કોરોના બાકાયદા હિન્દુસ્તાનમાં ઇટલીના રસ્તે પ્રવેશ કરી ચુક્યો છે ,
એમના વાંકે ઉદૈપુરની ટ્રાયડન્ટ ને સીલ કરી છે , મારા ઓળખ્યા
વિયેના થી ભારતમાં આવ્યા છે , ઇટલી થી આવવા ના
દીધા તો..!
આપણને બહુ ગમતી હોટેલોમાંની એક ઉદૈપુરની ટ્રાયડન્ટ એટલે ,મજા નો સ્ટાફ અને સરસ મજાનું લોકેશન ,ગાર્ડન પણ વેલ મેન્ટેન..
એક હ્રદય ને ગમે તેવો ટ્રાયડન્ટ ઉદયપુર નો અનુભવ કહું..
અમે બે મિત્રોના પરિવાર ગયા હતા ,અને મારી જોડે મમ્મી પાપા પણ હતા , પાપા ને સ્ટ્રોક તાજો તાજો હતો એટલે બહુ ચાલી નોહતા શકતા ,પેહલેથી જ ફોન કરી ને વ્હીલચેર કહી દીધેલી , અમે પોહ્ચ્યા ત્યારે વ્હીલ ચેર હાજર હતી અને જોડે એક માણસ પણ..
બપોર પડી એટલે છોકરાઓ કહે ચાલો બાહર ઉદયપુરમાં ભટકવા
,
બા દાદા કહે અમારે અહિયાં હોટેલમાં જ રેહવું છે, અમે બધું પચ્ચીસ વખત જોયું છે, અમને આરામ કરવા દો..
હું ગયો રિસેપ્શન ઉપર , શેફ ને બોલાવ્યા ,અને શેફ ને કીધું કે બા દાદા માટે ત્રણ રોટી એકદમ ઘઉં ની અને આલું જીરા ની સબ્જી રૂમ ઉપર પોહચાડી દેજો લગભગ દોઢ વાગે..
શેફનું વર્તન એકદમ સાલસ હતું , મેં જરાક ભાર દઈને કીધું કે દોઢ વાગ્યાથી મોડું ના કરતા , બંને ને એમની દવાઓના પણ સમય છે એ..
શેફ એ કીધું સર તમે બિલકુલ નિરાંતે જાવ અમ્મા બાબુજી અમારી જવાબદારી..!
સાંજે પાછો આવ્યો એ ભેગા મમ્મી પ્રેક્ટિકલી મારી ઉપર તાડૂક્યા ..તને કઈ ભાનબાન છે આટલું ઢગલો એક હેતંક
નું ખાવાનું ઓર્ડર કરી ને જાય છે ,તને ખબર નથી કે અમે કેટલું ખાઈએ છીએ ? અને પાછો માણસ માથે કેમ ઉભો રાખ્યો હતો ? નાના કીકલા છીએ અમે ? પરાણે પરાણે અમને જમાડ્યા ,તને ખબર પડે છે અમારાથી હવે ઓવર ઇટીંગ ના થાય ?
આટલો ગુસ્સો કર્યા પછી મમ્મી શાંત પડ્યા અને પછી બોલ્યા.. પણ સ્ટાફ બહુ માયાળુ છે ,એકદમ મેનર્સવાળો પણ ખરો , ત્રણ વાગ્યે અમને બંને ને ગાર્ડનમાં લઇ ગયા ,તારા પપ્પા ની વ્હીલચેર જોડે સતત એક માણસ રહ્યો અને બીજો વધારાનો એક જણ પણ એક જોડે જોડે ફરતો હતો, આખ્ખી આવડી મોટી હોટેલ ફેરવ્યા ને છેક પીછોલા લેક સુધી લઇ ગયા , પાછા સાંજે પાંચ વાગ્યે પેલ્લું લેક ઉપર ઝાડ નથી ત્યાં અમારા માટે બન્ને માટે સરસ મજાનું ટેબલ સજાવી ને તૈયાર કર્યું હતું ને કોફી અને નાસ્તો તૈયાર હતા.. આ બધું પેકેજમાં આવે છે ને..?
મેં પૂછ્યું જમવામાં શું મોકલ્યું હતું ? મેં તો ત્રણ રોટી અને આલું જીરા જ કીધા હતા..
મમ્મી એકદમ ટેન્શનમાં…લે આ તો જોડે પનીર નું શાક ,ગાજર નો હલવો , ગુલાબજાંબુ , પાપડ ,સલાડ ,અથાણાં , કૈક પેલું વોનટોન જેવા સમોસા ,ખમણ અને બીજું કેટલુય લાવ્યો હતો..ત્યાં લેક ને કાંઠે પણ સેન્ડવીચ, કુકીઝ હતા અને અમારી કોફી હતી, બે માણસો તો અમારી જોડેથી ખસ્યા જ નથી , અમે રૂમ પર આવ્યા તો પણ એ લોકો બહાર જ ઉભા રેહતા હતા..મેં કેટલું કહ્યું કે હું જરૂર હશે તો ફોન કરીશ તો પણ બાહર ઉભા રહ્યા..
મારી અંદરનો વાણીયો જાગ્યો ..પેટમાં તેલ રેડાયું.. આ પાંચ સિતારાનું બીલ તોડી નાખે એવું આવશે આ લંચ નું અને કોફી નું તો ,પણ મમ્મી પપ્પા ને ખબરના પડે એટલે મોઢા ઉપર કળાવા ના દીધું મેં કીધું ..તમને બંને ને મોજ પડી ને ? અમને પણ રખડવાની મજા આવી ..
પપ્પા બોલ્યા ..લે આવી ફાઈવ સ્ટારમાં સરસ સેવન સ્ટાર ટ્રીટમેન્ટ મળે તો મોજ જ આવે ને..!!
મેં મનમાં કીધું …મુઆ રૂપિયા , માંબાપ તો ઠર્યા ..!!
હું ગયો સિધ્ધો દોડ્યો રિસેપ્શન ઉપર,
મેં કીધું શેફ ને બોલાવો, પેલા સવારવાળા શેફ આવ્યા અને સીધા હાથ જોડી ને ઉભા રહી ગયા ને બોલ્યા …સેવા મેં કોઈ કમી તો નહિ સર..?
એમની આંખમાં એક અલગ ભાવ હતો એટલે ..મેં કીધું ના જરા ભી નહિ, લેકિન ઓર્ડર તો મૈને બહોત કમ દિયા થા ઇતના સારા કયું ?
શેફ હાથ જોડી ને બોલ્યા ..સર આપ અબ તીન દિન અમ્મા બાબુજીકી ફિકર છોડ દો વો હમારે મેહમાન હૈ ,મેરે માંબાપ ઉડીસા મેં હૈ , છ મહીને સે મૈને દેખા ભી નહિ હૈ ,બસ ઇનકી સેવા કર ને દીજિયે , ઔર સર મેરી નહિ , હમ સબ સ્ટાફ કી યહી ખ્વાહીશ હૈ ..
પછી છેલ્લે મારી અંદરના વાણીયા ને બહુ જ ગમે એવું વચન આવ્યું .. સર અમ્મા બાબુજી કા કોઈ બીલ હમ આપકો નહિ દેંગે હોટેલ ને યે ફેંસલા કિયા હૈ ઇટ્સ ફ્રોમ અસ..આપ બસ ઇન કી ચોઈસ બતા દેંગે તો ક્રિપા રહેગી..
મેં હસી ને કીધું….લેકિન શેફ આપ ઉન દોનો કા ડાયાબિટીસ બઢા દેંગે .. શેફ બોલ્યા સર સબ મીઠાઈ ઉનકી સ્યુગર ફ્રી મેં હી બની થી .. હુકુમ ડીનર મેં ક્યા ભેજું ?
મેં કીધું ..નહિ વો લોગ ડાયનીગ એરિયા મેં આયેંગે ઔર વહી હમારે સાથ બુફે મેં લેંગે..!!
શેફ બોલ્યા ..બસ સર કુછ ભી હો ઝરૂર બતાના..!!
પછીના બે દિવસ પણ એ લોકો એ બા દાદા ને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી સવાર સાંજ પીછોલા ને કાંઠે વ્હીલચેર સાથે દોઢ બે કિલોમીટરનો રાઉન્ડ , પપ્પા ને ઉભા કરી ને બસ્સો ત્રણસો મીટર ચલાવવાના અને બીજું ઘણું પ્લસ પ્લસ..!!
પાંચ સિતારા હોટેલોની આ મઝા છે , મોટેભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે ટીપ ને તરસતો હોય છે સ્ટાફ , ના પણ સાવ છેક એવું નથી હોતું, અંદર “માણસ” દરેકમાં જીવતો હોય છે , પ્રેમ ને પણ તરસતો હોય છે, ઘરબાર છોડી ને નોકરી કરતા માણસો અંતે તો ઘરબાર માટે જ નોકરી કરતા હોય છે..!
એમને પણ ખબર છે ઈંટ માટી અને પત્થરથી ઘર નથી બનતા પ્રેમથી બને છે ,અને એ પ્રેમ જરાક દેખાય ને ત્યાં મરી પડે છે..!!
છોકરાઓની પરીક્ષા પૂરી થતી જાય છે બાહરગામ જવાની તીવ્ર ઈચ્છા થાય છે, કોરોના ને લીધે અમુક પેકેજીસ પણ એવા લલચાવે એવા આવી રહ્યા છે , સિંગાપોર એરલાઈન્સ ની જાહેરાત જોરદાર છે આજે, છેક સાનફ્રાન્સિસ્કો સુધીની ટીકીટો લાખ રૂપિયાની અંદર છે , બીઝનેસ ક્લાસ પણ દોઢ પોણા બે લાખ દેખાડી રહી છે , સારી ડીલ છે પણ બીક એ લાગે છે કે મજા કરી ને આવ્યા પછી ૧૪ દિવસ જો ઘાલી દે તો ?
ડરના માર્યા સૌથી પેહલો ફટકો પાંચ સિતારા હોટેલોને પડી રહ્યો છે એકલી આગ્રાની પાંચ સિતારાઓ ની ૬૦૦ થી વધારે રૂમો એક જ દિવસમાં કેન્સલ થઇ રહી છે..
કોરોના ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ નો કાળ
બની ને ઉભરી રહ્યો છે, લુફ્થાન્સા એ એના ૭૫૦થી વધારે જહાજ ના કાફલામાંથી ૧૫૦થી વધારે જહાજ ગ્રાઉન્ડ કર્યા છે..!!
આ કોરોના નું કોગળિયું કોના કેટલા ભોગ લેશે એ સમજાતું નથી..!!
સો વાત ની એક વાત ચેતતો નર સદા સુખી અને જીવતો નર ભદ્રા પામે…!
હોળીનું મસ્ત વેકેશન છે ચાર દિવસ મળે છે પણ બળી
બીક લાગે છે..!!
ડરશો નહિ , પણ સાચવજો..!!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)