઘણા મિત્રો ઘણી બધી પ્રકારની સેવાઓ આપતા હોય છે,ભૂખ્યાને અન્ન આપવું એ બરાબર છે પણ ક્યાં સુધી ? કોઈ મર્યાદા ખરી ? કે પછી જીવનભર એને આમ જ અન્ન આપ્યા કરવાનું અને એ ભિખારી ભીખ માંગી અને શનિ રવિ માં પોટલી મારી ને મોજ કરે ,અને આપણે પુણ્ય કમાવ્યા નો સંતોષ .
બહુ ચવાઈ ગયેલી વાત છે કે ભિખારી ને ભીખ નહિ પણ કામ આપો , પણ સાલો કરવો તો જોઈએ ને ,સેહજ કામ કરે ત્યાં તો ભાગી જાય ,એવો કોઈ ભિખારી અત્યારે ભારત દેશ માં નહિ હોય કે જેણે કામ કરવું છે અને નથી મળતું માટે ભીખ માંગે છે..!!
બહુ વર્ષો પેહલા લગભગ ત્રીસેક વર્ષ પેહલા લોગાર્ડનની એક ભિખારણ ડોસી ઘણા બધા ખાણીપીણીની લારીઓ વાળાને વ્યાજે રૂપિયા આપતી ,આવા અનેક ઉદાહરણો છે , છતાં પણ …
હું તો માનુ છું કે કોઈ ભિખારીને ભીખ આપો છો એના કરતા હોટેલમાં જમવા જઈએ ત્યારે વેઈટરને થોડી ટીપ વધારે આપવી કે આપણી આજુબાજુના નોકરો જે ખરેખર કામ કરતા હોય છે એમને મદદ કરવી એ રસ્તો યોગ્ય છે ..કમસે કામ જે લોકો કામ કરે છે એને એમ લાગશે કે અમારી કદર થઇ અને બીજા લોકોને કામ કરવાની ઈચ્છા થશે …
પંડિતાઈ તો કરી લીધી પણ ભિખારીનો એક મજેદાર પ્રકાર રહી ગયો , અમુક મિત્રો એવા હોય કાયમ ના માંગણ , હમેશા માંગતા જ ફરતા હોય ,ક્યાં તો દરેક વખતે મફતનું શોધતા હોય ..અને સાલો એટલો હરામી હોય ને એક ચાહ માટે ના પૈસા પણ ક્યારેય ના કાઢે, હોટેલમાં જાવ તો નક્કી જ હોય કે આપડે જ ખિસ્સામાં હાથ નાખાવાનો છે , અને પાછો મંગાવે ચીઝ નાન કે ચીઝ સેન્ડવીચ, એને તો ડેઝર્ટ એને જોઈએ જ , આવા ભીખારીઓને મફતનો દારૂ પીવામાં કે જમવા કે સિગારેટ માં નબર વન હોય છે ….
બાકી તો આ ફોટાવાળા સેલ્ફી અને તકતી વાળાઓમાં મને કઈ બહુ ફેર લાગતો નથી , આ લાઈન ઉપર ઘણું લખાય એમ છે પણ ભંવરલાલ વખતે બહુ કકળાટ થયો હતો … એટલે થોડામાં ઝાઝું
૮૫૭ સાઈટો માંથી મોટા ભાગની ખુલી ગઈ છે .. આ તો સેહજ આડ વાત
શુભ સંધ્યા
શૈશવ વોરા