ગઈકાલ રાતથી આજ બપોર સુધીમાં બે હણહણતા તેજીને તોખાર એવા જુવાનીયાઓ ને મળ્યો છું, એક ની જોડે રાતના અઢી વગાડ્યા હતા અને બીજા ની જોડે સવારથી લઈને બપોર ના દોઢ ..!!
બંને છોકરાઓ સાથે મારે ઘનિષ્ઠ કહી શકાય એવી મિત્રતા છે, પણ ઉંમરના તફાવતને લીધે ક્યારેક હું એમને ફાધરલી એડવાઇઝ આપી દેતો હોઉં છું ,અને ઘણીવાર એ લોકો પણ મને એક બાળકની જેમ સવાલ પૂછી લેતા હોય છે..!
બંને જણાએ પોતાની ઉંમરથી બહુ જ આગળ જઈને ઘણું બધું `સર્જન` કર્યું છે..!
અનહદ મેહનત કરી છે, નથી રાત જોઈ કે નથી દિવસ ..!!
એક છે લગભગ છવ્વીસ વર્ષનો પણ એનું મેચ્યોરીટી લેવલ છેન્તાલીસ કરતા વધારે..
અમે ગઈકાલની ઠંડી ઠંડી અગિયાર ડીગ્રીની રાતમાં લગભગ સાડા અગિયારે ભેગા થયા , એણે શૈશવને ઘરે થી ઉઠાવ્યો અને પછી ગાડીનું પેટ્રોલ બળતું ગયું ,અમદાવાદ ની ઠંડી રાતના સન્નાટામાં ગાડી એક પછી એક રોડ બદલતી ગઈ, અને વાતો ચાલતી ગઈ,
શૈશવભાઈ અહિયાંથી ઉપાડીને ત્યાં બે કરોડ નાખ્યા, અને પાંચ કરોડ ,સાત કરોડ…આ સ્કીમ આપડી જુવો અને અત્યારે ચાર સ્કીમ વસ્ત્રાલમાં ચાલે છે , જરા પણ નાની વાત નહિ , અને હા બધ્ધી જ વાત સંપૂર્ણ સત્ય ..!!
બધી રૂપિયાની વાર્તા પૂરી થઇ એટલે મેં પૂછ્યું તારે મને કૈ`ક પૂછવું હતું ને બાબા..?
એક જ સવાલ આવ્યો આટલું બધું છે ,બધું કર્યું પણ દુઃખ મનનો પીછો છોડતું નથી..સેડનેસ ફિલ થયા કરે છે..
મેં પૂછ્યું કયું દુઃખ ..?
તો એને દુઃખનું નામ ખબર નથી ..
એ છોકરાની વાત ઉપરથી મને એટલી સમજ તો આવી ગઈ હતી કે રૂપિયાની આઘીપાછીને તો રમતા રમતા મનમાંથી ફેંકે એમ છે..!! દુઃખ કૈક બીજું છે, ફેમીલીની વાતો કરી ..
એના નજીકના એક કાકા જે જુવાનીમાં જ અચાનક હાર્ટએટેકમાં ગુજરી ગયા હતા અને એ ખટકો એના મનમાંથી જતો નોહ્તો..!!
એ ગુજરી ગયેલા કાકાએ પણ આ મારા હીરોની જેમ અઢળક રૂપિયાના `ખેલા` કર્યા હતા અને આ હીરો ને કાકા `ખેલા` વારસામાં આપતા ગયા હતા ..!!
સમસ્યાનું `જડ` મારા હાથમાં આવ્યું મુત્યુ..!!
મૃત્યુ ભુલાતું નથી..!!
બીજો છોકરો લગભગ બત્રીસનો, સવાર સવારમાં મારા કારખાને આવ્યો..ખુબ કામ્યો છે, કારખાના એક પછી એક કરતો જાય છે..!!
મને એક સવાલ પૂછ્યો ..શૈશવભાઈ ક્યારેક તો મારે આ બધું છોડીને `મરી` જવું પડશે નહિ ..? મારે કેમ મરવાનું ? મારે કેમ છોડવાનું આ બધું ..? ક્યારેક તો મારે મરી જવું પડશે ને ..?
બંને છોકરાની એક જ સમસ્યા..મૃત્યુ..!! જે એમનાથી કોસો દુર છે ..!!
રાતવાળા ને તો પછી ધીમે ધીમે ઈમોશનલ કરી અને રડાવ્યો..એણે રડવાનું ચાલુ કર્યું એટલે ગાડી સાઈડ ઉપર ઉભી કરાવી, અને એકદમ સહજતાથી મારાથી એના માથામાં હાથ ફેરવાઈ ગયો ..!!
હું એના માથે હાથ ફેરવતો રહ્યો અને એ એના કાકાને યાદ કરીને રડતો રહ્યો..!!
કાકા આમ જ મારા માથે હાથ ફેરવતા હતા..!!
ઘણીવાર જીવનમાં તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જાવ છો કે જેની તમે કલ્પના પણ ના કરી હોય , આ બધા જુવાન છોકરાઓ જોડે ની દોસ્તી ફક્ત અને ફક્ત આનંદ પ્રમાદ માટે જ હું કરતો હોઉં છું પણ ક્યારેક અજાણતા એમની સાથે અંતરની ગાંઠ બંધાઈ જાય છે, અને ઉંમર ના મોટા તફાવત ને લીધે એ લોકો તમારી પાસે એમના મનના સવાલોના જવાબની અપેક્ષા રાખે છે ,અને એવા સમયે હું બરાબર ફસાઈ જાઉં છું ..
બંને છોકરા સખ્ખત ક્રિયેટીવ છે નવું નવું શોધતા જ રહે છે અને એમને એમના જીવનના રસ્તા બિલકુલ ક્લીયર છે,પણ એક ને સ્વજન નું મૃત્યુ અને બીજાને પોતાનું મૃત્યુ સતાવી રહ્યું છે..!!
હું બરાબરનો સલવાયો..!!
આજે હું વટવાવાળા કારખાને આવ્યો છું ,એટલે ત્યાં બહાર બજરંગબલી ની જોડે બેઠો અને એણે રસ્તો બતાડ્યો..!!
બંને છોકરા એમ જ માને છે કે એમણે જે કઈ કર્યું છે એ એમણે `પોતે` કર્યું છે ,એમના `સર્જનો` એમના છે, એક ના કારખાના અને બીજા ની ફ્લેટોની સાઈટો …!!
બસ અહિયાં જ વાંધો છે..!!!
ઈશ્વરમાં માને છે પણ એને ઓળખતા નથી, કૃતજ્ઞતા જેવો શબ્દ એમની ડીક્ષનેરીમાં નથી , તારું તને અર્પણ એવી વાત નથી..!!
સર્જન મારું છે, પણ તારા થકી છે , બુદ્ધિ મારી છે પણ એ બુધ્ધિ આપનારો તું છે ,રસ્તે ચાલુ છું હું પણ રસ્તો સુઝાડાનાર તું છે એવી કોઈ ભાવના નથી અને એટલે મૃત્યુ નો ડર છે ..!!
કાકા અચાનક જતા રહ્યા એમ મારે પણ ?
તો આ બધું કોના માટે ?
મેં જે કમાયું એ મેં ભોગવ્યું , પણ પછી શું ?
પચાસ વર્ષનો થઈશ ત્યાં સુધીમાં તો અઢળક સંપત્તિ નું સર્જન કરીશ પણ બધું છોડી દેવાનું ..?
એવી કોઈ ભાવના જ નથી મનમાં કે તું ઈચ્છીશ તો જ હું કમાઈ શકીશ ,તું ઈચ્છીશ તો જ ભોગવી શકીશ અને કોઈ ને તું ઈચ્છીશ તો જ વારસામાં આપી શકીશ બાકી તો તારો હુકમ નહિ હોય તો રાંધ્યા ધાન પણ રઝળે..!!
ઈશ્વરનું અસ્તિત્વ તો ક્યાંય પુરવાર નથી થતું અને આસ્થાળુ ને ઈશ્વર વિનાની દુનિયા દેખાતી નથી, આપણા જેવા મધ્યમ માર્ગી વાર તેહવારે ઈશ્વર ને યાદ કરી લ્યે છે..!
પણ એક વાત ચોક્કસ છે કે શ્રધ્ધા રાખીએ, અને પોતાની સાથે ઘટી રહેલી તમામ સારી ઘટના નો યશ જો ઈશ્વર આપી દઈએ છીએ તો જયારે દુઃખ આવે ને ત્યારે એ દુઃખની તીવ્રતા ઘણી ઓછી લાગે છે..!
પોતે મેળવેલી સફળતાનો યશ જો ઈશ્વરને આપી દેવાય તો એક વસ્તુ બદલામાં ચોક્કસ મળે છે અને એ છે `નમ્રતા` , અને નમ્રતાની સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ આવે જ છે..નજીકના લોકોનો પ્રેમ, દુરના લોકો નું રીસ્પેક્ટ અને આગળ વધવાની એક ચોક્કસ દિશા..
નાની ઉંમરની સફળતા જબરજસ્ત આત્મવિશ્વાસ આપે છે, અને એ સફળતાના નશામાં ઉપરવાળાની આ બધી માયા છે, એ વાત ને ભૂલી જવાય છે અને પછી દુનિયા ના અંતિમ અને પરમ સત્યની નજીક જઈને કયારેક ઉભા રહી જવાય છે ..
બુદ્ધ બનવું એ દરેકના બસની વાત નથી,ખાવાપીવાના છોડી દેવાથી કે કપડા કાઢી નાખવાથી પણ બુદ્ધ નથી થવાતું..!!
અંતરના કમાડ ખોલવા પડે..
અને એ કમાડ પણ એની આજ્ઞા થાય ત્યારે જ ખુલે,
આજે તો બંને આ શ્લોક મોકલી આપ્યો છે ..
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मै न काराय नमः शिवायः॥
આસ્થા પણ એક રાતમાં થોડી જન્મશે..?
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા