પરપ્રાંતીય કામદારોની ગુજરાતમાંથી થઇ રહેલી હિજરત..
બે દિવસ પેહલા મારો ડ્રાઈવર બોલ્યો કે ઉત્તર ગુજરાતમાં બળાત્કારના મુદ્દે પરપ્રાંતીય કામદારોને મારી મારીને ભગાડવામાં આવી રહ્યા છે, ત્યારે તો આપણે કઈ ધ્યાન ના આપ્યું કે હશે હવે બે-ચાર દિવસમાં બધું રૂટીન આવી જશે, પણ આજે છાપા ખોલ્યા અને જોયું તો હવે તો સમસ્યા આગળ વધી ગઈ છે ,રેલ્વે સ્ટેશનો ભરાઈ ચુક્યા હોય એવા ફોટા છપાઈ ગયા..
આ તો ખોટું થઇ રહ્યું છે..માથે દિવાળી ગાજે છે અને એમાં જો આ પરપ્રાંતના કારીગરો ભાગી જાય તો ગુજરાતના ના નાના અને મધ્યમ કારખાનાને બહુ મોટો માર આવે …
સેહજ ઝીણવટથી જોઈએ તો ગુજરાત નામની લેબોરેટરીમાં કદાચ આ એક નાનકડો પ્રયોગ મુકાયો હોય એવું લાગે છે, ગુજરાતની રાજનીતિમાં આ પ્રયોગનું “પરિણામ” જબરજસ્ત આવ્યું છે..
આપણે માની એ કે ના માનીએ પણ આવી બધી ઘટનાઓને જયારે એકબીજા સાથે જોડી દઈએ તો ચોક્કસ એમ લાગે કે ગુજરાત હવે જાતિવાદ અને પ્રાંતવાદ ને હવાલે થઇ ચુક્યું છે..
થોડાક થોડાક સમય સમાયંતરે ગુજરાતમાં આવા નાના નાના છમકલા કરી અને કોઈક ને કોઈક રાજનીતિ સાથે જોડાયેલા લોકો આવા પ્રયોગો કરી લ્યે છે, અને એના પડઘા રાષ્ટ્રીય રાજનીતિમાં પણ પડઘાય છે..
કોઈક સખ્ખત લાંબી રમતની તૈયારી કરી રહ્યું છે, અને આ “કોઈક” કોણ છે એ કળવું બહુ મુશ્કેલ નથી અને બહુ સેહલું પણ નથી, હાલના ગુજરાતના પક્ષ-વિપક્ષના ઘરડા બુઢીયા ને એક દસકા પછી ઉખાડી ફેંકવાની જોરદાર તૈયારીઓ થઇ રહી હોય એમ લાગે છે..
મોટેભાગે રાજનીતિમાં બહુ લાંબુ વિચારનારો ફાવતો નથી,જે પાણીએ ચડે એ પાણીએ મગ ચડાવનારો ફાવે છે ,પણ અત્યારનો ખેલ સાવ જુદો જ મંડાણો છે , રમત લાંબી જ રમવી રહી કેમકે પક્ષ-વિપક્ષની વચ્ચે રહીને જગ્યા કરવાની છે, સેંધ મારવાની છે..
અને લાગે છે કે સેંધ વાગી ગઈ..અને પ્રયોગ કરનારો જીત્યો છે..!! આ પરપ્રાંતીય લોકોને થયેલી કનડગત સ્વયંભુ ઉપજેલી ઘટના તો નથી જ લાગતી..એટલે મને કે કમને માનવું જ રહ્યું કે કોઈક અસમાજિક “તત્વ” આ બધાની પાછળ ચોક્કસ છે..
બહુ જ મોટો ધક્કો ગુજરાતની પ્રતિષ્ઠાને મારવાનું આ ષડ્યંત્ર ભાસે છે..
બળાત્કાર એ જઘન્ય અપરાધ છે,બળાત્કારીને ફાંસી થવી જ જોઈએ , ગુજરાત સરકાર ક્યાંક પાછી પડી છે ,પણ પાડા ને વાંકે પખાલી ને ડામ નાં હોય ..
ડેમેજ કન્ટ્રોલના ભાગ રૂપે પોલીસ અને સરકાર બધું જ હરકતમાં આવ્યું છે,નરોડા જીઆઇડીસીમાં આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે,બીજા નાના ઉદ્યોગકારના એસોસીએશન પણ હરકતમાં આવી ગયા છે અને કોઈને પણ તકલીફ હોય તો તરત જ સહાયતા માટેના નંબર વોટ્સ એપ માં ફરતા કરવામાં આવ્યા છે..
સોશિઅલ મીડિયા ની એક પોઝીટીવ સાઈડ પણ સામે આવી છે…
સવાલ ત્યાં આવે છે કે હજી ગુજરાત પેલી ૧૯૮૫ની “સ્ટેબિંગ” વાળી માનસિકતામાંથી બહાર નથી આવ્યું ?
જે લોકો એ ૧૯૮૫ના તોફાનો જોયા છે અને જેમને યાદ છે એ લોકો સેહજ મગજ કસે તો આ પ્રકરણ ની જોડે ઘણી બધી સામ્યતા જોવા મળશે..
એક અફવા ઉડતી કે રીચી રોડ ઉપર કૈક થયું અને ફાટફાટ ફોન થતા અને અચાનક બજારો ટપોટપ બંધ થઇ જતા અને ઘણીવાર તો રીતસરની નાસભાગ થતી હતી, થોડાક કલાકો પછી ખબર પડતી કે કશું જ ખાસ હતું નહિ..
આજે બે ચાર જગ્યાએ નાના મોટા છમકલા જ થયા છે, પણ પ્રત્યાઘાત જુઓ ,
બસો અને ટ્રેઈન બધું જ ભરાઈ ચુક્યું છે..
અફવાહ અને મિથ્યાભય નું આયુષ્ય લાંબુ નથી હોતું, અને જેટલી ગરજ કારખાનેદાર ને છે એટલી જ ગરજ કારીગરને પણ છે , દિવાળી નું પ્રોડક્શન લેવાનું છે તો દિવાળી નું બોનસ પણ લેવાનું છે, એટલે સરકાર થોડુક કડક હાથે કામ લેશે તો વિશ્વાસ નું વાતાવરણ ઝટ બંધાઈ જશે અને ફરી એકવાર ઘી ના ઠામ માં ઘી ઢળી જશે..
પણ જો શક્ય બને તો આખા કાવતરાના જડ સુધી પોહચવું અત્યંત જરૂરી છે..નાની નાની વાતમાં આખે આખા સમાજને અધ્ધર જીવે જીવતો કરી નાખવાનો અને પછી ડેમેજ કન્ટ્રોલમાં લગભગ આખા ગુજરાતનો સમજદાર વર્ગ જોતરાય એ પરિસ્થિતિ વારે વારે ઉદ્ભવે એ ખોટું છે..
રૂપાણી સરકારની નિષ્ફળતા તો લેખાય જ ..
સરકારનું પોતાનું આઈબી ડીપાર્ટમેન્ટ છે કે નહિ..?
કદાચ પક્ષપાત નું આળ ચડે, પણ એવા આળ ચડે તો ચડે ,આવા આળ ને માથે લઈને પણ જે તત્વો આવા કારસ્તાનને અંજામ આપે છે એને જેર કરવા રહ્યા..
સમસ્ત ગુજરાતને બે પાંચ ગુંડા તત્વો ને હવાલે ના કરી દેવાય..!
થોડાક વર્ષથી ના વિચારેલા તણખા ભડકા થઇ જાય છે અને ગુજરાતના જનજીવનમાં ઉચાટ પેદા થઇ જાય છે..!!
રહી વાત પરપ્રાંતીયોની ગુજરાતમાં યોગદાન ની અને વસવાટની..
તો એક લીટી લખવી રહી..ડાંગે માર્યા પાણી જુદા કરવાની વાત છે ભાઈ..!
કોને પારકા કેહવા અને કોને પોતાના એ જ સમજાતું નથી,
ગુજરાત સરકાર તરફથી બળાત્કારી ઉપર કડક પગલાની અપેક્ષા અને એક ને વાંકે બીજાને રંજાડ કરતા તત્વો ને જેર કરવાની પણ અપેક્ષા ..
વેપારીવર્ગ તો પોતાની રીતે પોતાના માણસો ને બને તેટલા વિશ્વાસમાં લઈને આજે આખો દિવસ પોતાના પ્રયત્નોમાં જ રહ્યો છે, ગુજરાતની ઘણી બધી જીઆઇડીસીમાં મધ્યમ અને નાના ઉદ્યોગોમાં પરપ્રાંતમાંથી આવતા કારીગરો ફેકટરીઓમાં જ રેહતા હોય છે, અને આજે એ દરેક જગ્યાએ શેઠિયાઓ એ કોઈ ને કંઈ પણ તકલીફ નહિ પડે એવી સરકાર વતી બાહેધરી આપી જ દીધી છે..
છતાં પણ આજે પરપ્રાંતીય કારીગરો એ કારખાના ની બહાર ફરવા નીકળવા નું ટાળ્યું છે..
આખા ગુજરાતનો પ્રાઈવેટ સિક્યુરીટીથી લઈને ખાણીપીણીના બીજા ઘણા ધંધા રોજગારમાં પરપ્રાંતીયોનું ઘણું મોટું પ્રભુત્વ રહેલું છે અને અમુક કેસમાં તો ચાર ચાર પેઢીના વસવાટ થઇ ચુક્યા છે ગુજરાતમાં ,હવે એમાં મૂળ વતનમાં એમને કોઈ ઓળખે એમ નથી રહ્યું..
આટ આટલી ખત્તા ખાધી અને લગભગ ૧૨૦૦ વર્ષની પરાધીનતા પછી પણ એક ના દોષની સામે આખા સમાજને દોષિત જોવાનું વૃત્તિ ક્યારે છોડી શકીશું ..?
શુભ રાત્રી
શૈશવ વોરા