લેનિન નું પુતળું તોડી પાડયું..
ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું હરી ગોપાલ..
પુતળા સંસ્કૃતિ..
ગમે ત્યારે નાશ તો થવાનો જ હતો ,પણ આ તો પેહલો ઘા રાણા એ માર્યો એટલે ઉત્પાત મચ્યો..
મારા જેવા કઈ કેટલાય લોકો ને લેનિન કોણ ? એવા સવાલો થયા, અને ટ્વીટર અને ગુગલ પર વર્ષો પછી આખો દિવસ લેનિન ટ્રેન્ડ કરી ગયા..ગુગલ કરી કરીને આપણા ગુજરાતી છાપાવાળાઓ તો લેનિનથી પાના ભરી મુક્યા..લેનિનનું મડદું સાચવી રાખ્યું છે અને એની ઉપર કેટલો ખર્ચો થાય છે વગેરે વગેરે માહિતીઓ કન્ટ્રોલ સી કન્ટ્રોલ વિ કરીને ઠોકી ઘાલી..
મજાની વાત એ છે કે જે લેનિનનું પુતળું તૂટ્યું એ કઈ આ પેહલું પુતળું નથી તૂટયું ,એના દેશમાં જ એના ઢગલો પુતળા તૂટ્યા છે, તો ય અહિયા પબ્લીકે કાગારોળ મચાવી રહી છે..
અત્યારે હમણાં હમણાં ન્યુયોર્ક ટાઈમ્સે એક કલીપ મૂકી એમાં અમેરિકામાં ક્યાંક ટ્રમ્પનું નામ એક હોટેલ પરથી હટાવવામાં આવ્યું અને નામ હટાવી અને એ હોટેલમાં બહુમતી શેર ધરાવતો માલિક મારી જેમ ગાણા ગાવા બેઠો .. કૈક ફાસીવાદની વિરુદ્ધનું ગીત ગાયું..
લો કર લો બાત ..અમેરિકામાં પણ ટ્રમ્પના નામ હટાવાય છે ..??
અને એ પણ જીવતે જીવત…??!!!
નામ,નામ,નામ …!!!
એક જમાનો હતો કે નેહરુ-ગાંધી ખાનદાન ના નામ દરેક જગ્યાએ ઠોકી બેસાડવામાં આવતા છેલ્લે છેલ્લે મુંબઈ સીલિંક અને કોનોટ પ્લેસનું નામ રાજીવ ગાંધી સાથે જોડવામાં આવ્યું પણ રીઝલ્ટ શું ?
કોઈ બોલે છે એમના નામ ..? વરલી સી-લીંક જ બોલાય અને કોનોટ પ્લેસ જ રહે..
આપણે પણ મોટે ઉપાડે એલિસબ્રિજને સ્વામી વિવેકાનંદ સાથે જોડ્યો, અને ત્યાં એમનું પુતળું ઉભું કર્યું, પણ થયું શું ? ત્રણ ત્રણ વાર સ્વામીજીના પુતળાને ફેરવવું પડ્યું ,અને અત્યારે તો શોધવું પડે કે સ્વામીજીનું પુતળું છે ક્યા ? ત્રણ ત્રણ વાર પુતળા બદલવાની આટલી બધી મેહનત પછી પણ હજી એલીસબ્રીજ કે લક્કડીયો પુલ જ બોલાય છે..કોઈ વિવેકાનંદ પુલ એવું બોલતું જ નથી..
ગાંધીરોડને પણ હજી રીચી રોડ કહીએ છીએ, અને તિલક માર્ગ ઉપર છું એવું કોઈને ફોનમાં કહીએ તો પેલો સિધ્ધો પૂછે હેં ક્યાં ? પુના ? દિલ્લી ???
અલ્યા રીલીફ રોડ..
નામો અને પુતળા..
કેમ હજી પણ આ દેશને પુતળા અને રોડ રસ્તાના નામોમાં નેતાઓની જરૂર પડી રહી છે ?
શું રોડ નંબર થી નાં ઓળખી શકાય ?
અરે પેલું રાણીપ આગળ આરટીઓ પેહલા ગટર ઉપર બાંધેલું ગરનાળું એને નામ આપ્યું પ્રબોધ રાવલ પુલ..
સીરીયસલી ?? ગટરનું નાળું અને એનું નામ..?
મુંબઈના દરેક ચાર રસ્તાને ચોકના નામ આપ્યા અને પછી એના રવાડે આપણે પણ ચડ્યા..!!
અમદાવાદમાં પણ ચોક ના નામ આપ્યા..
મુદ્દો ત્યાં આવે છે કે નામ આપ્યા પછી પબ્લિક એ નામે એ જગ્યાને ઓળખે કે બોલાવે છે ખરી ?
તો જવાબ આવે ના બિલકુલ નહિ
તો પછી મોહ શા માટે ??
આ દેશનાં લગભગ દરેક રાજનેતા બે બાપ ના હોય છે, એક એમના જન્મદાતા અને બીજા એમના રાજકીય પપ્પા(ગોડફાધર)..
જેવું રાજકીય ફૂટેજ મળે કે તરત જ રાજકીય પપ્પા યાદ આવે અને તમારા અને મારા માથે એકાદા રોડનું નામ આવે વધારે થાય તો પુતળું..
નામ નથી લખતો, પણ એવા નેતાઓ છે કે જે માનસિક રીતે જબરજસ્તી પોતાની જાતને ગાંધી સરદાર કે આંબેડકરની સાથે જોડી દે છે..
ક્યારેક તો પચાસ સો બસ્સો પાંચસો કે હજ્જારો વર્ષ પેહલા મરી ગયેલા લોકો ની સાથે પોતાને જોડે અને પછી એ મહાપુરુષ ના નામે રમખાણ મચાવે..
આજે શ્રીલંકામાં બુધ્ધીસ્ટ અને મુસ્લિમ લોકોની વચ્ચે રમખાણ ફાટી નીકળ્યા છે અને દસ દિવસની ઈમરજન્સી આખા દેશમાં લાગુ પાડી છે..
કેવું નવું લાગે ?
અહિંસાના પુજારી બુદ્ધ ના નામે કે માટે હિંસા..
જય હો…!
ઘણીવાર એવું લાગે કે આપણે જે રીતે જુના જુના મહાપુરુષો ને આગળ કર કર કરીએ છીએ એમાં ને એમાં નવા મહાપુરુષો પેદા થતા અટકી ગયા છે..
જૂની અને જૂની વિચારો ની ધારા નું સતત હેમરીંગ સંશોધનાત્મક પ્રવૃત્તિ માટે ખુબ હાનીકારક હોય છે..
ખેડૂત પણ પોતાના ખેતરની માટી સમય સમય પર બદલે છે અને નવા ખાતર પાણી રેડે છે ત્યારે નવજીવન પાંગરે છે..
અહિયાં તો પચાસ સો બસ્સો હોય, હજ્જારો વર્ષ જુના નાયકો છે..
ખેતરમાં એકાદો વડલો હોય એ બહુ છે, પણ અહિયાં તો દર એક એક મીટરના અંતે એક ઝાડ ઉભું છે અને ઝાડ પડી જાય અને જગ્યા થાય ત્યાં પાકું કરીને ચોરો બાંધે અને એની ઉપર એકાદા જીવતા “ભગવાન” મઢી બનાવી ને બેસી જાય અહિયાં ફલાણું ઝાડ હતું…
અને પછી અલ્ટીમેટલી બચેલી કુચેલી જગ્યામાં ઘાંસ ઉગે છે, અને એમાં એકાદ જંગલી ઘાંસ મોટું થઇ જાય તો પોતાને વડલામાં ખપાવાની પૂરે પૂરી કોશિશ કરે છે..!!
છેલ્લી અને પ્રેક્ટીકલ વાત, આપણી નિષ્ફળતા માટે બીજાને જવાબદાર ઠેરવવા એ મનુષ્યની મૂળ સ્વભાવગત પ્રકૃતિ રહી છે
એટલે ટ્રમ્પના નામ જીવતે જીવ ઉખડે છે,લેનિન ના પુતળા સો વર્ષે તૂટે છે અને સમય આવ્યે બીજા પણ જે કોઈ આજના ઉભા કરાયેલા કે હજી નવા કરવામાં આવશે એ બધા જ નામો અને પુતળા ગમે ત્યારે તુટવાના તો ખરા જ..
અને હા જે દિવસે માણસ પોતાની જાતને પોતાના માટે જવાબદાર માનતો થઇ જશે એ દિવસે એ કોઈના પુતળા ઉભા જ નહિ કરે ..
અલ્યા વાંક તારો ય ખરો હોં યાર..
તું યદા યદા હિ ધર્મસ્ય કહી ગયો અને આ બજાર નવરી થઇ ગઈ.. “એ” આવશે અને મને.. ક્યાં તો બીજામાં “એ” દેખાય છે, અને પછી “એ” તો જુઠ્ઠો છે તોડી પાડો પુતળું..
અંતરમાંથી નહિ નીકળે ત્યાં સુધી ઉદ્ધાર નથી, અને નિષ્ફળ લોકોના ટોળા એકબીજાની સામે બાઝી મરે ત્યારે જે થાય તે આજે થઇ રહ્યું છે…
આપણો દિવસ શુભ રહે
શૈશવ વોરા