કોઈપણ વાત ઉપર વિવાદ થવો જ જોઈએ એવી આપણામાંથી ઘણાબધાની પ્રકૃતિ થઇ ગઈ છે..અને વિવાદ ના હોય તો પણ ઉભો કરવો અને લમણા કુટવાના..!!
બે ચાર દિવસ પેહલા ગુજરાતના ખ્યાતનામ બોડીબિલ્ડર શ્રી કિરણ ડાભીનું અત્યંત નાની ઉંમરે અવસાન થઇ ગયું..
ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના રેગ્યુલર જીમર્સ ,જીમ ના ટ્રેઈનર્સ ,જીમ માલિકો અને ફિટનેસ મોડેલ્સ બધાને માટે એક જબરજસ્ત આઘાતજનક જનક સમાચાર હતા..
પર્સનલી મને જયારે સમાચાર મળ્યા ત્યારે બે મિનીટ માટે તો હું પણ સુન્ન થઇ ગયો હતો કે કિરણ ડાભી કેવી રીતે જાય ..?
મારે બહુ અંગત તો ના કહી શકાય, પણ એક સારી દોસ્તી કિરણભાઈ જોડે ની , અને હમેશા કિરણભાઈ મને જીમમાં જવા માટે ઇન્સ્પાઈર કરતા રેહતા ..હું કેહતો તમારા જેવી બોડી બનાવવી છે કિરણભાઈ અને એ કેહતા ના સર ફિટનેસ બસ તમે આ ઉંમરે આટલા ફીટ છો એ જ બહુ છે ,કઈ બોડી નથી બનાવવી ફીટ રહો બસ આટલા..!!
ગમે ત્યારે ગમે તે જગ્યાએ મળીએ તો કિરણભાઈ ઉભા રહી જાય અને કેમ છો શૈશવભાઈ ..કરીને ઘડી બે ઘડી વાતો કરીને અમે છુટા પડતા ..
કિરણભાઈની ખૂબી એ હતી કે એમણે બોડીબિલ્ડીંગ માટે જેટલા મેડલ્સ અને કપ ગુજરાત માટે વર્લ્ડ લેવલે જઈને જીત્યા છે એટલા તો બીજા કોઈએ કદાચ ગુજરાતને નથી આપાવ્યા, અને છતાં પણ અત્યંત વિનમ્ર અને દિલ નો એકદમ સરળ માનવી..હું આટલો `મોટો માણસ` એવો લગીરે ભાવ કિરણભાઈમાં ક્યાંય નહિ..
ખાડીયાના અખાડાથી બોડી બિલ્ડીંગ શરુ કરીને અને અમદાવાદના દરેક નામી જીમમાં કિરણભાઈ જોવા મળે..!
કિરણભાઈની ખુબ ગમતી વાત મને એ એવી કે કિરણભાઈએ ઓછામાં ઓછા સો છોકરા ,કદાચ વધારે હશે ઓછા નહિ પણ એમને કિરણભાઈ એ ટ્રેઈન કર્યા અને જીમ ટ્રેઈનરના સર્ટીફીકેટ કોર્સીસ કરવા પ્રેર્યા અને દરેકને જીવનમાં સેટલ થવા માટે કિરણભાઈએ માથે રહી ને મદદ કરી અને આ બધું કરવામાં એમનો કોઈ જ સ્વાર્થ બિલકુલ નહિ ..
તદ્દન નિસ્વાર્થ અને નિસ્પૃહ ભાવથી કિરણભાઈએ આ છોકરાઓને “લાઈને” ચડાવ્યા ..!!
આજના ઘોર કલિયુગમાં કાકો ભત્રીજા ને કે મામો ભાણા ને પણ પોતાનો ધંધો નથી શીખવાડતો ત્યાં આ કિરણ ડાભી નામનો બિલકુલ મધ્યમવર્ગ નો માણસ એકદમ સાઇલેન્ટલી આટલું મોટું કામ કરતો હતો..!!
આવી વ્યક્તિ ને સન્માનપૂર્વક અંજલી હોય ત્યાં લોકો એ એમ છાપ્યું કે એક્સેસ પ્રોટીન લેવાથી મૃત્યુ થયું ..!!
અરે રે ભૂંડા .. કઈ ચોપડીમાં લખ્યું છે કે એક્સેસ પ્રોટીનથી કોઈ મરે ? અને જે પ્રોટીનની વાત કરો છે એ તો મિલ્કમાંથી બનેલા પ્રોટીન છે ,એનાથી કેમનું કોઈ મરે..?
બિલકુલ કાર્ડિયાક ફેલીયર થી મૃત્યુ છે એને આવી રીતે બદનામ કરી ને શું મળે ?
અને એક સર્વવિદિત હકીકત છે કે ચાલીસથી પચાસ વર્ષની વચ્ચેની ઉંમરે આવેલા હાર્ટએટેક વધારે ખતરનાક હોય છે અને એમાંથી બચવું ઘણું અઘરું હોય છે અને કિરણભાઈ દૈવયોગે એમાં સપડાઈ ગયા ..
આ દુઃખની ઘડીએ આવી પરોપકારી વ્યક્તિ ના પરિવારની સાથે ઉભા રેહવાને બદલે નેગેટીવ પ્રચાર કેમ થાય ?
ખુબ જ નિંદનીય છે આવા પ્રયાસ..
રહી વાત જીમ ના સપ્લીમેન્ટ, પ્રોટીનની અને જીમની મેમ્બરશીપની..
તો છેલ્લા પંદર વર્ષથી હું લાગલગાટ જીમમાં જાઉં છું મારી નજર સામે પણ જીમમાં લોકોના મૃત્યુ થયા છે પણ એનો મતલબ એમ કે જીમમાં મરી જવાય ?
હરગીઝ નહિ..
કસરત કરવાથી કોઈ ક્યારેય મરતું નથી..!
જે મરે છે એ કોઈપણ પ્રકારના વધુ પડતા `સેવનો`થી..
હું એવા ઘણા લોકો ને જોઉં છું કે જે જીવનમાં ચિક્કાર દારુ,સિગારેટો ઠઠાડે પછી જીમમાં આવે, પ્રોટીન પીવે ,જેમ ચિક્કાર દારૂ પીવે એમ જ ગાંડાની જેમ કસરતો કરે અને પછી ઉકલી જાય..
અતિ ની તો ક્યાંય ગતિ નથી..
હવે આમાં જીમ નો માલિક, જીમ નો ટ્રેઈનર કે પ્રોટીન વેચવાવાળા નો શું વાંક ?
એક આરોપ એવો આવે છે કે જીમના માલિકો જીમ મેમ્બર પાસેથી વર્ષની ફી લ્યે છે અને પછી એમને ભારે કસરત કરાવે જેથી એ લોકો ભાગી જાય ..
અલ્યા એ ઈ ..
કસરત એ પોપાબાઈ ના ખેલ નથી, કસરત કરવા પેહલા મન ની તાકાત જોઈએ , મક્કમ નિશ્ચય જોઈએ પછી કસરત થાય..
મોટાભાગની પ્રજા જીમ જોઈન કરવા માટે `સદીઓ` સુધી વિચારે અને પછી જીમમાં આવે છે ..એક સદી સુધી તો ખાલી વિચાર્યું જ હોય, અને લગભગ પોતાની જાતને સલમાનખાન કે હ્રીતિક રોશન ની જગ્યાએ જ કલ્પી લીધી હોય , એટલે પેલો ટ્રેઈનર ગમે તેટલી ના પાડે તો પણ પ્રજા સમજ્યા વિના ડમ્બેલ હાથમાં ઝાલી લ્યે અને મચી પડે ..
જીમમાં ગયા ને ચાર દિવસ થયા ના હોય ત્યાં અરીસામાં બાય્સેપ જોતો થઇ જાય ત્યારે મારા જેવો આખાબોલો એમ કહી દે બકા આ બાય્સેપ નથી સોજો ચડ્યો છે, અને ફરી પાછો મંડે અંતે દુઃખાવા થાય એટલે જીમને અલવિદા કહી દે ..અને ગાળો આપે જીમને ..!!
અલ્યા ભીમ ખાય અને શકુની હંગે એવું તો મહાભારતમાં જ થાય, તું મચી પડે એટલે તને દુખાવા થાય , શાંતિથી પાચ-છ મહીને ધીમે ધીમે આગળ વધને..જન્મારો પડ્યો છે બોડીબિલ્ડીંગ માટે , પણ ના..
અઠવાડિયામાં તો “રિજલ્ટ” જોઈએ ,`રીઝલ્ટ` નહિ હો…
રહી વાત સપ્લીમેન્ટ અને પ્રોટીનની તો કોઈ તમને પકડીને કશું જ આપી શકતું નથી , અને પ્રોટીન પાવડર જેવી પ્રોડક્ટ્સ વેલનેસ પ્રોડક્ટમાં આવે છે, કોઈ શેડ્યુઅલ દવા નથી કે ના વેચાય.. અને છતાં પણ ક્યારેક કોઈ આવી ને વણમાંગી “સલાહ” આપે તો મજબુતીથી નાં પાડી શકાય છે, અને સપ્લીમેન્ટ કે પ્રોટીન લેવા હોય તો તમારા ફેમીલી ડોક્ટરને પૂછી ને લ્યો ને , અક્કલ થોડી ગીરવે મૂકી ને જીમમાં આવ્યા છો ..!!
પ્રોટીન તો આપણી દરેકની થાળીમાં ભરપુર હોય છે ,એક જમાનો હતો લોકો દાળ પીતા હતા , આજે દાળ ને સબડકા લઈને પીવાનું ભૂલી ચુક્યા છીએ ,ચાર જણ વચ્ચે ગાંઠિયા મંગાવવા હોય તો બસ્સો ગ્રામ માંડ મંગાવીએ છીએ ..
અલ્યા બસ્સો ગ્રામ ગાંઠિયા તો જુનો કોઈ અખાડા નો કાકો હોય ને પૂછજો એમ કહે કે આટલામાં તો મારી દાઢ જ પલળી.. બોઘેણું ભરીને પેહલવાનો દૂધ પી જતા અત્યારે અમારા જીમના છોકરા અમુલની એક થેલી મોઢે માંડે અને ચાર પાંચ ભેગા થઈને બે ત્રણ ડઝન કેળા ઉલાળી નાખે તો લોકો જોયા કરે છે ,આટલું બધું કેવી રીતે ખવાય..?
બકા ખાય પણ ખરા અને પચાવી પણ જાણે ..!!
હવે બોઘેણા ભરી ને દૂધ નથી પીવાતા તો શેકર ભરી ને મિલ્ક પાવડરના પ્રોટીન શેક કરીને પીવે છે બધું એનું એ જ છે..!!
ઘાટ રે ઘડિયા જુજવા ..
અને છેલ્લી વાત .. કોઈપણ પ્રકારની કસરત નિયમિત કરવાથી રિસ્પોન્સ ટાઈમ જુવાનીમાં જેટલો હતો એટલો જ ઉંમર થયા પછી જ રહે છે ..
રિસ્પોન્સ ટાઈમ એટલે ફૂટપાથ ઉપર ચાલતા જતા હો અને અચાનક તમારી સામે ક્રિકેટ નો બોલ આવે અને તમે કેટલી ઝડપથી એને પકડી અને પાછો ફેંકો છો એને રિસ્પોન્સ ટાઈમ કેહવાય..
ડોહા થઇ ગયા હો તો છોકરાવ ને ખખડાવો અલ્યા જોઈ ને રમો ને ..અને કસરત કરતા હો નિયમિત તો છોકરાવ પાસેથી બેટ લઇ ને એમ કહો કે એક-બે બોલ નાખ તો બકા ..!!
કિરણભાઈ, આજે અમારી આંખો તમને જોઈ નથી શકતી પણ અમારા કાન તમારી વાતો સાંભળી રહ્યા છે ..”સર ફિટનેસ ..ફિટનેસ ..” તમારા શબ્દો કાયમ યાદ રેહશે ..
મહાદેવ તમારા પરિવાર ઉપર આવી પડેલા આ અકલ્પનીય દુઃખ ને સહન કરવાની શક્તિ આપે અને પરમાત્મા આપ જેવા ઉમદા જીવાત્મા ને પરમશાંતિ આપે..!!
મિત્રો આ પર્સનલ બ્લોગ છે, કોઈ ખોટી ચર્ચા ના કરશો..
નો કોમેન્ટ પ્લીઝ..!
શૈશવ વોરા