તીર્થસ્થાનો ..
કાળજડાં બળી જાય એવી કાળઝાળ આજે તો નગરી અમદાવાદ ઉપર ત્રાટકી છે..!
બપોર પછી વોટ્સ એપ ઉપર તાપમાનના સ્ક્રીન શોટ ફરતા થઇ ગયા હતા અને હજી અત્યારે પણ થંડક જરાય વર્તાઈ નથી રહી , રાતના સાડા અગિયારે પણ આડત્રીસ ડીગ્રી દેખાડી રહ્યું છે , ચારેબાજુ એસી ધણધણી રહ્યા છે..!!
ભોંભાખળું થાય ત્યારે કદાચ ત્રીસેક ડીગ્રી થાય તો થાય..!!
આ બધાની વચ્ચે ચારધામ યાત્રામાં જનતા જનાર્દન તૂટી પડી છે, ગઈકાલે જે દ્રશ્યો જોયા એ ઉપરથી લાગ્યું કે ન કરે બદ્રી નારાયણને વા વાયો નળિયું ખસ્યું … એવું કૈક થયું તો..??!!
નાં જોયેલા દિવસો આવે , જો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને જાગી ગઈ છે એટલે થોડીક અપેક્ષા અને આશા બંને રાખી શકાય કે બધું સમુંસુતરું પાર પડશે..!!
પણ અહિયાં વિચાર એક આવે કે આટલી બધી ભીડ ભીડ ના ભડાકા કેમ ?
પેહલું કારણ જોઉં તો બે વર્ષ પછી ખુલ્યું , બીજું કારણ વધારે પડતું પ્રમોશન , ત્રીજું સરળતાથી પોહચી શકાય .ચોથું કારણ ટુરીઝમ નું ટુરીઝમ અને જાત્રાની જાતરા ,પાંચમું કારણ મંદિરોની બાંધણી જૂની ને જૂની ,અને વસ્તી વધારો બેફામ ,છઠ્ઠું કારણ અતિ ધાર્મિકતા …
એક પછી એક ઘણા કારણો નીકળતા જ જાય છે જેમ જેમ વિચારીએ તેમ ..!
પશુપતિનાથથી લઈને રામેશ્વરમ્ અને દ્વારિકાથી લઈને કામાખ્યા સુધીના તમામ મંદિરો લગભગ એક સદી બે સદી કે પછી ઘણા બધા સૈકાઓ પેહલા બનેલા છે, આઝાદી પછી ગણીએ તો લગભગ ભારતની વસ્તી ત્રીસેક કરોડની આજુબાજુ હતી અને જો જુના ગ્રંથોના આધાર લઈએ તો સમસ્ત ભારત વર્ષની વસ્તીનો અડસટ્ટો મુકવો હોય તો પણ એ જ ત્રીસેક કરોડનો આવે અને એ ત્રીસ કરોડની વચ્ચે જોઈએ તેટલા તીર્થ સ્થાનો હતા ,પરંતુ એ તીર્થ સ્થાનો સુધી પોહચવાના સાધનો બહુ નોહતા ..!
હાથી, ઘોડા,બળદ ,ઊંટગાડી કે ગાડા હતા અમદાવાદથી અંબાજી જવું હોય તો પણ સેહજે અઠવાડિયું કાઢે અને નાથદ્વારા જતા દસ દિવસ અને આજે ?
ત્રણ કલાક અને નાથદ્વારા પાંચ કલાક ..!!
ઓછી વસ્તી અને પોહચવાના ઓછા સાધનો એ સમયે એટલે મંદિરોની કેપેસીટી પણ એ જ રીતની નક્કી કરીને બનાવાયા હતા પણ હવે ?
તો કહે વસ્તી ફાટ ફાટ અને “ફાટી હાલેલી” ..!!
હેંડો લ્યા અંબાજી ,હેંડો લ્યા બેચરાજી .. એ જે`શી ક્રષ્ણ અમે શ્રીનાથજી જાઈએ છીએ તમારે અવાવું હોય તો હાલો બેસી જાવ .. સોમનાથ જવું છે લ્યા ..તો પછી ગીર અને દીવ બધું ફરીને આવીશું ..!!
દ્વારકા જઈએ છીએ ..એમ ? પેલો શિવરાજપુર ના બીચ ઉપર ખાસ જજો હો ..!!
એક ધાર્મિક જગ્યાની જોડે બીજી ટુરીઝમની જગ્યા જોડાયેલી જ હોય છે , પેહલા ધરમ અને પછી “કરમ”..!!
જુના જમાનામાં જાત્રા આખા જીવનમાં એક વાર કે બે વાર થતી પણ હવે ?
મારા જેવાને પૂછો કે સોમનાથ કેટલીવાર ગયો ? ખરેખર યાદ નથી દસ ,બાર , પંદર ,વીસ ..
ખરેખર યાદ નથી ..!
નાથદ્વારા અને અંબાજી ? તો કહે વર્ષમાં ગમ્મે ત્યારે અને ગમ્મે તેટલી વાર ..!!
તો પછી પરિણામ શું આવે ?
ભીડ કે બીજું કઈ ?
આપણા જ વાંક છે .. જીવનમાં એક કે બે વાર ને બદલે જાત્રા અનેકો અનેક વાર કરવા નીકળી પડીએ છીએ ..!
એક મિત્ર કેદારનાથ દર વર્ષે જાય .. અમદાવાદથી દિલ્લી સવારની ફ્લાઈટ પાંચ કલાકમાં હેલીપેડ અને રાત્રે અથવા વેહલી સવારે હેલિકોપ્ટરમાં કેદારનાથ અને પાછા એ જ દિવસે , વધી વધી ને ત્રણ દિવસમાં કેદારનાથના દર્શન કરીને અમદાવાદ પાછા ..!
એ જ રીતે ઉજ્જૈન , ઓમકાર .. અરે ત્રણ દિવસમાં તિરુપતિથી પણ પાછા ..!!
પરિણામ ?
એ જ ભીડ અને ભીડમાં વધારો ..!
ગઈકાલના ચારધામ ના દ્રશ્યો જોયા પછી મને મારી જાત માટે પણ વિચાર આવ્યો કે તું પણ શું કરે શૈશવ ?
એક ના એક સ્થાન ઉપર વારંવાર જાય છે ..
પણ એના કરતા જુદી જુદી જગ્યાએ જઈએ તો ? અને બને તો ઓફ સીઝન જઈએ તો ?
મારા ઘણા મિત્રો શ્રાવણમાં જ જ્યોતિર્લિંગના દર્શને જાય પણ હું ભાદરવો સિલેક્ટ કરું ..!
મારે મહાશિવરાત્રીને દિવસે વર્ષોથી અમદાવાદમાં પણ લોકલ શિવમંદિરમાં દર્શન કરવા નહિ જ જવાનું, રાત્રે બાર વાગ્યા પછી જ જવાનું , મોટાભાગના શિવાલયોમાં અષ્ટ પ્રહર પૂજા ચાલતી જ હોય અને રાતના બાર પછી હું ને મારો મહાદેવ બંને એકલા, થોડાક બે ચાર લોકો અને ત્રીજા પોહરની પૂજા કરતા લોકો હોય ,પણ એ લોકો મને નડે નહિ અને હું એમને નડું નહિ ..અને આપણો દિવસ તો સૂર્યોદયથી સૂર્યોદય ..!
શાંતિ એકદમ .. જે વાત કરવી હોય એ વાત પણ થાય મહાદેવજી જોડે , ત્યારે શું વળી ..!!
લગભગ આખા ભારતના દેવાલયો હવે મોટા ગભારા ( ગર્ભગૃહ ) માંગે છે , દરેક દેવસ્થાને એકત્ર થતી ભીડ જોઇને એવું લાગે છે કે એક એક દેવસ્થાનમાં એક સાથે મીનીમમ બે ત્રણ હજાર લોકો દર્શન કરી શકે , સીસી ટીવીથી બાહરના પ્રાંગણમાં અને સોશિઅલ મીડિયાથી લાઈવ દર્શન થઇ શકે એવી વ્યવસ્થા ગોઠવવી ફરજીયાત કરાવવી જોઈએ ..!
ભારત આજે ભીડ બની ગયું છે અને દેવાલયો એનો અરીસો..!!
અને જનતાએ પણ હવે સમજવાની જરૂર છે કે રોજ રોજ મોટા તીર્થસ્થાનો એ નાં “હેંડી નીકળાય”, બીજા ને પણ લાભ આપવો રહ્યો ..!!
કેટલાય લોકો મારા જેવા છે કે જેને યાદ નથી કે સોમનાથ ,અંબાજી કે નાથદ્વારા કેટલીવાર ગયા છે, એવી જ રીતે કેટલાય એવા છે કે જેમને ખબર નથી કે કેદારનાથ કેટલીવાર ગયા છે ..!!
એકવાર ,બે વાર, પાંચ વાર પણ પછી બીજા નો વારો આવવા દો દેવદર્શનનો માલિક….!!
રખડી ખાવા બીજી અનેક જગાઓ છે..!!!
ધાર્મિક સ્થાનોએ જઈને ભીડમાં વધારો ના કરો..!!
વિચારજો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)