સોશિઅલ મીડિયામાં સક્રિયતા..!
બહુ ખતરનાક વસ્તુ છે, સોશિઅલ મીડિયામાં એક્ટીવ રેહવું એટલે તમારે તમારી જાત ને કોઈ જ કારણ વિના કસોટી ની એરણે મુકવી ..!!
મોટા ગજા ના કલાકારો હોય કે સાહિત્યકારો બધાય ના વસ્ત્રાહરણ સોશિઅલ મીડિયામાં બહુ જ આસાનીથી થઇ જાય અને ઘણીવાર તો જીવનભરની ભેગી કરેલી આબરૂ ના કાંકરા થઇ જાય..!!
જુના જમાનામાં પણ આવું થતું ,પણ માધ્યમ ટુ વે નોહતું , અત્યારે તો કોઈ પણ પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ નાખી એટલે ગમ્યું કે ના ગમ્યું લોકો ને દસ મિનીટમાં ખબર પડી , પેહલા ખાસ્સી એવી રાહ જોવી પડતી અને હવે દસ ઉપર અગિયારમી મિનીટ ના થાય..!
સોશિઅલ મીડિયાની અંદર રચ્યા પચ્યા રેહતા આજકાલ ના છોકરાઓમાં એક લાલચ જન્મી છે , સખ્ખત રૂપિયા કમાવાય સોશિઅલ મીડિયા સ્ટાર બની ને..
થોડા એવા આજકાલ નાના નાના છોકરા છોકરીઓ આ સોશિઅલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ્સ ઉપરથી જબરજસ્ત રૂપિયા કમાતા થઇ જાય છે, પણ જેટલા કમાતા થયા છે એનાથી અનેકો અનેક ગણા ઉંધા પડ્યા છે..!
જો કે દરેક લાઈનમાં એવું હોય છે કે સફળ કરતા નિષ્ફળ વધારે હોય છે પણ સોશિઅલ મીડિયા નો સફળ જયારે પટકાય છે ત્યારે એની પાસે આગળ ની જિંદગી માટે કશું જ નથી બચેલું રેહતું ને એનું કારણ છે સોશિઅલ મીડિયાની આભાસી દુનિયા..!
જયારે સોશિઅલ મીડિયામાં કોઈને અચાનક ભયંકર ફૂટેજ મળી જાય છે પછી એ અચાનક મળેલા ફૂટેજ ને અંકે કરી ને માણસ આગળ વધવા માંગે છે, પણ તકલીફ બહુ મોટી એ પડે છે કે આગળ રસ્તા નથી હોતા ,
ને સેહજ પાછળ જાય તો જે રસ્તે ચાલી ને આવ્યો હોય એ રસ્તો જ તૂટી પડ્યો હોય છે , પેલી ટેમ્પલ રન ગેઈમ જેવો ઘાટ છે , એક વાર જે સ્ટેપ ઉપરથી દોડો ગયા એ સ્ટેપ પછી તૂટી જાય એટલે પાછા જવા ની જગ્યા નહિ અને આગળ કૈક હર્ડલ આવ્યું કે લાઈફ એન્ડ..!!
છેક પેહલેથી એકડો ઘૂંટવાનો, ગેઈમમાં તો નવી નવી લાઈફ મળ્યા કરે પણ જિંદગીમાં નથી મળતી , માનસિક અને શારીરિક દુઃખો જાતે સહન કરવા પડે..!!
એક માત્ર વિકલ્પ છે,
આભાસી દુનિયા નો પ્રયોગ આભાસી રીતે જ કરાયા બાકી હાર્ડકોર પ્રોડક્ટ જ વેચવી રહી ..!!
હું એક પોસ્ટ નાખું એટલે જે મીડિયામાં નાખીએ એ તરત જ નોટીફીકેશન આપે કે આટલા
રૂપિયા ખર્ચો તો તમને અમે આટલા
લોકો સુધી પોહચાડી દઈએ ..!
એક વાર્તા “સાયકલ મીટીંગ” લખેલી ત્યારે એના ૧.૧ મિલિયન વ્યુ આવ્યા પણ ખરા પણ પછી ? આર્થિક ઉપાર્જન શું ? પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ જ રહી જાય છે..!!
એક વાત હમેશા યાદ રાખવી ઘટે કે સોશિઅલ મીડિયાના પ્રમોટર્સ આપણા કરતા વધારે હોશિયાર છે, એ લોકો તમને ને મને રમવા એમના પ્લેટફોર્મ આપી રહ્યા છે અને કોઈ મફતમાં રમવા કે રમાડતું હોય ત્યારે નક્કી આપણે કરવું પડે કે કેટલું રમવું ..!
એક ગુજરાતી પિક્ચર આવ્યું હતું છેલ્લો દિવસ , કદાચ દરેક ના જીવનમાં કોલેજ નો છેલ્લો દિવસ આવ્યો હશે મારા જીવનમાં પણ હતો એ છેલ્લો દિવસ , જે ધીંગામસ્તી કરી અને દિવસો કાઢ્યા હતા એ જ દિવસો ની લાલચ નોહતી છૂટતી એટલે મેં મારા મિત્રો ને કીધું અરે યાર રોજ મળતા હતા એમ મળીશું દુઃખી કેમ થાવ છો ..!!
જવાબ આવ્યો કેમ લાઈફ ને લુખ્ખા ની જેમ કાઢવાની છે ? આ કોલેજ છોડ્યા પછી નવા નવા કોર્સમાં એડમીશન લઈને કોલેજમાં ત્રીસ ત્રીસ વર્ષના થયા તો પણ કેમ્પસમાં પડી રહે છે એવા લુખ્ખા થવા નું છે ? નહિ ભાઈ ,કોઈ સંજોગોમાં અહિયાં ફરી નથી આવવા નું પાછા ..જે ગયું તે ગયું બસ ભૂલી જાવ..!!
મજા મળી હોય એ જગ્યાએ વારે વારે ના જવાય ..!!
સોશિઅલ મીડિયા પણ કોઈક પ્રકારની મજા આપી રહ્યું છે , વારે વારે ના જવાય .. હા સમય વધારા નો હોય અને સમય ને મારવા (કિલ કરવાનો ) નો હોય તો જ જવાય બાકી અર્થઉપાર્જન ના થતું હોય તો પછી નહિ અથવા માપ માં ..!!!
બહુ પેહલા વોટ્સ એપ યુનિવર્સીટીમાં જ્ઞાન મળ્યું હતું કે કોઈ દિવસ મોટી મોટી ગાડીઓ ની જાહેરાત ટીવીમાં આવે છે ? છાપામાં જ કેમ આવે છે કે ચાલીસ લાખ ની ગાડી પાંત્રીસમાં કે દોઢ કરોડ વાળી સવા કરોડમાં ?
જવાબ હતો કે એટલી મોટી ગાડી ચલાવનારા, સોરી વાપરનારા…ચલાવે તો ડ્રાઈવરો.. ટીવી જોવામાં ટાઈમ બરબાદ નથી કરતા..!!
ટીવી હવે મોબાઈલ અને ૪-જી થકી હાથમાં અવી ગયું અને મોબાઈલમાં કુકીઝ આવી ગયા, તમે અને હું શું જોવો છો એની ઉપરથી તમારો ટેસ્ટ નક્કી કરી લ્યે ને કોઇપણ મીડિયા ખોલો એમાં તમે જે સર્ચ કર્યું હોય એના રિલેશનમાં જાહેરાતો બતાડે..!
જો કે હું તો એમાં પણ હરામખોરી કરું ..
કોઈક અનાડી વસ્તુઓ નું સર્ચ મારવાનું એ પણ સતત બે ત્રણ દિવસ, પછી જો પેલું બધા મીડિયાઓ નું આલ્ગોરીધમ મૂંઝાય, કઈ જાહેરાત મારે માથે મારવી એ જ નક્કી ના કરી શકે ..!
નેક્સ્ટ લેવલ ની મજા ..!!
મને ઘણા મિત્રો કહે છે કે યાર એક ફિક્સ ટાઈમ રાખો ને કે આ ટાઈમે બ્લોગ પોસ્ટ થાય એટલે વારેવારે અમારે જોતા ના રેહવું પડે .. યાર શું કહું હું તો ઘેરથી કારખાને જવા નીકળું ત્યારે ટ્રાફિકમાં ફસાઉં ત્યારે લેપટોપ ખોલી ને બેસી જાઉં છું કે ઘરમાં હિંચકે બેઠો હોઉં તો લખી પાડું છે અને પોસ્ટીંગ પણ નવરા પડીએ ત્યારે કરી લઈએ ,
સંસારી જીવ છું મારી પાછળ એકપણ “કાર” લગાડી શકાય એવી અત્યારે મારી તાકાત નથી , સાહિત્યકાર કે સંગીતકાર ..
લગાડવું હોય તો કારખાનેદાર લગાડવું પડે કેમકે આપણી જિંદગી નો દારોમદાર એની ઉપર જ છે..!!
બ્લોગ નું ડોમાઈન લીધું ત્યારે જ મમ્મી એ બેસાડી ને પ્રોમિસ લીધું હતું કે જે લખવું કરવું હોય તે કરજો ,પણ એમાંથી અર્થ ઉપાર્જન ની મેહનત નથી કરવાની , સરસ્વતી અને લક્ષ્મી બંને ની પૂજા અને વંદના થવી જોઈએ , સરસ્વતી થકી લક્ષ્મી ઘરમાં આવવી જોઈએ ..!
કેહવા નું તાત્પર્ય એમનું એટલું જ હતું કે ગમે તેટલી વાર્તાઓ બ્લોગ લખીશ તો એવા રૂપિયા કમાવાશે નહિ જેનાથી સંસાર પાર પડે, અને કદાચ એકાદવાર મળી પણ જાય તો સાતત્ય તો બિલકુલ નથી ..!!
એટલે પચ્ચીસ વર્ષ થી જે ધંધો જમાવવા મેહનત કરી છે એને આ સોશિઅલ મીડિયા ને રવાડે ચડી ને ઉંધો ના પાડીશ..!!
આવા પ્રકારનો બ્લોગ લખવા પાછળ નું બીજું પણ એક કારણ છે કે દર વર્ષે ફેસબુક મેમરીમાં મને યાદ કરાવે, એટલે દર વર્ષે મારી જાત ને જાતે જ એક ટપલી પડે કે શૈશવ કામધંધો પેહલા ,લાઈકો અને કોમેન્ટો છેલ્લા..!!
તમે બહુ સરસ લખો છો એવું ક્યાંક કોઈક કહે તો ફુલવા નું નહિ ને શું બકવાસ કર્યા કરે છે આ સોશિઅલ મીડિયા ઉપર તું ?
તો ડિપ્રેસ નહિ થવા નું..!
નિજાનંદ માટે સોશિઅલ મીડિયા વાપરવાનું અને એ જ નિજાનંદ માટે છોડી પણ દેવાનું ..! ડૂબતો કે ઉગતો સુરજ નરી આંખે જોઇને મજા લેવી નહિ કે સોશિઅલ મીડિયા ઉપર ની કોઈની પોસ્ટ જોઈએ ને..!!
એક ભાઈ પોસ્ટ નાખે કે ફલાણા કલાકાર ગુજરી ગયા, તો પેહલા સેહજ વિચારવાનું કે કોણ હતું એ ? ખરેખર ઊંચા ગજા ના કલાકાર હતા ? પોસ્ટ નાખનારા ને કલાકારની સાથે ન્હાવા નિચોવા નો સબંધ ખરો ? કે પછી રોતા ભેગા રોવા બેઠા છે ?
તો પછી આપણે ઓમ શાંતિ લખવા ની જરૂર નથી..!!
ઘણા પાસા સોશિઅલ મીડિયા ઉપર અપલોડ થતી પોસ્ટ ના વિચારી શકાય ..
પણ પેહલી ને છેલ્લી શરત માત્ર એક જ છે નવરાશ છે ? કામધંધો ઘરબાર બધી જગ્યાએ પુરા પડી ચુક્યા છો અને નવરા છો તો વિચારો અને વિચરો..!!
અમારી નવરાશ પૂરી
આપનો રવિચાર શુભ રહે ..
દશેરાની શુભકામનાઓ
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)