Law garden Tutyu
ટ્રાફિકની ઝુંબેશમાં લો ગાર્ડન તૂટ્યું અને વોટ્સ એપ પર ફોટા ફરતા થઇ ગયા..
અડતાલીસ વર્ષના જીવનમાં લગભગ વીસમી વાર લો ગાર્ડનના લારી ગલ્લા ને તુટતા જોયા છે, હવે જોવાનું એ છે કે તોડ્યા પછી ફરી ક્યારે બને છે ? અને એનું નવું સ્વરૂપ કેવું હશે ? ફૂડ ટ્રક પાર્ક જેવું કે ગઝેબો જેવું કે કૈક નવો કન્સેપ્ટ લાવશે ..!!
શું થયું ?
અરે ભાઈ તમને શું થયું ?
હરખ ઓછો થઇ ગયો ?
અલ્યા ભાઈ મારા આ તો થવાનું જ છે..
*ખાણીપીણીની `લોબી` તમે માનો છો એટલી નાની છે એમ ?*
ખાંડ ખાવ છો ભાઈ તમે..!!
નવરંગપુરાના ભાવ ખબર છે ..?
ધીકતી આવક છે ..
વર્ષો પેહલા એક હરિઓમ સેન્ડવીચવાળો કાકો ત્યાં લો ગાર્ડનમાં ઉભો રેહતો,વર્ષો પેહલા કહું એટલે ઓછામાં ઓછા ત્રીસ પાંત્રીસ વર્ષ..
અમે ત્યારે બાળ સ્વરૂપમાં હતા,ત્યાં દર રવિવાર સાંજે અમારા બા બાપુજી અમને સેન્ડવીચ ખવડાવતા..
એક દિવસ એક ભિખારણ ડોસી ત્યાં આવી, ભીખ માંગવા, અને મમ્મીએ એને પચ્ચીસ પૈસા આપ્યા ,પેલા સેન્ડવીચવાળા અંકલે મમ્મીને ના પાડી.. રેહવા દો` બેન ના આપશો આ`ને ,આ તો વ્યાજે રૂપિયા ફેરવે છે..મેં એની પાસેથી દસ હજાર વ્યાજે લીધા છે,આખા બજારમાં એના લાખ રૂપિયા વ્યાજે ફરી રહ્યા છે..પેહલા વ્યાજ કાપી લે છે ડોસી અને પછી રૂપિયા આપે છે..!!
*બોલો હવે વિચારો કે જે જગ્યાની ભિખારણ આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પેહલા લાખ રૂપિયા વ્યાજે ફેરવતી હોય એ જગ્યાના ફૂડ સ્ટોલવાળા ઓ આખી જિંદગીમાં કેટલું કમાયા હશે ? અને એમની પોહચ ક્યાં નહિ હોય ?*
સાહેબ પંચવટી તરફથી ખાણીપીણી બજારમાં એન્ટર થાવ અને પછી એક એક લારીવાળાના નામ આજે પણ મોઢે છે ,અને એ દરેકે દરેક જણે પોતાની અનહદ મિલકતો ઉભી કરી કરી છે…
મેહનત કરી છે ,પુષ્કળ મેહનત કરી છે એની ના નહિ,
*પણ હવે જયારે શેહર ને જરૂર છે તો પછી મફતમાં પડાવી લીધેલી જગ્યા જેન્યુઈન રીતે હવે આટલા વર્ષે પાછી આપી દેવી જોઈએ, અને ત્યાંથી હપ્તા લેનારાને પણ હવે ધરાઉં થવો જોઈએ કે બહુ ખાઈ લીધું હવે `ડકાર` ખાવાનો ટાઈમ આવી ગયો છે…*
*એક નવો ફ્લાયઓવર નેહરુબ્રીજ સાકાર કોમ્લેક્ષ થી ગાંધીગ્રામ સ્ટેશન ઉપર થી સીધો લો ગાર્ડન ઉતારી લેવાની જરૂર છે,બહુ જ ટ્રાફિક નો લોડ માદલપુર અને મીઠાખળી ગરનાળાનો ઓછો થઇ જાય..*
અને અત્યારે તો બોટાદ ભાવનગર લાઈન સંપૂર્ણપણે કાઢી લેવાઈ છે અને મેટ્રો હજી શરુ નથી થઇ ..
જો સરકાર ધારે તો આ રાઈટ ટાઈમ છે, આ નવા `નરેન્દ્ર મોદી` ફ્લાય ઓવર માટેનો…
આપી દીધું નામ પણ બસ ,
આ નામ લઈએ ને એટલે ફ્લાયઓવર ઝડપ થી પાસ પણ થાય અને પૂરો પણ થાય એટલે નામકરણ કરી મુક્યું…!!
*સીટી એરિયા અને પશ્ચિમ અમદાવાદની ધોરી નસ પુરવાર થાય આ નરેન્દ્ર મોદી ફ્લાયઓવર..!!*
લો ગાર્ડનની શહીદી જોડે હજી બીજી પણ ઘણી ખાણીપીણીની જગ્યાઓ શહીદ કરવી પડે તેમ છે ટ્રાફિકના સમસ્યાના નિવારણ માટે..
બંને કમિશનરશ્રીઓ જો આમ જ લાગેલા રહ્યા તો ઘણો કચરો સાફ થાય તેમ છે, અને હા સામ્યવાદી કે લાલ સલામવાળાની જેમ કેટલા બધાની રોજી રોટી છીનવાઈ ગઈ એમ વિચારનારાઓ માટે એટલું જ કેહ્વાનું કે આજકાલ ઓનલાઈન ફૂડ સપ્લાઈ કરતી ચેઈનમાં ઢગલાબંધ ઓપનીંગ છે..
આ બધી હોટલોમાં દિવસ રાત પડી રહી ને કુતરા કરતા પણ ખરાબ જિંદગી જીવતા અને ખાલી ને ખાલી ટીપ ઉપર જીવતા અને નભતા વેઈટર ને ઓનલાઈન ફૂડ ચેઈનની નોકરીમાં વધારે રૂપિયા પણ મળે છે અને સારી એવી ટીપ મળે છે..
એટલે ખોટા ખોટા રંડાપા માથે ઓઢી લઇને રડવા ના બેસતા..
મોટાભાગના ત્રણ વર્ષથી જુના લારી ગલ્લાવાળાઓ પાસે એક દુકાન લઇ શકે એટલા રૂપિયા તો છે જ, અને અમદાવાદમાં અનહદ કોમર્શીયલ સ્પેસ ખાલી પડી રહી છે ..
દુકાનના બજાર ભાવના અડધા ટકાથી પણ ઓછા ભાવ ના ભાડામાં પણ આ દુકાનો ભાડે મળી રહી છે..
ખરેખર શેહરને થોડું ઓર્ગેનાઈઝ કરવાની જરૂર છે..
હવે કમિશનરશ્રીઓ ને એક સવાલ છે કે પેલા છસ્સો થી બારસો સ્ક્વેર ફૂટની દુકાન લઈને હોટેલો ખોલીને બેઠા છે અને પાર્કિંગ નામે નથી એમનો વારો ક્યારે..??
અને હા બીજું જીવરાજપાર્ક થી આગળ જઈને વિશાલા તરફ ના જતા સિદ્ધાં જો આપણે સરખેજ તરફ જઈએ તો એ રસ્તો પણ ખુબ તકલીફ આપી રહ્યો છે, જુહાપુરા નામનો વિસ્તાર પણ ભારતવર્ષ અને અમદાવાદ નામના શેહરનો જ ભૂભાગ છે ..
બાકી જ્યાં જેટલા રસ્તા ના “બાખા” પુરવા જેવા લાગે ત્યાં પૂરી દેજો ,દરેક બસ્સો મીટરે યુ ટર્ન માટે નવા પશ્ચિમ ઝોનમાં જગ્યાઓ છોડેલી છે, એને એકાદ કિલોમીટરના મીનીમમ અંતર જેટલા કરી નાખો એટલે “કોન્ક્રોચ”ની જેમ જ્યાં જગ્યા મળી ત્યાં ઘુસી જતા બાઈકવાળાઓ ને જરાક શિસ્તમાં લાવી શકાય..!!!
અમે પણ આ “કોન્કોરોચ” વેડા કરીએ છીએ અને આ નામ અમને અમારી નાની દીકરીએ આપ્યું છે..!!
આપણે ત્યાં તો લોકોને પોતાના ઘેર જવા જેટલો ટૂંકો રસ્તો મળે એ પકડવા જોઈએ ,એટલે જ્યાં ને ત્યાં રોડમાં વળાંક માટે બાખા નાખ્યા છે..
અને ત્રીજું કમિશનરશ્રીઓ પેલા બધા મોલ અને શોપિંગ સેન્ટરમાં બનાવેલા ઊંચા ઓટલા તો તોડો ભઈ…
જરાય રેહમ નજર ના રાખતા હોં સાહેબો..
પ્રજા ખરેખર ખુશ છે અને જોડે જોડે ઉબેર,ઓલા અને રીક્ષાવાળા પણ ..
એક વિચારશીલ ગ્રુપમાં હું જોડાયો છું .. ટ્રાફિક ઘટાડવા સાયકલ વાપરો એવી વાર્તા ચાલી રહી છે, રોજ ના પચાસ કિલોમીટર ઘરથી કામની જગ્યાએ અને કામની જગ્યાએ જવામાં થતા હોય એ માણસ સાયકલ લઈને જાય ..?
મહાનગરોમાં આવી બધું સુફિયાણી વાતોનો મતલબ નથી હોતો ,અમદાવાદનો પરિઘ બસ્સો કિલોમીટર ઉપર જાય છે, નાના ગામમાં આ સાયકલ વાળું ગતકડું શક્ય બને કે જ્યાં નીચે પાન કી દુકાન હોય અને ઉપર ગોરી કા મકાન..!
મોટા શેહરમાં તો સવારે ટીફીન નું ડબલું ભરો અને હાડહાડ થવા દોડો ..
બીજો કોઈ જ ઓપ્શન નથી .. બીઆરટીએસ પણ હવે તો ચક્કાજામ જાય છે પીક અવર્સમાં, મેટ્રો પણ થઇ ભેગી ભરાઈ જવાની..
ટ્રાફિક માટે ટાઉન પ્લાનીગ કરતી વખતે જે રીતે જે વસ્તુ પાસ કરાઈ હોય તે જ રીતે રહે , તે હોય એ પાક્કું કરવાની જરૂર છે
પાછળથી ઈમ્પેક્ટ લઈને બધું સરખું કરવામાં આવે છે એમાં જાહેર રોડ રસ્તા અને પબ્લિકનો ખો નીકળે છે ..
ફરી એકવાર ટ્રાફિક એ બેંગકોકની જેમ રાષ્ટ્રીય સમસ્યા બની જાય તે પેહલા નિરાકરણ જરૂરી અને એના માટેની શિસ્ત પ્રજા ,રાજકારણી ,અધિકારી અને કોર્ટો બધા જ પાળે તે જરૂરી ..
પૂરું કરતા પેહલા કહી દઉં કે કોર્ટોને કેમ વચ્ચે લીધી..
પંચવટી ઉપર રોડ પોહળો કરવા એક પ્રાઈવેટ મિલકતમાં રોડ લાઈન પાડીને કબજો લેવાની મ્યુનીસીપાલીટી વર્ષોથી ભરચક પ્રયત્ન કરી રહી છે, પણ કોર્ટ સ્ટે ઉપર સ્ટે આપી રહી છે..
આવો જ ધંધો એલીસબ્રીજ ના છેડે થયેલો ,અને એક વખત શુક્રવારે કોર્ટે સ્ટે ઓર્ડર હટાવ્યો ,અને શની-રવીમાં મ્યુનીસીપાલીટી એ આખું બિલ્ડીંગ જમીન દોસ્ત કરી નાખ્યું હતું .. જબરજસ્ત મોટું ઓપરેશન હતું એ..
બિલ્ડીંગ ઉભું હોય તો કોર્ટ સોમવારે સ્ટે ઓર્ડર આપે ને …!!
ન રહા બાંસ અને ના બજી બાંસુરી .. લઇ લે સ્ટે ઓર્ડર..!!
એટલે જયારે આજે બધા જ જાગ્યા છે તો જાગતા જ રેહજો..
જોઈએ હવે પેલી છસ્સોથી બારસો ફૂટની જગ્યામાં પંદર ટેબલો લઈને પાર્કિંગ ની સુવિધા આપ્યા વિના પંજાબી ખાણું પીરસતી હોટેલોની ચેઈન નો વારો ક્યારે આવે છે ..
પાછું નામ લખીશ તો હું કોમવાદી ગણાઈશ ..
સમજી ગયા ને ..??!!!!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા