આ ફોટો ઢાકાનો છે “કુરબાની” આપ્યા પછી વરસાદ પડ્યો અને પછી જે થયુ તે તમારી નજરની સામે છે..!
આજે બકરી ઈદ..સામસામે મેસેજનો મારો ચાલુ થઈ ગયો છે..!
થોડા મેં પણ ફોરવર્ડ કર્યા..! મને પણ વાંધો છે હિંદુ તેહવારો માટે સુફિયાણી સલાહ આપવાવાળા બહુ પડ્યા છે, કદાચ ઉત્તરાયણ ઉપર આખો બ્લોગ લખ્યો હતો એના ઉપર, ત્યારે મારા જેવા બેચાર “જણ” એ જે વાંધો લીધો હતો અને એ હવે આજે તો સોશિઅલ મીડિયા પર આગ ઓકી રહ્યો છે..!
અત્યારે તો.. ગરીબ કી જોરુ સબકી ભાભી,પણ જે દા`ડે ભાભીની છટકે ને ત્યારે બધા દિયરો ગામ આખામાં શોધ્યા ના મળે..બસ આજે એવો જ ઘાટ થયો છે, સેક્યુલર દિયરો દેખાતા નથી, ખૂણામાં સંતાયા છે અને એમાં બરાબર બળતામાં પેટ્રોલ નાખ્યું છે અભિનેતા ઈરફાનખાનએ..
સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું બજારમાંથી ખરીદેલા બકરાની કુરબાની આપવાથી કઈ બહુ.. આગળનું તમને ખબર છે..!
અમુક ફેસબુક વોલ પર તો બહુ જ સારી અને જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી છે, રીતસરનું મંથન ચાલી રહ્યું છે..!
સારી વાત છે ક્યાંક તો કોઈક ઇસ્લામ માટે બોલવા આગળ આવ્યું નહિ તો અમે જે કરીએ એ બધુ બરાબર અને સાચું..મારે કોઈનું સાંભળવું નથી બસ,
અને જેમ જેમ જીઓગ્રોફીકલી સાઉદીની નજીક જતા જાવ તેમ તેમ કટ્ટરતા અને એ નથી સાંભળવું એવો એટીટ્યુડ વધતો જાય અને છેલ્લે..તો તું મારું કીધું માને છે કે પછી…ઢીશકાંઉ..!
પર્યાવરણ અને આપણી આજુબાજુની જીવ શ્રુષ્ટિનું રક્ષણ કરવાની જવાબદારી ફક્ત કોઈ એક સમાજની ધરાર નથી,આ એક સહીયારી જવાબદારી છે..!
અને તેહવાર કોઈપણ હોય દર વખતે એક જ સમાજને ટોકવામાં આવે તો પછી ક્યારેક તો રીએક્શન આવે..!
બલિપ્રથા હિંદુ પરમ્પરામાં પણ હતી, અને હજી બે ચાર વર્ષ પેહલા મારી નજર સામે કલકત્તામાં મંદિરમાં એક બકરો વધેરવામાં આવ્યો હતો..!
મારા પત્ની બાળકો આંખો બંધ કરી ગયા હતા, અને મમ્મી પપ્પા સહજતાની જોઈ ગયા હતા એ કપાયેલા બકરાનું લટકતું ધડ..!
મમ્મી પપ્પા કેમ આંખો બંધ ના કરી ગયા..?
અરે એમનો તો ધંધો છે લોહીની ધારો જોવાનો, અને બંધ કરવાનો.. બંને ડોક્ટર છે, જે જિંદગી આખી કૈક લોહી નીતરતા આવેલાના ડ્રેસિંગ કર્યા અને ટાંકા લીધા અને અમે એમાં ક્યાંક આસિસ્ટન્ટની ભૂમિકા ભજવતા.. પપ્પા બોલે કોટન..સીઝર ..એમ એમ વસ્તુઓ એમને પકડાવતા જવાનું..
મને ગમે તેવો લોહી નીતરતો માણસ દેખાય ક્યારેય ગભરામણ નથી થતી.. નાનપણથી જોતા આવ્યા છીએ, જયારે મારા ઘણા મિત્રો આંખ બંધ કરી જાય છે, ઉલટી કરી જાય છે, ચક્કર આવી જાય છે એમને..!!
મને બલિપ્રથાનું મૂળ ક્યાંક આમાં જ દેખાય છે.. એક જમાનો એવો હતો જયારે હેન્ડ તો હેન્ડ અને ફેસ ટુ ફેસ લડાઈ થતી..!
સામસામે રણબંકા એકબીજાની છાતીમાં તલવાર પરોવી દેતા..અને એવા સમયે જો લોહી જોઇને “ચકરી” ખાઈને પડો તો પછી..! જે ભગવાનમાં માનતા હો સીધા એમની પાસે જ પોહચી જવાય..!
દરેક ધર્મમાં બલિપ્રથા રાખવામાં આવી હતી, સિવાય કે જૈન અને જૈન ધર્મનો ફેલાવો વધારે પડતો ના થવાનું કારણ પણ ક્યાંક અહિંસા છે,
હવે અહિયાં પાછો કોઈક બોલશે કે કોઈ તમને મારવા આવે તો તો પછી મારવાની છુટ્ટી છે, પણ ભઈલા ત્યારે તલવારનું વજન ના ઉપડે..ખાખરા અને મગ ખાઈને તલવાર ના ફરે..!
સામેથી આતંકવાદી ગોળીઓની વરસતી હેલી ચડી હોય ત્યારે તો પછી સામે ધડ્બડાટી તો બોલાવવી જ પડે..!
ભક્તિના ચાલે..!
હું બલિ પ્રથાનો વિરોધી નથી..! હિંસા તો શ્રુષ્ટિના કણ કણમાં વ્યાપ્ત છે,,!
પણ બલિપ્રથા એ કોના માટે છે? જેને યુદ્ધ લડવાનું છે એના માટે, બાકી તો એક જીવને મારી અને એને મરતો જોવાનો એ તો આસુરી આનંદ કેહવાય..!
માંસાહાર સદીઓથી માણસ કરતો આવ્યો છે અને એ હજી ચાલુ જ રેહશે..એમાં શાકાહારીઓ ગમે તેટલો કકળાટ કરે કોઈ ફેર પાડવાનો નથી..!
પણ એક ધાર્મિક માન્યતા ને લીધે થતા કોઈ પણ જાતના હિંસાચારને ક્યાંક કોઈક રીતે અટકાવી શકાય તો એમાં કઈ ખોટું નથી..
કોઈપણ ધાર્મિક પરંપરા કે રીતરિવાજને અનુસરતા પેહલા એના માટે શંકા કરાવી ખુબ જરૂરી છે..!
કેમકે એ રીતરીવાજ કેમ અને ક્યાંથી આવ્યો કે ઉદભવ્યો અને આવ્યો.. એ જો ખરેખર જાણવા મળે અને એ શંકાનું સારી રીતે સમાધાન મળે તો એ રીતરિવાજ કે ધાર્મિક પરંપરાને ફોલો કરવાની ખરેખર મજા આવે અને જે તે ધર્મ માટેનો આદરભાવ વધી જાય..
અને આ “શંકા” જ અંધશ્રદ્ધા કે કટ્ટરતાને આપણાથી દુર રાખે છે..!
પણ જયારે કોઈપણ રીતરિવાજ કે ધાર્મિક માન્યતાની સામે કરેલી શંકાના જવાબમાં એની તરફેણમાં પાંગળો બચાવ આવે ત્યારે, ઠીક મારા ભાઈ રીવાજ છે એટલે ચાલો એનું પાલન કરી લઈએ પણ જેને અંતરનો ઉમળકો કહીએ એવુ કઈ ના આવે..!
બકરી ઈદમાં ખુલ્લા મનથી વિચારવાવાળાને બકરાની કુરબાની આપવા પાછળનો કોઈ બહુ મોટો સપોર્ટીવ જવાબ નથી મળતો, માટે તારક ફતાહ કે ઈરફાનખાન જેવા બુદ્ધિજીવી મુસલમાન ખુલ્લા મને બોલે છે, અને શબાના આઝમી જેવા “સેક્યુલર” લોકો ચાતરી જાય છે..!
અત્યારે ધરતી પર પાળવામાં આવતા બધા જ પંથ અને ધર્મો લગભગ આઉટ ઓફ ડેટ થઇ ગયા છે…સખત જુના થઇ ગયા છે,અને એક્ચ્યુલી બહુ મોટા મર્જરની જરૂર છે..!
લગભગ છેલ્લી બે સદીઓથી કન્વર્ટ કરવાના કન્વર્ઝન્સ ચાલી રહ્યા છે અને એમાં દાવ પર માણસાઈ લાગી જાય છે..!
કોઈ મહામાનવ બે ચાર ધર્મોનું એકાદું મોટું મર્જર કરી અને થોડી લાઈફને સ્ટાનર્ડડાઈઝેશન કરી નાખે તો આ એકવીસમી સદી ના માથે એક “વસમી” સદીનું કલંક નહિ લાગે..!
બાકી તો ચર્ચા થઇ છે એ જ મોટી વાત છે..!
અત્યારે તો ચર્ચા ગાળાગાળી સુધી પોહચી ગઈ છે,પણ સમય આવશે અને ચર્ચા ક્યારેક થોડાક એક ખુલ્લા મનને અડશે અને દંભી વચેટિયા હટી જશે તો સમસ્યા નહિ સમાધાન મળશે..!
સમાધાનથી દુનિયા અહી એકવીસમી સદી સુધી પોહચી છે સમસ્યાથી નહિ..!
આપની સાંજ શુભ રહે
-શૈશવ વોરા