લોકડાઉન લંબાવાશે.. એકવીસ દિવસનું વેકેશન પ્રજાએ હોંશે હોંશે સ્વીકારી લીધું આવનારા દિવસો પણ કદાચ મને ક-મને સ્વીકારી લેશે, પણ પછી શું ?
આવો સવાલ હવે દેશભરના કારખાના, દુકાનો અને પોતાના સ્વાયત્ત ધંધા કરતા લોકોના મગજમાં ઘૂમરાવા લાગ્યો છે..! ધીમે ધીમે વેકેશન મુડ ઓસરતો જાય છે..કદાચ એટલે જ નવી દિલ્લી એ જાન ની જોડે જહાન ની પણ વાત કરી છે..
આઈસીડી ઉપર કન્ટેનરસ ના ઢગલા પડ્યા છે ,જહાજ લાંગરતા નથી કાર્ગો હવાઈ જહાજ ઉપર જ એક્સપોર્ટ નો ખેલ છે..એક્સપોર્ટ જેટલું જલ્દી કરીશું એટલું વધારે જીતી જવાશે..
ઘેર બેઠા મારી જેમ ચાર લીટા તાણી ખાવા કે કોમ્યુટરમાં બેઠા બેઠા વર્ક ફ્રોમ હોમનું કલ્ચર ના પડારા કરવા જુદી વાત છે અને કારખાનાના ચક્કરના દાંતા ફેરવવા જુદી વાત છે..!
સરકારના ટેક્ષ કલેક્શન લગભગ ઝીરો છે, સૌથી મોટું રોકડામાં ટેક્ષ ઉઘરાવતું સેન્ટર પેટ્રોલપંપ અત્યારે સન્નાટામાં છે ને બીજું જીએસટી એને લકવો મારી ગયો છે..
પ્રાઈવેટ સેક્ટર એ હવે આગળ આવવું પડશે સરકાર ની મદદે..અને સરકારે પ્રાઈવેટની..!
ધીમે ધીમે કારખાના ના ચક્કર ચાલુ કરવા રહ્યા નહી તો બેઠા બેઠા રાજા ના રાજ પણ ખૂટી જાય ને બધું એકસાથે રોડ ઉપર આવી જાય , ભિખારી થઇ જાય..!
મોટેભાગે ભારતમાં નાના નાના ઉદ્યોગો વધારે છે ,એ બધા એક ચોક્કસ વિસ્તારોમાં છે, આ બધા ઔદ્યોગિક વિસ્તારો ગેઇટ અને દીવાલોથી કવર થયેલા છે..જે દિવસે લોકડાઉન ખુલે એ પછી પણ પેલી અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર ડીસઇન્ફેટન્ટ ટનલ લગાવી છે એવી સહિયારી ડીસઇન્ફેકટન્ટ ટનલ મેઈન ગેટ ઉપર લગાડી અને તે વિસ્તારમાં આવતા જતા લોકો ને સેનેટાઈઝ કરી શકાય,
દરેક કારખાના પોતે માસ્ક હાથ મોજા જેવા બેઝીક સાધનો વસાવી અને પોતે જ પોતાના કારખાના ડીસઇન્ફેક દિવસમાં બે વાર કરી લ્યે..
તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં ફાલતું લોકોની અવરજવર ઉપર સદંતર પ્રતિબંધ મુકવો જોઈએ અને તેના પાલન ની જવાબદારી જે તે એસોસીએશન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ..!
બંધ જેવી રીતે કર્યું એવી રીતે હવે તબક્કાવાર ચાલુ કરવા માટે પણ વિચારવું રહ્યું..
કોવીડ-૧૯ ની દવા શોધવા માટે દુનિયા આખી મચી પડી છે પણ એક સરપ્રાઈઝ ફેક્ટર હાથ લાગી રહ્યું છે કે અમુક લોકો ના ટેસ્ટ પોઝીટીવ આવે છે એમનામાં કોઈ જ લક્ષણો નથી મળતા એટલે સિમટોમેટીક ટ્રીટમેન્ટ નો છેદ ઉડી જાય છે ..
કોવીડ-૧૯ દિવસે દિવસે દુનિયાનો માથાનો દુખાવો વધારતો જાય છે..ઘણા બધા લોકો દિવસમાં દસ વાર કેટલા કેસ અને ક્યાં વધ્યા એ જોઈ જોઈ ને અટવાઈ જાય છે ,પછી પોતે કઈ કરી શકવા ને શક્તિમાન નહિ હોવા ને લીધે ધીમે ધીમે ડીપ્રેશનમાં સરી રહ્યા છે..આ પ્રવૃત્તિ અને વૃત્તિથી છેટા રેહવા જેવું છે , જો ગંભીરતા ને સમજી લીધી હોય તો વારે વારે આંકડા ના જોશો પ્લીઝ..!
એક ધારી બીબાઢાળ જિંદગીથી ટેવાયેલા લોકો ને જીવનનું સ્કુલ કોલેજ પૂરી કર્યા પછી નું વેકેશન પેહલા તો સારું લાગ્યું પણ પછી સહનશક્તિની હવે હદ આગળ વધતી નથી..
પરદેસમાં કોરોના “પ્રેમ” નો દુશ્મન થઇ ને બેઠો છે,
છૂટાછેડા ના કેસ વધી ગયા છે..!
આપણે ત્યાં “ટીંડર” પ્રેમ તૂટી ગયા છે, પરંતુ “આધારભૂત સુત્રો” ના જણાવ્યા પ્રમાણે ટીંડરમાં હવે તમે લોકેશન કોઇપણ નાખી શકો છો..!
સો કિલોમીટર ની રેંજમાંથી મેચ ના આવ્યા હોય તો હવે સીમાડા “ખોલી” આપ્યા ટીંડર દેવતા એ..!
કરો ઓનલાઈન “પ્રેમ” અને પડો “છુટા” ઓનલાઈન..!
અમારી ઉંમરના ને હસવું આવે કે સાલું ટેકનોલોજી એ કેવા કેવા દિવસો લાવી ને મૂકી દીધા અને ચિઠ્ઠા ચપાટાની દુનિયા ને તો બિલકુલ બદલી ને મૂકી દીધી..!
પશ્ચિમ જગત આખું સહનશક્તિ
જોડે પ્રેમ ને જોડી ને બેઠું છે ,આપણે ત્યાં નવી પેઢી પચ્ચીસની થાય ત્યાં સુધી સહનશક્તિ
પ્રમાણે પ્રેમ કરે છે પણ પછી આપણી જરીપુરાણી એકબીજા નો સ્વીકાર
કરી ને પ્રેમ કરવાની પધ્ધતિ ને અપનાવી લે છે..!!
હજી આપણા છાપાઓ કે ન્યુઝ મેગેઝીનમાં એવું કઈ બહુ નથી આવ્યું કે કોરોના ને કારણે આવેલા લોકડાઉનમાં છૂટાછેડા ના કેસો આવ્યા..
મોટા પરિવારો અને સાંકડી જગ્યા કે પછી નાના પરિવારો અને બહુ મોટી જગ્યા આ બે બહુ મોટા કજિયા ના કારણ છે..!
અમુક ઘરોમાં કાતરી
અને સાબુદાણાની સેવો
ને બદલે પ્રેમ ની સુકવણી
થઇ ગઈ છે..!
કારણ એક જ આવે છે સ્વીકાર્યતા..
પ્રેમની વ્યાખ્યાઓ ઘણા બધા એ બહુ બધી કરી છે પણ પ્રેક્ટીકલ વાત કરું તો જ્યાં સુધી એકબીજાને સ્વીકારી
નથી લેતા ત્યાં સુધી પ્રેમ અધૂરો રહી જાય છે ,
સ્વીકાર પેહલા થતો પ્રેમ એકબીજા ને સહન
કરવાની વાત છે,
ક્યાંક ઘરેલું હિંસાના મામલા વધારે નોંધાયા એવું સાંભળ્યું હતું પણ વાત છૂટાછેડા સુધી નથી ગઈ..! એનો મતલબ એવો થાય કે “સહન” કરવાનું “આવી” રહ્યું છે..!!
પણ એક વાર સ્વીકાર અને એ પણ દિલથી, તું જેવો છે તેવો કે તું જેવી છે તેવી અને હા ભારતવર્ષમાં પ્રેમ કરી ને પરણો કે પરણ્યા પછી પ્રેમ કરો ( બાજુવાળા કે વાળી ને નહિ , પોતના ધણી કે બાયડી ને .. નાલાયકો ..) પછી એના પરિવાર ને પ્રેમ કરવો પડતો હોય છે કેમકે આ દેશમાં લગ્નો બે પરિવારો વચ્ચે થાય છે, ઘણીવાર પરણનાર બે વ્યક્તિઓ તો નિમિત્ત માત્ર હોય એવું પણ લાગે આપણને..!!
નાના ઘરમાં બહુ બધા લોકો હોય ત્યારે વાણીથી કરડવાનું જો વધી જાય પછી ચાલુ થાય..નાના નાના લવ બાઈટ
ચાલે પણ છણકા ને ભણકા ચાલુ થાય પછી કજીયા થાય ચાલુ..!
અત્યારે ઘરમાં જ છે દુનિયા બધા ની , એટલે પરિવારોના પ્રેમની કસોટી નો સમય છે, સેહજ નાના નાના મજાક મસ્તી પણ કોઈક મોટું સ્વરૂપ લઇ લે એવું પણ થાય છે ,
મુંબઈમાં હોય છે એવા નાનકડા એવા ઘરમાં છ સાત જણા રેહતા હોય એવા ઘરોમાં ધાબુ કે સીડીઓ જ આશ્રયસ્થાન બચ્યા છે.. કેમકે એક ખૂણો પકડી ને બેસવું હોય તો એ પણ અવેલેબલ નથી હોતો..!
મોટેભાગે આફતના સમયમાં ભારતીયોની તાસીર રહી છે કે એક થઇ ને રેહવું અને સામનો કરવો , ભૂકંપના દિવસો યાદ કરીએ તો ભૂકંપે છુટા પાડ્યા એનાથી વધારે લોકો ને ભેગા કર્યા હતા.. એક દૂરના ઓળખીતા આંટી એમના સાસુ જોડે વર્ષોથી એમના પતિદેવ ને લઈને આઠમે માળ ફ્લેટમાં સાસુ સસરા ને એમના બંગલામાં એકલા મૂકી ને દસ વર્ષ પેહલા નીકળી ગયા હતા ,પણ ભૂકંપમાં આઠમે માળ આંટી અને અંકલ જે ઝૂલ્યા તે દિવસથી પાછા માંબાપ જોડે બંગલે ભરાઈ ગયા છે તે આજ સુધી ફલેટે જવાનું નામ નથી લેતા.. પોઝીટીવ આડ અસર હતી..!!
કોરોના ની પણ પોઝીટીવ આડ અસર આવશે.. પણ ધીરજ રાખ્યા વિના છૂટકો જ નથી.. ઘરની ચાર દીવાલોમાં રૂટીન ગોઠવવું જ રહ્યું હજી આવનારા દિવસોમાં પણ અને સરકાર થોડી છૂટછાટ આપે તો સમજી વિચારી ને એનો ઉપયોગ કરવો રહ્યો..!!
જાન પણ સાચવવાની છે , અને જહાન પણ..!!
ભગીરથ ટાસ્ક ઉપાડ્યું છે આખા દેશે..
સૌ નો ઈશ્વર સૌ ને સદ્બુદ્ધિ આપે અને જોડે પાર પડીએ આ કોગળિયામાંથી..!!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)