હાઉડી મોદી નો “ખમણકાંડ” ગાજ્યો છે સોશિઅલ મીડિયા ઉપર..
અહી વાળી પબ્લિક પ્રેક્ટીકલી પાછળ પડી ગઈ છે એનઆરઆઈ ની ..
જેમને ખબર નથી એમના માટે જાણ સારું કે હાઉડી મોદીના કાર્યક્રમમાં આવેલા એક ઘરડા એનઆરઆઈ કપલે જમતી વખતે થોડાક ખમણ પોતાની બેગમાં સરકાવી લીધા અને કોઈકે એમનો વિડીઓ ઉતારીને વાઈરલ કરી મુક્યો અને પછી એની ઉપર જાત જાતના કેપ્શન લખાયા..
કેપ્શન પણ બહુ મજેદાર લખાયા છે, મોટાભાગે લોકો એ ખમણ ને બેગમાં સરકાવ્યા એને ઉઠાંતરી ગણાવી અને એનઆરઆઈ તરફથી ભારતને મળતી “સલાહ” ઉપર જોરદાર તંજ કસ્યા છે..!
મને ખમણ સરકાવી લેવાની રીત જ ખોટી લાગી ,બાકી તો હોટેલમાં બહાર જમવા ગયા છો અને ખાવાનું વધ્યું છે તો પ્રેકટીકલી વધેલા ખાવાનાને પેક કરાવી લેવામાં અને ઘરે જઈને એ ખાવાનું વાપરવામાં કશું ખોટું નથી લાગતું પણ અહિયાં મામલો ભારત વિરુદ્ધ ભારત નો છે ..
*એક ભારત જે ભારતમાં રહી ગયું છે ,અને બીજું ભારત જે ભારતની બહાર જઈને ભારતમાં રહી ગયું છે એનો છે..*
એક મિત્રની કોમેન્ટ આવી કે અહિયાં ગધેડે ગવાતા ખમણની ત્યાં કિંમત સોનાની છે..
વાત પણ સાચી ખમણ ખાવા માટે ત્યાં ઘણી જેહમત ઉઠાવવી પડે અને અહિયાં લારીએ લારીએ મળે છે તો બિચારા મા`ડીએ ચાર ખમણ લઇ લીધા તો લઇ લીધા એમાં શું ખોટું છે ..?
જો હું એમની જગ્યાએ હોઉં તો આવી રીતે ધીમે ધીમે ના સરકાવું બિન્દાસ્ત સરસ રીતે પેક કરાવી ને ઘેર લઇ જાઉં એમાં કશું ખોટું નથી , વધેલા ખાવાના આમ પણ ગટર ભેગા થાય છે તો પછી ભલે ને મોઢે જતા શું ફેર પડે છે..?
પણ અહિયાં લોકોએ એને જોડ્યા છે એનઆરઆઈ ની `સલાહ` જોડે ..
મોટેભાગે નોર્થ અમેરિકા કે યુરોપ થી આવતા એનઆરઆઈ એક વસ્તુ થી ધરાર બચી શકતા નથી અને એ છે દેશમાં રહી ગયેલા એમના બાંધવો ને સલાહ આપવાની વૃત્તિમાંથી..
એનઆરઆઈ હંમેશા રેસીડેન્ટ ઇન્ડિયનને કોઈ ને કોઈ ની સલાહ આપતો જ ફરતો હોય છે અને પોતાને ત્યાં રહેલી સીસ્ટમ ને બહુ જ સારી કહી અને દેશની સીસ્ટમને ગાળો આપતો રેહતો હોય છે ..
ઝઘડો અહિયાંથી શરુ થાય છે , ત્યાં એ ત્યાં છે ,અને અહી એ અહી છે ,પણ કલ્ચર કલેશની વચ્ચે અટવાયેલો એનઆરઆઈ ધરાર સમજવા તૈયાર હોતો નથી અને પછી થાય આવા યુધ્ધો..
એનઆરઆઈ એમ કહે કે તમારે તમારા દેશ માટે ટેક્ષ ભરવો જોઈએ પણ હવે ટેક્ષ નાં ભરવો એ છેલ્લા ૧૪૦૦ વર્ષથી ભારતના જીનેટીક્સમાં છે કારણ એક જ હતું કે ટેક્ષ જે તે સમયની “સરકાર” લુંટી અને એમના પોતાના દેશમાં લઇ જતી અને છેલ્લે છેલ્લે મોહનબાપા એ શીખવાડ્યું કે કર નહિ આપવાનો..
અહિયાં પણ ગાંધી ને ગાળો આપનારી જમાત એમ કહે કે ગાંધીજી ની ભૂલ હતી કે ટેક્ષ નહિ આપવાનું કલ્ચર પેદા કર્યું એ સમયે ટેક્ષના આપે તે હીરો હતો પણ હવે ટેક્ષ આપે તે હીરો..!
હવે એ સમયે જેણે જેણે ટેક્ષ ભર્યા એ બધા જ ટેક્ષ આજે પણ સલ્તનતે બર્તનિયા ના ખજાનામાં જમા પડ્યા છે જે હોશિયારી નો દીકરો હોય એ એમાંથી એક રૂપિયો કાઢી ને લાવી બતાડે જોઉં તો ..!
પછી આવી આઝાદી અને પછી તો ભારતના લોકો એ ટેક્ષ ભરવો જોઈએ ચાલો માન્યું પણ ભારતનો દુશ્મન નંબર એક વિન્સ્ટન ચર્ચિલ ને સાચો સાબિત કરવામાં ભારતના રાજકારણીઓ મચી પડ્યા..
આઝાદી પછી દેશના લગભગ કુલ બજેટ જેટલા કૌભાંડો સામે આવ્યા અને પ્રજાના મોરલ તૂટી ગયા કે સાલું ટેક્ષ ભરી ને આ ચોરો ને આપવા નો..?
જો કે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ જ મોટા કૌભાંડ નથી બાહર આવ્યા એટલે થયા પણ નથી એવું માની અને પ્રજા હવે ટેક્ષ ભરતી થઇ જ છે અને એની સાબિતી ટેક્ષના આંકડા આપી રહ્યા છે એટલે જો આમ ને આમ રહ્યું તો માનસિકતા બદલાતા વાર નહિ લાગે..
એનઆરઆઈ અહિયાં પણ ભૂલ કરે છે કોઈ એક ચોક્કસ વ્યક્તિને ટેક્ષની વધેલી રકમ માટે જશ આપે છે , જે ખોટું છે અહીની પ્રજા એટલી ધીટ છે કે પ્રજા નક્કી કરે તો જ ટેક્ષ સરકાર ને મળે બાકી તો અંગ્રેજ હોય કે ટોડરમલ જમીનમાં ખાડા ખોદી ને દાટી દે રૂપિયા પણ સરકાર ને હાથના લાગવા દે ..
સો વાત ની એક વાત પ્રજા ક્યારેય મુર્ખ હોતી નથી વાતો કરતી વખતે લાગણી અને ભાવનાઓમાં વહી જાય પણ રૂપિયાની વાત આવે તો તો કોઈ ને ના છોડે …
એ પછી અહીં ની પ્રજા હોય કે ત્યાંની..!
આજે દુનિયાભરમાં ભારત અને ભારતીય દેખાઈ રહ્યા છે એ પછી જાપાન હોય કે જર્મની એનઆરઆઈ કે રેસિડેન્ટ દુનિયાના દરેક મોટા એરપોર્ટ ઉપર ભારતીય હોય હોય અને હોય જ છે ..
વર્ષો થી ભારત છોડીને ગયેલા ભારતીયો પણ ભારતમાં પોતાના મુળિયા શોધવા પાછા આવે છે , બે ચાર દિવસ પેહલા જીમમાં જતો હતો ત્યાં લીફ્ટમાં એક આફ્રિકન નોન રેસીડેન્ટ ભારતીય કપલ મળી ગયું ખાસ્સું ઘરડું કપલ હતું અને એમણે મને ગુજરાતીમાં કૈક સવાલ કર્યો મને એમના ગુજરાતી બોલવા ઉપરથી લાગ્યું કે આ કપલ બહુ વર્ષો થી ભારત નથી આવ્યું એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કે આપ ઇન્ડિયા ઘણા વર્ષો પછી આવો છો ? અને જવાબ હતો પેહલીવાર આવ્યા છીએ પાંસઠ વર્ષ ના જીવનમાં ..
એ લોકો ના બાપદાદાઓ ઓગણીસમી સદીમાં આફ્રિકા ગયા હતા અને ત્યાંથી બ્રિટન અહિયાં એમનું કોઈ જ નોહતું..એમની ગુજરાતી બોલી ઘણી જૂની હોય એવું લાગ્યું મને..
એમના બોલવામાં દર્દ હતું કે અમારું આંયા કોઈ જ રહ્યું નથી .. મેં લીફ્તમાંથી બાહર નીકળતા સહજ રીતે એ આંટી અંકલનો હાથ પકડી લીધો અને કીધું કેમ કોઈ નથી ..? આખો દેશ તમારો છે, આ દેશના એક એક ઝાડ, પાન ,માટી તમારી છે આંટી ..અને સૌથી વધારે તો ભગવાન તમારો છે..
એ આંટી બોલી પડ્યા ભાઈ ઈ ભગવાનના દર્શને જ અમને આંય બોલાવ્યા છે આજે સવારે ઇસ્કોનમાં દર્શન કયરા ને કાલે શ્રીનાથજી જાવું છે અને પછી ઉદેપુર ફરી ને ચારધામ કરવા જાશું..
મેં કીધું બસ ત્યારે મજા કરો ને અને એવું ના રાખશો કે તમારું કોઈ નથી .. ભાજીપાઉં ખાધા ..? અંકલ બોલ્યા હા આજે ચયણા પુરી ખાવાના છે ..
બધું જ ગુગલ કરી ને આવ્યા હતા ..તદ્દન અજાણ્યા પણ દસ મિનીટ વાત કરી એમને જે મજા આવી .. અને મને પણ મજા આવી..
હૈયે હૈયા પ્રેમથી ભરેલા છે આ દેશના અને પરદેશમાં રેહતા આપણા લોકોના, બસ ખાલી એકબીજાની સરખામણી છોડી અને સલાહ આપવાથી બચીએ તો ..
બાકી તો ચાર ખમણ ખાધા કે ના ખાધા શું ફેર પડે છે ?
વિડીયો ઉતારનારા એ દેખાડી દીધું કે ટેક્ષ ભરવો તો ત્યાં પણ હજી ગમતો નથી અને મફત મળે એટલું “ઠોકી” લેવાની માનસિકતા હજી જીવે છે ..!!
એક જમાનો હતો આ દેશમાં જયારે ભૂખ્યા ને ભોજન ના રૂપિયા કોઈ લેતું નહિ અને આજે પાણી ના વીસ રૂપિયા આપીએ છીએ ..હોટેલમાં ખાવું એ તો પાપ ગણાતું અને હોટેલ ચલાવનાર નો આત્મા કઠતો કે હું ખાવાના રૂપિયા લઉં છું ??
અરરર..
ક્યાંથી શીખ્યા આ વિચારજો જરા ..?
પાણીના રૂપિયા લેતા ..?
પેલી જાહેરાત જોઈ ? ઊંટ દુકાને જઈને મિનરલ વોટરની બાટલીમાંથી પાણી પીવે છે ?
પ્રાણી જગત પાસેથી પણ હવે આ માણસજાત ને પાણી ના રૂપિયા જોઈએ છે ..
ક્યાં જઈને અટકશે આ જાત ..?
હું અહિયાં અટકું
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા