ધૂળેટીની બપોર ક્યાં કાઢવી ..? યક્ષ પ્રશ્ન થઇ જાય છે, સવાર સવારમાં તો ફેક્ટરી પર આંટો મારી અને આજુબાજુના ચોકીદારોને ભેગા કરીને એમની જોડે ચા પીધી,ઘેર આવી જમી પરવારીને પછી “જોલી એલએલબી” જોયુ, પણ હજી સાંજ બાકી એટલે થયું લાવ નોલેજ પાવરની ટીમ (મારો બ્લોગ સાચવતી આઈટી ની ટીમ) જોડે સમય પસાર કરું, કેમકે એ બધા છોકરા મારા સિવાયના બીજા પચાસ પચાસ બ્લોગ્સ સાચવે છે, અને એ બધા બ્લોગ ઇન્ટરનેશનલ છે એટલે એમને કોઈને ધૂળેટીની રજા ના મળે..!
આપડે ફોન કર્યો અને પછી નીકળ્યા, મોટી ગાડીઓ ઘેર મૂકીને પાપાની નેનો પકડી, શ્યામલ ચાર રસ્તે પોહ્ચ્યો,ત્યાં ડાબી બાજુ ખૂણામાં લપાઈને બે નાના નાના પોલીસવાળા “ઠુલ્લા” અને એક મોટા હવાલદાર ઉભા હતા (તોડપાણી), મારી નેનો હાર્ડલી ત્રીસેકની સ્પીડમાં હશે, અને એક નાનો પોલીસવાળો અચાનક વચ્ચે આવીને ઉભો રહ્યો, આવું પેહલા પણ મારી સાથે થઇ ચુક્યું છે, આ બીજીવારનું છે..
રીતસરનું “ફરજ” બજાવવા માટે પોતાની જાતનું “બલિદાન” આપવા એ મારી નેનોની સામે અચાનક આવી ઉભો રહી ગયો,મારે સારી એવી જોરથી બ્રેક મારવી પડી એ “ઠુલ્લાશ્રી” ને બચાવવા માટે, મારો સીટ બેલ્ટ બાંધેલો હતો..
મેં કાચ ખોલ્યો, મને કહે લાયસન્સ અને આપડી ખોપરી છટકી..સાવ ખેંપટ પાતળો નાનો એવો એકવીસ વર્ષનો માંડ અને હું એની સામે સાંઢ જેવો ગાડીમાંથી ઉતરીને સીધી ત્રાડ પાડી મરી જવું છે તારે? તો બીજાની ગાડી નીચે જઈને મર,મને શું કામ લેતો પડે છે? બુમ સાંભળીને એના હવાલદાર દોડતા આવ્યા મને શુરાતન ચડ્યું સીધા જ હવાલદારને એટેક કર્યો મેં, તમે તો ઉમરવાળા છો સો રૂપરડી માટે આ કોઈના છોકરા ને આવા સ્પીડમાં આવતા વેહિકલની સામે ધકેલો છો ? તમને લાજ શરમ જેવું કઈ છે કે નહિ ?હવાલદાર ઝંખાવાણો પડી ગયો..એટલે મેં આગળ ચલાવ્યું તમારા છોકરા હોય તો આમ કોઈની ગાડીઓ નીચે કચરાવા મોકલો ? અને કયો ગુન્હો કર્યો છે મેં ?કે આમ કોઈના છોકરા ને કારણ વિના “શહીદ” થવા મોકલો છો ?
જવાબ નહિ એટલે શિવાજી એ ઓર રંગ પકડ્યો..તમારે ઘેર છોકરા છે કે વાંઝીયા મુઆ છો ? હવાલદાર સાવ ઢીલા સાહેબ ને જવા દો.. અરે શું જવા દો અહિયા નહી તો ઉપર તો જવાબ આપવો પડશે ને ? અમરપટ્ટા લઈને આવ્યા છો ? હવાલાદર બોલ્યા સાહેબ જવા દો ..મારી ગાડીની વચ્ચે “શહીદ” થવા આવેલાને મેં બોલાવ્યો ? અલ્યા અધ્ધરથી સીધો આવ્યો છે ..?કે તારી માં એ તને જણ્યો અને મોટો કર્યો છે ? ભાન છે આમ ગાડીઓ પકડવા વચ્ચે પડીશ અને ઉકલી ગયો તો ?
ભયાનક ગુસ્સો આવ્યો હતો મને ઈચ્છા થઇ ગઈ હતી કે સાલા ખેંપટને એક જ ખેંચી ને આપું તો શ્યામલથી સીધો શિવરંજની પડે..અને આજુબાજુ ઉભેલા બીજા ચારને પણ ભાન પડે કે આમ વચ્ચે આવી આવીને ચાલુ ગાડીઓ ના પકડાય અમદાવાદ છે આ, શ્રીનગર નહિ કે ચાલુ ગાડીઓની વચ્ચે પાડીને આતંકવાદીઓ પકડવાના હોય..! છેવટે ગાડીમાંથી પીએસઆઈ આવ્યા અને બધાને ધમકાવ્યા અને આપણે મહાકાય ભીમ શાંત થયા..
ગાડીમાં બેઠા પછી તરત જ વિચાર આવ્યો કે આટલો ગુસ્સો અને ઝાપટ મારવાની ઈચ્છા કેમ થઇ? આમ તો આખા જીમના છોકરાઓને તું સલાહ ઠોકતો હોય છે આપણે ક્યારેય કોઈને ભૂલથી પણ મારવાના નહિ, સામાન્ય માણસ કરતા આપણા હાથ ભારે હોય અને જો પેલા સીધ્ધુએ ઝાપટ મારી હતી અને એક મરી ગયો હતો એમ કોઈ ભૂલમાં મરી ગયો તો પછી તમને કોઈ નહિ બચાવે..
ઈનફેક્ટ એવું થતા થતા પણ રહી ગયું છે ,અમારા જીમના ચાર છોકરા રાતના બારેક વાગે વસ્ત્રાપુર તળાવે ગાડીમાં પસાર અને અચાનક વચ્ચે એક શટલિયાવાળા એ ઘૂસ મારી અને બંને અડી ગયા .. એક પેહલાવાને શટલિયાના ડ્રાઈવરને બહાર ખેંચી કાઢી અને એક સટાકો બોલાવ્યો અને પેલો ડ્રાઈવર જમીન પર પડ્યો પડ્યો તરફડીયા મારવા લાગ્યો અને પછી તો જે ફાટી.. ચારે ના મોબાઈલ ચાલુ અને દસ મિનીટમાં ટોળુ ભેગું કરી દીધું, ચારેબાજુ રખડતી અમદાવાદના જીમના પેહલાવાનો અને શટલિયાના ડ્રાઈવરની જાતીના જાતબંધુઓ ..
સમરાંગણ જેવી પરિસ્થિતિ, પણ વીસેક પેહલાવાનોને જોઈને સામેવાળુ બધું ચુપચાપ જતું રહ્યું અને વાંક શટલિયાનો હતો..
અને પછી સીનીયર મોસ્ટ સિટીઝન હોવાને લીધે વારો આપડો આવ્યો અદાલત બેઠી આપડી અને કેસ ચાલુ થયું.
ભાઈ આણે તો પેલાને ઝાપટ મારી અને દસ ફૂટ દુર જઈને પડ્યો અને ઉભો જ નથી શકે, અને અચાનક પેલો માટીમાં પડ્યો પડ્યો તરફડીયા મારવા માંડ્યો..મેં ઝાપટ રસીદ કરનારાની સામેં જોયું, અને જવાબ કશું પૂછ્યા વિના આવ્યો ભાઈ ભાઈ ગલતી હો ગઈં ભાઈ ફિર સે નહિ હોગા.. મેં એને ડરાવ્યો હવે એને મગજની નસ ફાટી ગઈ હશે એની અને રાતે એના ઘેર મરી ગયો તો તું તો ગયો ને સાબરમતી .. પરસેવો પડી ગયો એને, નહિ ભાઈ બચાલો .. પછી થોડો ડરાવ્યો અને જજ સાહેબે બધાને ભાષણ આપ્યું..પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સીબીલીટી,જંગલીઓ તમે માણસમાં નથી રાક્ષસ છો બધા ખાલી કોઈની ઉપર બેસી જશો તો બધા પાંસળા તોડી નાખશો, આટલી તાકાત ભેગી કરી છે તો કોમ્પિટિશન સિવાય ક્યાય વાપરવાની નહિ અને ઝઘડો થાય ત્યારે તો બિલકુલ નહિ .અને એમાં પણ દારુ પી ને તો ઊંઘી જ જવાનું ..બીજી કોઈ જ મસ્તી નહિ ..
રાતના બે વગાડ્યા હતા એક પછી એક કિસ્સા આવતા જતા હતા..!
પણ એક વિચાર તો ચોક્કસ આવે છે કે દરેક ચાર રસ્તે જે રીતે લોકોની પીયુસી , લાયસન્સ ,હેલ્મેટ વગેરે વગેરે કારણોને લીધે જે પોલીસની હેરાનગતિ થઇ રહી છે અને એમાં બાકી હતું તો પેલા કેમેરા મુક્યા છે ઘેર મેમો આવે છે, મારી દસ દસ વર્ષ પેહલા વેચી મારેલી ગાડીના મેમો મારા ઘરે આવે છે , આરટીઓ માં તપાસ કરી તો કહે તમારા પછી બીજા ત્રણ નામે થઇ ચુકી છે આ કેમેરાવાળા પાસે જુના ડેટા છે..
કૈક વધારે પડતું નથી લાગતું આ ટ્રાફિકના સિગ્નલના કેમેરા?
નરેન્દ્ર મોદી ગમે તેટલા ઈલેક્શન જીતે અને ફાંકા મારે કે ભ્રષ્ટાચાર ઉપર લગામ આવી ગઈ છે પણ સામાન્ય માણસને તો ત્યારે જ માનવામાં આવે કે ચાર રસ્તે ઉભેલો “ઠોલો” (પોલીસને જો માન સન્માનવાળું નામ જોઈતું હોય તો કામ પણ એવા કરવા પડે, ફક્ત અને ફક્ત “તોડપાણી” કરી અને પ્રજાને કનડવાની વૃત્તિ એમનામાં જ્યાં સુધી રેહશે ત્યાં સુધી “ઠોલો” જ નામ મળશે) એની પાસેથી દંડ લઈને અસલી રીસીપ્ટ આપે, અને એ રીસીપ્ટના રૂપિયા તિજોરી ખાતામાં ગયા કે નહિ એ નેટ પર ચેક કરી શકે . કેમકે નકલી રસીદ બુકો પણ આ દેશનું ભ્રષ્ટ તંત્ર છાપી શકે છે..
અટકાવો આ બધા “તોડપાણી”
પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સીબીલીટી
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા