સ્ટેચ્યુ ઓફ યુનિટી …
કોંગ્રેસની પુતળા સંસ્કૃતિ ઉપર મારેલો સૌથી મોટો ઘણ..
કદાચ યાદ કરીએ તો છેલ્લા સાડા ચાર વર્ષમાં એકપણ બીજું પુતળું દેશભરમાં મોટેભાગે ઉભું થયું નથી..!!
પેલો પ્રસંગ યાદ આવે છે..સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો હતો પાટણ નરેશ `સધરાજેસંગ` એ (સિદ્ધરાજ જયસિંહ ) અને જે દિવસે સોમનાથ મંદિર ઉપર ધજા ચડી એ દિવસે `સધરાજેસંગે` ગુજરાત અને એના તાબાના તમામ મંદિર અને દેરાસરોની ધજા ઉતરાવી લીધી હતી,બહુ કઠયું હતું લોકો ને એ સમયે ઈન્ક્લુડીન્ગ કલિકાલ સર્વજ્ઞ મહારાજ..!!!
રાવ છેક મહામાત્ય મુંજાલ સુધી ગઈ હતી, અને મહામાત્ય મુંજાલ રાજમાતા મીનળ પાસે પોહચ્યા હતા, મહામાત્ય એ ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં કીધું..મીનળ `તારા છોકરા`ને કાબુમાં રાખ નહિ તો એ જાતે જ પોતાનું પતન નોતરશે..અને `મજબુર` મીનળ `તારા છોકરા` શબ્દ આગળ આવી ને અટકી હતી…!!
પોતાની જાત સાથેના સંઘર્ષમાં મીનળ રાજધર્મ ચુકી ગઈ..!!
કેટલાય લોકોને એક પુતળા પાછળ ખર્ચાયેલા આટલા બધા રૂપિયા માટે પેટમાં દુખ્યું હશે પણ કોંગ્રેસના વાવેલા ધતુરા થી ધાન થોડી પેદા થાય..?
પુતળા સંસ્કૃતિની જનેતા છે કોંગ્રેસ, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું સૌથી મોટું ફળ…!!!
આજે આખા ગુજરાતમાં ચારેબાજુ હરખની હેલી ચડી છે અને એ હેલી દિવાળીની રજાઓમાં ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ ઉભી થનારી ટ્રાફિકની સમસ્યામાં પ્રદર્શિત થશે..!!
પ્રજાના દિમાગમાં કીડા ભરાઈ ચુક્યા છે,ગાડીઓ શટલિયા અને છકડા બધું ય હવે એકમ થી પાંચમ સરદાર ના પૂતળે દોડશે..!!
હેંડો લ્યા હેંડો..બહુ મોટું છ લ્યા છેક તઈણ કીલોમેટર થી દેખાય છ..!!
જબરું મોટું બનાયું છ આ મોદી સા`યેબે તો ..!!
પુતળું બની ગયું અને ઉદ્ઘાટન થઇ ગયું પછી શું ..?
બીજું પુતળું બનાવો મુંબઈ ના દરિયાકાંઠે શિવાજી મહારાજનું આનાથી પણ ઊંચું ..!!
કન્યાકુમારી વિવેકાનંદ રોકનું બાજુમાં તમિલ કવિ થીરુવલ્લુંર નું પુતળું કે પછી ગોમ્ટેશ્વરમાં ભગવાન બાહુબલીની પ્રતિમા..!!
પુતળું અને પ્રતિમામાં ફેર ખરો નહિ …!!
એની વે હવે આ સિવાય બીજો કોઈ ઉપયોગ થાય ખરો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ..?
આમ તો ખાસ કઈ નહિ પણ નદી કિનારે છે અને એ પણ રેવા મૈયા ને કિનારે એટલે સમાધિઓ ઉભી કરવી હોય તો થાય..!!
જમનાજીને કાંઠે દિલ્લીમાં હવે બહુ જગ્યા રહી નથી નેહરુ–ગાંધી અને કોંગ્રેસના ઘણા બધા દિવંગત નેતાઓ ની સમાધિ ના નામે એકરોમાં જગ્યા બુક થઇ ચુકી છે એટલે નવા ગુજરી જનારા માટે સ્મૃતિ-સ્થળ ઉપર જ સમાધિ બનાવવી એવું હવે નક્કી થઇ ચુક્યું છે..
એટલે હવે બીજો કોઈ સ્કોપ નથી..!!
ચેન્નાઈમાં મરીના બીચ ઉપર સમાધિઓ વધી રહી છે..
જો કે ગુજરાતમાં ચીમન પટેલ ના સિવાય કોઈ બીજા કોઈ ની સમાધિ સ્થળ હોય એવું યાદ નથી આવતું , હા મોરારજી દેસાઈના અવસાન વખતે મુંબઈથી ગર્જના થઇ હતી કે જીવતા અમે રાખ્યા મુએલા તમે લઇ જાવ ત્યારે સાબરમતી આશ્રમના ગૌશાળાના પ્લોટ પર વધુ એક સમાધી ઉભી થઇ પણ અવાવરું છે આજે..!
ભારત નો રાજકારણી એક એવું પ્રાણી છે કે જેને દિલમાં જીવતે જીવત ભારતના વડાપ્રધાન થવાની તીવ્ર ઈચ્છા હોય પણ મોઢા પર ફક્ત અને ફક્ત સેવા નો ઉદ્દગાર હોય અને મર્યા પછી પોતાની એક સમાધિ ની ખેવના હોય..!!
તમે કોઈ કોર્પોરેટર ને પણ શાંતિથી આબુ લઇ જઈને બે પેગ મરાવી ને પુછજો તો સાચ્ચું બોલી જશે.!!
આજે દરેક રાજકારણીના હ્રદયમાં એક નવી ઈચ્છા જાગી હશે ..આપણું પણ આટલું મોટું પુતળું થાય અને નાં થાય તો પુતળાની નીચે આપણી સમાધિ..!!
જય હો ..!
ગિરિધારી રે ધારી..!!
આમ જોવા જાવ તો બહુ સેહલું છે આ દેશમાં લોકોના ભગવાન બનવું કેમકે દરેક વ્યક્તિ રાહ જોઈ ને બેઠો છે કે મને આવી અને કોઈક લઇ જશે અને મારો ઉદ્ધાર કરી નાખશે અને આવા સંજોગોમાં તમારે ફક્ત બે ચાર જણ નો ખરેખર ઉદ્ધાર કરવાનો હોય છે અથવા એમને ફીલિંગ અપાવવા ની હોય છે કે તારો ઉદ્ધાર થઇ ગયો ..અને મેં કર્યો..!!!
પછી તો લાઈનો લાગશે..!!
સરદાર ના વારસદારો અળગા રહ્યા છે આ સમાહરોહ થી..!
વર્ષો સુધી મણીબેનને એકધારા એક નિત્યક્રમમાં જોયા છે ,ઘરડા મણીબેનને સાંજે ચાર વાગ્યે બંગલાની બાહર નીકળી અને કોંગ્રેસ હાઉસ જતા જોયા છે, અંગે એક ઘરેણું કે સારું લૂગડું ક્યારેય નથી જોયું ..
ભારતના રાષ્ટ્રપતિ આર વેંકટરમણ મણીબેનને મળવા અમારી સોસાયટીમાં આવ્યા ત્યારે અમને ટેણીમેણી ને આશ્ચર્ય થયું હતું અલ્યા એ..ઈ.. નંબર પ્લેટની જગ્યાએ રાજચિન્હ કેમ છે ..?
ગુગલ નોહતું એ જમાનામાં ..!!
મોટા ઓ ને પૂછ્યું ત્યારે ખબર પડી કે રાષ્ટ્રપતિ ની ગાડીએ ગોલ્ડ નું રાજચિન્હ હોય અને રાજ્યપાલની ગાડીએ સિલ્વરનું..!!
એ એક જ દિવસ સાંજે મણીબેન રીક્ષામાં નોહતા ગયા બાકી તો રોજ..!!
આજે એ કોંગ્રેસ હાઉસને કોઈક ટ્રસ્ટ એ કબજો કરી લીધો છે..!!
સાબરમતી આશ્રમમાં જુદી જુદી પ્રવૃત્તિના નામે કબજો ગોઠવવાની પેરવી વર્ષોથી ચાલી રહી છે..!
જ્યારે માણસ પાસે બધું જ આવી જાય ત્યારે એને ઈતિહાસ જોડે પોતાની લીંક કનેક્ટ કરવી હોય છે..!!
હું અત્યારે મહાન નથી અમે તો સદીઓથી મહાન છીએ અને આ રહી ઈતિહાસ જોડે ની મારી આ લીંક ..!!
નેહરુની જગ્યાએ સરદાર વડાપ્રધાન હોત તો…!
આ પરિકલ્પનામાં સિત્તેર વર્ષથી ગુજરાતી અને એક ઘા ને બે કટકા કરવામાં માનનારા લોકો જીવ્યા અને મર્યા છે, ચર્ચાઓ ચાલતી જ રેહશે..
નેહરુની ભૂલોને બિનકોંગ્રેસી સરકારો ધુણાવશે અને સરદારને આગળ કરશે અને કોંગ્રેસી સરકારો નેહરુ ને આગળ કરી ને સરદાર ને ભુલાવશે..!!
ખેલ ચાલ્યા કરવા નો..!!
ભારતવર્ષ ના પાંચ હજાર વર્ષ જુના ઈતિહાસમાં દરેક પ્રજા પોતાની ઓળખ મુકવા માટે કોઈ ને કોઈ માનચિન્હ બનાવી અને મુકતી ગઈ છે, કોઈ પ્રજા એ ગ્રંથો આપ્યા છે તો કોઈએ શિલ્પ ..
પણ આવા પુતળા તો કોઈએ નથી મુક્યા ..હા પાળિયા જરૂરથી મુક્યા છે..!!
પુતળા સંસ્કૃતિમાં સૌથી આગળ માયાવતી છે જેમણે જીવતા જગતિયું કર્યું છે ..!!
હવે બોટમ લાઈન આપું તો ..
સ્મારક ઉભું કરતા પેહલા એના સંરક્ષણની પૂરી તૈયારી હોવી જોઈએ , સરદાર નું પુતળુ ગમે તેટલું ઊંચું ઉભું કરીએ પણ એમના વિચાર અને એમના આચારને અમલમાં ના મૂકી શકીએ તો બધું નકામું છે..!
એક માણસ ને ભૂલાય છે હજી પણ ક.મા. મુનશી ..
ગાંધીજીના પોલીટીકલ એડવાઈઝર રાજનૈતિક સલાહકાર..!!
દુનિયાભરના ચોપડા વાંચી અને ચાવી ખાધા હોય તો હવે એક નજર મારી લેજો ..
વાર્તાની જેમ વાંચી અને પછી બીટવીન ધ લાઈન્સ વિચારજો …
ઈન્ટરનેટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ૬.૫ રીક્ટર સ્કેલના ભૂકંપ સુધી સુરક્ષિત છે..!!
૨૬ જાન્યુઆરી ૯.૫ હતો ..શેષનાગના માથા ઉપર છે આ પુતળું..કોઇપણ ડેમ ની નજીક પાણીના પ્રેશરથી નાના મોટા ભૂકંપ આવતા જ રેહતા હોય છે..!!
પ્રભુ વિષ્ણુ તમે પડખા ના ફેરવશો, નહિ તો શેષનાગ જરીક પણ હાલ્યા ને તો બધું ધબાય નમઃ થશે..!!
ઉજવો ઉજવો દિવાળી ..!!
અને હા કોઈ એમ કહે કે આ વખતે દિવાળી જેવું લાગતું જ નથી તો કેહ્જો ભઈલા તું પિચકારી લઈને નીકળ..!!
આપનો દિન શુભ રહે..!
શૈશવ વોરા