ઘણા સમયથી છાપા આવ્યા ભેગા વાસી થઇ જાય છે અને વાંચવામાં બહુ સમય લાગતો નથી ..!!
અમુકવાર તો તાજા તાજા છાપા પણ ગંધાતા હોય છે ,એક ચોક્કસ પ્રકારની ગંદી વાસ આવતી હોય છે ,
આમ તો પોતાનામાં રહેલું પોતાપણું માણસ ગુમાવે ત્યારે ગંધ ચાલુ થાય..!!
અથવા તો કૈક એવું ખાઈ ગયો હોય અને શરીરમાંથી બાહર નીકળે નહિ ત્યાં સુધી ગંધાય..!!
એક સમયે એવું કેહવાતું કે છોકરો છાપું વાંચતો થયો એટલે હવે વાંધો નહિ આવે જિંદગીમાં ટ્રેક ઉપર રેહશે , પછી થોડી છણાવટ થતી ક્યાં પાનું વધારે વાંચે છે ..!
શરૂઆત કાર્ટુન અને કાર્ટુન સીરીઝથી થતી .. ચકોર અને લક્ષ્મણ ના મૃત્યુ પછી રીતસર નો કાર્ટુન જગતમાં રંડાપો આવ્યો છે..!!!
કાર્ટુન ચીતરી ઘાલે પણ ધાર ના હોય ..!!
નકટી ના નાક કાપે એવા છરી છપ્પા શું કામના..?
પછી છોકરો જરાક મોટો થાય અને ઓરીજીનલ સાબરમતીના પાણી પીધા હોય એટલે વળગે સીધો બીજા પત્તે ..સરબજાર..!!
બીજું પત્તું વાંચતો થાય એટલે બાપા સેહજ સજાગ થાય અને ઇન્વેસ્ટમેન્ટ અને સટ્ટો કોને કેહવાય એનો ફર્ક શીખવાડે અને બાપો સટોડીયો હોય તો બાપ દીકરો ભેગા થઇ ને ખેલ ચાલુ કરી દે .. દીકરાની ઉંમર વર્ષ ચૌદ હો ત્યારે ખાલી..!!
એ જ ઉંમરે પછી બુધવારે અને રવિવારે કે પછી ચોક્કસ વારે આવતા અંગત પત્રો ની કોલમ વાંચવાની ચાલુ થાય , કોણ જાણે પત્રો કોણ લખતું હતું પણ અત્યારે એ બધું વાંચીએ તો એમ લાગે કે દેશમાં પેલી આદિવાસી `ઘોટુલ` પદ્ધતિ ના અપનાવીએ તો ચાલશે, પણ ગીચ વસ્તીમાં જીવતી પ્રજા માટે “કામસદન” ખોલી આપી ને કમ સે કમ કાયદેસરના પરણેલા માટે એકાંત ની વ્યવસ્થા કરી આપવી જોઈએ , કોન્ટ્રાસેપ્ટીવ ની લહાણી એન્ટ્રી પોઈન્ટ ઉપર જ્યાં આધાર કાર્ડ ચેક થાય ત્યાં કરો એટલે પછી વસ્તી કાબુ બહાર ના જાય ..!!
જરૂરી છે , આજ ના સમયમાં ઘણા બધા સ્ટ્રેસ નું આ મારણ છે ..!! ખાલી સ્લીપિંગ પિલ્સ નથી , કામક્રીડા અને એ સમય નું એકાંત..!
ખૈર ટેસ્ટોસ્ટીરોન શબ્દ આજકાલના “સભ્ય” થઇ ગયેલા છાપામાં ક્યાંય દેખાતો સુધ્ધા નથી..!
ધીમે ધીમે છોકરો તંત્રી લેખ વાંચતો થાય એટલે ગલ્લે અને ઓટલે રાજકારણ ની ચર્ચા કરતો થાય , લગ્ન થાય એટલે થોડી ફિલોસોફી ,ધાર્મિક અને વચ્ચેના પાના વાંચે છેવટે વેહ્વારમાં ઉતરે એટલે બેસણા જોતો થઇ જાય અને જેમ ઉંમર વધે એમ છાપું વાંચવાનો ક્રમ બદલાય..!!
અમદાવાદી ડોસો પેહલા છાપું ખોલી ને છેલ્લા પત્તે બેસણા જ જુવે અને હાશકારો અનુભવે ..હાશ કોઈ ગયું તો ખરું ..!! હેંડ લી ` ઝટ પાણી મુક નહાવા , પછી ધોળા મજાના ગળી કરીને કાંજી કરેલા બગલાની પાંખ જેવા લૂગડાં પેહરી ને બેસણામાં પોહચે..
અને જો કોઈ ઓળખીતું ના ગયું હોય તો પણ એને હાશકારો થાય .. હાશ આજે કોઈ ગયું નથી ,શાંતિથી છાપું વંચાશે અને પછી ચા પીવાશે..!!
બહુ ગંદુ હો આ બેસણા પ્રકરણ તો..!!
પણ છાપું જોડાયેલું અમદાવાદી જીવન જોડે , ગમ્મે તે ઓટલે કે ગલ્લે ચર્ચા ચાલે ત્યાં અલ્યા હવે છાપા માં આઈ ગયું હવે ખોટી તારી ચલાય ચલાય ના કર..!! છાપા માં આઈ ગયું એટલે ફાઈનલ..!!
હવે તો ઓટલે કે ગલ્લે ચર્ચા રહી જ નહિ અને ઉકળાટ ,ભડાસ કાઢવા સીધા જ જે તે લેખક ની વોલ ઉપર પોહચે અને કાગારોળ કરે ,અજાણ્યા લોકો ની વચ્ચે પોતાને વિદ્વાન સાબિત કરી અને ઊંઘી જાય ગોદડામાં મોઢું ઘાલી ને..!!
આ બ્લોગ લખવાના ચસકે ચડ્યો ને તે પછી એક નવો નવો મારાથી અભિભૂત થયેલ આ છાપા જગત જોડે જોડાયેલો ફૂટડો મને કહે બોસ્સ ચાલો આવો તમને એક મહાન અખબારી વ્યક્તિ જોડે મળાવું .. મેં કીધું લાલા રેહવા દે એના કરતા આપણે ક્યાંક કીટલે બેસી ને કોફું પીએ એ આગળ પડશે..!!
ફૂટડો કહે ના .. એની કોફી પીએ ..! દુરાગ્રહ થયો ..!!
બે ત્રણ મોટા અખબારનવેશો ના કોફીના આમન્ત્રણ પેન્ડીંગ છે વર્ષોથી ,બહાર ક્યાંક મળીએ તો કેમ છો કેમ નહિ કરી લઉં પણ ખબર નહિ જવાની ઈચ્છા નથી થતી અને પેલો ફૂટડો મંડાણો ..એટલે હારી ને મેં કીધું હેંડ તા`રે બીજું શું ?
હવે એમની કેબીનમાં જતા પેહલા મેં પૂછ્યું લાલા પ્રાણી કેવું ?
લાલો કહે એટલે ? મેં કીધું જો લાલા દરેક માણસ કોઈના કોઈ પ્રાણી જેવો હોય અને એની પ્રકૃતિ એવી જ હોય ,
લાલો કન્ફયુઝ .. એટલે ? હું કેવો ?
મેં કીધું જો લાલા તું છે ને મૃગ જેવો છે , ઉછળતો કુદતો અને ચારેબાજુ લીલું ઘાંસ હોય પણ થોડું ચરીને આગળ , તને રમાડવો દુનિયા ને ગમે પણ તારી પ્રકૃતિ “શાઈ” ટાઈપ એટલે તું કોઈ સેહજ નજીક આવે ને ભાગી જાય , લાંબી બુદ્ધિ નહિ પણ સાદી બુદ્ધિથી તારું જીવન જાય..!!
લાલો આટલું સંભાષણ સાંભળી ને ગાંડો ગાંડો ..!!
હવે તો અંદર જઈને તમે મને કહો કે અંદર વાળો કયું પ્રાણી છે..!!
મેં કીધું ..હેંડ તા`રે અંદર એને ય માપી લઈએ પાને પાનાં ભરી ને છાપે ને દુનિયા વાંચે તો પ્રાણી કેવું આ..!!
અંદર ગયા ..કેમ છો કેમ નહિ કર્યું પણ ધરાર છે મોઢા ઉપર સેહજ સ્માઈલ આવે , એને એમ કે લાલો કોઈ `લેખકયુ` લઈને આવ્યો હશે અને આને એની મહાન કૃતિઓ છપાવામાં રસ હશે ..
હું રહ્યો સાયન્સ અને સંગીત નો જીવ, ગાયન બહુ સુષ્ઠુ સુષ્ઠુ જતું હોય ને તો અમે એકાદો સૂર રાગ બાહર નો છેડી દઈએ એટલે બધા ચોંકે .. ગરમાટો આવે ..!!
આપણે કીધું .. આજકાલના છાપામાં કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી વધારે આવે છે..!!
ભંવા ચડ્યા ..એટલે ?
અમે કીધું પેલું કેરળમાં હાથણી સુટ્ટો મારતા કેમેરામાં કેદ થઇ ગઈ એ સમાચાર છેક સાત દિવસે ગુજરાતી અખબારો એ છાપ્યા હતા અને પછી તો જે થઇ છે..!!
ખ્યાલ ગાયકી પૂરી અને તાનો ની રમઝટ , આડી ,સીધી ,સપાટ ,લડંત .. બધું ચાલુ..!!
આપણે તો પ્રેમથી કોફું પીધું ,
“આનંદ” લીધા તાનો ના , અને કર્યા જે શ્રી ક્રષ્ણ .. બાહર..!
લાલો પૂછે કયું પ્રાણી લાગ્યું ?
મેં કીધું શ્વાન..જીવદયા પ્રેમીઓના ગ્લુકોઝ ના બિસ્કીટ ખાઈ ખાઈ ને ઓબેસિટી થી પણ આગળ વધેલું , જીવનમાં પોતાની મનની બાંધી દીધેલી લીમીટ ની બહાર જવાનું નહિ અને પોતાનાના ઇલાકામાં કોઈ પણ આવી જાય તો એની ઉપર પ્રેમથી તાડૂકી અને મારો એરિયા છે એવું જતાવી દેવાનું.. વધારે ભય લાગે તો બીજા દસ બાર ને ભેગા કરી મુકવાના અને ગામ ગજવી મુકવાનું ..! દિવસે ઊંઘે ને રાત્રે જાગે..!! કાયમ સ્ટ્રેસમાં..!
લાલો કહે ..બસ બસ ..ગુરુદેવ મને કેટલો અહોભાવ હતો આમને માટે..
મેં કીધું તારી સામે જ ચરિત્ર છે અને વર્ણન ખોટું હોય તો બોલ..!!
અઠવાડિયે લાલો ફોન કરી ને કહે .. શૈશવભાઈ .. આલ્શેશિયન છે , એ.સી. ની બાહર એટલે એના પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બાહર આવતો જ નથી અને માલિક ના ગાલ ને પગ ચાટ્યા જ કરે છે, ભસે છે બહુ પણ કરડવાનું નામ નથી લેતો ..!!
મેં કીધું ગળ્યું ખવડાવ તને પણ મજા કરાવશે..!
આવું છે દુનિયામાં ..
રૂપિયા ..રૂપિયા ..
મોટા ઘરો લોનો લઈને કર્યા ને ગાડીઓ લીધી ,છોકરા પરદેસ ભણવા મુક્યા તે ગયા તે ગયા ..!!
અહિયાં રહ્યા શ્વાન ..!!
પોતાની અને પારકી ને પોતાની સમજી ને મિલકતો સાચવે અને માલિકો ને “પ્રેમ” કરે..!!
એક ફિલ્ડ નહી તમામ ફિલ્ડ ની આ કહાની..!! છાપા થોડા અછુંતા રહે..!!
પછી શું નવું આવે ..?
પોઝીટીવ અને નેગેટીવ જ બચે જિંદગીમાં..!!
ક્રિયેટીવ શ્વાન જોયો છે ?
માણસ થવું પડે પેહલા જન્મ્યા હતા ને એવા નિર્મલ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*